Pravina Avinash

Inspirational

4  

Pravina Avinash

Inspirational

મૃત્યુ તો ઉત્સવ છે

મૃત્યુ તો ઉત્સવ છે

5 mins
273


આજે સવિતા મૃત્યુશૈયા પર પોઢી હોય તેવું લાગતું હતું. સવારથી શ્વાસ ચડ્યો હતો. ૭૫ થવા આવ્યા હતા, શરીરમાં અશક્તિ જણાતી. કામકાજ હવે પહેલાંની જેમ થતું નહી. 

સુહાની આવી 'મમ્મી, આજે તમારે પથારીમાંથી ઊભાં નથી થવાનું'.

આ ઘરમાં સુહાની કહે એટલે બ્રહ્મ વાક્ય. દુનિયા ઉધરથી ઈધર થાય પણ તેનું કહેલું જો કોઈ ન માને તો તેનું આવી બને. સુહાની પરણીને આવી ત્યારે ૨૦ વર્ષની હતી. 

કૉલેજનો અભ્યાસ કરીને હજુ તો પરિક્ષા આપીને ઘરે આવી ન હતી ત્યાં,'સુહાની બેટા અમેરિકા રિટર્ન સાહિલને જોવા રવિવારે સવારે જવાનું છે.'

પપ્પા કહે એટલે સુહાનીને કરવું જ પડે ! પપ્પાની તે ખૂબ લાડકી હતી. ફાંકડો સાહિલ,તેની અદા, તેનું ભણતર અને મોહક વ્યક્તિત્વ. સુહાનીને ના પાડવા માટે કોઈ કારણ ન જડ્યું. 

છ મહિના ફરવા અને એકબીજાને જાણી શકવા માટે મળ્યા હતાં. ધામધૂમથી પરણીને સાહિલ લાવ્યો ત્યારે બધા તેના બે મોઢે વખાણ કરતા ધરાતા નહી. સવિતાબહેન માનતા વખત આવ્યે ખબર પડશે આ આજકાલની વહુ કેવી નિપજશે !

સાહિલ, તેમનો એકનો એક દીકરો ખૂબ વહાલો હતો. તેથી સ્વાભાવિક છે તેની પત્ની વહાલી હોય ! મોટી બહેન સોના, સુકેતુ સાથે લંડન ગઈ હતી. સાહિલ અમેરિકા હતો ત્યારે તેણે પિતાને ખોયા હતાં તેથી તેને પાછું 'મા'ને મૂકીને જવું ન હતું. 

સુહાની લગ્ન પછી સાસરીમાં ગોઠવાઈ તો થોડા સમયમાં, તેને મમ્મીનો વિશ્વાસ મેળવતા જરા સમય લાગ્યો. સવિતાબહેન પતિ ગુમાવ્યા પછી ખૂબ નિરાશાવાદી થઈ ગયા હતા. ઉમર તો હજુ પચાસની પણ નહતી. આમ અધરસ્તે સાથ છૂટી જશે તેવી કલ્પના ક્યાંથી હોય ? શાંતિભાઈ નોકરી પરથી ઘરે આવતાં સ્કૂટરની અડફેટ્માં આવ્યા અને સામેથી આવતી ટેક્સીએ ઉછાળ્યા. અકસ્માતના સ્થળ ઉપર તેમણે પ્રાણ ત્યજ્યા. સવિતા બહેન એકલા હતા. દીકરીને છ મહિના પહેલાં પરણાવી હતી. 

સાહિલ ભણતર પુરું કરીને સીધો પ્લેન પકડી ઉડીને મા પાસે આવી પહોંચ્યો. આવીને માને સંભાળી. પિતાના કાગળિયા બધા વ્યવસ્થિત હતાં તેથી તેમનું 'પ્રોવિડન્ટ ફંડ, જીવન વિમો, બચત બધું મેળવતાં બહુ તકલીફ ન પડી. શાંતિભાઈ ભણેલા હોવાથી બધે સવિતા બહેનની સહી હતી. સહુ પ્રથમ સાહિલે પિતાના પૈસાનો વહીવટ કરવામાં સમય ગુજાર્યો. 'મા'ને ધરપત આપતો, 'હું છું તને કોઈ તકલીફ નહી પડવા દંઉ !'

સવિતાબહેનને સાહિલ પર સંપૂર્ણ વિશ્વાસ હતો. મા અને દીકરો બંને સાથે શાંતિભાઈની ખોટ સહન કરવાની શક્તિ કેળવતાં. સોના તાજેતરમાં ગઈ હતી તેથી મળવા ન આવી શકી. ફોન ઉપર સદા ધીરજ બંધાવતી. 

વરસી વાળ્યા પછી સવિતાબહેને સાહિલને લગ્ન કરવા માટે સમજાવ્યો. સાહિલે ના પાડી, અંતે સવિતા બહેનના આગ્રહ પાસે સાહિલે નમતું જોખવું પડ્યું. સુહાની અને સાહિલ મળ્યા. જાણે ભગવાને બંનેને એકબીજા માટે સર્જ્યા ન હોય ? સોના અને સુકેતુ છ મહિના પછી આવી શકે તેમ હતા તેથી લગ્ન ત્યારે લેવાનું નક્કી કર્યું. 

સાહિલે પહેલેથી ચોખવટ કરી હતી.

 "મારી મા આપણી સાથે રહેશે. જો મંજૂર હોય તો વાત આગળ વધારીએ". 

સુહાનીને પોતાની મા ખૂબ વહાલી હતી. તેને એમાં જરા પણ વાંધો ન જણાયો. 

તેને અણસાર ન હતો કે પતિ ગુમાવેલી સ્ત્રીની મનોદશા કોઈ વાર વિચિત્ર હોઈ શકે. ખેર, જેવા પડશે તેવા દેવાશે !

શરૂ શરૂમાં તો બધું સીધું ચાલ્યું. સુહાની આંખ આડા કાન કરતી. સહન ન થાય તો બાથરૂમમાં જઈ રડી લેતી. સાહિલને કાંઈ પણ ન જણાવવાનો નિર્ધાર કર્યો હતો. તેને ખબર હતી, સાહિલ પોતાની 'મા' વિષે એક શબ્દ પણ નહી સાંભળે. તેને અમેરિકા મોકલવા માએ જે બલિદાન આપ્યું હતું તે કેવી રીતે વિસરાય ?

સુહાનીએ, મમ્મીને પ્રેમથી જીતવાનો પેંતરો કર્યો. મમ્મીને પૂછ્યા વગર પાણી પણ ન પીતી. આજકાલની વહુની જેમ,'મારે શું કામ સાસુને પૂછવાનું કે જણાવવાનું એવી ભાવના ન રાખતી. તેને થતું હું મારી મમ્મીને કહ્યા વગર કદી ઘર બહાર ગઈ નથી, કે કદી ખોટા બહાના યા જૂઠાણું આચર્યું નથી તો અહી શું કામ'?

આ ફિલોસોફી પર તે મેદાન મારી ગઈ. સવિતા બહેનનું દિલ જીતવામાં સફળતાને વરી. સાહિલ તાલ જોતો કદી 'સાસુ અને વહુની' વચ્ચે એક પણ અક્ષર બોલતો નહી. માને હંમેશા આદર અને પ્યારથી નવાજતો. સોના પણ ભાઈ અને ભાભીની નિખાલસતા પર વારી ગઈ. 

એકવાર સાસરીમાં વિશ્વાસ સંપન્ન કરી લો પછી તમે જો જો પિયર જવાનું નામ છોકરી નહી લે ! સુહાની ધાર્યું પોતાનું કરતી થઈ ગઈ. 

સવિતાબહેન તેને પૂછીને નિર્ણય લેવા લાગ્યા. આજુબાજુવાળા કે સગાવહાલાં ચડાવે તો તેમની બોલતી બંધ કરી શકવાની ક્ષમતા ધરાવતા થઈ ગયા. 

'આજે મારી સુહાનીનો ખોળો ભરવાનો છે.'

હરખભેર બધાને આમંત્રણ આપ્યા. સુહાનીના મમ્મી, પપ્પા અને ભાઈ ભાભી ખુશખુશાલ હતા, દીકરીએ પિયરનું નામ ઉજાળ્યું. માતા અને પિતા હરખાયા. સુહાનીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો. એક દીકરો અને એક દીકરી. બાળકો મા અને દાદીની દેખરેખ નીચે સુંદર સંસ્કાર પામી ઉછરી રહ્યા હતાં. 

નોકરીમાંથી સાહિલને ભાગીદારી મેળવવાની તક સાંપડી. સુહાની બાળકોમાં વ્યસ્ત રહેતી. સવિતાબહેનનો સંપૂર્ણ સાથ અને સહકાર મળ્યો. હંમેશા ઈશ્વરનો આભાર માનતી. 'હે, પ્રભુ મારી મતિ ફેરવીશ નહી. સ્વાર્થ ને સો જોજન મારાથી દૂર રાખજે'.

સવિતા બહેનને ૬૦ થયા ત્યારે બધા સાથે શ્રીનાથજી દર્શન કરી આવ્યા. જો તેમની તબિયત જરા પણ નરમ લાગે તો સુહાની આગ્રહ પૂર્વક 'મમ્મી, તમે થાક્યા છો આરામ કરો.'એમ કહી જબરદસ્તીથી આરામ કરવા મોકલી આપતી.

સોના પણ લંડનમાં બે બાળકોની માતા બની. જ્યારે ભારત આવે ત્યારે ભાઈ અને ભાભીનો અનહદ પ્રેમ પામે. ફોઈબા લાવે તેનાથી બમણું સાથે લઈને જાય. આવી ભાભી કોને વહાલી ન લાગે ?

બંને બાળકો મોટા થતા ગયા. દાદીમા વાર્તાઓ કહેતાં અને ગીતાનો અભ્યાસ કરાવતા. સવિતાબહેનની કોઈ મનોકામના અધૂરી ન રહી. સાહિલ હમેશા સુહાનીને જશ આપતો.

'સુહાની તેં આવીને મારી સંસારની વાડી મઘમઘતી કરી. શરૂઆતમાં હું ખૂબ ડરતો. તું મને અત્યંત વહાલી છે. તને નારાજ નહોતી કરવી. મારી મા માટે તો હું પ્રાણ પાથરું તો પણ ઓછા છે. સુહાની તેં મને ખરેખર જીત્યો. '

સુહાની બંધ આંખે સાંભળી રહી અને રોમરોમ આનંદની અનુભૂતિ કરી રહી.

સવિતાબહેન આજે નરમ જણાતા હતાં. "મમ્મી તમે આરામ કરો". ૭૫ વર્ષની ઉમરે હવે તમને થાક ન લાગવો જોઈએ. તમે છો તો મારા જીવને કેટલી શાંતિ છે. બાળકો તમારી નિગરાની નીચે કેવા સુંદર સંસ્કાર મેળવી રહ્યા છે. મમ્મી તમે મને ઘડીને કેવી સરસ તૈયાર કરી, તમાર જીવનના અનુભવો દ્વારા અમને કેટલી બધી ભૂલોમાંથી ઉગાર્યા.

બસ કર બેટા,'આવી લીલીછમ વાડી હોય. પ્રેશા અને રોહન જેવા ગુલાબ ખિલ્યા હોય ત્યારે મને શેની ચિંતા હોય ? સવિતાબહેન આજે દિલ ખોલીને સુહાનીને અંતરના ભાવ વર્ણવી રહ્યા હતાં. તેમને ઊંડે ઊંડે હતું કદાચ હું સવારે સૂરજના દર્શન નહી કરી શકું.'

સુહાની મમ્મીની ઈચ્છા જાણતી હતી. ડ્રાઇવર અને રસોઈયણ બાઈના છોકરાઓની ભણવાની જવાબદારી મમ્મીની સામે જાહેર કરવાની હતી. મમ્મીને ગંધ આવી ગઈ હતી. 'સુહાની તારા વિચારોને વાંચી શકું છું. બેટા જે ઈચ્છા છે તે પૂરી કરજો'. મમ્મી બોલતા બોલતા થાકી જતી હતી હતી. આંખ મીંચીને શાંતિ પામી, મુખ પર સંતોષની રેખા ફરી વળી.

મમ્મી, તમે પ્લિઝ બોલો નહી તમને શ્રમ પડે છે. બસ સાહિલ આવતો જ હશે ! 

સવિતા બહેનના મુખ પર સ્મિત વિલસી રહ્યું હતું. આંખો સંતોષ અને પ્રેમથી પરિપૂર્ણ હતી. સાહિલ માને વળગ્યો અને બસ..

આવા મૃત્યુનો તો મહિમા હોય તેની પાછળ શોક યા રૂદન ન શોભે !  


Rate this content
Log in

Similar gujarati story from Inspirational