Mariyam Dhupli

Drama Inspirational Thriller

4  

Mariyam Dhupli

Drama Inspirational Thriller

સામ્રાજ્ય

સામ્રાજ્ય

7 mins
14.7K


" કાયા બોલ મારે શું કરવાનું છે?"

" વરુણ , હું બેઠકખંડની સફાઈ આરંભું છું. તમે એક કામ કરો. આ બધાજ પડદા નીકાળી વોશિંગમશીનમાં મૂકી દો. બાઈને આજે જલ્દી આવવા કહ્યું છે, એ પણ આવતી જ હશે."

" જો હુકમ મેરે આકા !"

પ્રફુલ્લિત ચ્હેરા જોડે વરુણે પોતાના ભાગમાં આવેલું કાર્ય હર્ષ સહિત આદર્યું.

" મારે શું કરવાનું છે? મારે હિસ્સે શું આવ્યું છે મારા બાળકો?" હાસ્યના લ્હેકા જોડે આનંદમગ્ન ગિરધારીભાઈએ પોતાના ઘરમાં પ્રવેશ કર્યો.

" ચિંતા ન કરો પપ્પા, કાયાએ તમારા માટે પણ કાર્યોની યાદી બનાવી મૂકી છે." વરુણે પોતાના પિતાજી તરફ વિનોદમાં આંખ પલકારી.

" અરે પપ્પા સારું થયું તમે સમયસર આવી ગયા. આ મીઠાઈ માટેની બધીજ કાચી સામગ્રીની માપસર યાદી છે. કરિયાણાની દુકાનથી એ ઘરે પહોંચાડવાની જવાબદારી આપની." ઉત્સાહ સભર કાયાએ અગાઉથી તૈયાર કરી રાખેલી યાદી પિતાજીને સોંપી.

" ચોક્કસ બેટા, આ રીટાયર શરીરને આમજ થોડી ઓઈલિંગ થતી રહે તો એના પૂર્જાઓ સક્રિયપણે કાર્યરત રહેવાના." પિતાજીના ખડખડાટ હાસ્યથી આખું બેઠકખંડ જાણે જીવંત થઇ ઉઠ્યું. કાયા અને વરુણના ચ્હેરાઓ પણ પિતાજીના વ્યંગ જોડે હાસ્યસભર ખીલી ઉઠ્યા.

" અરે પણ ઘરની બોસ ક્યાં છે? એના હિસ્સે પણ કોઈ કાર્ય આવ્યું કે ફક્ત આરામ?" પિતાજીના આ વ્યંગ થી વરુણ અને કાયાના ચ્હેરા ઉપરનું હાસ્ય શીઘ્ર અદ્રશ્ય થઇ ગયું. બન્નેના ચ્હેરા ઉપરના ગંભીર હાવભાવોનો થોડી ક્ષણો પહેલાના આનંદ અને ઉલ્લાસ જોડેનો સંપર્ક ત્વરાથી તૂટી ગયો. દીકરા અને વહુની આંખોમાં વ્યાપેલી ઉદાસીનાં મૂળ કળી જતા એમણે પોતાના શયનખંડ તરફ ડગલાં ભર્યા.

" યુ કેરી ઓન માઇ કિડ્સ, હું આવું છું. "

શયનખંડમાં પ્રવેશી ગિરધારીભાઈએ દરવાજો ધીરે રહી અંદરથી વાંસી દીધો. ઓરડાના મધ્યમાં ગોઠવાયેલા વિશાળ પલંગ ઉપર રિસાઈને બેઠેલી પોતાની પત્ની તરફ એમની પરિપક્વ નજર એક ક્ષણ માટે ગંભીરતાથી ડોકાઈ. બીજીજ ક્ષણે પોતાનું ગળું ખંખેરી શયનખંડના વાતાવરણને હળવું કરવાના પ્રયાસ સ્વરૂપે એ પોતાની પત્ની નજીક પ્રેમપૂર્વક આવી ગોઠવાયા.

" શું શોભા? આમ તહેવારના દિવસોમાં મોઢું ચઢાવી બેસાતુ હોય? કેટલા બધા કામ પડ્યા છે ને તું આમ ..."

" હવે આ ઘરને મારી શી જરૂર? મારું સામ્રાજ્ય તો હવે સમાપ્ત. એક નવી રાણી આવી તો ગઈ છે આ ઘરમાં."

વહુ ઉપર થયેલા શબ્દોના આક્રમણને ગિરધારીભાઈ અત્યંત ધીરજ જોડે પચાવી ગયા. પરિસ્થતિને પરિપક્વપણે સંભાળવા ચ્હેરા ઉપરના હાસ્યને યથાવત રાખતા એમણે વાતની દોર ફરી થામી.

" શોભા આ કેવી વાત થઇ? આપણા બાળકો ..." ગિરધારીભાઈ પોતાનું વાક્ય પૂર્ણ કરે એ પહેલાજ પત્નીએ ફરિયાદોની યાદી આરંભી.

" તમને ખબર છે આજે વરુણે કામ ઉપરથી લિવ લીધી! અને કારણ? દિવાળીની તૈયારીઓ માટે. આજ સુધી આ ઘરમાં કેટલીયે દિવાળીઓ ઉજવાય છે. પણ કદી કોઈ પુરુષે લિવ લીધી?" ગુસ્સામાં લાલ વિફરેલી આંખો પતિ પાસે તર્કયુક્ત ઉત્તરની અપેક્ષા સેવી રહી.

" પણ લિવ તો કાયાએ પણ લીધી છે......" વહુના બચાવમાં ઉચ્ચારાયેલ શબ્દો અધુરાજ રહ્યા અને સામેથી બમણા આવેશમાં પલટવાર થયો.

" તો શું હું પણ દિવાળી વખતે શાળામાંથી લિવ ન લેતી હતી? કદી આપને ઓફિસમાંથી લિવ લેવાની ફરજ પાડી હતી? ઘરનું કામ, શાળાની નોકરી, તહેવારની તૈયારીઓ, રસોઈ, સાફસફાઈ અને ઉપરથી વરુણની દેખરેખ અને સંભાળ ...બધુજ તો કર્યુ. એકલા બે હાથ વડે. " નજરની અગ્નિ વધુ વિફરી હતી. એનો ઉષ્ણ સ્પર્શ પડખે ગોઠવાયેલા ગિરધારીભાઈ અત્યંત નજીકથી અનુભવી રહ્યા.

" હું જાણું છું શોભા પણ એ માટે જવાબદાર કોણ? આપણે કે બાળકો? તું મારા એક પ્રશ્નનો ઉત્તર આપ. તેં કદી મારી મદદ માંગી? તેં એકવાર પણ કહ્યું કે તું થાકી જાય છે. તહેવાર વખતે કે કોઈ પણ સમયે જયારે પણ લિવની પરિસ્થિતિ આવતી ત્યારે જાતે તું પોતાના ખભે એ જવાબદારી ઉપાડી લેતી. મને એકવાર પણ કહ્યું કે તમે પણ લિવ લઇ લો. મને તમારી જરૂર છે."

પત્નીના ચ્હેરા ઉપર ફરી વળેલા અકળામણના ભાવો ગિરધારીભાઈ સ્પષ્ટ નિહાળી રહ્યા. " પણ મારાથી એમ કઈ રીતે કહેવાય? ઘરની જવાબદારી તો મારે જ પડખે હતી ને?"

ગિરધારીભાઈ મંદ હાસ્ય જોડે ડોકું ધુણાવી રહ્યા. " અહીં જ તો આપણે ભૂલ કરી બેઠા શોભા. જે ભૂલ કાયા અને વરુણ નથી કરી રહ્યા. "

" ભૂલ?" ગિરધારીભાઈ ઉપર આવી તકાયેલી એમની પત્નીની આંખો જાણે કોઈ ઉખાણો વાંચી રહી.

એ ઉખાણો ઉકેલતા ગિરધારીભાઈએ પત્નીનો

હાથ સ્નેહસભર થામી લીધો. "જો ઘર સંભાળવાની જવાબદારી પત્નીની હોય અને પગાર લાવવાની જવાબદારી પતિની એમ ધારી લઈએ તો મારી જવાબદારી વહેંચવા, ઘરના આર્થિક કારભારમાં પોતાનો ફાળો નોંધાવવા તેં શિક્ષિકાની નોકરી સ્વીકારી. હવે ઘરની ફરજો જોડે નોકરીની ફરજોનો ભાર પણ તારા ખભે વધ્યો. ઉપરથી વરુણનો ઉછેર પણ. આ બધામાં ઓફિસના કાર્યો સિવાય મારા ભાગે કઈ ફરજ આવી? વાંક આપણા બન્નેનો છે. તેં કદી કાયાની જેમ પોતાના પતિ તરફ ન્યાયયુક્ત જ્વાબદારીની વહેંચણીની અપેક્ષા સેવીજ નહીં, ના એ અંગે માંગણી કરી અને તારા કહ્યા વિના હું પણ તો બધું મૌન નિહાળતો રહ્યો. કદી મનમાં ન આવ્યું કે લાવ હું પણ એક લિવ લઇ શોભાની પડખે રહું. એને મારી જરૂર છે. કદાચ એટલે જ કે બાળપણથી આપણને એ શીખવી દેવામાં આવ્યું હતું કે એક સ્ત્રી આ કાર્યો કરે અને એક પુરુષ આ કાર્યો. પરંતુ આ યાદીતો વર્ષો જૂની હતી શોભા. જે સમય પ્રમાણે, પરિસ્થિતિ અનુરૂપ, નવા સમયની માંગને કેન્દ્રમાં રાખી ફરજીયાત બદલાવવી જ જોઈએ. એક સ્ત્રી જે પરિવારની ખુશીઓ માટે બહારના જગતમાં જઈ પરસેવો પાડી રહી છે એને મદદ કરવા ઘરના કેટલાક કાર્યોની જવાબદારી ઉઠાવી પુરુષ પણ થોડો પરસેવો સહ આદર ન વહાવી શકે? "

પત્નીની આંખોમાં છવાયેલું મૌન અંદર ચાલી રહેલા મનોમંથનનું પ્રતિબિંબ બની રહ્યું. ધીરે રહી એ શબ્દોમાં સરકી જ પડ્યું. " પણ લોકો શું ....."

પ્રશ્ન પૂર્ણ થાય એ પહેલાજ ગિરધારીભાઈ હાથમાંની યાદી જોડે ઓરડાના દરવાજા તરફ મુખ કરી ઉભા રહી ગયા. " શોભા આપણું ધ્યેય લોકોની બિનજરૂરી સહમતી નહીં પરંતુ આપણા બાળકોની ખુશી હોવું જોઈએ. એ બન્ને એકબીજા જોડે ખુશ હોય, આપણી આંખો આગળ સંતોષથી હસતા- રમતા રહે એનાથી વધુ હવે આ ઉંમરે મને તો કશું નથી જોઈતું. હું એમને મારી પેઢી કે મારા સમય તરફ ખેંચતો રહું એની જગ્યાએ એમની પેઢી કે એમના સમયમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરીશ તોજ એમની મિત્રતા મેળવી શકીશ. "

મનના ખૂણામાંથી ઉઠેલી પત્નીની ફરિયાદ છણકા સ્વરૂપે બહાર ડોકાઈ. "તો શું આપણે એક આદર્શ પતિ પત્ની બનવામાં નિષ્ફ્ળ નીવડ્યા એમ કહેવા માંગો છો? "

" સાંભળવામાં કડવું લાગશે શોભા. પણ હા. આપણે પતિ- પત્નીના સંબંધની વ્યાખ્યા ફક્ત ઘર ચલાવવા પૂરતી મર્યાદિત રાખી. જયારે સાચું લગ્ન જીવન તો કાયા અને વરુણ માણી રહ્યા છે. ફક્ત ઘરનેજ નહીં તેઓ એકબીજાને પણ સંભાળી રહ્યા છે. એકબીજાને સંભાળે એજ તો સાચો સંબંધ. પણ મને ગર્વ છે કે આપણી ભૂલ આપણા બાળકો પુનરાવર્તિત નથી કરી રહ્યા. એકબીજાથી બે ભિન્ન છેડે રહી નહીં પરંતુ એકબીજાની પડખે રહી એ ઘરને સંભાળી રહ્યા છે. કારણકે ઘર પણ બન્નેનુ જ છે. "

"એટલે તમે પણ હવે કાયાના સામ્રાજ્યનો હિસ્સો બની ગયા એમજ ને?" પત્નીનો ગળગળો અવાજ ક્રોધમાં અન્ય દિશામાં ફેરવી દીધેલા મુખમાંથી પડઘો પાડી રહ્યો.

હાર માનીને હથિયાર નાખી દીધેલ યોદ્ધા જેવા ગિરધારીભાઈ શયનખંડનાં દરવાજા તરફ નિરાશ પગલે આગળ વધ્યા. " શોભા, વહુના આવવાથી સાસુનું સામ્રાજ્ય કદી સમાપ્ત થતું નથી. હા , એ સામ્રાજ્યમાં થોડા સમારકામો જરૂર થાય છે. જે ઘરમાં એ સમારકામો સામે બિનજરૂરી, તર્કવિહીન બળવો કે ક્રાંતિ થાય છે, એ ઘરના સુખ-શાંતિ મૂળમાંથી ઉખડી જાય છે. પણ જે ઘરમાં એ સમારકામોનો વડીલો તરફથી ખુલ્લા, પ્રેમપૂર્ણ, વિશાળ હૃદયે સ્વીકાર થાય છે ત્યાં આજીવન સુખ-શાંતિ આશીર્વાદ સમા સતત વરસતા રહે છે. આપણા ઘરમાં આપણને શું જોઈએ છે એ આપણે જાતેજ નક્કી કરવું રહ્યું ......"

શયનખંડનું બારણું ધીમેથી ઉઘાડી ગિરધારીભાઈ બેઠકખંડમાં પ્રવેશ્યા. શયનખંડની ચાર દીવાલો વચ્ચે થયેલા વાર્તાલાપથી અજાણ, કાર્યમાં વ્યસ્ત કાયા અને વરુણની આંખો પિતાજીની નજરમાં પરિસ્થતીની ગંભીરતા માપી રહી. અંતરની ઉદાસીનતા ચ્હેરા ઉપર પકડાઈ ન જાય એ રીતે પોતાના હાવભાવોને ખંખેરતા ગિરધારીભાઈ બાળકો તરફ સ્નેહભર્યું હાસ્ય રેલાવી રહ્યા.

" હું આ ઉપડ્યો 'મિશન કરિયાણા ' ઉપર. આવતી વખતે બધાને માટે ચોકલેટ આઈસ્ક્રીમ લેતો આવીશ કે જેથી કામ કરવાનો જોમ જરા બમણો થાય."

પાછળથી શયનખંડનો દરવાજો ખુલ્યો. બધીજ નજર ધીરગંભીર બની રહી. રીસાયેલો ચ્હેરો દરેક નજરને ઝીણવટથી તાકી રહ્યો. બેઠકખંડનો ઉત્સાહ અને જોમ સંપૂર્ણ પણે ઓગળી જાય એ પહેલાજ મક્કમ ડગલાં રસોડાની દિશામાં આગળ વધ્યા. "તમને ચોકલેટ ગમે તો તમારા માટે લાવજો. મારા માટે મેંગો ફ્લેવર. વરુણને આલમન્ડ અને કાયાને બટરસ્કોચ ગમે છે. જલ્દીથી સામગ્રી લઇ આવજો. મીઠાઈઓ બનાવવાની જવાબદારી મારી. એમાં મને વધુ ફાવટ આવશે. "

પરિવારની દરેક નજરમાં ખુશી અને પ્રેમના ઝળહળીયા આવી ગયા.

આ નવા વર્ષે ફક્ત આ ઘરની દીવાલો અને વસ્તુઓ ઉપરનીજ ધૂળ નહીં, હય્યાઓ ઉપરની ગેરસમજની ધૂળ પણ ખંખેરાય ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Drama