સાચું શું?
સાચું શું?
" બાપુ, આ તે કોઈ જિંદગી સે. આખો દી પથરા ટોસવાનાં, ખેતરે ઢેફા ભાંગવાના, રોટલો ને ડાળ ખાવાના, ચ્યાય જવાનું નઈ ને ઉપરથી આ માદરપાટનાં ગાભા પેરવાના. આખો દી ખૂંટિયા હાર્યે બથોડા લેવાના. મું કંટાળી ગ્યો સું. મું કાલે શેરમાં જાવ સું. રઘલાની વાતોને કેશલો ખડ વાઢતાં-વાઢતાં સાંભળી રહ્યો હતો. તેણે રઘલાની વાતનો કોઈ જ જવાબ આપ્યો જ નહીં.
બીજે દિવસે રઘલો શહેર જવા નીકળી ગયો.
પાંચેક વર્ષ પછી કેટલીયે ના પાડવા છતાં કેશલો રઘલા પાસે જવા શહેરમાં ગયો. અચાનક કેશલાને જોઈ રઘલો હેબતાઈ ગયો. રઘલો કેશલાને પોતાની ખોલીએ લઈ ગયો. બીજે દિવસે રઘલાના હાથમાં થોડાં રૂપિયા આપતાં કેશલો બોલ્યો,"બેટા , આખો દી કોઈકના ગોલાપા કરવા કરતા પથરા ભાંગવા સું ખોટાં, આ કાળા ધૂમાડા ખાવા કરતાં રોટલો ને ડાળ સાત દરજે સારાં, આખો દી ધોડવાનું પણ પોસવાનું ચ્યાય નઈ, આ ચામડી ચચરી જાય એવાં ગાભા પેરવાના ,આખો દી મશીન હાર્યે બથોડા લેવાના.બેટા, આ તે કોઈ જિંદગી સે....રઘલો કેશલાને બાથ ભરી રોઈ પડયો.