સાચો પ્રેમ
સાચો પ્રેમ
સૌની નજર રાજીવ ઉપર હતી. ચાર ઓપરેશનો તથા ત્રણ મહિનાના અંતે આજે રાજીવની આંખો પરથી પાટો છોડવામાં આવી રહ્યો હતો. સૌ કોઈ એ જાણવા આતુર હતા કે શું રાજીવ હવે ફરીથી જોઈ શકશે ? ધીમેધીમે આંખો પરથી પટ્ટી ઉતરી.
"ડોક્ટર સા..હે..બ.હું જોઈ શકુ છું ! "
રાજીવ ખુશીથી નાચી ઉઠ્યો ! ઉપસ્થિત સૌની આંખોમાં પણ હર્ષના આંસુ આવી ગયા.આખરે, ડોક્ટરોની મહેનત સફળ રહી અને રાજીવને તો જાણે કે તેની અંધકારરૂપી દુનિયામાંથી ફરીથી પ્રકાશની દુનિયા મળી ગઈ.
"થેન્ક યુ ડોક્ટર."
"થેન્ક્યુ તો તમારે તેને કહેવું જોઈએ જેણે પોતાની દુનિયામાં અંધારું કરી તમારી દુનિયામાં રોશની કરી છે."
રાજીવ સાંભળીને આશ્ચર્યચકિત થઇ ગયો ! જયારથી એ એક્સિડન્ટ થયો હતો ત્યારથી તેના પોતાના પણ જાણે કે પારકાં થઇ ગયા હતા. તેના અંધ થઇ જવાથી રાજીવ જેને જીવથી પણ વઘારે પ્રેમ કરતો હતો, એવી રિયા પણ સગાઈ તોડીને જતી રહી હતી ! જયાં મારા પોતાનાએ મારો સાથ છોડ્યો ત્યાં વળી, અજાણી વ્યક્તિએ પોતાની આંખો આપી એ વાત રાજીવના વિશ્વાસમાં આવે એમ નહતી !
રાજીવે તરત જ એના જીવનમાં દેવદૂત બનીને આવેલી એ યુવતી વિશે પૂછ્યું,
"હું એ દેવીને જોવા માંગુ છું. મને પ્લીઝ એ યુવતી પાસે લઇ જાઓ.
ડોક્ટરે કહ્યું કે, સોરી.તે યુવતી ગઇ કાલે જ પોતાના જીવનમાં અંધકાર ભરી અહીંથી રવાના થઇ. તેણે પોતાની કોઇ પણ માહિતી આપવાની ના પાડી છે. રાજીવ ખૂબ જ વિચારમાં પડી ગયો. એવું કોણ હોય શકે જેણે પોતાનું આંખોરૂપી રત્ન મને અર્પણ કર્યુ ? રાજીવે ખૂબ વિનંતી કરી પરંતુ ડોક્ટરે તે યુવતી વિશે કોઇ માહિતી ના આપી. રાજીવ રોજ ઇશ્ચરનો તથા એ યુવતીનો મનોમન આભાર માનતો.
આ વાતને એક વર્ષ વીતી ગયું.એક દિવસ રસ્તામાં કોઈનો અકસ્માત થયો હોય એવું રસ્તા પરના ટોળાં પરથી લાગતા રાજીવ તરત જ તે તરફ દોડયો. એક અંધ યુવતીને કોઈ ગાડી ટક્કર મારીને જતી રહી હતી. રાજીવે તે યુવતીને ઊભી કરી.
"અરે ! આ તો બંસરી.બંસરી આમ અંધ કેવી રીતે થઈ ?" રાજીવે તરત જ એને હોસ્પિટલ પહોંચાડી.
ડોક્ટરે બંસરીની સારવાર શરૂ કરી અને રાજીવની નજીક આવી કહ્યું,
"આ એ જ દેવી છે જેમણે તમને આંખો આપી હતી.ઇશ્ચરે આખરે તમારી મુલાકાત કરાવી જ દીધી."
બંસરી થોડીવારે ભાનમાં આવી.તેણે પોતાને હોસ્પિટલ પહોંચાડનારનો આભાર માન્યો.
"આભાર તો મારે તારો માનવો જોઇએ બંસરી."
"રાજીવ તું."
"બંસરી તે તારી જીંદગી મારા માટે ખરાબ કેમ કરી ?
"રાજીવ તારા વગર મારી જિંદગી જ ક્યાં હતી. મેં તારી આગળ મારા પ્રેમનો ઇઝહાર કર્યો તો તે કોલેજમાં મારા પ્રેમનો મજાક બનાવી દીધો.હું તારી યાદોથી જ જીવતી હતી.મને તારા અકસ્માતની ખબર પડી એટલે મેં ડોકટર સાથે તને મારી આંખો આપવાની ગોઠવણ કરી દીધી.મારા માટે તારી ખૂશી અને તારું જીવન મહત્વના છે."
બંસરી મને માફ કરજે.હું તારા સાચા પ્રેમને આેળખી ના શક્યો કહેતો રાજીવ બંસરીને ભેટી પડ્યો.

