સાચી મિત્રતા
સાચી મિત્રતા


નીતા અને નીતિ. જાણે કે શરીર બે અને મન એક ! હંમેશા બંને સાથે રહેતા. મિત્રતા કોને કહેવાય એ તો બંને જ જાણે. એકમેકના મનની વાતો કહ્યા વિના સમજે ! એકબીજાને વાત કહેવા શબ્દોની જરૂર જ નહિ ! કાઇપણ હોય તક્લીફ તો તરત જ એક બીજાને મદદ કરવા પહોંચી જાય !
મિત્રતા એ ભલે લોહીનો સંબંધ ન હોય પણ એ લાગણીની સગાઈ છે. આટલું વળગણ કદાચ બીજા કોઈ સંબંધમાં ન હોઈ શકે.
નાનપણથી સાથે ભણતા નીતા અને નીતિ ને કૉલેજ કરવા અલગ અલગ સ્થળે જવાનું નક્કી થયું. કારણકે બંને એ અલગ અભ્યાસક્રમ લીધા હતા. બંને નાના શહેરમાંથી આવતા હતા. નીતાને અમદાવાદ જવાનું થયું અને નીતિને વડોદરા. કૉલેજ જવાની પહેલા બંને મળ્યા એને ખૂબ વાતો કરી. અને જન્માષ્ટમીની રજામાં મળવાનું નક્કી કર્યું. એક નવી આશા સાથે બંને અલગ અલગ શહેરોમાં જવા રવાના થયા.
બસ જેમ તેમ કરીને બંને એકબીજા વગર સમય કાઢી રહ્યા હતા. બસ બંને ને ઇન્તજાર હતો તો જન્માષ્ટમી ની રજાઓનો. મનમાં કંઇક કેટલી વાતો ભરી હતી. બંને એ વિચાર્યું હતું કે જેટલા દિવસ રજા છે બંને સાથે જ રહેશે.
જન્માષ્ટમી ની રજા પડી. એક નવા ઉમંગ અને ઉમળકા સાથે બંને પોતપોતાના ઘરે જવા રવાના થયા. નીતા ઘરે આવી પહોંચી. બસ એ નીતિના આવવાની રાહ જોતી હતી.
નીતા અનેં નીતિની સોસાયટી વચ્ચે એક નાનકડું મંદિર હતું. મંદિરની પાછળ નો ભાગ ખૂબ અવાવરૂ હતો. ત્યાં પીપળો અને વડલો હતો. મોટેભાગે ત્યાં કોઈની અવર જવર ના હોવાથી બધા બીતા ત્યાં જવા માટે. નીતા અને નીતિ બંને મંદિર પાસેના ઓટલા પર બેસતા અને વાતો કરતા.
નીતા ગઈ અને થોડી વારે નીતિ આવી. પણ નીતિ ઓટલા પર ન બેઠી અને વડલા પાસે ઊભી રહી ગઈ. નીતા એ એને બોલાવી પણ નીતિ ન આવી. છેવટે નીતા જ ગઈ એની પાસે. બંને એ ખૂબ વાતો કરી. એટલા બધા મશગુલ થઇ ગયા કે સમયનું ભાન જ ન રહ્યું !
કોઈકે નીતાને બૂમ પાડી. નીતાની પાડોશીની છોકરી હતી.
" દીદી, જલ્દી ચલો તમને માસી બોલાવે છે."
નીતાને થયું આ મમ્મી પણ. શું કામ હશે મારું? નીતા હજુ પાછળ ફરીને નીતિ ને કઈક કહે એ પહેલા તો નીતિ જતી રહી હતી ! નીતા ને થયું કેમ આજ નીતિ કઈ કહ્યાં વિના જ જતી રહી? હશે, કાલે વાત કરી લઈશું. એમ વિચારી નીતા ઘરે ગઈ.
ઘરે પહોંચી તો મમ્મી ખૂબ જ વ્યાકુળ હતા. શું થયું મમ્મી? કંઈ પ્રોબ્લેમ છે !?
નીતા ની મમ્મી માંડ માંડ બોલ્યા," નીતિ".
નીતા બોલી," હા, મમ્મી હું એને જ મળવા ગઈ હતી."
નીતા ની મમ્મી તાડુકી ઉઠ્યા," નીતિની બસનું એક્સીડન્ટ થયું છે. બધા જ પ્રવાસી મૃત્યુ પામ્યા છે અને નીતિ પણ !"
નીતા ને થયું કે તો હું જેને મળી એ કોણ હતું?
નીતા આ સાંભળી જમીન પર ઢળી પડી. નીતા ના મમ્મી એ એને પાણી છાંટી ઊભી કરી. અને નીતિના ઘરે ગયા બંને.
નીતા ને નીતિ ને જોઇને વિશ્વાસ નહોતો આવતો. જમીન પર નીતિનું શરીર હતું ને ખૂણા માં નીતિની આત્મા મારી સામે જોઇને હસી રહી હતી !
નીતિ એ જતા જતા પણ પોતાની દોસ્તી નિભાવી !