રૂપિયા બે લાખ
રૂપિયા બે લાખ
"મગનલાલ ધનસુખરામ બારોટ"
અંદરથી કોઈએ જોરથી બુમ પાડી એટલે કરચલી પડી ગયેલી ચામડી વાળો, દાંડી તૂટી ગયેલી હોય અને કાચ ઘસાય ગયેલા હોય એવા ચશ્માં વાળો, મેલાઘેલા કપડા પહેરેલો અને અડધા દાંત તૂટી ગયેલો એક પંચોતેરથી એંશી વર્ષનો ડોશો મેદાનમાં ઝાડ નીચે બેઠો હતો ત્યાંથી ઉભો થઇ અંદર ગયો. ત્યાં જ કોઈએ કહ્યું,
"કાકા, અહી બેસી જાવ બાંકડે, સાહેબ હજુ આવ્યા નથી, થોડી વાર લાગશે, ત્યાં લગ બેસો."
મગનકાકા ત્યાં બેસી ગયા, બાજુમાં બેઠેલા એક બેને પૂછ્યું,
"કાકા તમારે કેટલા ?"
"ત્રણ"
"ઓ બાપ રે, મારે એક જ છે."
આમ બોલતા બોલતા એ બેન રડી પડ્યા અને મગનકાકા આમ જ ત્યાં બેસી રહ્યાં. આસ પાસ વાળાઓએ એમને સાંત્વના આપીને શાંત પાડ્યા ત્યાં જ મોટા સાહેબ આવ્યા અને સીધા ઓફિસમાં ઘુસી ગયા. છેક અડધો કલાકે એક પછી એક નામ બોલતા ગયા એમ સહુ અંદર જતા ગયા. પછી નામ બોલાયું,
"મગનલાલ ધનસુખરામ બારોટ"
મગનકાકા અંદર ગયા અને મોટા સાહેબે ટેબલની બાજુના ડસ્ટબીનમાં પાનની પિચકારી મારતા મગનકાકા પાસે હાથ લંબાવ્યો, મગનકાકાએ દસ હજાર રૂપિયા રોકડા આપ્યા અને સામેથી સાહેબે બે લાખ રૂપિયાનો ચેક મગનકાકાના હાથમાં આપ્યો.
એ હાથમાં લઈને જયારે મગનકાકા બહાર આવ્યા ત્યારે, એમની આંખમાંથી એમની ત્રણ પેઢીનો વંશ આંસુ સ્વરૂપે ઉભરાય આવી, દીકરો કિશન, પૌત્ર રઘુરામ અને સૌથી નાનો છ માસનો રાજ. આખો પરિવાર વરસાદને કારણે આવેલી રેલમાં તણાય ગયો અને બચ્યા ખાલી મગનકાકા જે ક્રમમુજબ સૌથી પહેલા જવા જોઈતા હતા.