“રોકેટલોન્જર”
“રોકેટલોન્જર”


કર્નલ દેસાઇ ગન પર પહેરાવાયેલી હેલ્મેટ સામે જોઇ રહ્યા હતા.
આજે પણ એ ઘટના નજર સમક્ષ એટલી જ તાજી બની હોય એમ તાદ્રશ્ય થાય છે.
એ સેક્ટરમાં ચાલતી અંધાધૂંધ ગોળીબારીમાં પોતે પોઝીશન લઇને વળતો જવાબ આપવામાં મગ્ન હતા ત્યાં સામેથી રાૅકેટલોન્જર આવ્યું.
પણ પાછળ ઉભેલા સેકન્ડ લેફ્ટનન્ટ વીરબહાદુરે બુમ પાડીને કહ્યું,
“સર,બૈઠ જાઓ.”
અને પોતાને માથા પર હાથ મુકીને નીચે નમાવી દીધા અને વીરબહાદુરનું માથું લઇને રોકેટલાૅન્જર પસાર થઇ ગયું.
તિરંગામાં વિંટળાઇને સેકન્ડ લેફ્ટનન્ટ વીરબહાદુરનો પાર્થિવ દેહ જ્યારે સંપૂર્ણ રાષ્ટ્રિય સન્માન સાથે એના પરિવારને સોંપવામાં આવ્યો ત્યારે કર્નલ દેસાઇને હજી પંદર દિવસ પહેલાં બાપ બન્યાની બેહિસાબ ખુશી સાથે મિઠાઈ વહેંચતો વીરબહાદુર નજરે તરવર્યો. અને દુશ્મનનો ખાતમો કરવાના શપથ એ શહીદને કર્નલે અર્પણ કર્યા.
શહીદદિને કર્નલ દેસાઈએ શહીદ સ્મારક પર કોતરાયેલા પોતાને જિંદગી બક્ષીને શહાદત વહોરી લેનાર વીરને બે આંસુમાં શ્રધ્ધાંજલિ અર્પી.