Nilang Rindani

Thriller Others

4  

Nilang Rindani

Thriller Others

ઋણ - એક ચિત્રકારનું

ઋણ - એક ચિત્રકારનું

12 mins
728


પીંછી ને લાગણી મિશ્રિત રંગોમાં ઝબોળી ને જ્યારે તેનું એક કેનવાસ ઉપર ચિત્ર તરીકે રૂપાંતર થાય તો, વિચારો કે તેનું સર્જન કેટલું આહલાદક હશે, અને તે ચિત્રકાર પણ જ્યારે પોતે ચિત્રમાં ઓતપ્રોત થઈ ને કેનવાસ ઉપર પીંછી નચાવતો હોય તો તો પછી તે ચિત્રમાં પ્રાણનું સિંચન થઈ જતું હોય છે. આવો જ એક યુવાન ચિત્રકાર હતો, કલ્પન ધ્રુવ....હશે માંડ ૨૪ વર્ષની ઊગતી ઉંમર, પણ કળાક્ષેત્રે તેણે જે નામના મેળવી હતી તેને માટે કદાચ આ ઉમર ઘણી જ નાની હતી. ચિત્રકળા ક્ષેત્રે ખૂબ જ સન્માનજનક નામ હતું કલ્પન ધ્રુવનું. ઠેકઠેકાણે તેના ચિત્રોના પ્રદર્શન યોજાતાં હતાં. આ બધું યોજવા માટે કલ્પન પાસે એક ટુકડી હતી, જે આ બધું કરતી હતી. આયોજકો સાથે વાતચીત હોય કે પ્રદર્શન સ્થળની પસંદગી....બધું આ તેની ટુકડી જ કરતી હતી. પ્રદર્શનમાં મુકેલ ચિત્રો ના વેચાણમાંથી જે આવક થતી તેમાંથી અમુક હિસ્સો તે અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ અને મુક પ્રાણીઓ માટે દાન કરી દેતો હતો. વડોદરા ના અતિ વૈભવી વિસ્તારમાં તેનો બંગલો હતો. પોતે એકલો જ રહેતો હતો, બાકી તેના ઘરમાં એક રસોઈયો અને બે ઘરકામ કરવાવાળા તેના બંગલાના આઉટ હાઉસમાં રહેતા હતા....આવી હતી કલ્પનની જિંદગી.

રવિવારની શિયાળાની સાંજ હતી. કલ્પન તેના બંગલાના બગીચામાં આરામ ખુરશીમાં બેસી ને મહારાજ ના હાથે બનેલી આદુ મસાલા વાળી ચાની હળવે હળવે ચુસ્કીઓ લઈ રહ્યો હતો. મગજમાં કોઈક વિચારો ચાલી રહ્યા હોય તેવી તેની મુખમુદ્રા હતી. ઝીણી આંખોથી જોજનો દૂરનો કયાસ કાઢતો હોય તેમ કલ્પન જોઈ રહ્યો હતો. અને અચાનક તેના વિચારો ને મંઝિલ મળી હોય અને કોઈક તારણ ઉપર આવ્યો હોય તેમ કલ્પન ચા ના પ્યાલામાં છેલ્લો ઘૂંટડો રાખી ને ઉભો થઇ ને પોતાના બંગલા ના ભૂગર્ભમાં આવેલ તેના ચિત્રકામ માટે ફાળવેલ સ્ટુડિયોમાં પહોંચી ગયો. એક કેનવાસ ને તેના સ્ટેન્ડ ઉપર ગોઠવી દીધું. કલ્પનની પીંછી કેનવાસ ઉપર નૃત્ય કરતી હોય તેમ ફરવા લાગી. જેમ જેમ પીંછી કલ્પન ના ઇશારે નાચતી હતી તેમ તેમ કલ્પન ના ચહેરાની મુદ્રાઓ પણ બદલાતી જતી હતી. પીંછી તો જાણે કોઈ નૃત્યાંગના હોય તેમ કલ્પનની બદલાતી લાગણીઓના તાલે નાચી રહી હતી. આશરે ત્રણ કલાક થયા હશે અને કલ્પનની પીંછી એ વિરામ લીધો. કલ્પન પણ થોડો થાકી ગયો હતો. પાસે પડેલી એક ખુરશી ઉપર બેસી ને કેનવાસ ઉપર અછડતી નજર કરી......સહેજે ૭૫-૮૦ વર્ષની આયુ ના એક વૃદ્ધાનું ચિત્ર હતું. ચહેરા ઉપર જમાનાની થપાટો ખાધાની ચાડી ખાતી કરચલીઓ એવી દેખાતી હતી જેવી કોઈ બગીચામાં નાની નાની ક્યારીઓ હોય. આંખની કીકીઓ ઉંમરનું માન રાખતી હોય તેવી નિસ્તેજ હતી. સફેદ વાળની અમુક લટો ને હવાની લહેરખીઓ સાથે તાલ મિલાવતી દેખાડી હતી. કોઈક વેદના કોરી ખાતી હોય તેવી મુદ્રાઓ તેના ચહેરા ઉપર અંકિત કરી હતી. કલ્પન એકીટશે પોતાની જ રચના ને નિહાળી રહ્યો હતો. જાણે પોતે જ તે ચિત્ર સાથે મનમાં ને મનમાં વાત કરતો હોય તેમ તે ચિત્ર સમક્ષ આંખનું મટકું પણ માર્યા વગર કલ્પન જોઈ રહ્યો હતો. તેના મસ્તિષ્ક ઉપર કોઈક બોઝો પડ્યો હોય તેવો તેને ભાસ થયો. અને અચાનક જ તે તેની ખુરશી ઉપરથી ઉભો થઇ ગયો. રાત્રિ ના લગભગ ૯:૩૦ વાગી ગયા હતા. કલ્પન થોડું જમી ને પોતાના શયનકક્ષમાં જતો રહ્યો. ચિત્રકામ કરતી વેળાએ સ્વાભાવિક રીતે જ લાગણીઓ નો નિચોડ થઈ જતો હોય છે એટલે માનસિક રીતે પણ કલ્પન થાક અનુભવી રહ્યો હતો. પલંગ ઉપર પડતાં વેત જ જાણે કે નિદ્રા દેવી બારણે દસ્તક દેતા ઉભા હોય તેમ કલ્પનની આંખો ઉપર નિદ્રા દેવી સવાર થઈ ગયા. રાત્રિ નો બીજો પહોર ચાલતો હશે અને અચાનક જ કલ્પન સફાળો ઉભો થઇ ગયો. શિયાળાની રાત્રી એ પણ તેના કપાળ ઉપર પ્રસ્વેદ બિંદુઓ ઝળકી રહ્યા હતા. થોડો અસ્વસ્થ લાગતો હતો કલ્પન. પલંગની બાજુમાં મુકેલ ટેબલ ઉપરથી પાણી નો જગ ઉઠાવી ને તેમાંથી પાણી ગ્લાસમાં ભરી ને મોઢે માંડ્યો. થોડો સ્વસ્થ થયો. ઊંડા વિચારમાં પડી ગયો કલ્પન કે તેના સપનામાં પેલા ચિત્રમાં અંકિત થયેલ વૃદ્ધા કેમ આવી હતી. કદાચ પોતે ચિત્ર દોરતી વખતે વધુ ઓતપ્રોત થઈ ગયો હશે જેને લીધે તેના મન ઉપર અસર થઈ હશે તેવું માની ને કલ્પન ફરી પાછો ઊંઘી ગયો. 

બીજા દિવસનું પરોઢ થયું. કલ્પન નું મસ્તિષ્ક થોડું ભારે હતું. પ્રાતઃ કર્મ પૂર્ણ કરી ને આદુ મસાલા વાળી કડક ચા ને ન્યાય આપી ને કલ્પન થોડો બહાર જવા નીકળ્યો. થોડું બહાર નું કામ પતાવી ને બપોર સુધી પાછો ઘરે આવી ગયો હતો. થોડું જમી ને કલ્પન ફરી પાછો તેના બંગલા ના ભૂગર્ભમાં આવેલ સ્ટુડિયોમાં ગયો. થોડું આમતેમ સાફ સફાઈ કરી ને અનાયાસે જ તેની નજર આગલી સાંજે ચિતરેલું વૃદ્ધા ના ચિત્ર તરફ ગઈ. ચિત્રની અંદરની આકૃતિ જાણે કે તેની સમક્ષ ફરિયાદની નજરથી જોતી હોય તે દૃષ્ટિથી જોઈ રહી હતી તેવો કલ્પન ને ભાસ થયો. મન બીજે પરોવવા માટે તેણે ફરી પાછો એક નાનો કેનવાસ લીધો અને તેની પીંછી ને કામે લગાડી દીધી. એક બે કલાકની મહેનત ને અંતે એક ચિત્ર કેનવાસ ઉપર ઉપસી આવ્યું અને તે હતું એક જર્જરિત એક માળ ના ઘર નું. કલ્પન આશ્ચર્યચકિત થઈ ગયો કારણ કે એવું તો કઈં તે જર્જરિત મકાનમાં હતું નહીં અને તેમ છતાં તેના માનસપટ ઉપર આ દૃશ્ય કેમ અંકિત થયું તે તેને માટે એક સવાલ હતો. તદુપરાંત આ ચિત્રમાં અંકિત કરેલા મકાન સાથે કોઈક જૂની લેવડ દેવડ હોય તેવું લાગ્યું. કઇંક યાદ કરવાની વ્યર્થ કોશિશ કરી જોઈ પરંતુ કલ્પન સફળ ના થયો....ખેર...આવું તો કોઈક વાર થાય, એવું વિચારી ને કલ્પન પાછો પોતાના દીવાનખંડમાં આવી ને બેસી ગયો. એક બે જરૂરી ફોન કરી ને તે બહાર જવાનીકળ્યો. મોડી સાંજે પરત આવી ને ટીવી સમક્ષ થોડી ચેનલો વચ્ચેની ઝપાઝપી કરી ને રાત નું વાળુ કરી ને પોતાના શયનકક્ષમાં ગયો. આજે ઠંડી નું પ્રમાણ થોડું વધારે હતું, એટલે બ્લાંકેટ ઓઢી ને નિંદ્રા ને આધીન થયો. મધરાત થઇ હશે....પલંગ ઉપર પોઢેલ કલ્પન હાથ પગ જોર જોરથી હલાવવા લાગ્યો....આંખો બંધ હતી તેની, પરંતુ કંઇક જોઈ લીધું હોય અને તેને લીધે તેને ગભરામણ જેવું થવા લાગ્યું. પાંચ - દસ મિનિટ તેની ખૂબ જ આકરી ગઈ...અને અચાનક જ તેના મોઢાંમાંથી જોરથી ત્રાડ નીકળી ગઈ......"નહીં નહીં.... મા....આ શું કરો છો ?" અને કલ્પન તેના પલંગમાં બેઠો થઇ ગયો. કલ્પનની આંખોની સમક્ષ જાણે કે એક અતિ ભયંકર દુઃ સ્વપ્ન પસાર થઈ ગયું. જગમાં ભરેલ પાણી પી ને તે પોતાના દીવાનખંડમાં આવ્યો. સોફા ઉપર બેસી ને આંખો બંધ કરી ને પાંચ મિનિટ તો બેસી રહ્યો. આખા સપનાની સમીક્ષા કરી રહ્યો હતો કલ્પન. ચિત્રમાં દોરેલું જર્જરિત મકાન, તેમાં રહેતી પેલી ચિત્રમાં દોરેલી વૃદ્ધા, તેની સામે એક યુવાન કે જે લોહીલુહાણ હતો....તેના માથામાંથી ખૂબ જ લોહી વહી રહ્યું હતું, વૃદ્ધા નો હાથ પણ કાંપતો હતો, અને પેલો યુવાન જોરથી બરાડી રહ્યો હતો કે "નહીં નહીં મા....આ શું કરો છો ?". કલ્પન એ તરત જ પોતાની આંખ ઉઘાડી અને ચોતરફ આકુળવ્યાકુળ નજરે જોયું....પરસેવે રેબઝેબ થઇ ગયો હતો કલ્પન અને....અને....સહસા જ તેના મોઢાંમાંથી શબ્દો સરી પડ્યા...."માં....તમે આ શું કરી નાખ્યું". કલ્પન ને પોતાને કઈં સમઝ ના પડી કે પોતે શું બોલી રહ્યો છે. તે સોફા ઉપરથી ઉભો થઇ ને તેના શયનકક્ષમાં આવેલ પૂરા કદ ના અરીસાની સામે જઈ ને ઉભો રહ્યો. પરંતુ આ શું ? અરીસાની અંદર દેખાતી આકૃતિ તેની નહોતી.....તેને ભાસ થવા લાગ્યો કે અરીસામાં પોતે જે જોઈ રહ્યો છે તે પોતે જ છે પણ બીજા સ્વરૂપે છે.....અરીસાની અંદરની આકૃતિ લોહીલુહાણ હાલતમાં હતી અને ત્યાંજ કલ્પન એ જોરથી રાડ પાડી...."રણજીત.........", અને કલ્પન જોરથી ત્યાંને ત્યાંજ ફસડાઈ પડ્યો. 

વહેલી પરોઢ થઈ હશે. દૂધવાળો દૂધની થેલીઓ બંગલા ના ગેટ ઉપર આપી ગયો હતો. છાપાં વાળો પણ છાપું આપી ને જતો રહ્યો હતો. કલ્પન હજી પણ ઉઠ્યો નહોતો. રસોઈ વાળા મહારાજ આવી ગયા અને તેમણે જોયું કે કલ્પન હજી ઉઠ્યો નહોતો. મહારાજ તેમના રોજિંદા કાર્યોમાં લાગી ગયા. થોડીક વાર થઈ હશે અને કલ્પન પોતાના શયનકક્ષમાંથી બહાર આવ્યો. બહાર આવી ને મહારાજ ને સૂચના આપી "રામુ કાકા....કડક ચા બનાવો....માથું સખત પકડાયું છે, અને આજે મારું બપોર નું જમવાનું ના બનાવશો....મારે બહાર જવાનું છે તો આવતાં કદાચ મોડું થશે" પ્રત્યુત્તરમાં મહારાજે પોતાનું ડોકું હકારમાં હલાવ્યું. સ્નાનાદિક કાર્યો પતાવી ને કલ્પન પોતાની હોન્ડા સિટીમાં બહાર નીકળી ગયો. તેના મગજમાં ચિત્ર વાળું ઘર અને પેલી વૃદ્ધા રમી રહ્યા હતા, તદુપરાંત "રણજીત" નામ નું પાત્ર પણ ઘર કરી ગયું હતું. તેના મગજમાં ઘણું બધું સ્પષ્ટ થતું જતું હતું. શહેર ના ગીચ વિસ્તારમાં કલ્પનની ગાડી આવી પહોંચી હતી. ચિત્રમાં દોરેલા ઘર ઉપરથી તેને ખ્યાલ આવી ચુક્યો હતો કે આવું ઘર કયા વિસ્તારમાં હશે. પોતાની ગાડી ને એક ખુલ્લી જગ્યામાં પાર્ક કરી ને કલ્પન ચાલતો ચાલતો એક પોળમાં જઈ ચડ્યો....અને ત્યાં જતાંની સાથે કલ્પન ને એક અકલ્પ્ય આભાસ થવા લાગ્યો કે આવી કોઈક જગ્યા એ તે પહેલાં પણ આવી ચુક્યો છે....તેને આ બધું જાણીતું લાગવા માંડ્યું. હજી થોડોક જ આગળ ગયો હશે અને તેની નજર એક ઘર ઉપર પડી....આબેહૂબ એજ ઘર હતું જે તેણે કેનવાસ ઉપર દોર્યું હતું. તેના મગજમાં ઘમાસાણ મચી ગયું હતું. તે કોઈક બીજી જ દુનિયામાં હોય તેવું કલ્પન ને લાગવા માંડ્યું. તે ધીરેથી પેલા ઘર ના દરવાજે પહોંચ્યો અને હાથથી દરવાજો ખટખટાવી ને ઉભો રહ્યો. અમુક ક્ષણો પછી હળવેથી દરવાજો ઊઘડયો અને કલ્પનની સમક્ષ એક વૃદ્ધા ઊભી હતી. અને કલ્પન ના મુખેથી શબ્દો સરી પડ્યા....."માં". પેલી વૃદ્ધા પોતાની હથેળી ને પોતાની આંખ ઉપર લઈ ને ઝીણી આંખે જોવાની કોશિશ કરી અને તેના મોઢેથી ક્ષીણ અવાજમાં શબ્દો સર્યા "તમે કોણ ભાઈ ? મેં તમને ઓળખ્યા નહીં અને હવે બહુ યાદ પણ રહેતું નથી મને, અંદર આવો" આટલું કહી ને વૃદ્ધા એ કલ્પન ને અંદર આવવાનો ઈશારો કર્યો. કલ્પન દિગ્મૂઢ થઈ ગયો હતો....પણ અત્યારે તે કલ્પન ક્યાં હતો જ? કલ્પન અંદર ગયો....એજ ઓરડો...એજ ખાટલો...એજ ખુરશી...ભીંત ઉપરથી પોપડા ખરી ગયા પછીની દીવાલ, ઘણા વર્ષોથી કોઈ સમારકામ થયું જ નથી તેની ચાડી ખાતી હતી. પેલી વૃદ્ધા એક ખૂણે બેસી ને "ભાઈ, પાણી આપું ? પીવું હોય તો સામે જ માટલું પડ્યું છે, લઈ લેશો તો સારું...કારણ કે મારાથી બહુ ઉઠાતું નથી". કલ્પન હજી પણ દિગ્મૂઢ અવસ્થામાં હતો, અને અચાનક જ તેના મોઢામાંથી શબ્દોનો સંચાર થયો "માં....હું...હું રણજીત છું....તમારો નાલાયક દીકરો....યાદ આવ્યું ? કલ્પનની આંખો અનરાધાર વરસી રહી હતી...હવે આશ્ચર્યચકિત થવાનો વારો પેલી વૃદ્ધા નો હતો...."રણજીત....." નામ ઉપર ભાર મૂકી ને પેલી વૃદ્ધા ના મોઢામાંથી નામ સર્યું.....હજી વિશ્વાસ ના થતો હોય તેમ ફરી પાછું આંખો ઝીણી કરી ને જેમ કલ્પનની સામે જોઈ ને "પણ એ શક્ય કેવી રીતે છે ? તમારી કંઇક ગેરસમજ થતી લાગે છે, કારણ કે રણજીત......રણજીત ને તો ગુજરી ગયે ૨૫ વર્ષ થઈ ગયા છે...તમારી કોઈક ભૂલ થતી લાગે છે....મને કઈં જ યાદ નથી હવે.....તમે જઈ શકો છો" પેલી વૃદ્ધા ના ચહેરા ઉપર અસંખ્ય કરચલીઓ વાટે તેમના અશ્રુઓ જમીન ને ભીની કરી રહ્યા હતા. સામે છેડે કલ્પનની આંખો પણ વરસી રહી હતી. આજે આ જર્જરિત મકાનની તૂટેલી ફૂટેલી ફર્શ ઉપર જાણે વર્ષો પછી અશ્રુઓ નો અભિષેક થયો હતો. કલ્પન હળવેથી ઊભો થયો અને પેલી વૃદ્ધાની નજીક ગયો....પેલી વૃદ્ધા ના ખભે હાથ મૂકી ને "માં....હું તમારો રણજીત છું....હા, એજ રણજીત જેમણે તમને ખૂબ જ દુઃખ આપ્યું છે....કુદરતની ક્રૂર મશ્કરી નો હું આજે ભોગ બન્યો છું......કે મને મારી પાછલી જિંદગીના કર્મોનું ઋણ અદા કરવા માટે પુનર્જન્મનો અનુભવ કરાવ્યો છે..... માં, યાદ કરો...હું નાનપણથી જ માથાભારે હતો....બાપુજી તો હું ખૂબ નાનો હતો ત્યારે પરલોક વાસી થઈ ગયા હતા....તમે બીજા ના ઘર ના વાસણો માંજી ને તેમાંથી જે આવક થતી તેમાંથી મને ભણાવતા....પણ મારું મન ભણવામાં હતું જ નહીં.....વર્ષો પસાર થવા લાગ્યા અને હું વધારે ને વધારે માથાભારે થતો ગયો અને તે પણ એટલી હદ સુધી કે કોઈક વાર તો તમારા ઉપર હાથ પણ ઉઠાવી લેતો, પણ તમે કઈં જ બોલતા નહીં......એક બે વાર તો ઘર ના આ ઉંબરા ઉપર પોલીસ પણ આવી ચૂકી હતી....હું દારૂ પણ પીવા લાગ્યો હતો....તમે મહેનત કરી ને કમાયેલા પૈસા હું ચોરી કરી ને તેમાંથી દારૂ નું સેવન કરતો....તમે મને સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ હું નહોતો સમજ્યો......અને એક દિવસ સાંજે હું ચિક્કાર દારૂ પી ને તમારી પાસે આવી ને જુગાર રમવા માટે પૈસા માગ્યા, પરંતુ તમે મને પૈસા નહોતા આપ્યા અને મારો પિત્તો ગયો હતો....કદાચ મારી ભીતર દારૂ રૂપી શેતાન આવી ગયો હતો એટલે મેં જોરથી તમારો હાથ પકડી ને તમને ધક્કો માર્યો અને તમે સામે ના ખૂણે પડી ગયા હતા....તમારા કપાળમાંથી થોડું લોહી પણ વહેવા લાગ્યું હતું....પરંતુ તે દિવસે તમે પણ કઇંક નક્કી કરી ને જ બેઠા હતા.....તમે તરત જ ઊભા થઈને રસોડા તરફ ગયા અને પાછા આવ્યા ત્યારે તમારા હાથમાં દસ્તો હતો.....મેં તો પણ તમને ગણકાર્યા નહોતા...હું ફરી પાછો તમારા તરફ ધસી ગયો અને તમારો હાથ પકડી ને તમને પછાડવાનો પ્રયાસ કર્યો અને એ ઝપાઝપીમાં હું ગડથોલિયું ખાઈ ને જમીન ઉપર પટકાયો અને ત્યાં પડેલ એક પથ્થર ઉપર મારું માથું અફળાયુ.....લોહીનો ફુવારો ઉડ્યો અને પછી મને કઈં જ યાદ નથી" કલ્પન એ પોતાની વાત પૂરી કરી, પણ તે વાત પૂરી કરતાં કરતાં પોતે હાંફી ગયો હતો, અને કેમ નહીં ? એક જીવતર આખું ખેડી ને આવ્યો હતો.....!

કલ્પન હજી તો પોતાની વાત પૂર્ણ કરી જ હતી ત્યાંજ એક કાકા જે લગભગ ૫૫-૬૦ વર્ષ ના હશે તે અંદર આવ્યા......અને પોતાની ઓળખ આપી..."હું રાવજી......મારું આખું આયખું જ આ પોળમાં ગયું છે....અને આપની ઓળખાણ ?" કલ્પને પોતાની ઓળખ આપી અને પરિસ્થિતિથી રાવજી કાકા ને વાકેફ કર્યા....રાવજી કાકા તો સમસમી ગયા આ કુદરત નો ખેલ જોઈ ને.....અને પછી થોડા સ્વસ્થ થઈ ને તેમણે આગળની વાત વધારી " બેટા...આ બધો ખેલ થયો ત્યારે હું અહીંજ હતો કારણ કે જોર શોરથી અવાજ આવતો હતો એટલે મને થયું કે કશુક અઘટિત થયું લાગે છે....હું જ્યારે અંદર આવ્યો ત્યારે તો રણજીત જમીન ઉપર જ ફસડાયેલો હતો...તેના માથામાંથી લોહી ખૂબ જ નીકળી રહ્યું હતું......આડોશ પાડોશ પણ ભેગો થઈ ગયો હતો....કોઈકે એમ્બ્યુલન્સ ને બોલાવી લીધી હતી અને કોઈકે પોલીસ ને પણ ફોન કરી દીધો હતો. એમ્બ્યુલન્સ આવી ને રણજીતની તપાસ હાથ ધરી પણ ત્યાં સુધી તો તેનો ખેલ ખતમ થઈ ગયો હતો...પોલીસ આવી અને જલા બેન ના હાથમાંથી દસ્તો લઈ લીધો......પરિસ્થિતિ એવી નિર્માણ થઈ કે દસ્તો પણ લોહીવાળો હતો અને તે પણ જલા બેન ના હાથમાં હતો એટલે પુરવાર એવું થયું કે જલા બેને જ પોતાના દીકરાનું ખૂન કર્યું છે...પોલીસ તો જલા બેન ને લઈ ને પોલીસ ચોકી એ જતી રહી.....કોર્ટમાં કેસ પણ ચાલ્યો, પરંતુ નાણાં ના અભાવે કોઈ સારો વકીલ રોકી નહીં શક્યા અને છેવટે જલા બેન ને જનમટીપની સજા થઈ.......વર્ષો વીત્યા.....જેલમાં જલા બેનની સારી વર્તણૂક ને લીધે કોર્ટે તેમની સજા ટૂંકાવી દીધી, અને અત્યારે આપણી સમક્ષ બેઠા છે"....રાવજી કાકા એ પોતાની વાત પૂર્ણ કરી. ઓરડામાં સન્નાટો છવાઈ ગયો....નિસ્તબ્ધ શાંતિ પ્રવર્તી રહી....ફક્ત અને ફક્ત જલા બેન અને કલ્પનના આછા આછા ડૂસકાંનો અવાજ સંભળાઈ રહ્યો હતો. હવે કલ્પન થોડો સ્વસ્થ થયો.....ઉભો થઇ ને પાણિયારે જઈ ને માટલામાંથી પાણી ગ્લાસમાં લઇ ને પોતે પીધું અને બીજા ગ્લાસમાં જલા બેન ને આપ્યું....કંઇક વિચારી ને કલ્પન બોલ્યો....."માં.....હું તમારો રણજીત છું, પણ હવે આ જન્મ નો.....પાછલા જન્મનો રણજીત તો ક્યારનો જતો રહ્યો છે......પાછલા જન્મમાં મેં જે તમારી સાથે ગેરવર્તણૂક કરી અને તમને હેરાન કર્યા છે તેની સજા રૂપે ઈશ્વરે મને માટે પાછલો જન્મ યાદ કરાવ્યો.... જેને લીધે આજે હું તમને પામી શક્યો છું.... માં, મને મારા પાછલા જન્મના કરતૂતોનું પ્રાયશ્ચિત કરવાનો મોકો ઈશ્વરે પણ આપ્યો છે તો તમે પણ આપો..... મા, હવેથી તમે અહીં નહીં રહો, પરંતુ મારી સાથે મારા ઘરે રહેશો.....તમારી હવેની જિંદગી ને યાદગાર સંભારણું બનાવવાની તક તમે પણ મને આપી, મા...આજે હું તમને લીધા વગર નથી જવાનો....." કલ્પન ચોધાર આંસુ એ રડી રહ્યો હતો તો સામે છેડે પણ જલા બેનની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વહી રહ્યો હતો.....અને તે કલ્પન ને નજીક બોલાવી ને તેને ગળે લગાડી દીધો.....! વાતાવરણ ખૂબ જ લાગણીશીલ થઈ ચૂક્યું હતું....આજે એક માં ને તેનો દીકરો મળ્યો હતો, આ જન્મ મા, પરંતુ રણજીતને તો તેની મા બીજા જન્મે મળી હતી.

આજે કલ્પન નો બંગલો એક ઘર તરીકે પરિવર્તિત થઈ ગયો કારણ કે તેની મા તેને મળી હતી....જલા બેનના ચહેરાની અસંખ્ય કરચલીઓમાં આજે અશ્રુઓ નહીં પરંતુ એક બગીચામાં જેમ ફૂલની કયારીઓમાં ફૂલો મઘમઘતા હોય તેવો તેમનો ચહેરો હતો......! 

એક ચિત્રકારની પીંછી આજે સોળે શણગાર સજી ને બેઠી હતી કે ક્યારે તે ચિત્રકાર આવી ને તે પીંછીથી લાગણીરૂપી રંગોથી કેનવાસ ને જીવંત કરે......એક અનેરું ચિત્ર સર્જાઈ ગયું હતું કલ્પન અને જલા બેનના જીવનરૂપી કેનવાસ ઉપર.....અને એ ચિત્રને સર્જનાર ઈશ્વર પણ એક ચિત્રકાર જ છે ને.


Rate this content
Log in

Similar gujarati story from Thriller