JHANVI KANABAR

Drama Romance Inspirational

4  

JHANVI KANABAR

Drama Romance Inspirational

રીલ લાઈફ ટુ રીયલ લાઈફ

રીલ લાઈફ ટુ રીયલ લાઈફ

5 mins
203


સ્ટેજ પર એક બાજુ પર રાખેલ નટરાજની મૂર્તિ સમક્ષ મનોમન પ્રાર્થના કરતી મુદ્રા આજે આનંદની સાથે ગભરામણની લાગણી પણ અનુભવતી હતી. હૃદયના ધબકારા જાણે બહાર સુધી સંભળાતા હતાં. બસ આ એક પર્ફોમન્સ પછી તેનો જ વારો હતો. `કમ ઓન મુદ્રા ! બી રેડી ડીઅર...’ સાંભળતા જ મુદ્રા સજાગ થઈ અને ગણતરીની ક્ષણોમાં જ તેણે સ્ટેજ પર એન્ટ્રી કરી. ચારેબાજુ આંખો આંજી દેતી રોશની, ખચોખચ ઓડિયન્સથી ભરેલો હોલ અને સામે બેઠેલા જજીસની જ્યુરી.. આ બધુ જ મુદ્રા માટે કંઈ નવુ નહોતું, પરંતુ આજે તેને અજીબ ડર લાગી રહ્યો હતો. તેનું કારણ માત્ર એ હતું કે આજનો જજીસનો નિર્ણય મુદ્રાના જીવનને કાં તો આકાશની ઊંચાઈએ લઈ જવાનો હતો, કાં તો બંધ કૂવામાં ધકેલી દેવાનો હતો. મુદ્રાનું શરીર સંગીતના તાલ પર નર્તન કરવા લાગ્યું. નૃત્ય શરૂ થતાં જ તેના બધા જ વિચારો પર પૂર્ણવિરામ લાગી ગયું હતું. તેનું સમગ્ર અસ્તિત્ત્વ નૃત્યમય થઈ ગયું હતું. પરફોર્મન્સ ખૂબ જ સરસ રહ્યું. તેને પણ પોતાના પર્ફોર્મન્સથી સંતોષ હતો. હવે બધુ જ જજીસના હાથમાં હતું. જજીસ તેમનો નિર્ણય સંભળાવે એ પહેલા ચાલો આપણે મુદ્રાના જીવનમાં ચાલતી અફડાતફડી અને મુંઝવણ વિશે વાત કરીએ.

મુદ્રા એક સાધારણ પરિવારમાં જન્મેલ સિમ્પલ પણ એમ્બિશિયસ છોકરી છે. તેના પિતા એક કોલેજમાં પ્રોફેસર અને માતા ગૃહિણી છે. મુદ્રાને એક નાનો ભાઈ છે જે એસ.એસ.સી માં છે. નાનપણથી જ મુદ્રાને નૃત્યનો ગાંડો શોખ. આઠ વર્ષની મુદ્રાનો શોખ પૂરો કરવા તેના પિતાએ તેને શાસ્ત્રીય નૃત્યની તાલીમ અપાવી. સાત વર્ષની કઠોર સાધના પછી તેનું આરંગેત્રલ થયું. એ પછી તેની પ્રતિભાને ઉચ્ચ મુકામ મળ્યો. ઘણાબધા સ્ટેજ શો કર્યા. મુદ્રાએ બી.કોમમાં અભ્યાસ પૂર્ણ કર્યો. હવે ઘરમાં તેના લગ્નની વાતો થવા લાગી. મુદ્રા માટે વેલ સેટલ્ડ, હેન્ડસમ અને ખાનદાની છોકરાના માગા પણ આવવા લાગ્યા. મુદ્રાના માતા પિતા શ્રીમતી નર્મદાબેન અને શ્રીમાન પ્રભાકરભાઈ ખૂબ જ ખુશ હતાં પણ મુદ્રાના મનમાં ક્યાંક કંઈક ખૂંચતુ હતુ. તેને મનમાં થતું કે, `લગ્ન પછી મારા નૃત્યમાં કોઈ બાધા ન આવે. મારી આ કલાને માન આપવામાં આવે. બાકી તો બધી જ જવાબદારી હું નિભાવી લઈશ પણ બસ... એક આ ઘૂંઘરૂ કોઈ મારી પાસેથી છીનવે નહિ.’ તેની આ મનોવ્યથા એકવાર તેણે પોતાના માતાપિતા સમક્ષ રજૂ કરી. મુદ્રાના માતાપિતા પણ એકબીજા સામે જોઈ રહ્યા. મનોમન વિચારવા લાગ્યા કે, જમાનો ગમે તેટલો આગળ વધી ગયો હોય તો પણ અમુક ઈચ્છાઓ તો છોકરીઓએ દબાવી જ દેવી પડે છે. બહુ ઓછા ઘરમાં આ બધુ માન્ય રાખવામાં આવે છે. એ દિવસે તો મુદ્રાના માતા-પિતા પાસે કોઈ જ જવાબ નહોતો.

થોડા દિવસ વીત્યા એટલે મુદ્રાને તેની માતાએ પોતાની પાસે બેસાડી અને સમજાવી, `બેટા ! મારુ માન તો બહુ થયું આ નૃત્ય. તે તારો શોખ પૂરો કરી લીધો. અમે પણ તને ક્યાંય રોકી નહિ, પણ લગ્ન પછી તો ભલાભલાનું જીવન બદલાઈ જાય છે. ઘણું બધુ છોડી દેવું પડે છે. હું એમ નથી કહેતી કે તું આશા જ છોડી દે, પણ એ માટે થઈને સારુ ઘર વર જતું ન કરાય.’ માતાના મુખ પર ચિંતા જોઈ મુદ્રાએ પણ સંમતિ દર્શાવી.

એ દિવસે રવિવાર હતો એટલે મુદ્રા તેના રૂમમાં ઈઅરફોન લગાવી મ્યુઝિક સાંભળતી હતી. `ઓ હેલો મેડમ... કઈ દુનિયામાં છો ? કોઈ ફોન નહિ ! મેસેજ નહિ !’ કહેતા અખિલ તેના રૂમમાં પ્રવેશ્યો. અખિલ મુદ્રાનો કોલેજ ફ્રેન્ડ. મુદ્રાને પહેલી વાર જોઈ ત્યારે જ અખિલ તેના પ્રેમમાં પડી ગયો હતો પણ તે કદી કહી શક્યો નહોતો. અખિલ પ્રોફેશનલ મ્યુઝિશિયન હતો. ઘણાબધા શો અખિલ અને મુદ્રાએ સાથે કર્યા હતાં. એટલું જ નહિ, આજના આ રિયાલિટી શોના નિર્ણય પછી જજીસ દ્વારા બંનેને સાથે એક આલ્બમમાં પણ કામ કરવાની ઓફર મળવાની હતી. અચાનક અખિલના અવાજથી સભાન થઈ મુદ્રાએ ઈઅર ફોન કાઢી નાખ્યા. `અરે ! તું અત્યારે ક્યાંથી અખિલ ?’ મુદ્રાએ આશ્ચર્યથી તેની સામે જોતા કહ્યું.

`અરે ! કંઈ નહિ, આ તો શોના સ્ટ્રેસથી થોડા ફ્રેશ થવા તને મળવા આવ્યો.’ તને કેટલાય ફોન કર્યા પણ તું ઊઠાવતી નથી.’ અખિલે કહ્યું.

`હા, થાકી ગઈ હતી તો સૂઈ ગઈ હતી. રીંગ નહોતી સંભળાઈ કદાચ...’ કહી કંઈક વિચારમાં મુદ્રા ખોવાઈ ગઈ.

`શું થયું મુદ્રા ? કંઈ ટેન્શન ? તું ચિંતા ન કર રિઝલ્ટ આપણા જ પક્ષમાં આવશે. પછી તો આલ્બમ... ને એક એક પછી સુપર્બ ઓફર...’

`મને છોકરો જોવા આવવાનો છે, નેક્સ્ટ સન્ડે...’ વાત અધવચ્ચેથી જ કાપતા મુદ્રાએ કહ્યું. મુદ્રાની વાત સાંભળી અખિલ આઘાતથી તેની સામે જોઈ રહ્યો.

`મને ખબર છે તું શું વિચારે છે ? મારુ કરિયર, એમ્બિશન્સ બધુ રોળાઈ જશે. એમ જ ને ? શું કરું અખિલ ? મારા મમ્મી પપ્પાની ખુશી માટે આટલું તો કરવું જ પડશે. તેમણે આજ સુધી મને કોઈ વાતે રોકી નથી. હંમેશા મારી ખુશી વિશે જ વિચાર્યું છે. હવે મારો વારો.’ મુદ્રાને હતાંશ થતા કહ્યું.

`પણ તું એક વાર તેમને કન્વીન્સ કરવાનો પ્રયત્ન તો કર..’ અખિલે કહ્યું.

મુદ્રાની નિરુત્તર અને લાચાર આંખોએ અખિલને જાણે સમજાવી દીધો અને અખિલ રૂમમાંથી બહાર નીકળી ગયો.

જોતજોતામાં બીજો રવિવાર આવી ગયો. મુદ્રાને સજાવીધજાવી પ્રસ્તુત કરવામાં આવી. મિહિરની નજર મુદ્રા પર પડતા જાણે કે તેની સુંદરતા પર ખોડાઈ જ ગઈ. મિહિરમાં પણ કંઈ જ કહેવાપણું હતું નહિ. મિહિર અને મુદ્રાને એકબીજાને સમજવા માટે સમય આપવામાં આવ્યો. મુદ્રાએ તકનો લાભ ઉઠાવતા જ મિહિર સમક્ષ પોતાની નૃત્ય માટેની ઈચ્છા વ્યક્ત કરી. થોડીવાર રૂમમાં શાંતિ છવાઈ રહી. કંઈક વિચારીને મિહિરે મુદ્રાને ખરાબ ન લાગે તેમ કહ્યું કે, `લુક મુદ્રા ! હું આજના જમાનાનો યુવક છું પણ મારા માતાપિતા આ માટે તૈયાર નહિ થાય. એન્ડ બાય ધ વે તમને લગ્ન પછી સમય જ નહિ મળે જવાબદારીઓમાંથી. આવા બદલાવ તો મેરેજ પછી નેચરલ છે. મારુ માનો તો...’

`બહુ સમય થઈ ગયો. આપણે બહાર જવું જોઈએ.’ મુદ્રાએ મિહિરની વાત અધવચ્ચેથી જ કાપતા કહ્યું.

મહેમાનોના ગયા પછી જાણે કે મુદ્રાએ કંઈક મનોમન નક્કી કરી લીધું હોય તેમ મમ્મીપપ્પાને બેસાડી કહ્યું, `મને થોડો સમય આપો પ્લીઝ. હું હમણા મેરેજ કરવા માંગતી નથી. મારા શોનું પરિણામ આવી જવા દો. જો એ પછી મને કોઈ ઓપર્ચ્યુનિટિ ન મળી તો તમે કહેશો તેમ કરવા હું તૈયાર છું.’

નર્મદાબેન અને પ્રભાકરભાઈએ એકબીજાની સામું જોઈ કંઈક વિચારી મુદ્રાને સંમતિ આપી. મુદ્રા માટે હાલ આ જ પૂરતુ હતું. આજે એ દિવસ આવી પહોંચ્યો. નિર્ણાયકોના હાથમાં મુદ્રા અને અખિલનું ભવિષ્ય હતું. જજીસ અંદરોઅંદર કંઈક ચર્ચાઓ કરી રહ્યા હતાં. આખરે નિર્ણય લેવાઈ ગયો. `વિનર ઓફ ધ ટેલેન્ટ શો ઈઝ મુદ્રા શાહ એન્ડ હર મ્યુઝિશિયન અખિલ દવે’. મુદ્રા ધબકારા ચૂકી રહી હતી. તેની આંખોમાં હર્ષાશ્રુ હતાં. બેકસ્ટેજ સૌ કોઈ મુદ્રા અને અખિલને અભિનંદન આપતા હતાં. મુદ્રાના માતાપિતાનો આનંદ સમાતો નહોતો. થોડા જ સમયમાં અભય કપૂર તરફથી અખિલને મ્યુઝિશયન અને મુદ્રાને લીડ રોલમાં કાસ્ટ કરવાની ઓફર મળી. મુદ્રાના માતાપિતાને તેના વૈવાહિક જીવન માટે ચિંતા તો હતી પણ દીકરીની ખુશી માટે તેઓએ નમતુ જોખ્યું.

આજે ત્રણ વર્ષ વીતી ગયા. મુદ્રા અને અખિલ ખૂબ જ સક્સેસ સેલિબ્રિટિ છે. તેમનો પોતાનો એક સ્ટુડિયો પણ છે. આજે અખિલ પોતાના રૂમમાં બેસી મ્યુઝિક સાંભળી રહ્યો હતો ત્યાં જ મુદ્રા તેના રૂમમાં દાખલ થઈ.

`ક્યાં ખોવાઈ ગયો છો તું ? કેટલા ફોન કર્યા ઉઠાવતો નથી ! મેસેજીસના પણ નો રિપ્લાય ?

`તું અહીં ?’ આશ્ચર્યથી અખિલ તેની સામે જોઈ રહ્યો.

`હા.. તને પૂછવું હતું કે, વીલ યુ મેરી મિ ?’

અખિલ ફાટી આંખે મુદ્રાને જોઈ જ રહ્યો. મુદ્રાએ અખિલના ગાલ પર ટપલી મારી ત્યારે જાણે તે ભાનમાં આવ્યો. બંને ખડખડાટ હસી રહ્યા હતાં.


Rate this content
Log in

Similar gujarati story from Drama