રાખડી
રાખડી
કાશ્મીર સરહદ પર ડ્યુટી બજાવતો તેજપાલ બે-ત્રણ દિવસથી એક પરબિડીયાની રાહ જોઈ રહ્યો છે. તેના સાથીદારોની બધાની રાખડી આવી ગઈ છે. બધા ખૂબ ઉત્સાહમાં છે રક્ષાબંધન આડે હવે બે દિવસજ બાકી હતા. તેને પોતાની લાડકી નાની બહેન બહુ યાદ આવતી હતી. તેનો ગોળ મટોળ હસતો ચહેરો તેની નજર સમક્ષ તરવરતો હતો. દર વખતે તો એ રક્ષાબંધન પર ઘરે જતો. અને પરિવાર સાથે રક્ષાબંધનનો તહેવાર ઉજવતો. તેની નાની બહેન તેના કપાળે તીલક કરી આરતી કરતી અને ભાઈના લાંબા આયુષ્ય માટે ઈશ્વરને પ્રાર્થના કરતી અને વહાલસોયા ભાઈના કાંડા પર રાખડી બાંધતી. પણ આ વખતે સરહદ પર કટોકટીની પરિસ્થિતિ ઊભી થઈ હતી. આથી કોઈને રજા મળી ન હતી. ઘણી વખત તહેવારો પર આવું થતું ત્યારે આ સૈનિકો દેશની રક્ષા કાજે પોતાની ફરજ નિષ્ઠાથી બજાવતા. તેજપાલને તેના એક મિત્રએ પૂછ્યું, તું કેમ આટલો ઉદાસ છે. હજુ બે દિવસ છે તારી રાખડી જરૂર આવી જશે. તેજપાલ ચિંતાથી બોલ્યો," મને બહુ ચિંતા થાય છે ઘરે મારો પરિવાર અને મારી બહેન કુશળ તો હશેને?" તેના મિત્રએ આશ્વાસન આપ્યું બધુ બરાબરજ હશે. તું નાહક ચિંતા કરે છે.
બીજા દિવસે સરહદ પર આંતકવાદીઓનો હુમલો થતા સામસ
ામે ગોળીબાર થયો. અને ઘણાં સૈનિકો ઘાયલ થયા.. તેજપાલને છાતીમાં ગોળી વાગી ગઈ આથી. તેના સાથીદારો તેને છાવણીમાં લઈ આવ્યા. ખૂબ લોહી વહી રહ્યું હતું. ડોક્ટર સારવાર આપી રહ્યાં છે, પણ તેજપાલનું શરીર નિશ્ચેતન થવા લાગે છે. તેની નજર બધાની કલાઈ પર બાંધેલી રાખડી પર સ્થિર છે. તેનો મિત્ર તરતજ સમજી જાય છે. તેજપાલની નજરમાં રહેલી આખરી ઈચ્છા પૂરી કરવા તે દોડીને હાથમાં રાખડી લઈને આવે છે અને કહે છે, દોસ્ત હમણાંજ તારી રાખડી આવી છે. લાવ તારો હાથ હું રાખડી બાંધી આપું છું. અને હા, તારી બહેનનો પત્ર પણ આવ્યો છે. હું વાંચી સંભળાવું છું કહીને હાથમાં રહેલો એક કાગળ ખોલી વાંચે છે. અને ઘરે બધાં કુશળ છે. એવા સમાચાર આપે છે. તેજપાલની આંખમાં ખુશીની ચમક આવી જાય છે. જમણો હાથ જરાક હલે છે, તેનો મિત્ર તેની કલાઈ પર રાખડી બાંધે છે. આંખમાં આવેલા આંસુને મહાપ્રયત્ને રોકે છે. તેજપાલ સંતોષનો એક ઊંડો શ્વાસ લઈ કાયમને માટે પોઢી જાય છે!
રક્ષાબંધનના દિવસે તેજપાલના મિત્રની કલાઈ રાખડી વગરની જોઈ સાથીદારો સમજી જાય છે. પોતાના મિત્રની છેલ્લી ઈચ્છા પૂરી કરવા પોતાની રાખડી તેણે મિત્રના હાથે બાંધી હતી.!!