રાગ
રાગ
શીર્ષક: રાગ
✍️ કલ્પેશ પટેલ
શામનો સમય હતો. સરસ્વતી સંગીતાલયના વિશાળ બગીચામાં રાતરાણી મહેકતી હતી. બગીચાની કોરે આવેલી કેનોપી નીચે મધુમાલતીના વેલની છાંયાવાળે ઓટલો શાંત પડ્યો હતો. ત્યાં સુજાતા પોતાના તબલાના તાલે સુર સાધતી હતી. હાથે ચડેલા રિઆઝ છતાં એની નજર દરવાજા તરફ હતી.
બગીચાના એ જ દરવાજે દરેક સાંજ અજિત મહાજન પ્રવેશતો હતો.
અજિત — પંડિત સત્યજીતનો સૌથી મનગમતો શિષ્ય. મધુર સ્વરનો અધિકારી, અને પોતાની ભક્તિમાં અડગ. સુજાતા માટે તે માત્ર એક શિષ્ય નહોતો. તે તો જાણે એક જીવંત રાગ હતો — જે રોજ સાંજે આવતો અને એને ગૂંજી જતો કર્તલોમાં.
સુજાતા જાણતી હતી કે તે ગુરુપુત્રી છે, અને અજિત એને માત્ર “બેન” સમજે છે. પણ દિલના સ્વરમાં સંબોધન ક્યારેક સમાજથી અલગ જ હોય છે.
એ સાંજ પિતાશ્રી દરબારમાં હતા. સુજાતાએ હાર્મોનિયમ ખોલ્યું અને સ્વર જગાવ્યો — એક પ્રેમભીનો રાગ:
"રાત રે ઊંઘે નયન, સપનામાં તું આવે,
તારાં અવાજે મારી લાગણી હલાવે..."
અજિત નજીક બેઠો હતો. શાંત, સ્થિર. પણ એની આંખોમાં ઊંડે કંઈક સ્પંદિત થતું હતું. ગીત પૂરું થયું. હવામાં તનાવ મંડાઈ ગયો.
એ સમયે અજિત બોલ્યો:
"બેન સુજાતા... તું જે ગાઈને, તે... ખૂબ સુંદર હતું.
પણ એમાં જે સંકેત હતા — તેને હું સ્વીકારી શકતો નથી."
સુજાતા તટસ્થ રહી નહિ. “શું ભાવના કરતા સંબંધ મોટા હોય છે? શું સ્વર કરતાં સંદેશ નાનો છે?”
અજિત ઊભો થયો. નજર મળાવી તેણે શાંત અવાજે કહ્યું:
"સંબંધો ઋતુઓની જેમ બદલાતા નથી.
ગુરુની પુત્રી માટે મારા મનમાં એક શ્રદ્ધા છે,
પ્રેમ નહીં.
મારા માર્ગે ભાવનાઓને નહિ, વૈરાગ્યને સ્થાન છે."
અને એ શાંત ચાલે ગયો.
ખાલી ઓટલો, વાદળી પડછાયાં અને ઊંડુ મૌન — બધું જ અવાજ વિનાનું સંગીત બની ગયું.
સુજાતા બેઠી રહી. આંખો ભીની નહોતી — પણ રાગ ભીની હતી.
અને પછી...
એમ જ... એનું હાર્મોનિયમ ફરી બોલ્યું —
અંતઃકરણનો એક બીજો પડઘો:
"મધુબન મેં આજ રાગ રાસ ન આયો,
મુઝે કોઈ લાલ છોડ રે..."
----

