પ્યારા પપ્પા
પ્યારા પપ્પા
પપ્પા હોય જ એવા. નાળિયેર જેવા. બહારથી બરછટ પણ અંદરથી મીઠાં અને મુલાયમ.
મારાં પપ્પા પણ અદલોઅદલ એવા જ. અમારાં બધાનાં કપડાં માટે કયારેક એનું પેન્ટ બે વર્ષ ચાલી જતું. અમને મોટાં કરવામાં એ ક્યારે વૃદ્ધ થઈ ગયા એની ખબર જ ન પડી.
એમને કઈ પણ થાય એટલે તરત જ દવા લઈને સાજા થવાની ખૂબ જ કાળજી રાખે.
હું દીવથી એક મોટીવેશનલ સેમિનાર કરીને આવ્યો તો તેમની તબિયત થોડી ખરાબ હતી. જોકે આમ તો એ ખૂબ ઉર્જાવાન. ચાલવામાં અને સાઇકલ ચલાવવામાં તો એમનો જોટો જ ન જડે. એક સમારંભમાં જમવા ગયા પછી તબિયત ખરાબ થઈ. આમ તો તબિયત ખરાબ એટલે માત્ર પેટમાં દુખતું હતું. મેં આવીને તરત જ કીધું," દવાખાને જવું છે?" " ના! ", એમનાં તરફથી આટલા વર્ષોમાં ક્યારેય દવાખાના માટે અને એ પણ તકલીફ થયાં પછી ના આવી હોય તેવો આ પહેલો દાખલો. મેં કહ્યું," કોઈ નાના દવાખાને જઈ આવીએ. એ તૈયાર થયા એટલે હું એમને એમના માનીતા ડોક્ટર પાસે લઈ ગયો પણ એ દવાખાનું બ
ંધ હતું. હવે મને પણ થોડી ચિંતા થઈ. એમણે કહ્યું, " કંઈ વાંધો નહીં. બીજા કોઈ પાસે જઈએ." બીજા એક અજાણ્યા ડોક્ટર પાસે ગયા. એણે દવા આપી. રાતે ઉલટાની તકલીફ વધી. રાતે બે દવાખાને ફર્યા બાદ સવારે સોનોગ્રાફી કરતા પેટમાં બગાડ હોવાનું જણાયું. તાત્કાલિક મહુવા સીટી ગયા. ત્યાં બધા રિપોર્ટ કર્યા. બીપી ખૂબ આવ્યું. ઓપરેશન થાય એમ નહોતું અને બીજી તરફ આંતરડું ફાટી જાય એવું હતું.
ચિંતા શું કહેવાય એ જો ચહેરા પરથી જાણી શકાય તો મને મારા મમ્મીનો ચહેરો આખો વંચાતો હતો. અચાનક ડોક્ટરે એમને સોપ એનિમા આપ્યો અને ટોયલેટ જતી વખતે તેઓ પડી ગયા. તાત્કાલિક તેમને આઇસીયુમાં ખસેડયા. નળી અને મશીન જોઈને જ અમારા હૃદયમાં મુંજારો થવા લાગ્યો. ઉંઘીએ નહીં તો રાત કેટલી મોટી હોય તેની જિંદગીમાં પહેલીવાર ખબર પડી. રાત આખી ખૂબ જ ચિંતામાં ગઈ પણ પપ્પા હતા એટલે એમનું અસ્તિત્વ જ અમને હૈયાધારણ પૂરું પાડતું. સવારે માત્ર ચિંતા હતી પપ્પા નહોતા.......!!