પુસ્તકમાંથી પ્રેમ
પુસ્તકમાંથી પ્રેમ
કેવલ માટે લોકો એમ કહેતા કે એ કિતાબી કીડો છે. આખો દિવસ એનું માથું પુસ્તકમાં જ હોય! એના મિત્રો કહેતા કે અમે તો નાનપણથી આને જોઈએ છે. અત્યારે કૉલેજમાં આવ્યા, આજુબાજુ અપ્સરા આવી જાય તો પણ એ પુસ્તકની બહાર નજર ન કરે. બધાને એમ કે એના જીવનમાં કોઈક આવી જશે ત્યારે કેવલ બદલાઈ જશે. પણ એવું ન થયું. બધાનો અભ્યાસ પૂરો થઈ ગયો પણ કેવલ હજુ આગળ ને આગળ અભ્યાસ કરી જ રહ્યો હતો.
મમ્મી કોમલબેન એને ઘણીવાર કહેતા કે," હવે લગ્ન કરી લે ને બેટા."
કેવલ હંમેશ કહેતો કે," મમ્મી, મારો અભ્યાસ ચાલે છે હજુ તો!"
પછી કોમલબેન કઈ પણ ન કહેતા.
હવે તો કેવલે પી. એચ. ડી. પણ કરી લીધું ને પ્રોફેસર બની ગયો. હવે એની પાસે કોઈ બહાના નહોતા બચ્યા. એટલે મમ્મી ની જીદ સામે ઝૂકવું જ પડ્યું એને યુવતી જોવા જવું પડ્યું.
એણે રસ્તામાં યુવતીનું નામ પૂછ્યું. કોમલબેન એ કહ્યું ,"યુવતી નું નાં નામ કૃતિ છે."
'લે મમ્મી, આમાં મને જોવા લઈ જવાની શું જરૂર હતી. અમથા હું બધા લેખકોની કૃતિ વાંચતો હોવ છું. આ કૃતિ તો રૂબરૂ મળે છે તો જોવાની શું જરૂર છે. લઈ આવો, મારે તો વાંચવાનું જ છે ને !"
કોમલબેન માથે હાથ દઈ બેઠા. આને માથેથી હજુ પણ પુસ્તકનું ભૂત નથી ઉતર્યું. કેવલે મનોમન નક્કી કરી લીધું કે કૃતિનેજ પરણવું. યુવતી ને જોઈ ન જોઈ કેવલે હા પાડી દીધી. બધું ખૂબ ઝડપથી થઇ ગયું. લગ્ન પણ લેવાઇ ગયા ને કૃતિ કેવલ પાસે આવી ગયી હમેંશા માટે.
કૃતિ સેટ થઈ ગયી હતી, એને કેવલનું વર્તન ખટકતું. કેવલ તરફથી કદી કોઈ રોમેન્ટિક વાતોજ ન થતી. રૂટિન વાતો કરતો. કૉલેજથી આવીને પુસ્તકમાં નવલકથાઓ વાંચ્યા કરતો. નવા નવા લગ્ન છતાંય કૃતિને ક્યાંય બહાર ફરવા પણ નથી લઈ ગયો! કૃતિ કેવલને રીઝવવા નવી નવી વાનગીઓ બનાવતી. કેવલ ઝટપટ જમીને પાછો વાચવામાં મશગુલ થઈ જતો! કૃતિ નવી સાડી કે હેરસ્ટાઇલ કરીને કેવલ સામે આવતી તો કેવલ સરસ કહી ફરી એજ! નવલકથામાં પોરવાઈ જતો.
કૃતિ હવે ખરેખર થાકી ગઈ. એણે બધા પ્રયાસો છોડી દીધા. કોમલબેન બધું જોતાં પણ પોતે પોતાના દીકરા ની ટેવ કહો કે કુટેવ માટે કઈ કરી શકે નહોતા. કૃતિ હવે ખૂબ જ સામાન્ય રીતે રહેવા લાગી. સાવ સાદા કપડા પહેરતી. જાણે કે જીવન માં કોઈ રસ કે ઉમંગ ન હોય એમ. ખૂબ ઓછું બોલતી. પહેલાં તો કેવલ સાથે થોડી ઘણી વાતચીત કરવા પ્રયત્ન કરતી. હવે એ પણ છોડી દીધું!
કેવલ એકવાર એક નવલકથા વાંચી રહ્યો હતો. નવલકથાનો નાયક એના જેવો જ દર્શાવવામાં આવ્યો હતો. એની નાયિકા કૃતિની જેમ જ બધું કરતી પણ નાયક પ્રતિભાવ ન આપતો. છેવટે નાયિકા આપઘાત કરીને મરી જાય છે! કેવલ ને આંચકો લાગ્યો! એને આ બધું પોતાના જીવનમાં થતું હોય એવો અહેસાસ થયો. જાણે કે તંદ્રા માંથી સફાળો જાગ્યો. એવું ન્હોતું કે એને કૃતિ ન્હોતી ગમતી કે એને એના માટે પ્રેમ ન્હોતો. પણ એનો વિશેષ રસ પુસ્તકની કૃતિમાં રહેતો!
એણે પહેલીવાર પુસ્તકમાંથી નજર ઊંચી કરી કૃતિ સામે જોયું. એ રીતસર ચમક્યો. હું જોવા ગયો હતો ને અત્યારની કૃતિમાં જમીન આસમાનનો ફરક છે! એના ચેહરો સાવ શુષ્ક અને નિસ્તેજ બની ગયો હતો.
કેવલ ને ખરેખર પસ્તાવો થયો. હું આ શું કરવા જઈ રહ્યો હતો? કેવલ પુસ્તકો પર ઘ્યાન આપ્યું ને મારા જીવનની કૃતિ ને ભૂલી ગયો! સવારે કૃતિ જાગી ત્યારે આ શું જોયું!? કેવલ એની સામે ચા અને નાસ્તાની ટ્રે લઇને ઊભો હતો. કૃતિને વિશ્વાસ ન બેઠો પોતાની આંખો પર! એણે આંખો ચોળીને જોયું. હા, આ હકીકત જ હતી.
કેવલ કૃતિને બાથમાં લઈને બોલ્યો," આજથી હું મારા જીવનની કૃતિને વાચવાની શરૂઆત કરવાનો છું."
કૃતિના ચેહરા પર ચમક આવી ગયી અને બંને ખડખડાટ હસી પડ્યા !