STORYMIRROR

Rahul Makwana

Romance Tragedy Thriller

4  

Rahul Makwana

Romance Tragedy Thriller

પસ્તાવો

પસ્તાવો

6 mins
419

સ્થળ : ઓસ્કાર ઈમ્પોર્ટ એન્ડ એક્સપોર્ટ કંપની 

સમય : સવારનાં સાંજનાં 7 કલાક.

અલ્પેશ ઓસ્કાર કંપનીમાં નવો સ્ટોક આવેલ હોવાથી તે કોમ્પ્યુટરમાં જુના અને નવાં સ્ટોકની માહિતી તૈયાર કરી રહ્યો હતો. અલ્પેશમાં ચહેરા પર થોડી ચિંતાઓ અને ગભરામણ સ્પષ્ટપણે દેખાય રહ્યો હતાં, જેનું કારણ એ હતું કે અલ્પેશને આ સ્ટોક બેલેન્સ રિપોર્ટ રાતનાં 9 વાગ્યાં પહેલાં જ મેનેજરને સોંપવાનો હતો અને ત્યારબાદ જ તેને ઘરે જવાની મેનેજરે કડક સૂચના આપેલ હતી. આથી અલ્પેશ સ્ટોક બેલેન્સ રિપોર્ટ તૈયાર કરવામાં લાગી જાય છે.

હાલ અલ્પેશ કોમ્પ્યુટર પર બધી માહિતી ઉમેરી રહ્યો હતો. તેનાં ટેબલ પર ફાઈલોનો ઢગલો પડેલ હતો. બરાબર એ જ સમયે અલ્પેશનો મોબાઈલ ફોન રણકી ઊઠે છે, આથી અલ્પેશ મોબાઈલ ફોનની ડિસ્પ્લે પર નજર કરે છે. મોબાઈલ ફોનની ડિસ્પ્લે પર "માય લાઈફ" એવું લખેલ હતું. અલ્પેશ હાલ વધુ પડતા કામનાં ભારણને લીધે હું પછી કોલબેક કરીશ એવાં વિચાર સાથે કોલ કટ કરી દે છે.

5 વર્ષ અગાવ.

અલ્પેશ કોલેજમાંથી છુટ્ટીને સીટી બસ્ટેશન પર પોતાનાં ઘર તરફ જતી બસની રાહ જોઈ રહ્યો હતો. એવામાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયાં. મોસમે જાણે પળભરમાં જ પોતાનો મિજાજ બદલી નાખ્યો હોય તેવું હાલ અલ્પેશ અનુભવી રહ્યો હતો. આ સાથે જ આકાશમાં ડરાવી દે તેવાં જોર જોરથી વીજળીનાં કડાકા ભડાકા થવાં લાગ્યાં. જોત જોતામાં તો ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો. આ વરસાદનો મિજાજ જોતા એવું લાગી રહ્યું હતું કે આ વરસાદ ઓછામાં ઓછી ત્રણ ચાર કલાક તો વરસશે.

આ સાથો સાથ અલ્પેશનાં મનમાં પણ ઘણાં બધાં પ્રશ્નો "શું આ વરસાદ વરસવાનું બંધ નહીં થાય ? શું આ વરસાદમાં પોતાને ઘરે પરત ફરવા માટે કોઈ વહાન મળશે ? શું આજે પોતે ઘરે સમયસર પરત ફરી શકશે ?" આવા હાલ અલ્પેશનાં મનમાં પોતાનું આધિપત્ય જમાવી રહ્યાં હતાં.

બરાબર એ જ સમયે સોળે કળાએ જેની યુવાની ખીલેલ હતી તે યુવતી મોહિની આ ધોધમાર વરસાદને હરણની માફક ચીરતાં ચીરતાં અલ્પેશ જે સીટી બસસ્ટેશન પર ઉભેલો હતો ત્યાં આવી પહોંચે છે. મોહિની તેનાં નામ મુજબ જ ગુણો ધરાવતી હતી, તેનું નાજુક અને ભરાવદાર શરીર મનમોહક લાગી રહ્યું હતું, તેની કમર હરણની માફક એકદમ પાતળી હતી, તેની મોટી મોટી ચમકદાર આંખો મોહિનીનાં વ્યક્તિત્વમાં ચાર ચાંદ લગાવી રહી હતી. તેની અણિયારી આંખો લાખો યુવાહૈયાને ઘાયલ કરવાં માટે પૂરતી હતી. તેનાં ભરાવદાર ગાલ અને કમળની પાંખડી જેવાં તેનાં ભરાવદાર હોઠ મંત્રમુગ્ધ કરી દે તેવાં હતાં, એમાં પણ તેનાં ચહેરા પર બાજેલ વરસાદનાં પાણીનાં ટીપાઓ મોહિનીની વધુ મોહક અને આકર્ષક બનાવી રહ્યાં હતાં.

જ્યારે મોહિની હાલ એ બાબતથી એકદમ અજાણ જ હતી કે તેની આ માદક અદાઓ, તે જ સીટી બસસ્ટેશન પર ઉભેલાં અલ્પેશને અજાણતા ઘાયલ કરી બેસેલ હતી..અલ્પેશને પણ જાણે મોહિની સાથે પહેલી નજરમાં જ પ્રેમ થઈ ગયો હોય તેવું અનુભવી રહ્યો હતો. આથી અલ્પેશનું મન વિચારોની વમળોમાં ચડી જાય છે. બરાબર એ જ સમયે અલ્પેશને જે સીટીબસમાં ઘરે જવાનું હતું, તે સીટીબસ આવી પહોંચે છે અને હોર્ન વગાડે છે. આ સાથે જ અલ્પેશ વિચારોની દુનિયામાંથી એક ઝબકારા સાથે જ બહાર આવે છે. ત્યારબાદ અલ્પેશ એ સીટીબસમાં બેસી જાય છે. 

 એવામાં અલ્પેશને એકાએક મોહીનોનો વિચાર આવે છે, આથી અલ્પેશ બસની બારીની બહાર નજર કરે છે. આ સાથે જ જાણે પોતે મનોમન જોયેલા સપનાઓ પળભરમાં જ તૂટી ગયાં હોય તેવું દર્દ અલ્પેશ અનુભવી રહ્યો હતો. બરાબર તે જ સમયે મોહિની તે બસમાં પ્રવેશે છે. બસમાં બેસવા માટે કોઈ સીટ ખાલી ન હોવાને લીધે અલ્પેશ મોહિનીને પોતાની સીટ પર બેસવા માટે ઈશારો કરે છે. જ્યારે મોહિની અલ્પેશનો આભાર માનીને સીટ પર બેસે છે. ત્યારબાદ આ બસ વરસાદને ચીરતાં ચીરતાં શહેર તરફ આગળ ધપે છે. આવું જ એક તોફાન હાલ અલ્પેશના હૃદયમાં ઉદ્દભવેલ હતું. જેમ જેમ બસ આગળ વધી રહી હતી તેમ તેમ મોહિની વરસાદમાં પલળી હોવાને લીધે ઠંડીને લીધે ધ્રુજી રહી હતી. અલ્પેશ આ તક ઝડપતા પોતે જે કોટ પહેરેલો હતો તે કોટ કાઢીને મોહિની સામે ધરે છે. મોહિની ચહેરા પર સ્મિત સાથે એ કોટ લઈને પહેરી લે છે. અલ્પેશે આપેલ કોટ પહેર્યા બાદ મોહિનીને ઘણું સારું લાગી રહ્યું હતું.

તો આવી રીતે મોહિની અને અલ્પેશનાં પ્રેમનાં બીજનું રોપણ થયેલ હતું. ધીમે ધીમે સમયે આ પ્રેમને વધુને વધુ ગાઢ બનાવ્યો, ત્યારબાદ અલ્પેશ અને મોહિનીનો પરિવાર પણ તે બંનેનાં લગ્ન માટે રાજી થઈ ગયો. 


મોહીનોનો કોલ ડિસ્કનેક્ટ કર્યા બાદ અલ્પેશ ફરી પાછો પોતાનાં કામમાં વ્યસ્ત બની જાય છે. બરાબર એ જ સમયે મોહિની બીજીવાર કોલ આવે છે, આ વખતે પણ અલ્પેશ કોલ ડિસ્કનેક્ટ કરી દે છે...આવી રીતે મોહિનીના ત્રણ ચાર કોલ આવવાને લીધે અલ્પેશ થોડા ગુસ્સા સાથે મોહિનીનો કોલ રિસીવ કરે છે.

"મોહિની ! તને ખબર ના પડે કે હું કોઈ અગત્યનાં કામમાં હોવ તો જ તારો કોલ રિસીવ ના કરતો હોય, અહીં મારે ઘણું બધું કામ હજુ બાકી છે. જ્યારે તું કોલ પર કોલ કરે જાય છે." અલ્પેશ ગુસ્સા સાથે મોહિનીને કહે છે.

"જી ! સર હું આકાશ વાત કરી રહ્યો છું !" અલ્પેશને સામેની તરફથી કોઈ વ્યક્તિનો ભારે અવાજ સંભળાયો.

"જી ! તમે કોણ છો ? મોહિનીનો મોબાઈલ ફોન તમારી પાસે ક્યાંથી આવ્યો ? મોહિની ક્યાં છે ?" અલ્પેશે ચિંતાતુર અવાજમાં આકાશને એકસાથે ઘણાં બધાં પ્રશ્નો પૂછી લીધાં.

"જી ! સાહેબ હું આજે સાંજે જ્યારે મારા ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે રસ્તામાં એક્ટિવાનો કાર સાથે અકસ્માત થયેલો હોવાને લીધે ત્યાં લોકોનું ટોળું વળેલ હતું. આથી હું એ ટોળાને ચીરતાં ચીરતાં આગળ વધ્યો. પછી મેં જોયું કે એક યુવતી લોહીલુહાણ હાલતમાં જમીન પર પડેલ છે. અકસ્માતને લીધે તેનાં શરીરમાં ઘણી બધી જગ્યાએ ઈજાઓ થયેલ હતી. જ્યારે ત્યાં હાજર રહેલાં તમામ લોકો ફોટા પાડવા અને વીડિયો બનાવવામાં વ્યસ્ત હતાં. 

 આથી માનવતા દર્શાવતા હું એ યુવતી પાસે ગયો, તો તેનાં મોબાઈલ ફોનની ડિસ્પ્લે પર માય હસબન્ડ એવું લખેલ મેં જોયું. આથી મેં તમને આ ઘટનાની જાણ કરવાં માટે ફરિવાર કોલ કર્યો પરંતુ તમે આ વખતે પણ કોલ ડિસ્કેનેક્ટ કરી નાખ્યો. જ્યારે આ બાજુ તમારા પત્નીની તબિયત વધુને વધુ ગંભીર થતી જતી હોવાને લીધે મેં કઈ પણ લાંબો વિચાર કર્યા વગર તરત જ તમારી પત્નીને નજીકની હોસ્પિટલે લઈ આવ્યો છું." આકાશ સમગ્ર ઘટનાં અલ્પેશને જણાવતાં બોલે છે.

"ઓહ ગોડ ! તો તમે મારી પત્નીને કઈ હોસ્પિટલમાં દાખલ કરી છે. પાંચ જ મિનિટમાં ત્યાં પહોંચું છું" અલ્પેશ બેબાકળા થતાં થતાં પૂછે છે.

"જી ! હવે તમારે ઉતાવળ કરવાની કોઈ જ જરૂર નથી...કારણે કે તમારા પત્ની આ દુનિયાને પાંચ મિનિટ પહેલાં જ અલવિદા કહી વિદાય લઈને જતાં રહ્યાં છે." આકાશ અલ્પેશને દુઃખદ વાસ્તવિકતા જણાવતાં બોલે છે.

"ઓહ નો….મોહિની...મોહિની…મોહિની..!" અલ્પેશની આ વાત સાંભળીને અલ્પેશ દુઃખ સાથે જોર જોરથી એક દર્દનાક ચિચિયારી પાડી ઉઠ્યો.

ત્યારબાદ અલ્પેશ આકાશ પાસેથી હોસ્પિટલનું સરનામું મેળવી હોસ્પિટલે જાય છે. અને ત્યારબાદ તે મોહિનીનો નિષ્પ્રાણ દેહ પોતાના ઘરે લઈને આવે છે, અને હિન્દૂ ધર્મનાં રીતિ રિવાજો મુજબ મોહિનીના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે.

 મોહિનીની સળગતી ચિતા જોઈને અલ્પેશ પોતાની જાત પ્રત્યે ખૂબ જ નફરત અનુભવી રહ્યો હતો, મોહિનીની આવી રીતે એકાએક આકસ્મિક વિદાય પાછળ તે પોતાની જાતને જ જવાબદાર ગણી રહ્યો હતો. તે પોતાનાં મનને વારંવાર કોશી રહ્યો હતો કે," કદાચ મેં મારા સમયમાંથી 5 મિનિટ કાઢીને મોહિની સાથે વાત કરી લીધી હોત, તો મારે મોહિનીને આવી રીતે ગુમાવવાની નોબત ના આવી હોત અને મોહિની હાલ મારી સાથે જ હોત…!" આવા વિચાર આવતાની સાથે જ અલ્પેશની બંને આંખોમાંથી આંસુઓ તેનાં ગાલ પર થઈને જમીન પર પડી રહ્યાં હતાં.

આપણા જીવનમાં પણ ક્યારેક અમુક પરિસ્થિતિ એવી આવતી હોય છે કે આપણે આપણાં સ્વજન પાછળ પાંચ મિનિટ પણ ફાળવી શકતા નથી, એ જ્યારે એ પાંચ મિનિટ ના ફાળવી શકવાનું પરીણામ એટલું ભયંકર, દર્દનાક અને અવિશ્વનિય આવતું હોય છે કે જેનાં વિશે આપણે સપનામાં પણ વિચાર્યું નથી હોતું. જો અપ્લેશે મોહિની માટે માત્ર પાંચ જ મિનિટ ફાળવી હોત, તો કદાચ અલ્પેશને મોહિનીને ગુમાવવાની નોબત ના આવી હોત.


Rate this content
Log in

Similar gujarati story from Romance