Mariyam Dhupli

Romance

3.6  

Mariyam Dhupli

Romance

પસંદ -નાપસંદ

પસંદ -નાપસંદ

9 mins
14.5K


"સ્નેહલ ક્યાં છે તું ? ફિલ્મ થોડાજ સમય માં શરૂ થઇ જશે !" અંકિતે દર વખત ની જેમજ ઉતાવળ અને અધીરાઈ દાખવી .

"અરે આવું છું, રસ્તા માંજ છું ..." સ્નેહલનો ઉત્તર એના સ્વભાવ જેવોજ શાંત અને સરળ હતો.

"શો શરૂ થઇ ગયો તો....આજના દિવસે પણ મોડું ???"

"અરે નહીં થશે... હું પહોંચી જઈશ સમયસર ...આજનો દિવસ ખાસ છે તો તૈયારીઓ પણ ખાસ હોવી જોઈએ કે નહીં ? હવે તું કોલ કાપે તો હું સિનેમાઘર પહોંચીશ ને !" અંકિતની પ્રતિક્રિયા સાંભળ્યા વિનાજ સ્નેહલે ઉતાવળમાં કોલ કાપ્યો .

અંકિતના અધીરા સ્વભાવથી એ સારી પેઠે પરિચિત હતી . આખરે ઓળખાણ અને પ્રેમ પણ તો બાળપણ જૂના હતા ! મનોમન અંકિત ઉપર એ છંછેડાઈ પણ ગઈ . 'આ છોકરામાં ધીરજ અને ધૈર્ય નામની કોઈ વસ્તુજ નથી. ગુસ્સો હમેશા નાક ઉપર !' અને પછી બીજીજ ક્ષણે મનમાં મંદમંદ સ્મિત ઉપસી આવ્યું 

'પણ એ ગુસ્સો હોય છે થોડાજ સમયનો મહેમાન. એના જેવું વિશાળ હૃદય જડવું મુશ્કેલ !' પોતાના પ્રેમને પોતાનાથી વધુ કોણ સમજી 

શકે ? જેવો છે એવો એ પોતાનો છે ! પ્રેમ માં તો સારા નરસા બન્ને ગુણો નો સમાન સ્વીકાર. ..સંપૂર્ણતા  તો માનવહ્રદયની ભ્રમણા માત્ર !'

એક ઓટો લઇ એ સીધીજ શહેર ની જાણીતી ગિફ્ટ શોપ ઉપર પહોંચી . આજે આખી ગિફ્ટ શોપ વિશેષ 'લાલ' રંગ થી સજ્જ હતી . વેલેન્ટાઈન દિવસ નિમિત્તે આખી દુકાન ઘરાકોથી ઉભરાઈ રહી હતી. પગ મુકવાની જગ્યા પણ ન હોય એવા સ્થળે પોતાના શરીર માટે જગ્યા બનાવતી એની આંખો અંકિત માટે કોઈ વિશિષ્ટ ભેટ શોધી રહી . 

'નહીં ..નહીં ...શોભાની ભેટ એને બહુ પસંદ નથી . એક જગ્યા એ પડી રહે એવી વસ્તુઓ એને ભેટમાં કદી ગમશે નહીં . અંકિતને મતે તો ભેટ એવી હોવી જોઈએ જેનો ગમે ત્યારે ઉપયોગ કરી ભેટ આપનારની લાગણીઓ ને શીઘ્ર અનુભવી શકાય . '

અંકિત ની પસંદગી થી સારી પેઠે પરિચિત સ્નેહલની દ્રષ્ટિ સંગીત માટે ના ડીવીડી સ્ટેન્ડ ઉપર પડી. 

'હા , સંગીત ...અંકિતનો શોખજ નહીં એની આરાધના ...' 

આખા સ્ટેન્ડ ઉપર નજર ફેરવતી સ્નેહલ અંકિતની પસંદગીના સંગીતને શોધી રહી . અચાનક અંકિત સાથેના વાર્તાલાપના શબ્દો એના અર્ધજાગ્રત મન માં તરી આવ્યા..

"જો સ્નેહલ સંગીત જગતનો કોઈ રાજા હોય તો એ ફક્ત કિશોર કુમાર .. માનવીના દરેક મૂડ અને મિજાજ માટે એમની પાસે ગીતો છે. ખુશી, દુઃખ, પીડા, મસ્તી, ફિલોસોફી કે પ્રેરણા ..." અંકિત જો અહીં હોત તો કિશોરની ડીવીડી જ પસંદ કરત એ વિશ્વાસ સાથે એણે કિશોર કુમારના એવર ગ્રીન ગીતોની ડીવીડી ભેટ માટે પસંદ કરી પૅક કરાવી લીધી . પોતાના પ્રેમની ખુશી કયા સ્થળે ,કઈ પ્રવૃત્તિઓમાં ,કેવા સ્વરૂપોમાં છુપાઈ હોય એ પ્રેમભર્યું હૃદય ક્ષણમાં ગોતી કાઢે !

'ચાલો ભેટ તો નક્કી થઇ ગઈ, હવે ગ્રીટિંગ કાર્ડ ....' ઉતાવળે ઘડિયાળમાં નજર મેળવી સમયની કટોકટીથી અવગત થઇ એણે સ્ફૂર્તિ બમણી કરી. ફિલ્મનો શો શરૂ થઇ જાય એ પહેલા સિનેમાઘર પહોંચવાનું હતું. અંકિત ક્યારનો એની રાહ જોઈ રહ્યો હતો. મોડી પડશે તો અંકિતનો પારો કેવો ચઢશે ? દોડતી ભાગતી એ 'શુભેચ્છા પત્રકો' ની લાંબી સુંદર શ્રેણી આગળ આવી ઉભી.

આજે તો ગ્રીટિંગ કાર્ડના વિભાગમાં પણ કેટલું વૈવિધ્ય હતું ! 'અંકિત ને કેવો કાર્ડ ગમશે ? જોકે અંકિત તો કાર્ડના બાહ્ય દેખાવ 

કરતા અંદર ના લખાણ ને વધુ મહત્વ આપે છે ..લાગણીઓ નું સુંદર નિરૂપણ એને આકર્ષે છે ...શબ્દોમાં તરતી, ડૂબતી, ઉભરાતી ભાવનાઓ એને મોહે છે ...માનવી અંગે પણ એના વિચારો એટલાજ સ્પષ્ટ છે વ્યક્તિ બાહ્ય દેખાવે ગમે તેવી હોય આંતરિક સુંદર વિચારો ને ભાવાત્મક શણગાર ધરાવનારી હોવી જોઈએ ...કેટલા ઊંડા વિચારો ! ' આ વિચારો એ જ તો એને અંકિત ઘેલી બનાવી હતી . દેખાવ નું આકર્ષણ તો દેખાવના લોપ સાથેજ અદ્રશ્ય થઇ જાય પરંતુ વિચારો નું આકર્ષણ તો આજીવન ટકે કારણકે વ્યક્તિના વિચારો શરીર સાથે નહીં આત્મા જોડે સંકળાયેલા હોય છે...તેથી જ પ્રેમ શારીરિક નહીં આત્મિક અનુભૂતિ છે...

'લવ ઇઝ નેવર બ્લાઇન્ડ .ઇટઝ એન ઇનેવીટેબલ આઈસાઈટ ફોર હ્યુમન સર્વાઇવલ' 

કાર્ડના શીર્ષક થીજ એનું ઊંડાણ મપાઈ ગયું . એકજ વાક્યમાં પ્રેમ કેટલી સહજ સરળ રીતે સંકેલાઇ ગયો . ' પ્રેમ કદી આંધળો હોતો નથી . એ તો માનવ અસ્તિત્વના બચાવ માટેની અનિવાર્ય આંખો છે ! ' એણે સ્ટેન્ડ પરથી ઝડપથી કાર્ડ ઉંચકી લીધો .

ભેટ અને ગ્રીટિંગ કાર્ડની પસંદગી થઇ ચૂકી . હવે વેલેન્ટાઈન ઉજવણીનું અંતિમ સોપાન . એક સુંદર પુષ્પ ગુચ્છ. ફૂલો ની દુકાન પર દોડતી ભાગતી પહોંચેલી સ્નેહલનો મોબાઈલ ફરી રણક્યો . અંકિતની અધીરાઈ ચરમસીમા એ પહોંચી હતી. સ્નેહલ જાણતી હતી કે મોબાઈલ ઉઠાવવું એટલે વાર્તાલાપ અને ચર્ચામાં સમય વેડફવું. અંકિત ફરીથી લાંબી લચક પ્રશ્નોની છડી વરસાવશે . ક્યાં છે ? હજી નથી પહોંચી ? ફિલ્મ શરૂ થઇ જશે ...તને કહ્યું હતું કે સમયસર પહોંચી રહેજે ...વગેરે ...વગેરે ... મોબાઈલ અડક્યા વિનાજ એણે ફૂલોની પસંદગી પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આખી દુકાન લાલ સુંદર ગુલાબથી મહેકી રહી હતી . વેલેન્ટાઈનની સાંજ ને વધુ રોમાંચક બનાવવા પ્રેમી-પ્રેમિકાઓ લાલ ગુલાબની ખરીદી મન મૂકીને કરી રહ્યા હતા. પણ સ્નેહલ લાલ ગુલાબના ઢગલા વચ્ચે સફેદ ગુલાબ શોધી રહી હતી. મનોમન અંકિત ની પસંદગી નું પૃથક્કરણ યથાવત હતું :

'અંકિતને લાલ ગુલાબ જરાયે પસંદ નહીં. એનું તો એમજ માનવું કે પ્રેમ તો રંગબેરંગી મેઘધનુષી . એને એક રંગ પૂરતો સીમિત ક્યાંથી રખાય ? ફક્ત લાલ રંગમાં જ એને કેમ શોધાય ? એમપણ અંકિતનો ગમતો રંગ તો સફેદ. સફેદ વસ્ત્રો , સફેદ બાઈક , સફેદ પડદા , એનો આખો ઓરડો જ નહીં એનું મન પણ એવું જ સફેદ, સ્વ્ચ્છ, પવિત્ર ! જે અંદર હોય એજ બહાર. આવરણો વિનાનું પારદર્શી એનું હૃદય ..તદ્દન શ્વેત, સફેદરંગ સમુજ ...અંકિતનાજ શબ્દોમાં કહીએ તો સફેદ રંગ તો સૌ રંગોનું મૂળ ..ને જે રંગ એમાં ભળે એને પોતાનામાં સહજતાથી સમાવી પહેલાથી પણ વધુ સુંદર નવીન રંગમાં ઢાળી નાખે....અંકિત જેમજ તો ....જે અંકિત ને પ્રેમ કરે એ એની ભાવનાઓના પારદર્શી જગતમાં રંગાઈ પહેલાથી પણ સુંદર વ્યક્તિત્વમાં ઢળી જાય...' 

દુકાન માં સજ્જ એક વિશાળ અરીસા માં સ્નેહલે પોતાના પ્રતિબિંબ પર ઊડતી નજર ફેંકી . એનું વ્યક્તિત્વ સાચેજ પહેલા કરતા પણ વધુ સુંદર ભાસી રહ્યું હતું. ચ્હેરા પર વ્યાપેલી શરમને ઢંઢોળી, અરીસા પર સ્થિત નજર પાછી ખેંચતી એક આકર્ષક શ્વેત પુષ્પોથી બંધાયેલું બુકે એણે નાજુકતાથી ઉઠાવ્યું .

'અંકિત માટે આજ શ્રેષ્ઠ રહેશે !'

દુકાન વાળા એ ફૂલોના બુકે ઉપર સંદેશા માટેનું એક ટેગ લગાવી સ્નેહલને થમાવ્યું. પર્સમાંથી પેન કાઢીજ કે મોબાઈલમાં મેસેજ ની રિંગટોન વાગી : ' અંકિત જરા તો ધીરજ ઘર ...' મનોમન અકળાતી એ અંકિતનો મેસેજ વાંચી રહી : " સ્કોર પ્લીઝ ....."

સ્નેહલના ચ્હેરા ઉપર પ્રેમ ભરી ચમક ઉપસી આવી . અંકિત ભાગ્યશાળી તો ખરો ! અન્ય યુવતીઓ ક્રિકેટ કે ફૂટબોલ નું નામ સાંભળતા અકળાતી . જયારે સ્નેહલ તો એની ' સ્પોર્ટ્સ બડી ' ..બાળપણથી મોટાભાગની ક્રિકેટ મેચ બન્ને એ સાથેજ નિહાળી હતી. અંકિત ની દરેક કોલેજ સ્પોર્ટ્સ ઇવેન્ટમાં સ્નેહલ એની જોડેજ હોય એને પ્રેરિત કરવા તો અંકિત પણ તો સ્નેહલની દરેક બેડમિન્ટન મેચમાં અચૂક હાજરી નોંધાવતો . ક્યારેક એના શ્રેષ્ઠ શૉટ ઉપર સીટીઓ વગાડતો તો કયારેક એના ખરાબ શૉટ ઉપર ગુસ્સામાં બરાડતો ...પરંતુ ગુસ્સો પણ સંભાળ, કાળજી અને દરકાર નો એક હિસ્સોજ ને !

ઝડપથી મોબાઈલ માંથી લાઈવ ક્રિકેટ એપ્પ ખોલી એણે અંકિત ને લાઈવ સ્કોર જણાવ્યો : " ભારત ૨૦૩ પર પાંચ - ૪૫ ઓવર ...ધોની ૮૫ નોટ આઉટ "

મોબાઈલ પર્સમાં સરાવી એણે પેન ફરી તૈયાર કરી. સંદેશામાં શું લખવું ? અંકિતના ગમા અણગમા ફરી મનમાં પ્રસરી ગયા : 'અંકિતને છીછરા સાહિત્ય અને શબ્દો ના ફક્ત ઔપચારિક છંદોમાં કેદ ભાવાત્મક શૂન્યતા વાળા શબ્દોથી કેટલી ચીઢ છે ! શબ્દોના તાલ અને લય મળે ન મળે ,વાચક અને લેખકના મનોભાવો સમાન સ્તરે મળી જાય એજ એનું ગમતું સાહિત્ય ...અંકિતનો સાહિત્ય પ્રેમ એટલે અન્ય શબ્દોમાં ' મિર્ઝા ગાલિબ ' ..શબ્દો અલ્પ અને લાગણીઓના સમુદ્ર ! ..અંકિતના પુસ્તક સંગ્રહમાં ગાલિબના પુસ્તકો મહત્તમ છે અને એમાંથી પણ મોટાભાગના પુસ્તકો તો જાતેજ એને ભેટ આપ્યા છે ...'

મિર્ઝા ગાલિબની કાવ્ય પંક્તિઓથી એણે બૂકે ને ચારચંદ લગાવી દીધા :

"હમ તો ફના હો ગયે ઉસકી આંખે દેખકર ગાલિબ ,

ન જાને વોહ આઈના કેસે દેખતે હોંગે ?"

અંકિતની દરેક પસંદને આવરી લઇ એના વેલેન્ટાઈન ડેને પોતાના તરફથી મહત્તમ સુંદર અને યાદગાર બનાવવાના પ્રયાસોથી સંતુષ્ટ સ્નેહલ ઓટો લઇ સીધીજ સિનેમાઘર પહોંચી .

આતુરતાથી સ્નેહલની રાહ જોઈ રહેલ અંકિત સ્નેહલ ને નિહાળતાંજ એના તરફ ધસી આવ્યો.

સ્નેહલની અપેક્ષા પ્રમાણે એની ઉપર રીતસર ગરજી ઉઠ્યો :

" આટલું મોડું સ્નેહલ ? હું ક્યારનો અહીં ..."

અંકિત આગળ કાંઈ બોલે એ પહેલાજ સ્નેહલે સાથે લઇ આવેલ ભેટ , ગ્રીટિંગ કાર્ડ અને ફૂલો ન બુકે એકીસાથે એના હાથમાં થમાવી દીધા. 

"આટલું બધું ખરીદતા સમય તો લાગે ને ? ઉપરથી તારી પસંદગી - નાપસંદગી બધાનું પૃથક્કરણ કરવાનું વળી જૂદું ......"

અંકિતના ચ્હેરા ઉપર તાણ ને હડસેલી ખુશી અને સંતોષના ભાવો છવાઈ રહ્યા. 

"ભેટ માં શું છે ? " પેકીંગ ને ધ્યાનથી નિહાળતો એ વિસ્મયથી પૂછી રહ્યો .

"એવર ગ્રીન કિશોર !" સ્નેહલે અત્યંત ધીમા સ્વરે કહ્યું .

"અરે વાહ , ખુબજ સરસ. ને કાર્ડ ?" 

"સાથેજ છે .." સ્નેહલે કાર્ડ ખોલવામાં હાથ આપ્યો .

"લવ ઇઝ નેવર બ્લાઇન્ડ, ઇટ્સ એન ઇનેવીટેબલ આઈ સાઈટ ફોર હ્યુમન સર્વાઇવલ ...વાહ ..શું વાત છે ! ખુબજ ઊંડું અને માર્મિક ...."

"બૂકે ગમ્યો ?" સ્નેહલે અંકિતની આંખોમાં પરોવાતા પૂછ્યું .

"સફેદ સુગંધી ફૂલોમાં મિર્ઝા ગાલિબના શબ્દોનો નશો ...સ્નેહલ મારા વેલેન્ટાઈન ડેને તારાથી વધુ સુંદર કોણ સજાવી શકે ? તું મને મારાથી પણ વધુ જાણે છે . મારી પસંદ - નાપસંદ તારાથી વધુ આ આખા વિશ્વ્માં કોણ સમજી શકે ...હું ખરેખર ખુબજ ભાગ્યશાળી છું ...તારા વિના મારુ શું થાય ?"

અંકિતે સ્નેહલને પ્રેમ અને આદરથી ચૂમી લીધી. 

"ઠીક છે ...ઠીક છે ...હવે મસ્કા મારવાનું બંધ કર ...શ્રેયા તારી રાહ જોઈ રહી છે ..." દૂર ઉભી શ્રેયાને સ્નેહલે હાથથી અભિવાદન કર્યું.

શ્રેયાને પ્રપોઝ કરવા માટે સ્નેહલ પાસે મંગાવેલ બધી વસ્તુઓ સંભાળીને ચકાસી અંકિતે સ્નેહલના કાનમાં ધીરેથી વિનંતી કરી :

"સાંભળ, શ્રેયા સામે ક્રિકેટ એપ ખોલીશ તો નકામી ભડકશે . તું મેસેજ કરી સ્કોર અપલોડ કરતી રહેજે ....."શ્રેયાની દિશામાં અંકિતના પગલાં પૂર જોશ માં ઉપડી પડ્યા. કંઈક યાદ આવતા અચાનક એ ફરી સ્નેહલ નજીક પહોંચ્યો અને એને ઉતાવળમાં ગળે લગાવી દીધી .

"હેપ્પી વેલેન્ટાઈન ડે એન્ડ થેન્ક યુ ફોર એવરીથીંગ ..."

"જા હવે ..." સ્નેહલે મશ્કરી માં અંકિતને શ્રેયાની દિશામાં ધક્કો માર્યો અને થોડીજ ક્ષણોમાં શ્રેયા ને લઇ અંકિત સિનેમાઘર ની અંદર પ્રવેશી ગયો. 

અંકિતને ટેવ પ્રમાણે સ્નેહલ મનોમન ઉત્તર આપી રહી :

"સાચી વાત છે અંકિત ...તારી પસંદ - નાપસંદને આ વિશ્વ્માં મારાથી વધુ કોણ સમજી શકે ? તારી પસંદ શ્રેયા નહીં હું જ છું .. એ સમજતા તને સમય લાગશે .. પણ ઠીક છે ...પ્રેમ ના શબ્દકોશમાં 'ઉતાવળ 'નામ નો શબ્દ હોય છે જ ક્યાં ? હું તારી રાહ જોઇશ .."

સિનેમાઘરથી દૂર જઈ રહેલ સ્નેહલનું હૃદય અંકિતની પ્રિય મિર્ઝા ગાલિબની પંક્તિઓ ગણગણી રહ્યું :

'મત પૂછ કે ક્યા હાલ હે , મેરા તેરે પીછે ...

તુ દેખ કે ક્યા રંગ હે , તેરા મેરે આગે .............'


Rate this content
Log in

Similar gujarati story from Romance