પર્યાય
પર્યાય




"તમારા હરીદાદાનાં પ્રયત્નથી આ દરિયાકાંઠાની ઝૂપડપટ્ટી ને હવે થોડે દૂરનાં પરાંમાં પાકી-બાંધેલી રુમો મળશે. દાદા, તમારા જેવા બુઝુર્ગનું સાંભળવાની અમારી સરકારની ફરજ છે. તમારા હિતમાં હોય એ બધું અમે કરી છૂટશું. બસ..તમે અમારી સાથે રે'જો." તાળીઓ સાથે નેતાશ્રીનું ભાષણ પૂરું થયું. વસતીના લોકો ખુશ હતાં ને બધા આવી હરીદાદાને અભિનંદન આપતાં હતાં. ચાલો..હટો-હટો સાહેબનો દાદા સાથે ફોટો લેવાનો છે એમ બોલતાં આ વસ્તીના રાજા જેવા ત્રણ-ચાર પાટીલ પણ ફોટામાં ગોઠવાઈ ગયાં ને છાપા-ટીવી વાળાનાં કેમેરા ક્લીક..ક્લીક થવા માંડ્યા. હરીભાઉનો,આ વસ્તી અહીં બની એ પહેલાંથી, આ દરીયા-આ ખારફુટી(મેનગ્રોવ્સ-દરિયાના છીછરા પાણીમાં ઉગતી વનસ્પતિ),આ કિનારા સાથેનો સંબંધ. એમનો જન્મ જ અહીં. ત્યારે તો આ છૂટાછવાયા માછીમારોનાં ઘરોથી બનેલું નાનું,શાંત ગામડું હતું. માછીમારો હોડી લઇ નજીકના દરિયામાં જ મચ્છી પકડે ને મુંબઈ ની બજારમાં સારા ભાવે વેંચી કમાણી કરે. સાદી-સંતોષી જિંદગી. છેલ્લા વીસ વરસમાં પરિસ્થિતિ બદલાતી ગઇ. શહેર વિકસતું ગયું ને બહાર ગામથી શ્રમિકો કમાણી કરવા ઠલવાવા માંડ્યા. ગામની માથાભારે ત્રણ ચાર વ્યક્તિ 'પાટીલ' બની બેઠી. દરિયા પાસેની નધણિયાતી જમીન પોતાના હાથમાં લઈ, મેનગ્રોવ્સ કાપી ત્યાં ઝૂંપડા બાંધી ભાડે આપવા માંડી ને આમ આખી માણસોથી ખદબદતી વસ્તી ઊભી થઇ ગઇ. હરીભાઉ જેવા ગામના અસલ માણસો -જેમણે દુનિયા અને પ્રકૃતિ નો ક્રમ જોયો હતો -અનુભવ્યો હતો એમણે આ પાટીલોને આમ ન કરવા ઘણું એ સમજાવ્યા પણ 'આપ મૂઆ પીછે ડૂબ ગઇ દુનિયા 'માં માનવાવાળાઓ તો પોતાનો સ્વાર્થ સાધતાં જ ગયાં.
પહેલાં તો કાંઠાની વનસ્પતિમાં ઇંડા મૂકવા માછલીઓ આવતી ને નજીકનો દરિયો જ માછીમારો ને ભરચક મચ્છી આપતો. હવે તો માણસોના ઘર બનતા માછલીઓ બેઘર બની-દૂર જતી રહી. ખદબદતી વસ્તીનો કચરો દરિયામાં જ ઠલવાતો ને ભરતીના પાણી સાથે એ પાછો કિનારે જ ઠલવાતો. આ ગંદકીથી એક વખતનો સુંદર કિનારો દુષિત થઇ ગયો. દરિયો તોફાને ચઢે ત્યારે આ ખારફૂટી રક્ષા કવચ બની પાણી ને ગામમાં પ્રસરતું અટકાવી દેતી. પણ હવે થોડું દરિયાઇ તોફાન કે -વરસાદ પડેને આ વસતી જ નહીં, થોડે દૂરનાં શહેર સુધી બધું જળબંબાકાર !
હવે તો 'અસલ'માણસોમાં એકલાં હરિભાઉ રહી ગયાં હતાં. જેને લોકો અજોબા કે દાદા બોલાવતાં થઇ ગયાં હતાં. એમને હવે આ કિનારાને પાછો જીવંત કરવાનો એક જ આરો દેખાતો હતો. તે એ કે,આ વસ્તીને જ અહીંથી બીજે ખસેડવી. છેલ્લા થોડા વરસોથી એ કારણો સમજાવી આમ કરવાની અરજી લઇ, કોરપોરેટ, વિધાનસભ્ય, ધારાસભ્ય જ્યાં તક મળે ત્યાં ફરતા રહેતા. લાકડી લઇ ડગુમગુ દોડતાં જ રહેતાં. ઘણાં તો એમનું અપમાન પણ કરતાં કે"' કંઈ જોયા કરાવ્યાં વગર આવી નકામી અરજી લઇ શું દોડ્યા આવો છો?" પણ એમને સમજાતું નહોતું કે દાદાની નજર તો બહુ દૂરનું જોતી હતી !...
હવે આટલા વરસે આ વસ્તીને અહીંથી ખસેડવાનું વચન આપી નવા ઘરોનું મોડેલ બતાવી મંત્રીશ્રી વિદાય થયા..હાશ ! આ કિનારાને ફરી પાછો ખારફૂટીથી લીલોછમ ને જાતજાતની માછલીઓથી તરવરાટ ભર્યો જોઈ શકાશે. હવે દરિયાદેવ રુઠે તો આ વનસ્પતિનું વરદાન હશે જળથી સૌનું રક્ષણ કરવા માટે ! હવે હું શાંતિથી મરીશ....આવું વિચારતાં એ પૌત્રનો હાથ પકડી ઘરે ગયાં...,
રોજ રાતે ટીવીના સમાચાર જોવાની હરીદાદાને ટેવ. તે દિવસે પણ પૌત્રને કહી સમાચાર મૂકાવી ખુરશી પર ગોઠવાયાં. થોડીવારે પોતાનો મંત્રીશ્રી ને આશીર્વાદ આપતો ફોટો ટીવી સ્ક્રીન પર જોઇ, ટટ્ટાર થઇ એમણે કાન સરવા કર્યાં..ન્યૂઝ રીડર કહી રહી હતી.." આજનાં મુખ્ય ખબર..આપણાં પર્યાવરણ મંત્રીશ્રી ની મહેરબાનીથી આપણા દરિયા કિનારે વસેલી સૌથી મોટી વસાહતને ત્યાંથી ખસેડી, બીજે પાક્કા બાંધેલા ઘરોમાં વસાવવામાં આવશે...અને એનાથી પણ અગત્યની વાત એ છે કે.... એ દરિયા કિનારાની જમીનનું વિસ્તરણ કરી- ત્યાં અતિ આધુનિક વસાહત બાંધવામાં આવશે જેમાં, રહેણાંક, મોલ, સ્કૂલ, થિયેટર બધું જ હશે. પર્યાવરણ મંત્રીશ્રીની મહેરબાનીથી દરિયા કિનારાની નક્કામી જમીનનું સોનાની લગડીમાં રુપાંતર...કેવો સુંદર પર્યાય...." હરીદાદાએ પૌત્રને કહી બીજી-ત્રીજી ચેનલ બદલાવી..બધે એ જ બોલાય રહ્યું હતું....થોડીવારે પૌત્રએ પૂછ્યું " દાદા ! ટીવી બંધ કરું?" જવાબ ન મળતાં પાછળ ફરી જોયું તો...હરીદાદાની આંખો કાયમ માટે બંધ થઈ ગઈ હતી.