Chinamyi Kotecha

Action Crime Inspirational

4.5  

Chinamyi Kotecha

Action Crime Inspirational

પ્રતિભા

પ્રતિભા

6 mins
1.0K


ડૂબતો સૂરજ અનુપમ સૌંદર્યની લ્હાણી કરી રહ્યો હોય છે. અવનવા રંગો વડે રંગાયેલું આકાશ અને તેનો બેનમૂન નજારો, કવિઓની કલમ વડે શણગારી શકાય કે ચિત્રકારની પીંછી વડે રંગી શકાય તેમ નહોતો. સંધ્યારાણી આજે પુરેપુરા ખીલેલા હોય છે.

નભે ઓઢેલી સુશોભિત રંગબેરંગી ઓઢણી અને એમાં હારબદ્ધ ઊડતા પક્ષીઓ નવીન આકાર બનાવીને જાણે રંગીન કાગળ પર પોતાના હસ્તાક્ષર કરતા હોય, એવું લાગતું હતું !

ઢળતી સંધ્યાએ નિજગૃહે પાછા ફરતાં પશુ -પંખી અને માનવીઓથી સમગ્ર વાતાવરણ ચૈતન્યમય બની ગયું. ખુશહાલ જિંદગીની સાબિતી આપતી આવી મસ્ત મસ્ત સંધ્યા કોને ના ગમે ?

પણ... પણ વર્ષોનું સેવેલું સપનું અથાગ મહેનત અને ઝંઝાવાતી વાવાઝોડા વચ્ચેય હિમાલય જેવી અડગતાથી પૂર્ણ કરનાર આઈ. પી.એસ.ઓફિસર પ્રતિભા આજે ઘોર નિરાશાના વમળોમાં એવી કેદ થઈ ગઈ કે આજે નોકરી મળ્યાના પ્રથમ દિવસે જ તેને આત્મહત્યા સિવાય કંઈ જ સૂઝતું નહોતું.

પ્રતિભા ઝા એક નિવૃત આર્મીમેનની સંદીપ ઝા ની લાડકી દીકરી હોય છે. આજથી લગભગ 26 વરસ પહેલા સંદીપ ઝાના ઘરે કન્યારત્નની પધરામણી થઈ ત્યારે તેમણે પરિવાર અને સ્વજનોમાં મીઠાઈ વહેંચી હતી. પોતાના બાળકો પ્રતિભા અને પ્રકાશ બંનેને દીકરા કે દીકરીના ભેદભાવ રાખ્યા વિના સરખી રીતે જ મોટા કરેલ.

પ્રતિભા હંમેશા પ્રથમ નંબરે જ ઉતીર્ણ થતી હતી. પ્રતિભા ગ્રેજ્યુએટ થઈ, ત્યાં સુધીમાં તો તરવામાં, ઘોડેસવારી, તલવારબાજી, તિરંદાજીમાં ચેમ્પિયનબની ગઈ અને કરાટેમાં બ્લેક બેલ્ટ લઈ લીધેલો.

સુંદર અને કોમલ એવી ગૌરવર્ણી,નાજુક અને નમણી પ્રતિભાને પહેલીવાર જોઈને તેના કસરતી અને મજબૂત શરીરની કલ્પના જ ના આવે !

કોલેજમાં જ પ્રતિભા તેના કલાસમાં ભણતા તેના જેવા જ સુંદર અને તેજસ્વી યુવાન ઉજ્જવલના પરિચયમાં આવે છે. કોલેજ પછી બંનેને યુ. પી. એસ. સી.ની પરીક્ષા પાસ કરવી હોય છે એટલે કલાસીસમાં પણ સાથે જ જતા. ઉજ્જવલ વહીવટી પરીક્ષા પાસ કરવા માંગતો હોય છે. સંદીપ ઝા ખુબ જ મોર્ડન વિચારો ધરાવતા હોય છે. એટલે ઉજ્જવલ ઘણીવાર પ્રતિભાના ઘરે મળવા કે નોટસ લેવા દેવા પણ આવતો.

એક દિવસ વહેલી સવારે ઝા પરિવાર સવારે નાસ્તો કરતા ડાઇનિંગ ટેબલ પર ભેગા થયેલા. 

સંદીપ :- " દીકરી, તારે હાર્ડવર્ક નહિ, સ્માર્ટવર્ક કરવું જોઈએ. તને નથી લાગતું કે તું ઉજ્જવલ સાથેની તારી દોસ્તીમાં તારું ઉજ્જવલ ભવિષ્ય ખોઈ બેસીશ. "

પ્રતિભા શરમાઈને :- " પપ્પા.. તેના ઘરના બધાને અમારા વિશે ખબર છે જ. અને લગ્ન પછી અમે બંને સાથે જ પરીક્ષાની તૈયારી કરીશું."

સંદીપ:- " પ્રતિભા તમે બંને સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી લો, તે પછી જ લગ્ન વિશે વિચારજો. બેટા પહેલા પગભર થવાય તે પછી બીજું વિચારાય. તું સરકારી નોકરી લીધા પહેલા મેરેજ કરીશ, તો હું તારી સાથેના તમામ સગપણ તોડી નાખીશ. તું માબાપના આશીર્વાદ વગર લગ્ન કરીશ ? "

સંદીપ ઝા ચુપચાપ પોતાના કમરામાં ચાલ્યા ગયા, તેની પાછળ પાછળ પ્રતિભાની મા અને ભાઈ પણ ચાલ્યા જાય છે. પહેલીવાર પોતાના પરિવારને પોતાના વિરોધમાં જોઈને પ્રતિભા ખુબ દુઃખી થઈ ગઈ.

પ્રતિભા અને ઉજ્જવલ બંને યુવાનીના જોશમાં હોય છે. બંને જાણે એકબીજાને માટે સર્જયા હોય, એવી સુંદર જોડી. વળી, તેમની અણસમજુ ઉંમર પ્રમાણે બંને એકબીજાના પ્રેમમાં પાગલ હોય એટલે બંને ભાગી જઈને પણ જલ્દી પરણી જવાનું નક્કી કરે છે.

એક દિવસ વહેલી સવારે છાપું વાંચતા વાંચતા સંદીપ ઝા, " પ્રતિભા, તારે અમારી મરજી વિરોધ જઈને લગ્ન કરવા હોય, તો ભલેને. પણ હું એક પિતા તરીકે તને આજીજી કરું છું કે તું પહેલા નોકરી કર. જો આજના પેપરમાં ક્લાર્કની પરીક્ષાની જાહેરાત છે. એ નોકરી તને મળે, પછી લગ્ન કર.

 ખબર નહિ કેમ પણ પિતાની આજીજી સામે પ્રતિભા માની જાય છે. કલાર્કની પરીક્ષા ઉજ્જવલની મરજી વિરુદ્ધ આપે છે. અને નોકરી પણ મેળવી લે છે, ત્યારબાદ બંને પરિવારની હાજરીમા કોર્ટમેરેજ કરી લે છે.

લગ્ન પછી પ્રતિભાના શરૂઆતના દિવસો તો ખુબ સારા ગયા. પણ ઉજ્જવલ જયારે માબાપનો પક્ષ લઈને પ્રતિભાની નોકરી મુકાવવા દબાણ કરે છે, ત્યારે બંને વચ્ચે ઝઘડો શરૂ થઈ ગયો. અંતે સાસુ પ્રતિભાને ઘરકામ બાબતે ત્રાસ આપવાનું શરૂ કરે છે.

 પ્રતિભાએ પપ્પાની મરજી વિરોધ જઈને લગ્ન કરેલ. એટલે હવે કોને ફરિયાદ કરે ? તેમ છતાંય પ્રતિભા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે. ઉજ્જવલ અને પ્રતિભા બંને પ્રિલીની પરીક્ષામાં ઉતીર્ણ થઈ ગયા, હવે ઉજ્જવલ રીતસર મેઈન પરીક્ષા ના આપવા માટે પ્રતિભા પર દબાણ કરે છે, છતાંય પ્રતિભા મેઈન પરીક્ષામાં પણ ખુબ સારા ગુણ સાથે ઉતીર્ણ થાય છે અને ઉજ્જવલ માત્ર બે ગુણ સાથે રહી જાય છે.

 નિષ્ફળતા મેળવીને ઉજ્જવલનો સ્વભાવ સાવ બગડી ગયો, હવે તે પ્રતિભાને ખુબ હેરાન કરવા લાગ્યો. તેની મૌખિક પરીક્ષાની તારીખની જાણ સુધ્ધા પ્રતિભાને ના કરી, આ તો પ્રતિભાના પપ્પા તેને મૌખિક પરીક્ષા અને ઇન્ટરવ્યૂ માટે લઈ ગયા. પ્રેક્ટિકલ પરીક્ષામાં પણ પ્રતિભા ઊંચા રેન્ક સાથે ઉતીર્ણ થઈ ગઈ.

આજે પ્રતિભાનું બચપણનું સપનું પૂરું થયું. તે ઓફિસર બની ગઈ. પણ.. આજે નોકરીના પ્રથમ દિવસે જ ઉજ્જવલ પ્રતિભાને તેની ઓફિસમાં બધાની સામે અપમાનિત કરે છે, અને વાંકા વળીને પ્રતિભાને ઉજ્જવલની બૂટની દોરી બાંધી આપવી પડે છે.

ખુબસુરત સંધ્યાની ક્યારે વિદાય થઈ અને નિશારાણીની પધરામણી પણ થઈ તેની પ્રતિભાને ખબર જ ના પડી ! પ્રતિભાનું જીવન જ એવું અંધકારમય હતું કે બાહ્ય પ્રકાશ કે અંધકાર તેને જાણે સ્પર્શતા જ નહોતા.ઉજ્જવલ સાથેના લગ્નના ઉતાવળીયા નિર્ણયથી તેને ખુબ પસ્તાવો થતો હતો. પણ હવે શું ?

હોલની ઘડિયાળમાં આઠના ટકોરા થતાં જ સાસુમાની બૂમ પડી, " કેમ થાળી ના પીરસવામાં આવી ? હવે અમારે શું ભૂખ્યા જ રહેવાનું છે. તું સાહેબ હો તો તારી ઓફિસે.. અહીં તો મારો જ હુકમ ચાલશે. "

બાલ્કનીમાંથી સફાળી પ્રતિભા રસોડામાં ગઈ. વિચારોમાં ઘણો સમય પસાર થઈ ગયો અને રસોઈ સાવ બાકી જ હતી. ક્રોધથી પાગલ સાસુએ રસોડામાં આવીને પ્રતિભાનો ચોટલો ઝાલીને ઢસડીને રસોડાની બહાર લઈ ગયા. જોરથી તેનું માથું દીવાલમાં પછાડ્યું. બિચારી પ્રતિભા ના કપાળમાંથી લોહી નીકળવા લાગ્યું. ઢસડતા ઢસડતા ઘરની બહાર કાઢી મૂકી,

 "આવતીકાલે ઓફિસે રાજીનામુ આપ્યા પછી જ મારા ઘરની અંદર પગ મૂકજે. " 

ધડામ દઈને દરવાજો બંધ થઈ ગયો. ઉજ્જવલ આ બધુ ચૂપચાપ જોતો ઊભો જ રહ્યો. લોહી નીતરતા ચેહેરે પ્રતિભા દાદરા ચડવા લાગી. અગાશીમાં ગાઢ અંધકાર છવાઈ ગયેલો, બિલકુલ પ્રતિભાના અંધકારમય જીવનની જેમ. પ્રતિભા અગાશીની પાળી ઉપર ચડે છે. મનોમન પ્રભુને યાદ કરતા અગાશી પરથી ભૂસકો મારવાની તૈયારી જ હોય છે, ત્યાં જ..

 " નહિ.. નહિ. મને જવા દો. મને કાંઈ કરશો નહિ. બચા.... " કોઈની તીણી ચીસ અને મૌન.

પ્રતિભાની અંદર તો આખરે એક ઓફિસરનો જીવ, એટલે તરત જ અવાજની દિશામાં દોડે છે. જુએ છે, તો એક તરુણી પર ત્રણ યુવાનો બળાત્કાર કરવાની કોશિશ કરતા હોય છે. પ્રતિભા તરત જ ત્રણેયને પકડીને માર મારીને અધમૂઆ કરી નાખે છે. પેલી છોકરી તો અંધારામાં ગાયબ જ થઈ ગઈ ! પ્રતિભા એ ત્રણેયને મારતી મારતી દાદરેથી જ નીચે લઈ જાય છે. એપાર્ટમેન્ટના તમામ લોકો ભેગા થઈ ગયા.કોઈક વળી પોલીસને ફોન કરે છે.

 નીચે કમ્પાઉન્ડમાં માણસોનું ટોળું ભેગું થઈ ગયું. કોઈક બોલ્યું, " શું થયું, બેન ? "

 " કાંઈ જ નહિ, એક આઈ. પી. એસ. અધિકારી પર ઓન ડ્યુટી હુમલો કરવાની સજા. " પ્રતિભા આમ પણ સાસુના મારથી ઘાયલ હતી.

ત્યાં જ પેલી અગાશી પરની અજાણી યુવતીના માતાપિતા આગળ આવે છે, " આ યુવાનો સ્કૂલે જતી દીકરીઓને હેરાન કરે છે. મારી દીકરીને પણ હેરાન કરતા. હું તેની વિરોધમાં ફરિયાદ લખાવું છું. " બીજા લોકો ફરિયાદ કરવાની પણ તૈયારી બતાવે છે.

પ્રતિભા ટોળા તરફ જોઈને, " તમને આ યુવાનો વિશે પહેલેથી ખબર હતી, છતાંય તમે મૌન રહ્યા ? કંઈક કેટલીયે દીકરીઓની જિંદગી બગડી જાય છે તમારા આ મૌનથી, જયારે ગુંડાઓ દીકરીને હેરાન કરતા હોય, ત્યારે તમે બધા શું કરો છો ? તમારી આ ખામોશી જ નિર્ભયાકાંડ સર્જે છે. અનેક પીડિતાઓ આમ જ ઘરેલું અત્યાચાર કે શારીરિક, માનસિક શોષણનો ભોગ બને છે, અને ગુનેગાર નિર્દોષ છૂટી જાય છે, તમારી આ ચુપકીદીથી. થોડીવાર પછી પોલીસ આવે છે અને યુવાનોને પોલીસ સ્ટેશન લઈ જાય છે. 

 આ બાજુ પ્રતિભા જુએ છે, તો તેના પપ્પા સંદીપ ઝા દીકરીના પરાક્રમ ઉપર તાળીઓ પાડતા હોય છે અને હર્ષથી બોલી ઊઠે છે,

 " મને ગર્વ છે કે તું મારી દીકરી છે. બેટા, હું આજે સવારે જ તારી ઓફિસે મીઠાઈ લઈને ગયેલો, તારી દશા જોઈને ચૂપચાપ તને મળ્યા વગર જ ઘરે આવ્યો. તારા લગ્ન થઈ ગયા, એટલે તું મારી દીકરી મટી ગઈ ? ચાલ, હવે આપણા ઘરે. વકીલ આ લોકોને ડાયવોર્સ પેપર પહોંચાડી દેશે.

પ્રતિભા બેટા, પહેલા તું પીડિતા હતી. સાસરિયાનો ત્રાસ સહન કરતી હતી, પણ હવે તારી આખી જિંદગી આવી પીડિતોના ઉદ્ધાર માટે જીવવાની છે. "


Rate this content
Log in

Similar gujarati story from Action