પ્રથમ પ્રેમ
પ્રથમ પ્રેમ


આશા એક શ્રીમંત પરિવારની છોકરી હતી. કોલેજમાં જવા આવવા માટે એને પોતાની વૈભવશાળી ગાડી હતી. રૂપ પણ ઈશ્વરે ઠાંસી ઠાંસીને એનામાં ભર્યું હતું. ભણવામાં પણ એ એટલી જ હોંશિયાર હતી. હંમેશા પ્રથમ વર્ગમાં જ એ પાસ થતી. કંઇ કેટલાય છોકરાઓ એની સાથે વાત કરવા અને તેની સાથે દોસ્તી કરવા ઇચ્છતા હતાં. ખેર! રૂપ ગુણ અને શ્રીમંતાઈ સાથે એનામાં સુસંસ્કારો પણ એટલા જ હતાં. એટલે જ એ કોઈ છોકરાને વધુ નિકટ આવવા દેતી ન હતી. એનું સહિયર ગ્રુપ ઘણું મોટું હતું. ક્યારેય બહેનપણીઓની સાથેની મિત્રતામાં એણે રૂપ કે શ્રીમંતાઈને વચ્ચે આવવા દીધા ન હતાં.
કોલેજના ત્રીજા વર્ષના અંતે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં 'પ્રથમ પ્રેમ' વિશે વકૃત્વ સ્પર્ધા હતી. આશાએ પણ સ્પર્ધામાં ભાગ લીધો હતો. પોતાની લાક્ષણિક અદાથી, સુરીલા અવાજથી અને વિષયના ઉંડાણ સુધી જઇને તેણે વક્તવ્યની રજૂઆત કરી. શબ્દથી ઉપર, ભાષાથી ઉપર, સામાજિક બંધનોથી ઉપર, ઉંમરના બંધનોથી ઉપર અરે! સ્પર્શથી પણ ઉપર એણે પ્રેમને બતાવ્યો. પ્રેમમાં દિવ્યતાની અનુભૂતિ કરાવતાં તેણે 'પ્રથમ પ્રેમ'ને તો આગવું જ મહત્વ આપ્યું. મનમાં માત્ર પ્રેમની અવર્ણનીય કલ્પનાનું દ્રશ્ય છે અને હૃદય હજુ પ્રેમની પરિભાષા પણ સમજ્યું નથી. સ્પર્શની પરિભાષાથી પણ દેહ અજાણ છે. લાગણી પણ નિર્મળ ઝરણાની જેમ ખળખળ વહેતી હોય અને ત્યારે જ કોઈ અજાણ પાત્ર પર અચાનક જ દિલમાં પ્રેમનો સાગર ઉછળવા માંડે. દિલના દરવાજે કોઈ સતત દસ્તક દેતું હોય એવું લાગે. એ પાત્રના સાથથી, સંગાથથી અને સહવાસથી જિંદગી જીવવાનું કોઈ નવું જ પરિમાણ હાથ લાગે. એની સાથે પસાર થતા સમયમાં કલાકો મિનિટ જેટલી લાગે અને જેના વિરહમાં વિતતી પળ
પણ કલાક જેવી લાગે. ક્યારે પણ ન ભૂંસાઈ શકે એવા ટેટુની જેમ એ એક અમીટ છાપ દિલ પર છોડી જાય એવાં પ્રથમ પ્રેમની અદભુત વાતો એણે કરી. અવર્ણનીય સુખનો અહેસાસ કરાવતી એક નાનકડી કવિતા પણ તેણે એનાં સૂરીલા કંઠે ગાઈને સંભળાવી. વક્તવ્ય દરમિયાન સાંભળનાર સહુએ કંઇક કેટલીયે વાર તેને તાળીઓના ગડગડાટથી વધાવી. પ્રથમ પ્રેમ તો પરમ કૃપાળુ પરમાત્મા તરફથી મળતું અમૂલ્ય નજરાણું છે. એવું નજરાણું કે જેની તોલે સ્વર્ગનું સામ્રાજ્ય પણ ન આવે. એમ કહી એણે જ્યારે 'પ્રથમ પ્રેમ' પરનું વક્તવ્ય પૂરૂં કર્યું ત્યારે હોલમાં હાજર સહુએ ઊભા થઈને એનું અભિવાદન કર્યું. કેટલાક તો દોડીને મંચ પર આવી ગયાં. થોડાક સમય માટે તો બધીજ વ્યવસ્થા ખોરવાઈ ગઈ. મંચ પરથી ઉતરીને એ એની બેઠક પર આવે તે દરમ્યાન કેટલાએ જાણે એ સ્પર્ધા જીતી ગઈ હોય તેમ એને કોન્ગ્રેચ્યુલેશન પણ કહી દીધું.
થોડા સમય પછી આખરી વક્તા મંચ પર આવ્યો. કોલેજનો વિદ્યાર્થી હોવા છતાં પણ કોલેજની હવા તેને લાગી ન હોય તેવું લાગતું હતું. તેના પહેરવાશમાંથી નરી સાદગી નીતરતી હતી. સુરેખ નાક નકશી અને ખડતલ કાયા સાથેનું શ્યામ છતાં સોહામણું વ્યક્તિત્વ ધરાવનાર ઉજાસે પ્રેમ એ પૂજા હોય, ઈબાદત હોય, પ્રાર્થના હોય તેમ મંચને ભાવથી
ઝૂકીને સ્પર્શ કર્યો. માઈકથી દૂર રહીને બંને હાથ જોડીને એણે સહુને પ્રેમ ભર્યા નમસ્કાર કરીને કહ્યું" પ્રેમની દેવીને લાખો સલામ. "પછી દર્દભીના મુલાયમ અવાજે એણે એના વક્તવ્યની શરૂઆત કરી.
પ્રેમ સરિતામાં સ્નાન કરવા ઉત્સુક સર્વ સાથીઓ અને આદરણીય વડિલો આજે મારે તમને પ્રથમ પ્રેમ અને પ્રથમ નજરના પ્રેમથી થોડા આગળ લઈ જવા છે. મારે તમને
એકમેકને જોયાં વગર થતાં પ્રેમની વાત કરવી છે. મા ની કોખમાં એક બંધ આવરણમાં, અંધકારમાં પાંગરતું પુષ્પ બહારના વિશ્ચથી સાવ અજાણ હોય છે. ત્યારે આવરણોને
પાર કરીને થતો એક વ્હાલ નીતરતો સ્પર્શ, લાગણીની ભીનાશ અને પ્રેમાળ હૂંફ એને ખીલવામાં સહાયભૂત બને છે. બંને
એકમેકને નીરખ્યાં વગર પ્રેમનાં અતૂટ બંધનમાં બંધાઈ જાય છે. બંધ કળીમાંથી પાંગરતુ પુષ્પ એનાં પ્રેમનો અને એની સુગંધનો અહેસાસ વારં વાર કોખમાં ફરીને કરાવે છે. એ કળી
જેમ જેમ ખીલતી જાય છે તેમ તેમ મા ની ખુશી વધતી જાય છે. પ્રેમથી મા ખુદના પેટને પંપાળે છે અને કોખમાં રહેલું સંતાન એ સ્પર્શમાં સુરક્ષા અને શાંતિ અનુભવે છે. એક જીવ ને પોતાની કોખમાં પાળતાં મા ને ઘણું બધું સહન કરવું પડે છે પણ મા ને તો એ સહન કરવાનો આનંદ હોય છે. કારણ કે એ
જાણતી હોય છે કે દુ:ખની પરાકાષ્ઠા પછી મળનારો આનંદ અકલ્પનીય, અવર્ણનીય, અનેરો અને અદભુત હશે. પ્રેમની હૂંફ અને સ્નેહની સરવાણીથી સિંચન પામી એ કળી જ્યારે બધા આવરણોને ભેદીને બહાર આવે છે ત્યારે એ એનાં પ્રથમ પ્રેમ એની માતાને જુએ છે. ગાઢ અંધકાર પછી નિહાળેલાં
પાવન તેજને જોઈને એ હર્ષઘેલું બની જાય છે. એનો આનંદ પરાકાષ્ઠાએ પહોંચી જાય છે અને એ રડી પડે છે. મા પોતાના સંતાનને, પોતાના જ અંશને જોઈને ઘડીભર તો સ્તબ્ધ થઈ જાય છે. બધું દુ:ખ, બધું જ દર્દ, બધી જ વેદના સંતાનના મુખારવિંદના દર્શન સાથે અલોપ થઈ જાય છે. મા અને સંતાનનું આ મિલન એ પ્રથમ પ્રેમ છે. એક અનોખો અને
દિવ્યતાનો અહેસાસ કરાવતો પ્રેમ છે. પછી તો એ પ્રેમ કેવી રીતે પાંગરે છે. કેવી રીતે મા એની જિંદગીને સંતાન માટે ન્યોચ્છાવર કરે છે ને કેવી રીતે સંતાન એનો પ્રતિભાવ આપે છે
એની ઘણી બધી વાતો કરી. અંતમાં એણે કહ્યું-
તુજ પ્રેમમાં થયો સ્વર્ગીય સુખનો અહેસાસ
મા તું તો સાચા અર્થમાં સ્વર્ગની દેવી હતી.
પ્રથમ પ્રેમમાં પરમ તત્વની અનુભૂતિ આપણને સહુને નસીબ થાય એવી પ્રાર્થના સાથે અહીં જ વિરમું છું.
તાળીઓના ગડગડાટ પહેલાં હોલમાં થોડીવાર માટે સન્નાટો છવાઈ ગયો હતો. જજને પ્રથમ પુરસ્કાર કોને આપવો તેની મૂંઝવણ થઈ.
આખરે એ પુરસ્કાર આશા અને ઉજાસ બંનેમાં સરખે ભાગે વહેંચી દેવામાં આવ્યો. પુરસ્કાર લઈને મંચ પરથી નીચે ઉતરતાં
આશાએ કહ્યું " તમે તો વિષયને નોખું, કમનીય અને ખૂબસુરત રૂપ આપી દીધું. અભિનંદન." ઉજાસે પ્રત્યુત્તરમાં કહ્યું "મારો
વિષય અંગેનો દ્રષ્ટિકોણ અલગ હતો એટલું જ બાકી તમારૂં વક્તવ્ય વાસ્તવમાં ખૂબ જ સુંદર હતું. આપે જે નાજુક રૂપે પ્રથમ પ્રેમની છણાવટ કરી છે તે સલામને પાત્ર છે." મધુર સ્મિતની આપ-લે કરી બંને છૂટાં પડ્યાં.
એ પછી તો બંને ક્યારેક લાયબ્રેરી તો ક્યારેક કેન્ટીનમાં ભેગા થતાં. કેન્ટીનમાં બંને એમની પ્રિય એક્સપ્રેસો કોફી પીતા પીતા માત્ર ખોટી ગપસપ કરવાને બદલે જિંદગી પ્રત્યેનાં તેમના અભિગમની ચર્ચા કરતા. પ્રકાશ અને અંધકારની, વસંત અને પાનખરની, સુખ અને દુઃખની વાતો દ્વારા જીવન અને મૃત્યુના સચ્ચાઈને સમજવાની કોશિશ કરતા હતાં. ક્યારેક ઈશ્વર વિશે તો ક્યારેક પ્રકૃતિ વિશે તો ક્યારેક ભવિષ્ય વિશેની વાતોમાં તેઓ ખોવાઈ જતાં. આશા પોતાના વિચારો જરૂર રજૂ કરતી પણ ઉજાસના વિચારો સાંભળવા એને ખૂબ ગમતાં. ક્યારેક તો તેમની ચર્ચા કલાકો સુધી ચાલતી. જો કે આ સમય દરમિયાન ક્યારેય તેમણે એમની મર્યાદાનો ભંગ કર્યો ન હતો. અરે! એકમેકનો સ્પર્શ પણ કર્યો ન હતો. તેઓ તેમના ભણતરના પ્રાધાન્યને ક્યારેય ભૂલ્યા ન હતા. ઉજાસ તેની સામાન્ય પરિસ્થિતિથી અને આશાની શ્રીમંતાઈથી વાકેફ હતો. જોતજોતામાં વર્ષ પૂરું થવા આવ્યું. કોલેજના અંતિમ વર્ષની પરીક્ષા પૂરી થઈ. હવે દરેકની પાસે ઉડવાને માટે પોતાનું એક સ્વતંત્ર આકાશ હતું. મજબૂત પાંખોનો સથવારો હતો. ઉજાસે મનોમન વિચાર્યું કે મારી હાલત સામાન્ય છે એ જાણ્યા પછી પણ આશાએ મને માન આપ્યું છે. કદાચ એ માન પાછળ ચાહત પણ હોઈ શકે. શક્ય છે કે સ્ત્રી સહજ સંકોચના કારણે તે કહી શકતી નહીં હોય. તો કાલે કોલેજના છેલ્લા ગેટ ટુ ગેધરમાં હું એને સામેથી પ્રપોઝ કરી લઈશ. ના, ના પૂછી લઈશ કે તે ભવિષ્ય માટે શું વિચાર્યું છે?. અફસોસ આશા એ દિવસે આવી જ નહીં. પછી તો તેણે ફોન દ્વારા સમાચાર આપ્યા કે એનાં લગ્ન નક્કી થઇ ગયા છે ને એ વિદેશ જવાની છે. લગ્નની કંકોત્રી પણ એણે મોકલાવી. ખેર! એ લગ્નમાં ગયો નહીં.
એણે ભણવાનું ચાલુ રાખ્યું. ડબલ ડિગ્રી લઈને આ શહેર છોડીને બેંગલોરની એક શાળામાં શિક્ષક તરીકે નોકરી સ્વીકારી. વિદ્યાર્થીઓમાં શિક્ષણની સાથે ઉચ્ચ સંસ્કારોનું સિંચન કરી એણે ઘણું માન મેળવ્યું. ઘણી પ્રગતિ સાધી. માત્ર દસ જ વર્ષમાં એ પ્રિન્સિપાલ બની ગયો. તેની શાળાનું નામ એના અથાગ પ્રયત્નોથી આખા શહેરમાં રોશન થઈ ગયું. કંઇક કેટલાય હોનહાર વિદ્યાર્થીઓ તેની શાળામાંથી બહાર પડ્યાં હતાં. છેલ્લા પાંચ વર્ષમાં એની શાળાનું એસએસસીનું પરિણામ સો ટકા જ રહ્યું હતું. કેબિનમાં બેસીને તે શાળાને વધુ હેતુલક્ષી, વધુ સંસ્કારલક્ષી અને વધુ પ્રગતિશીલ બનાવવાના વિચારોમાં ખોવાયેલો હતો. ત્યાં જ દરવાજો ખટખટાવીને પ્યુને અંદર આવીને કહ્યું "સાહેબ, કોઈ મેડમ આપને મળવા માંગે છે. મેં ઘણી ના પાડી કે એપોઈન્ટમેન્ટ વગર સાહેબ મળતા નથી. તો કહે છે કે તારા સાહેબને કહે કે આશા મળવા માંગે છે. જો એ ના પાડશે તો હું જતી રહીશ." આશાનું નામ સાંભળતા જ સમય બાર વર્ષ પાછળ ધકેલાઈ ગયો. કશું એ વિચાર કર્યા વગર એણે કહ્યું" જા, એમને માન સાથે અંદર લઈ આવ. ના તું રહેવા દે હું જ એમને અંદર લઈ આવું છું." બહાર આવેલા ઉજાસને જોઈ આશા હર્ષઘેલી બની ગઈ. વર્ષો પછી ઉજાસ પણ દિલથી હસ્યો.
આશાને બેસાડી એણે પ્યૂનને ઘંટડી મારી અંદર બોલાવ્યો અને કહ્યું "બે એક્સપ્રેસો કોફી..." ઉજાસને વચ્ચેથી જ અટકાવીને આશાએ કહ્યું "એક એક્સપ્રેસો કોફી ને એક
ફિલ્ટર કોફી." ઉજાસ નવાઈથી આશાને જોઈ રહ્યો. આશાએ વાતનો દોર શરૂ કરતાં કહ્યું" પ્રિન્સિપાલ સાહેબ ન કહેતાં તને ઉજાસ કહીશ તો ચાલશે ને? ઉજાસ, હું, પ્રકાશ તથા મારો પુત્ર દીપક ગયા મહિને જ કાયમ માટે અમેરિકા છોડીને ભારત આવી ગયા છીએ. પ્રકાશને કોમ્પ્યુટર એન્જિનિયર હોવાથી
બેંગલોરમાં સારી નોકરી મળી જવાથી અમે અહીં આવી ગયાં. અમે ત્રણે અમારા સંસારમાં ખૂબ જ ખુશ છીએ. અહીં આવ્યા પછી દીપકને શાળામાં દાખલ કરવાનો હતો. ઓળખીતા બધાએ જ તારી શાળાને શ્રેષ્ઠ ગણાવી. હું દીપકનો તારી શાળામાં પ્રવેશ મેળવવા અહીં આવી હતી. કુદરતી રીતે જ
તારી મુલાકાત થઈ ગઈ.
ઉજાસ, આટલા બધા વર્ષો પછી એક ખુલાસો કરૂં છું. મારો પ્રથમ પ્રેમ તું હતો. હું મારા પ્રેમને આપણી કોલેજનાં છેલ્લાં ગેટ-ટુગેધરનાં દિવસે તારી સમક્ષ કબૂલવાની
હતી. તે પહેલાં જ મારા પપ્પાએ મારી મુલાકાત પ્રકાશ સાથે કરાવી. પપ્પાએ મારી પાસે પ્રથમ વાર એક માંગણી કરતાં
કહ્યું "બેટા, જો તને દિલો દિમાગથી પ્રકાશ ગમે તો અમેરિકા નથી જવું એ કારણસર ના ન પાડતી. તારી સંમતિથી મને પ્રકાશના પિતાનું ઋણ અદા કરવાની તક મળશે. અલબત,
તને પ્રકાશ તારે યોગ્ય ન લાગે તો અવશ્ય ના પાડી દેજે."
પ્રકાશની સાથે મુલાકાત થયા પછી એને ના કહેવા માટે કોઈ કારણ જ ન હતું. અમેરિકાસ્થિત હોવા છતાં એ અત્યંત સુશીલ અને સંસ્કારી હતો. રૂપ, ગુણ અને લક્ષ્મી ત્રણે એની પાસે હતાં. મારે માટે મારા પ્રથમ પ્રેમને કેવી રીતે ભૂલવવો એ પ્રશ્ર્ન હતો. ત્યાં જ મનમાંથી એક અવાજ આવ્યો કે પપ્પા
પ્રત્યેની ફરજ અદા કરવાની આ અણમોલ તક છે. મેં મારા પ્રથમ પ્રેમને ભૂલવાનો જ નહીં પણ કાયમ માટે દફનાવી દેવાનું નક્કી કર્યું. લગ્ન પછી મેં ક્યારેય તને યાદ નથી કર્યો. હાં, મારી કોફીનો ટેસ્ટ પણ મેં બદલી નાખ્યો. ખેર! આજે અનાયાસે ફરી ભેગા થયા છીએ તો ચાલ આપણે આપણા સંબંધને ભાઈ-બેન રૂપે સજીવન કરી એની પાવનતાને વધારીએ. હાં, દીપકનો ઈન્ટરવ્યુ લીધાં પછી એ તારી શાળાને યોગ્ય જણાય તો જ એને દાખલો આપજે. તારાં સિદ્ધાંતોમાં જરી પણ બાંધછોડ નહીં કરજે. અરે, હું જ એકસરખી બોલબોલ કરૂં છું. તારો સંસાર સુંદર રીતે ચાલતો હશે. તારી પત્ની અને બાળકોનાં શું સમાચાર છે? ક્યારે ભેગા મળવાનો પ્રોગ્રામ બનાવે છે? ".
ઉજાસે ધીમાં અવાજે કહ્યું " આશા, મેં લગ્ન જ નથી કર્યાં. મેં તો મારી આખી જિંદગી આ બાળકોને અર્પણ કરી દીધી છે. દીપકની યોગ્યતા હશે તો હું જરૂરથી એને મારી શાળામાં પ્રવેશ આપીશ. એટલું જ નહીં એનું વિશેષ ધ્યાન રાખીને એની કારકિર્દી ઉજ્જવળ બનાવવા પ્રયત્ન કરીશ. મારી તને એક વિનંતી છે. જે સંબંધને તે દફનાવી દીધાં છે તેને દફનાવેલા જ રહેવા દેજે. એમાં જ પ્રથમ પ્રેમની મહતા છે. એમાં જ પ્રથમ પ્રેમની શોભા અને ગૌરવ છે. મારા વિધાર્થીની મમ્મી રૂપે તમે મળશો તો મને વધુ ગમશે."
ઉજાસની જિંદગીના આદર્શોને સલામ ભરતાં બીજા દિવસે દીપકના ઈન્ટરવ્યુનો સમય નક્કી કરી આશાએ રજા લીધી. આશાની પીઠને નિહાળતાં આંખમાં આવેલા આંસુને લૂંંછી ઉજાસ મનોમન ગણગણ્યો 'આશા, તું મારો પ્રથમ પ્રેમ જ નહીં મારો આખરી પ્રેમ પણ છે.'