Rohit Kapadia

Inspirational

3  

Rohit Kapadia

Inspirational

ભગવાન

ભગવાન

1 min
140


 ગંદા પાણીના નાળામાં એ નાનકડું નાદાન બચ્ચું પડી ગયું ને તણાવા લાગ્યું. બાળકના પિતા સહિત ત્યાં રહેલા કંઈ કેટલાય અપટુડેટ સજ્જનોએ બચાવો... બચાવો.. ની બૂમ પાડવા માંડી. મને તો તરતા આવડતું ન હતું તેથી પ્રેક્ષક બની ઊભા રહેવા સિવાય છૂટકો ન હતો. જો કે બૂમો પાડનારાઓમાંથી કદાચ ઘણાને તરતા આવડતું હતું પણ એ ગંધાતા ગંદા પાણીમાં કોણ પડે ?

ત્યાં જ એક સાવ જ મુફલિસ જેવા લાગતા માણસે એક પળનો પણ વિચાર કર્યા વગર પાણીમાં ઝંપલાવ્યું. જાનની પણ પરવા કર્યા વિના એણે એ બાળકને બચાવ્યું. નાળામાંથી બહાર આવી એણે એ બાળકને એના પિતાને સોંપી દીધું. હું એકીટશે એ મુફલિસ માણસને જોઈ રહ્યો.એની કીકી કાળી ન હતી. એની આંખો રૂપાળી નહતી. એના ગાલ રતુંબડા ન હતા એના હોઠ પરવાળા જેવા ન હતા. એનું લલાટ તેજ મારતું ન હતું. એનું મુખ પૂનમના ચંદ્ર જેવું ન હતું. એના હાથ પગ ભરાવદાર ન હતા. એની એના વિશાળ ન હતી. એની કાયા કંચન જેવી ન હતી. ને છતાં પણ કોને ખબર કેમ મને એનામાં ભગવાનનાં દર્શન થયાં !

હજુ હું મારા વિચારોમાંથી બહાર આવું તે પહેલા તો એ કપડાં પરથી ગંદકી ખંખેરતો ને નિચોવીને પાણી કાઢતો પળ બે પળમાં અદ્રશ્ય થઈ ગયો. પણ ભગવાનનું એક બીજું ને જુદું જ સ્વરૂપ મારી આંખોમાં અંકિત કરી ગયો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational