ગુરુદક્ષિણા
ગુરુદક્ષિણા
"ગુરુજી, આપની પાસે શાસ્ત્રનો અભ્યાસ પૂર્ણ કરીને મેં દેશ વિદેશની યાત્રા કરી. બધે જ શાસ્ત્રની ચર્ચામાં વિજયી બન્યો. કંઈ કેટલાયે ખિતાબો મેં મેળવ્યાં છે. ચારે બાજુ મારી વાહ વાહ થાય છે. મારાં નામનાં ડંકા વાગે છે. આપે પણ મારી યશોગાથા સાંભળી જ હશે. આપ મારી કામિયાબીથી ખુશ છો ને ? આજે છ વર્ષ પછી અહીંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક જ યાદ આવ્યું કે આશ્રમમાંથી નીકળતાં મેં આપને ગુરુ દક્ષિણા આપી ન હતી. આજે મારી પાસે ઘણું બધું છે. આપ જે માગશો તે આપવા તૈયાર છું. બોલો, આપને શું જોઈએ છે ?"
ગુરુજીએ મંદ મંદ સ્મિત કરતાં કહ્યું
"હું જે માંગું તે તું ચોક્કસ આપીશ ને ? "
ફરી એ જ તોરમાં શિષ્યે કહ્યું "ગુરુજી માંગી તો જુઓ. હું અવશ્ય આપીશ."
ગુરુજીએ કહ્યું " વત્સ, જો તારે સાચે જ મને ગુરુદક્ષિણા આપવી હોય તો તારો અહં, તારૂં ઘમંડ મને આપી દે. મારો શિષ્ય નમ્ર બનીને પોતાના નહીં પણ ધર્મના ડંકા વગાડે તો મને વધુ ગમે."
શિષ્યને પોતાની ભૂલ સમજાઈ ગઈ. કંઈ કેટલીય વાર સુધી ગુરુના ચરણોને એ આંસુઓથી પખાળતો જ રહ્યો. વાતાવરણ 'વિદ્યા વિનયેન શોભતે' ના મંત્રથી પવિત્ર બની ગયું !
