STORYMIRROR

Rohit Kapadia

Children Stories Inspirational

4  

Rohit Kapadia

Children Stories Inspirational

ફાધર્સ ડે

ફાધર્સ ડે

2 mins
416

‌ખૂલ્લાં દરવાજેથી ચૂપચાપ પ્રવેશ કરીને ખુરશીમાં આંખ મીંચીને બેઠેલાં પપ્પાના પગમાં સુકેતુએ માથું મૂકી દીધું. ઝબકીને આંખ ખોલતાં સુકેતુને જોઈને વસંતરાય તો ગાંડા ઘેલા થઈ ગયાં. પ્રેમથી એને ગળે વળગાડતા કહ્યું "બેટા, આમ અચાનક ? ત્રણ દિવસ પહેલાં તો આપણે કલાક સુધી વાત કરી હતી. ત્યારે તો તે કંઈ જણાવ્યું ન હતું."

કંઈક ભીનાં અવાજે સુકેતુએ કહ્યું, "પપ્પા, મમ્મી તો હું દસ વર્ષનો હતો ત્યારે જ ઈશ્વરને પ્યારી થઈ ગઈ હતી. તમે જ મમ્મી- પપ્પા બંનેનો પ્રેમ આપી મને મોટો કર્યો અને ભણાવ્યો. મારી ઉજ્જવળ કારકિર્દી માટે મને દિલ પર પથ્થર રાખીને વિદેશ પણ મોકલાવ્યો. વિદેશથી રોજ તમારી સાથે વાત કરતો. આ વખતે ફાધર્સ ડે નિમિત્તે મારે તમને ખાસ ભેટ મોકલવી હતી. મેં તમને જ ફોન કરીને શું મોકલાવું એ પૂછ્યું. પપ્પા તમે કહ્યું," બેટા, કેટલું બધું તો તું મોકલાવે છે. ખેર ! છતાં પણ તારે કંઈ મોકલવું જ હોય તો મને નહીં પણ તને જે સહુથી વધુ પસંદ હોય તે મોકલાવજે." પપ્પા, મને શું વધુ પસંદ છે એ વિષે બહુ વિચારતાં લાગ્યું કે મને સહુથી વધુ પસંદ તો તમે જ છો. તમને સરપ્રાઈઝ આપવા મેં અહીં આવવાનું નક્કી કર્યું. અને ફરી એક વાર એ પ્રેમથી પપ્પાને વળગી પડ્યો. કંઈ કેટલીય વાર સુધી બંને એક મેકને વળગેલાં જ રહ્યાં.

અચાનક જ જરા અળગા થઈ એણે પપ્પાને પૂછ્યું, "પપ્પા, તમે આમ દરવાજો ખુલ્લો રાખીને સૂઈ જાવ તો કોઈ પણ ઘરમાં ઘૂસી જાય." પપ્પાએ સુકેતુનો હાથ હાથમાં લઈને કહ્યું, "બેટા, દર વર્ષે તો ફાધર્સ ડે નાં આગલા દિવસે જ તારી ભેટ અને તારો લાગણી નીતરતો સંદેશ મળી જાય.

આ વખતે મને તેં સામેથી પૂછી લીધું હતું અને છતાં યે તારી ભેટ ન આવી. તારો ફોન પણ ન આવ્યો. મેં ઘણી વાર ફોન કર્યો પણ લાગ્યો જ નહીં. મને તારી ચિંતા થવા લાગી. ઘરમાં ચિંતામાં ને ચિંતામાં આંટા મારવા લાગ્યો. ત્યાં જ કોને ખબર મનમાં એક વિચાર આવ્યો કે કદાચ મારો સુકેત્યો જાતે જ મને ભેટ આપવા આવી જાય. દરવાજો ખોલીને ખુરશીમાં બેસીને બંધ આંખે તારાં આગમનનાં સ્વપ્નાં જોતો હતો ત્યાં જ……." શબ્દો પછી આંસુ રૂપે સરતાં રહ્યાં. સરતાં રહ્યાં.


Rate this content
Log in