શબરી
શબરી
એ વૃદ્ધા એક મહિના પહેલાંથી ઘરેથી નીકળી હતી. ટાઢ અને તડકો સહન કરતાં લાકડીના ટેકે ડગુમગુ ચાલતાં લગભગ બસ્સો કિલોમીટરની પદયાત્રા કરતાં એ અયોધ્યા આવી પહોંચી હતી. એણે પાસે બચેલા બે રૂપિયામાંથી ખોબો જેટલાં બોર લઈને, ચાખી ચાખીને એનાં મેલાં સાડલામાં પોટલી બનાવી બાંધી દીધાં હતાં. બસ રામલ્લા આવશે અને ભાવથી એનાં માથે હાથ ફેરવતાં મીઠાં મીઠાં બોર ખવડાવશે એ વિચારથી રાજી રાજી થઈ ગઈ હતી.
અફસોસ ! રામલ્લાના મંદિરનાં પ્રવેશ દ્વારથી ઘણે દૂર એને અટકાવી દેવામાં આવી. રામલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા ટાણે માત્ર મંદિરનાં પૂજારીઓ, પ્રધાનો અને વિશિષ્ટ આમંત્રિત મહેમાનોને જ પ્રવેશની પરવાનગી હતી. સામાન્ય પ્રજા માટે કાલથી દર્શન ખુલ્લાં થવાનાં હતાં.
આ સાંભળતાં જ એ ફસડાઈ પડી. એનો પાલવ ખુલી ગયો. થાકના ભારથી એની આંખો ધીમે ધીમે બંધ થવા લાગી. એક ભૂખથી ટળવળતો ગરીબનો નાનકડો છોકરો વીણી વીણીને બોર ખાવા લાગ્યો. પણ એની ઘેરાઈને બંધ થઈ રહેલી આંખોને તો એ છોકરામાં રામલ્લાના જ દર્શન થયાં. એનાં માથાં પર વહાલથી હાથ ફેરવવા એણે હાથ ઊંચો કર્યો પણ એ હાથ ધરા પર પટકાઈ ગયો. રામલ્લાને કાયમ માટે આંખોમાં વસાવી એણે આંખ મીંચી દીધી. બરાબર એ જ સમયે રામલ્લાની આંખમાં અંજન અંજાયુ.
ચોમેર ‘ જય શ્રી રામ’નો ગગનચૂંબી નાદ ગૂંજી ઉઠયો. સ્મિત વેરતી એ મનમોહક પ્રતિમા કરૂણાથી છલકાઈ ગઈ. એ કરૂણા...
