Raman V Desai

Classics

0  

Raman V Desai

Classics

પરિપાક ૧

પરિપાક ૧

17 mins
483


'પેલો બાબર મરી ગયો !' માનસીંગે કહ્યું.

'ક્યો ?’ હરિસીંગે પૂછ્યું.

'મંગી જોડે શેઠ લઈ આવ્યા હતા એ. મારી ડાંગ જરા વધારે વાગી ગઈ. સાજો થયો જ નહિ.'

‘હવે ?'

'કાંઈ નહિ. એને કૂટી બાળ્યો. ધરમચંદે એનાં બૈરાંછોકરાંને થોડા પૈસા આપ્યા, એટલે કશું આગળ કામ વધ્યું નહિ.'

'તને કોણે કહ્યું ?'

‘ચીમન હોટેલવાળાએ. અને બાબરને મરી ગયે પણ કેટલાયે દહાડા થયા !'

'એ ખેલાડીથી હવે આપણે જાળવવાનું છે. પાછો ધરમચંદ જોડે મળી ગયો છે.'

ખેતરમાં આવેલા એક ઝૂંપડાની બહાર હરિસીંગ જમીન ઉપર સૂતો હતો. માનસીંગ શહેર બાજુએથી આવી સૂતેલા હરિસીંગને હકીકત કહેવા લાગ્યો. કોઈ કોઈ વાર બન્ને મિત્રો શહેરમાં જુદા જુદા પણ જતા હતા.

મંગી ઝૂંપડાની અંદર ચૂલો સળગાવતી હતી. છાણાંનો ધુમાડો થયો હતો. ફૂંક મારતે મારતે એણે બાબરના મૃત્યુની હકીકત સાંભળી. તે જરા સ્તબ્ધ બની. બાબર મરી ગયો ! મંગીને મનાવવા, મંગીને ધમકાવવા, મંગીની કબૂલાત કરાવવા અને તેમ ન થાય તો તેને મારી-ઝૂડી સીધી કરવા માટે ધરમચંદે રોકેલા બે માણસોમાંનો બાબર એક મહા ક્રૂર ! અભાજી ક્રૂર ખરો, ધમકાવતો અને બિવડાવતો, પણ પાછો મનાવતો. માનસીંગને માર મારવાનું પણ મંગીના કહ્યાથી એણે છોડી દીધેલું. બે સોનાના નક્કર દાગીના પણ કોઈ જગાએથી મંગીને આપવા ઉપાડી લાવેલો. એ હસતો અને હસાવતો પણ ખરો. અને બધું ખરું પણ... પણ લગન પહેલાં કાંઈ તોફાન એણે કર્યું નહિ ! મંગી પોતે થઈને તોફાનને આવકારતી તોય ! બાબરની તો જાત જ જુદી ! જાનવર !

અભાજી સાથે લગ્ન થયું નહિ. લગ્નના બેત્રણ દહાડા પહેલાં જ એને ઘેમરપટેલે ખોટો ખોટો પકડાવી દીધો. સાત વરસની એને સજા થઈ. સાત વરસની રાહ જોતી મંગી બેસી રહે ખરી ? એને જીવવું હતું અને જીવન માણવું હતું - એની રીતે કદાચ મજૂરી કરતી વખત બેવખત કોઈ યુવકનું મન મનાવતી તે અભાજીની રાહ જોઈ શકત; પણ ઘેમરપટેલે એને ગમમાંથી કાઢી મૂકી. તેજલ અને માનસીંગને ભેગાં રમાડવામાં મંગી જ જવાબદાર હતી એમ ઘેમરપટેલે માન્યું. તેજલ માનસીંગ જોડે હરેફરે અને રમે તે એ પ્રતિષ્ઠિત મુખીને ગમ્યું નહિ. માનસીંગને પણ તેમણે કાઢ્યો. પરંતુ તેજલની માનસીંગ માટેની ઘેલછા મંગી જ વધારતી હતી એવું માનતા પટેલે મંગીને ડાકણ ઠરાવવા તજવીજ કરી.

મરચાંનો તોબરો બંધાય તે પહેલાં મંગી ઘેમરપટેલને શરણે થઈ ગઈ. ઘેમરપટેલે એને સીધી ધરમચંદને ઘેર મોકલી દીધી. ધરમચંદના ઘરની નોકરડી બનવામાં એક સુખ હતું – મહેનત તો આખા દિવસની ખરી, પરંતુ સંઝેરના કરતાં ખાવાનું વધારે મળતું અને વધારે સારું મળતું. વચમાં વચમાં શેઠ સારા સાલ્લા પણ લેઈ આપતા; એકાદબે ઘરેણાં પણ આપેલા. પરંતુ એ ઘરેણાં છાનાં છાનાં આપવાનો શો ઉદ્દેશ હતો ? દરેક વ્રત કરનાર, દર વર્ષે જાત્રાએ જનાર, જીવદયા માટે સારા પૈસા ઊઘરાવનાર ધરમચંદ શેઠની આંખ અગિયારશને જ દિવસે ઘરેણું આપતાં કેવી બની ગઈ હતી ? મંગીને આંખ ઓળખવા જેટલો પુરુષોનો પરિચય ન હતો એમ કહેવાય નહિ.

એ આંખનાં આવર્તનો થયાં અને ધરમચંદ શેઠે ગામમાંથી વધી શહેરમાં કાઢેલી દુકાનની વ્યવસ્થા માટે શહેરમાં વસવાટ શરૂ કર્યો ત્યારે મંગીને પણ શહેરમાં કામકાજ માટે લઈ જવામાં આવી. મંગીએ શેઠનાં ઘરેણાં લીધાં હતાં એ ખરું, પરંતુ એણે હજી શેઠને કાંઈ જ ઉત્તેજન આપ્યું ન હતું. એક દિવસ શેઠે જ આવી કહ્યું : 'મંગી ! અભાજી મરી ગયો.'

મંગીને વીજળી પડ્યાનો ભાસ થયો. બીજી ક્ષણે તેને લાગ્યું કે ધરમચંદ ખોટી હકીકત કહે છે.

'હું ના માનું, એ તો કેદમાં છે.’

'કેદમાં જ મરી ગયો. હું ખોટું કહેતો હોઉ તો જો આ ચોપાનિયું !' કહી ચોપાનિયું નાખી શેઠ ચાલ્યા ગયા. મંગીને ક્યાં વાંચતાં લખતાં આવડતું હતું ? તેણે એક ગુમાસ્તા પાસે ચોપાનિયું વંચાવ્યું.

જેલ તોડી નાસવા જતા ભયંકર કેદીનું ગોળીબારથી મરણ. સંઝેર જેવા ભયાનક રહેઠાણનો ભયાનક રહેવાસી કેદી અભાજી

વધારે વંચાવવાની જરૂર હતી ? વાંચ્યું તે સંગીએ સાંભળ્યું નહિ. પછી તે વરસ દહાડા સુધી રોઈ. એથી વધારે રુદન ચાલ્યું નહિ, કારણ ધરમચંદ શેઠનું મન મનાવ્યા વગર તેનાથી એ ઘરમાં રહેવાય એમ ન હતું. ધરમચંદ કાઢી મૂકે તો મંગી બીજે ક્યાં જાય? અને કદાચ કંઈ જાય તોય જેનું તેનું મન તો રાખવાનું જ ! ધરમચંદમાં તેના ધન સિવાય કશું જ આકર્ષણ ન હતું, માર મારે એવો જોરદાર પણ તે ન હતો. છતાં ધનને સઘળું વેચાતું મળે છે.

મંગી તો ધરમચંદને વેચાઈ. પરંતુ ધરમચંદ તેનું બીજું વેચાણ કરવાના છે એ મંગીએ બાબરની પાસે સાંભળ્યું. સોનાના દાગીના કૈંકથી લાવી ધરમચંદને આપી સોની પાસે ગળાવી તેની લગડીઓ લાવવાનું કામ તે રાતને વખતે કરતો હતો, એવી મંગીને માહિતી હતી. બાબરે મંગીને પોતાની સાથે નાસી જવા કહ્યું. પરંતુ મંગીને એની સાથે નાસવું ન હતું. નાસીને જવાનું માત્ર એક જ જાણીતું સ્થાન તેને માટે હતું : સંઝેર, ઘેમરમુખી મારે, ઝૂડે અને કાઢી મૂકે તોય એ સંઝેરના જંગલ જેવાં ખેતરો અને કુશ્પીનાં ડુંગર સરખાં કોતરોમાં રહી શકે. તેણે બાબરની સંઝેર જવા સહાય માગી, ત્યારે બાબર તેનો ચોકીદાર બન્યો ! ધરમચંદે નાસવા માગતી મંગી ઉપર બાબરનું રખવાળું મૂકી દીધું. અને એ બાબર એટલે ?

એ ધોલ મારે, લાત મારે, લાકડી મારે, લાકડું ફેકે, અને... અને છેવટે ડામ પણ દે એની બીકે એણે બ્રાહ્મણ બનવાનું પાપ કર્યું અને બ્રાહ્મણ માસ્તર સાથે પરણવાની હા પાડી. હા ન પાડે તે મંગી બીજું શું કરે ? ઝેર પીધા સિવાય બીજો માર્ગ ન હતો. પણ એને ઝેર સુધ્ધાં કોણ આપે ? એ ઝેર માગતી ત્યારે એને બાબરનો સાથ મળતો. અને બાબર એટલે ? ખવીશ ! અને તે પણ બેશરમ ખવીશ એણે શી શી પશુતા નહોતી કરી ?

માનિયાની ડાંગ વાગી અને એ મર્યો ! ભલે મર્યો ! એને દુઃખ દેનાર બધાય મરજો ! પરંતુ એને સુખી કરનાર પણ સાથે સાથે મરતા હતા ! તેનો પ્રથમ પતિ તો બિચારો નાનો સમજ વગરનો હતો. કુશ્પી માતાના મેળા વખતે કોઈએ તેને ઝટકાવી નાખ્યો - અભાજીએ નહિ, જોકે અભાજી ઉપર પહેલાં તો બધાને વહેમ હતો કારણ પહેલેથી અભાજી અને મંગી એક બીજાની સામે જોઈ હસતાં હતાં. ઘેમરપટેલે જ અભાજીનો એમાં કશો હાથ નથી એમ જાહેર કર્યું હતું અને એ દહાડે તો અભાજી લોકોના ઢોર વાળવા બાર ગાઉ દૂર ગયો હતો એમ પણ ઘેમરમુખીએ છાતી ઠોકીને કહ્યું હતું. ઘેમરમુખી ન હોત તો અભાજી બચત નહિ. બિચારા બાળક વરને ચડાવ્યો કે મંગી અભાજી સામે જોઈ હસે છે ! વાત ખરી. પણ એમાં તલવાર અને તીર વાપરવા જેવો ઉશ્કેરાટ શા માટે થવો જોઈએ ?

પરંતુ અભાજી સાથેય તેનાથી રહેવાયું નહિ અને એ પણ મૃત્યુ પામ્યો. મંગીને મળવા માટે એ અધીરો બની ગયો હશે ? નહિ તો આવું સાહસ તે કરે ખરો?

અગર મંગી ધરમચંદ શેઠને ઘેર હતી એ જાણી તેનું ખૂન કરવા કે નાક કાપવા તે બહાર આવતો હતો ? એ ખરેખર આવ્યો હોત તો ? તે જીવતી રહેવા પામી ન હોત.

વર ગયો, અભાજીયે ગયો અને બાબરે ગયો !

મંગીની ફૂંક અડધી રહી ગઈ, તેનો શ્વાસ બંધ થઈ ગયો. તેની આંખો ફાટી ગઈ. તેણે એક ચીસ પાડી.

‘ઓ મા રે !' માનસીંગ અને હરિસીંગ અંદર દોડી આવ્યા.

'શું થયું ?'

'શું છે ?'

'કાંઈ નહિ.' મંગીએ કહ્યું. તેના મુખ પર ભયનાં સ્પષ્ટ ચિહ્નો હતાં રૂંધાયેલો શ્વાસ તે ચીસ સાથે લઈ શકી. એકદમ તે બન્ને યુવકોને વળગી પડી. તેની નાડીનો ધડકાર બન્ને જણે સાંભળ્યો. બન્ને જણ તેને ઝૂંપડીની બહાર લઈ ગયા. મંગીની આંખ પણ ધૂણીને લીધે રાતી થઈ હતી. મંગીને બેસાડી માનસીંગે તેને કુલડી વડે પાણી પાયું.

'હું કેવી લાગું છું ?' જરા રહી મંગીએ પૂછ્યું.

‘રૂપાળી; સામે જોવું ગમે એવી.’ હરિસીંગે કહ્યું અને તે સહજ હસ્યો. માનસીંગ કાંઈ બોલ્યો નહિ, પરંતુ તેનું મુખ જરા ગંભીર બન્યું દેખાયું.

'જા જા, મૂઆ ! તને કોણ એ પૂછે છે ?' મંગીએ કહ્યું. મંગી નાનપણથી આજ સુધી પોતાના મુખનાં વખાણ સાંભળતી આવી હતી એ વાત ખરી. એનો મંગીને ખાસ અણગમો પણ ન હતો. વખાણ સાંભળતાં તેની ભયભરી સૃષ્ટિ અદ્રશ્ય થવા લાગી.

‘ત્યારે તું શું પૂછતી હતી ? તેં પૂછ્યું તેનો મેં જવાબ આપ્યો.' હરિસીંગ બોલ્યો.

'હું તો એમ પૂછતી હતી કે મારામાં નવતર દેખાય છે ?' મંગીએ પણ હસીને જવાબ આપ્યો.

'સવાર કરતાં સાંજે નવતર અને સાંજ કરતાં સવારે નવતર.' હરિસીંગ બોલ્યો.

‘પણ આમ પૂછવાનું કાંઈ કારણ ?’ માનસીંગે પૂછ્યું.

'મને ઘેમરપટેલનો બોલ યાદ આવ્યો.' મંગીએ કહ્યું.

'શો ?'

‘મને એણે ડાકણ કહી. હું ડાકણ લાગું છું?' મંગી બોલી.

બન્ને જણ ખડખડાટ હસી પડ્યા. મંગીના મુખ ઉપર ડાકણપણાનો અંશ સુધ્ધાં ન હતો. પરંતુ માનસીંગે આપેલા બાબરના મૃત્યુના સમાચારે તે વિચારે ચડી અને વિચાર કરતાં કરતાં એને એકાએક લાગી આવ્યું કે હું ડાકણ તો નથી ?'

એ વિચાર આવતાં બરોબર તે ભયત્રસ્ત બની ગઈ અને તેનાથી ચીસ પાડી દેવાઈ.

'બૈરી માત્રને ઘેમરપટેલ તો ડાકણ કહેતા. તેજલને ક્યારે એ વંત્રી કે ચુડેલ કહ્યા વગર રહેતા ?' માનસીંગે હસતાં હસતાં કહ્યું.

‘મને સંઝેર ના મૂકી આવો?' મંગીએ જરા હસીને પૂછ્યું.

‘અમારાથી હમણાં ઓછું ખસાય એમ છે.' હરિસીંગે કહ્યું.

‘અને ત્યાં જઈને તું કરીશ પણ શું ?' માનસીંગે પૂછ્યું.

‘તેજલને કહીશ કે માનિયો હજી જીવે છે અને તને સંભારે છે.' મંગીએ કહ્યું અને તેણે હસવા માંડ્યું. તેનો હસમુખો સ્વભાવ સદાય આગળ તરી આવતો. તે હજી પણ ગાતી, તાળી પાડીને ગાતાં ગાતાં કામ કરતી અને આછું આછું નાચી પણ લેતી. ચીમન હોટેલવાળાએ એક ખેતર બન્ને મિત્રોને ખેડવા આપ્યું હતું. માસ્તરને પરણાવી દેવામાં ધરમચંદ શેઠ નિષ્ફળ નીવડે એવી તરકીબ કરનાર ધરમચંદના જ સાથીદાર ગણાયલા હરિસીંગ અને માનસીંગને તેમના કાર્યની કિંમત આપવી જ જોઈએ અને એ કિંમત સાથે તેમનો ભાવિ ઉપયોગ થવાનો પણ પૂરો મોકો હતો. પૈસા અને પૈસા મળવાનું ભાવિ માનવીને ગમે ત્યાં બાંધી દે છે, અને ગમે તે માનવી સાથે બાંધી દે છે. મોટી મારામારીઓ, ભારે ધાંધલ, લાંબી ચકચાર અને ન્યાય કચેરીઓના ઝઘડાથી દૂર ભાગવામાં જ સલામતી શોધતા ધરમચંદ ચોરીનો માલ રાખતા, એ માલને વેચતા, ગળાવતા અને ફેરવી નાખતા. લેણદેણમાં ગુનાઈત જાતોને ભેરવી તેમની દ્વારા માલ ઉપડાવતા અને છેલ્લે છેલ્લે લગ્નઘેલાઓને ભોળવવામાં પણ સારી પ્રાપ્તિ જોઈ રહેલા ધરમચંદ શેઠ સરળતાથી થતા આ કાર્યમાં પુણ્ય માના. અલબત્ત તેઓ ચોર અને ડાકુઓને પૈસા ધીરતા, ગુંડાઓને ઓળખી તેમને નોકરીમાં રાખતા. પોલીસના સઘળા અમલદારોની સગવડ સાચવતા, આખા અમલદાર વર્ગને વખત બેવખત સલામ ભરી વર્ષમાં બે વાર ગળાના સોગન ખાઈ ભેટ આપતા, ભેટમાંથી લાંચમાં લપસી પડતા નોકરવર્ગને તે રીતની તૃપ્તિ પણ આપતા, અને સાથે સાથે મહાજન, પાંજરાપોળ, અનાથાશ્રમ, શાળા, ધર્મશાળા, પરબ એ બધામાં દાન આપી સરકારી ફાળામાં પણ અગ્ર નામ લખાવતા. અને આમ ચારે પાસની સફળતા નિશ્ચિત કરતા મજબૂત મોરચા તેઓએ રચી રાખેલા હોવા છતાં ઓછામાં ઓછા વિરોધ Least resistance-ને માર્ગે તેઓ આગળ વધતા. જ્યાં સખત વિરોધ થતો ત્યાં તેઓ વાતને જતી કરતા. પછી તેમાં પૈસાટકાનો કે મમતઆબરૂનો પ્રશ્ન આગળ લાવતા જ નહિ. મમત, જીદ અને જોરનો તો તેણે બહિષ્કાર કર્યો લાગતો હતો. છતાં દોરી લોટા સાથે વડજ ગામે આવી વસેલા આ વ્યાપારીએ તાલુકામાં પેઢી ઉઘાડી અને તાલુકાથી આગળ વધી તેમણે શહેરમાં કોઠી જમાવી. મંગીની બાબતમાં શેઠ નિષ્ફળ ગયા તેનું એમને બહુ દુઃખ ન હતું. તેઓ ધારત તો દસબાર ગુંડાઓને સાથે રાખી શકત, પરંતુ એવો દેખાવ તેમને પસંદ ન હતો. જે બે માણસોએ મંગીને ઠેકાણે આણી હતી એ બે જ માણસો મંગી માટે બસ હતા. ચીમન હોટેલવાળો નારાજ હતો એ વાત ખરી, પરંતુ મંગી બ્રાહ્મણ નથી એ પુરવાર કરવા ચીમન આટલું ધાંધલ કરશે એમ એમણે માનેલું નહિ. માનસીંગ અને હરિસીંગ તેમના કાર્યમાં અકસ્માત વિઘ્નરૂપ નીવડ્યા, અને માત્ર બે જ ચોર રસ્તામાં છે એમ તેમણે જાણ્યું હોત તો બાબર, તેના સાથીદાર અને ગાડાવાળાને તેમણે એ બંનેની સામે ઉભા રાખ્યા હોત. પરંતુ એને બદલે બાર ચોર નીકળી ન આવે એની ખાતરી શી ? અને પાસે ધન વધારે ન હતું એટલે ચોરને વધારે છંછેડવામાં અર્થ ન હતો. મહત્ત્વની વાત મંગીનાં લગ્ન-પુનર્લગ્નની હતી એટલે એ મહત્ત્વનો મોરચો સાચવવા તેમણે ચોરને સંતોષ્યા અને ખાસ ધાંધલ ન થવા દીધું. જોકે બાબર કોઈ પણ સંજોગોમાં મારામારી કરવા તત્પર જ રહેતો.

એ મોરચે પણ શેઠને નિષ્ફળતા મળી. પણ તેનું કાંઈ વેરઝેર કે ખુન્નસ ઓછું રખાય એમ છે ? બુદ્ધિશાળીને ડગલે ડગલે મોરચા. અને બાબરને મરણતોલ વાગ્યું તેમાંયે શું? કામ કરનારને જોખમ હોય જ. અને દરેક પ્રસંગ તથા દરેક મનુષ્યની કિંમત હોઈ શકે છે ! કિંમત આપી કે પ્રસંગ અને માણસ અનુકૂળ બની જ જાય. જીવન અને મોતની પણ કિંમત આપી શકાય. એટલે બાબરનું મૃત્યુ કોઈ પણ ગુનાના સંબંધ રહિત હતું એમ સાબિત થઈ ગયું અને સહનશીલ ધરમચંદે સરળતાપૂર્વક ચીમન હોટેલવાળા સાથે જ મૈત્રી શરૂ કરી દીધી અને તેણે નક્કી કરેલી કન્યામાસ્તર સાથે પરણાવવામાં સહાય કરી, ચીમન તેમ જ માસ્તર બંનેને આભારી બનાવ્યા. ધરમચંદનું નિર્વૈરપણું અને તોડ કાઢવાની શક્તિ એટલાં અગાધ હતાં કે તેમાંથી ગાંધીજી પણ જ્ઞાન મેળવી શકે !

ચીમન હોટેલવાળાએ માનસીંગ તથા હરિસીંગને ખેતર ખેડવા આપ્યું હતું અને તેનું દાણ પણ ઠરાવ્યું હતું. પરંતુ તેનો મુખ્ય ઉદ્દેશ ખેતીના ઉત્તમ ધંધાને પોષવાનો ન હતો. દેખાવનું ફક્કડપણું, મિત્રો, આશ્રિતો અને ભિક્ષુકો પાછળ સારો પૈસો ખર્ચવાની ઉદારતા, રોફદાર હિંદી બોલી બોલવાની ઉત્કંઠા, અને ધોતિયા ઉપર ફેઝ ટોપી પહેરી રાખવાની ચીવટાઈને લીધે ચીમન હોટેલવાળાને બધા નવાબ કહેતા - અને એ નામ તેણે મંજૂર પણ રાખ્યું હતું. એની નવાબી હોટેલ કે ખેતી ઉપર અવલંબીને રહી ન હતી. છક્કો પંજો, અમેરિકન ફ્યુચર્સ અને એવી એવી જુગારની ગૃહરમતો તેની હોટેલમાં પોષાતી અને ઉપરાંત એ કયા કયા ધંધા નહોતો કરતો તે જાહેર જનતાને જાણવાનું સાધન ન હતું. માનસીંગ અને હરિસીંગનો એને ઘણો ખપ હતો. ખેતીનો દેખાવ કરી એ બે જણને એણે ખેતરમાં રાખ્યા. મુસીબતે છૂટેલી મંગી બીજે ક્યાં જાય ? ધરમચંદના કરતાં મેવાસી જુવાનિયાઓ વધારે સારા; એક ઓળખીતો દીકરો થતો રહી ગયો !

બળદ ખેતી માટે હજી લાવવાના હતા. એટલે આખો દિવસ સૂવામાં, બેસી રહેવામાં, વાતો કરવામાં અને ખેતરનો કચરો ભેગો કરવામાં ત્રણે જણ વિતાવતાં હતાં. પરંતુ રાત ? રાતે મંગી એકલી.

મંગીને બંને જણે ધારણ આપી અને તેણે રસોઈ શરૂ કરી. રસોઈમાં બીજું શું વધારે હોય ? રોટલા જુવારબાજરીના અને મરચું મીઠું. સવારે કરે તે રાતે ચાલે; કદાચ રાતે કરે તે બીજે દિવસે પણ ચાલે. પરંતુ આજની સાંજે રોટલા ઘડ્યા વગર ચાલે એમ ન હતું. માનસીંગ અને હરિસીંગના પાંચેક સાથીદારો આવીને જમવાના હતા.

‘રોટલો ઘડીને ખવરાવવો પણ તે ધણીને નહિ ! કોઈ ધણી જ નહિ!’ મંગીને વિચાર આવ્યો. વિચાર આવતાં બરાબર તે રોટલો ઘડતી અટકી ગઈ. તેની નજર આગળ ધુમાડાનો એક ગોટો ઉપર ગયો, દેવતા સળગતા ગોટા પાછળ એક ઝીણી ધૂમ્રસેર સીધી છાજ તરફ ચડી. સેર્ ઉપર મંગી તો નહોતી ચડતી ?

મંગીનું હૃદય ફરીથી ધબકી ઊઠ્યું. તે એકાએક ઊઠી અને ઝૂંપડીમાં મૂકેલી ખાપ લઈ ઝૂંપડી બહાર આવી. બહાર આવી તેણે ખાપમાં પોતાનું મુખ જોયું.

'શું કરે છે, મંગી ?’ હરિસીંગે પૂછયું.

'કાંઈ નહિ.' ખાપમાં મુખ ધારી ધારીને જોતી મંગી બોલી.

‘તોય ? આ ખાપમાં શું છે ?’ માનસીંગે પૂછ્યું.

'મારું મોં જોઉ છું.’ મંગીએ કહ્યું.

'મોં પછી જોજે, ખાવાનું તૈયાર કર્યું કે નહિ ?' માનસીંગ બોલ્યો.

મંગીએ માનસીંગની સામે જોયું. રસોયણને આજ્ઞા આપતા પુરુષ વર્ગના સર્વ હુકમ તોડવા મથતી સ્ત્રી જાતિનો વિરોધ સમસ્ત મંગીના મુખ ઉપર દેખાયો. એક અક્ષર પણ બોલ્યા વગર મંગી ઝૂંપડીમાં ગઈ અને ખાપ મૂકી તેણે રોટલા ઘડી નાખ્યા.

અંધારું થયું અને તેણે કોડિયું સળગાવ્યું. વધતો જતો અંધકાર ઝૂંપડીમાંના આ નાનકડા દીવા વડે ઝૂંપડીને અવનવો આકાર આપતો હતો. ઝુંપડીનાં વચાળામાં દીવાનો પ્રકાશ કેદીની અભિલાષા સરખો વચમાં વચમાં ઝબકી જતો હતો. અંધકાર ઘટ્ટ થયો અને વ્યાપક ઘનતાએ આંખને અનુકૂળતા કરી આપી. મંગી, હરિસીંગ અને માનસીંગ ઝુંપડીની બહાર બેઠાં.

કાંઠડે ગાવડી ઊભી !

કે કોણે એને દૂભી ?

હો મા તારાં પાણી ઊંડેરાં.

નાવડીએ ધોળા સઢ તાણ્યા,

એ ભમરા ન જાણ્યા !

હો માં તારાં પાણી ઊંડેરા.

મંગી ધીમું ધીમું ગાતી હતી.

કુશ્પી માતાના મંદિરનું ચોગાન નવરાત્રમાં આવાં આવાં ગીતગરબાથી ગાજી રહેતું એ માનસીંગના સ્મરણ બાર ન હતું. નાની તેજલ પણ એ ગરબાઓમાં ખાપવાળી ઓઢણી ઓઢી ફરતી હતી એ દ્રશ્ય માનસીંગને યાદ આવ્યું.

‘મંગી ! સંઝેર સાંભર્યું ?' માનસીંગે પૂછ્યું. માનસીંગને પણ સંઝેરનો સાદ સંભળાતો હતો.

‘મંગી ! સંઝેર મૂકી આવો હોં. નહિ તો -' મંગીએ કહ્યું.

'શું નહિ તો ?’ માનસીંગે પૂછ્યું. એને પણ ઈચ્છા થઈ કે થોડા દિવસ એ પણ સંઝેર જઈ આવે.

‘તમારે તો જવા માટે ગામ છે. આપણે તો બધાંય ગામ સરખાં.' હરિસીંગે હસીને કહ્યું.

મંગીને હરિસીંગના હાસ્ય પાછળ ખાલી જીવનનો રણકાર સંભળાયો. માનસીંગની દયા તો એને આવતી જ હતી; હમણાં હમણાંની હરિસીંગ માટે પણ તેને દયાની લાગણી ઉદ્ભવતી હતી. હરિસીંગ વાતોડો, આનંદી અને હસમુખો હતો - માનસીંગ જેવો ધૂની અને એકમાર્ગી નહિ. પહેરવે ઓઢવે પણ શોખીન. એણે કદી ફાટેલું ધોતિયું દેખાવા દીધું ન હતું! અને માનિયો ? જરા રેઢિયાળ ! માનિયો હજી છોકરવાદ, અરે હરિયો તો બધુંય જાણતો ! લુચ્ચાનો પીર !

‘તુંયે સાથે જ આવીશ ને ?' માનિયો કોઈ દહાડો તેજલને ઊંચકી ભાગી જાય; તારે અને મારે તો ક્યાં ભાગવાનું જ છે ?' મંગીએ કહ્યું.

મંગી હરિસીંગનો પક્ષપાત કરતી હતી શું ? હમણાં થોડા દિવસથી એનું વલણ હરિસીંગને રાજી રાખવા તરફ હોય એમ માનસીંગને લાગ્યું અને તેણે એવા એવા પ્રસંગો પણ શોધી કાઢ્યા. બન્ને જણ એકબીજાની જોડે હસતાં તો બહુ જ, અને વધારે તોફાને ચડે ત્યારે મંગી હરિસીંગને ધોલઝાપટ પણ કરતી. માનસીંગના સ્વભાવમાં એવી રમતોનો - એવાં હાસ્યનો અવકાશ ન હતો. એમાં કદી ન દેખાયલી હરકત આજે માનસીંગને કેમ દેખાઈ ?

કે પેલી ઊજળી સાથે ગાળેલી રાત તેને સ્ત્રીસ્વભાવની એક અણદીઠી બાજુ જ બતાવી રહી હતી ?

‘હરિસીંગ ! તું સંઝેર આવે તો તારા કાકાને ખબર પાડી દઈએ.' માનસીંગે કહ્યું.

‘તને ઘેમરપટેલ હાંકી કાઢે અને મને મારો કાકો હાંકી કાઢે ! આખાં ગામ એમનાં થઈ ગયાં. એમને આપણાથી ન પહોંચાય.' હરિસીંગ બોલ્યો.

‘તમે ગામમાં જાઓ તો તમને ઓળખે કોણ ? આ માનિયો ! કેવો નાનો ઠીંગૂજી હતો ? હવે કેવો મરદ જેવો લાગે છે ! તું બેત્રણ વર્ષે મોટો હોઈશ વળી. ચારપાંચ વરસમાં માનવી કેટલું બદલાઈ જાય છે !' મંગી એ બન્ને યુવાનો તરફ અંધારામાં જોઈ રહી.

ખેતરમાં ખખડાટ થયો. બધાની નજર તે બાજુએ ગઈ. ખેતરમાં આવવા જવા માટે એક ખોડીબારું હતું.

‘બધા આવ્યા લાગે છે.’ માનસીંગે કહ્યું.

'જરા બેસે એટલે રોટલા અને પાણી લાવજે, મંગી !' હરિસીંગ બોલ્યો.

'મંગી જાણે તારા બાપની નોકર ન હોય ?’ મંગીએ ઊઠતાં ઊઠતાં કહ્યું.

‘માનિયાના બાપની તો નોકર ખરી !' હસતાં હસતાં હરિસીંગે કહ્યું. મંગીના અને અભાજીના સંબંધની તેને ખબર પડી હતી.

‘નોકર તારો બાપ !' મંગી બોલી.

‘જવા દે ને હરિયા ! બન્નેના બાપ ગયા. એને શું કરવાને છેડે છે ?' માનસીંગે કહ્યું.

એટલામાં પાંચછ માણસનું ટોળું પાસે આવી પહોંચ્યું. તેમાંથી એક જણ બોલી ઊઠ્યો :

'અલ્યા ! છો કે છોકરાઓ ?'

‘હા હા, તમારી રાહ જોતા બેઠા છીએ.’ હરિસીંગે સામેથી બૂમ પાડી.

ઝૂંપડીનું આંગણું લીંપેલું હતું. બધા ત્યાં જ બેઠા. કોઈએ ફાળિયું નીચે ઉતાર્યું, કોઈએ ફાળિયું ઉતારી ફરી પહેર્યું. ચીમન નવાબની હોટલમાંથી આણેલી બીડીઓ અને દીવાસળીની ડબ્બીઓ ઉદારતાપૂર્વક માનસીંગે વેરી અને ધીમે ધીમે અંધકારમાં ધુમાડા અને તગતગતી ચિનગારીઓ દેખાવા લાગી.

'પેલો તારો જરા માથે આવે એટલે આપણે નીકળીએ.' એક માણસે કહ્યું.

‘એટલામાં આપણે જમી લઈશું.’ હરિસીંગ બોલ્યો.

'અલ્યા જમવાનું શું કામ રાખ્યું ? અમે ખાઈપરવારીને જ ઓવ્યા છીએ.' ટોળામાંથી એક જણે કહ્યું.

ભેગા થયેલા પુરુષો ભિખારી ન હતા; ચોખા અંગબળ અને બુદ્ધિબળથી કાયદો અને સમાજ બંનેને બાજુએ મૂકી તેઓ પોતાનું ગુજરાન ચલાવતા હતા. ખાવાનું નામ દીધું કે હા પાડી દેવી એવી ભિક્ષુકવૃત્તિનો તેમને તિરસ્કાર હતો - જોકે ઘણી વાર તેઓ ભૂખ્યા રહેતા - અને અત્યારે તો તેઓ ચોક્કસ જમવાનું હોવાથી ભૂખ્યા આવ્યા હતા. આગ્રહ પછી તેમણે બટકું રોટલો ખાવાની હા પાડી, છતાં જમતે જમતે પણ અત્યંત આગ્રહનો પ્રયોગ થયા પછી જ તેમણે ભૂખ સંતોષી.

મંગી એકબે વખત રોટલા અને ચટણી મૂકી ગઈ. સહુની નજર તેની તરફ વળી.સહુ જમી રહ્યા અને પાછી બીડી પીવી શરૂ થઈ. એક જણે પૂછ્યું :

'માનસીંગ ! કોણ છે તમારા ઘરમાં ?'

‘છે વળી અમારા ગામની બાઈ.' માનસીંગે કહ્યું.

‘હા ભાઈ ! હા. રોટલા ઘડવા કોઈ જોઈએ ને ?’ બીજા માણસે કહ્યું.

'ઠીક તમારું બન્નેનું મન રાખે છે !' ત્રીજા માણસે કહ્યું.

‘અરે, એ તો તમારા ધરમાશેઠવાળી. ક્યમ ભૂલ્યા ? પેલો બાબરિયો એમાં જ ગયો ને ?' ચોથા માણસે કહ્યું. એને ખબર હતી - અગર બધાને જ ખબર હતી, છતાં વાત અને ટીકા એ સર્વપ્રિય વિષયનો અપવાદ આ સ્થળે પણ ન જ હોય.

'કોના ઘરમાં કોણ છે એ વાત કરવી મૂકી દો તો આપણાથી ભેગા કામ થાય.' માનસીંગે જરા કડકાઈથી કહ્યું.

‘ખરી વાત છે. તું તારું ઘર જો, હું મારું ઘર જોઉ. બીજે નજર જ કેમ થાય ?' એક જણે માનસીંગને ટેકો આપ્યો. નિયમબદ્ધતામાં ન માનતી આ બિરાદરીના ગૃહસંસારમાં પણ ખાસ નિયમબદ્ધતા રહેતી નથી. કોઈ ક્યાંથી અને કોઈ ક્યાંથી સ્ત્રીઓ લાવી સારસુખ કે દુઃખ ભોગવતા અને એ સુખદુઃખની ભાગીદારી કબૂલ કરતી સ્ત્રીઓ પણ સારી સંખ્યામાં તેમને મળી રહેતી. નદીનું મૂળ અને ઋષિનું કુળ પૂછવું જ નહિ એ કહેવત અપરાધી કહેવાતા વર્ગોની સંસારવ્યવસ્થા માટે પણ ઠીક ઠીક લાગુ પાડી શકાય. અને તેમના મત પ્રમાણે તો કોઈનાં મૂળ કે કુળ જોવામાં કોણ લહાણ કાઢે એમ હતું?

‘બબ્બેના ટોળામાં જઈએ.' બીજા માણસે કહ્યું.

‘હા. અમે શરૂ કરીએ છીએ.' ત્રીજા માણસે કહ્યું.

‘પુલ નીચે મળવાનું.’ ચોથા માણસે કહ્યું.

‘અમે બધાની પાછળ આવીએ છીએ.' હરિસીંગે કહ્યું.

‘પણ કામ તમારું ભારે છે; સંભાળજો.' એક સોબતીએ કહ્યું.

‘હવે ચાલવા માંડો; શુકન સારા છે.' બીજાએ કહ્યું.

‘કેમ ?'

‘જોયું નહિ? પેલું શિયાળ જમણેથી ડાબે હાથે ઊતર્યું, અને હજી સુધી રડતું નથી ?'

સહુએ બબ્બેના ઝૂમખામાં આગળ વધવા માંDયું. બધાએ ખેતર છોડતાં પા કલાક લીધો. છેવટે માનસીંગ અને હરિસીંગ મુખે બુકાની બાંધી હાથમાં ધારિયાં લઈ નીકળ્યા એટલે મંગી ઝૂંપડીમાંથી બહાર આવી.

માનસીંગને જરા અણગમો આવ્યો. અંતે મંગી વિધવા તો હતી જ. હજી તેનું પુનર્લગ્ન થયું ન હતું. ચોરીચખારીનું કામ પણ ભારે શુકન માગે છે. હિંદમાં વિધવાની હાજરી સર્વ ક્ષેત્રમાં અપશુકનિયાળ ગણાય છે.

‘મંગી ! તું ક્યાં વચ્ચે આવી ?'

‘કેમ ? મારા હાથનું ખાવું છે અને મને અપશુકનિયાળ ગણવી છે ?' મંગીએ જરા રોષથી કહ્યું.

'કોણ તને એમ કહે છે ? ગયે વખતે તારું મોં જોઈને ગયો અને સારો લાભ મળ્યો.' હરિસીંગે કહ્યું. માનસીંગના અજાગ્રત મને નોંધી લીધું કે હરિસીંગ મંગીના મુખ તરફ જોયા કરવાનું જ શીખતો હતો.

‘આજે તમે ન જાઓ તો ?' મંગીએ કહ્યું.

'કેમ ?'

'હું એકલી છું અને મને બીક લાગે છે.’

‘અમસ્તી તેમાં ! તને કોણ ખાઈ જવાનું છે ?' હરિસીંગ બોલ્યો.

'વખતે હું જ મને ખાઈ જાઉ તો ?’ મંગીએ પૂરા ભયથી કહ્યું.

‘તો તને રોકનારે કોણ હોય ?' માનસીંગ બોલ્યો.

'એમ કે ? આ મારો માનિયો બોલે છે, ખરું? હરિસીંગ, તું રહી જા. જવા દે માનિયાને.' મંગી બોલી.

'અરે પણ તને બીક શાની છે ? કાલ બપોરે પાછા આવીશું.’ હરિસીંગ બોલ્યો.

‘મને આ ઝૂંપડી ખાવા ધાય છે. એમાં હું ડાકણ દેખું છું.'

‘જા જા, ગાંડી ! બહાર પડી રહેજે.' હરિસીંગ બોલ્યો.

‘હું ઠીક કહું છું; તમે ન જશો. અને જાઓ તો મને લેતા જાઓ.’ મંગીએ કાલાવાલા કર્યા.

‘તને તે લેઈ જવાય ? ત્યાંનું કામ શું છે તે જાણે છે ?' માનસીંગ બોલ્યો.

‘જાણ્યું હવે ! ગાડીમાંથી માલ ફાડવો છે એ જ ને ?' મંગીએ કહ્યું . 'એ તને સહેલું લાગે છે ?’ માનસીંગે પૂછ્યું.

‘મને સાથે આવવા દે; પછી જો હું કેમ કરું છું તે !' મંગી બોલી.

'હવે મોડું થાય છે, પેલા રાહ જોશે. અને ગાડી ઉપર અમારે ચડવાનું છે.' જરા બળથી હરિસીંગે મંગીને વચમાંથી ખસેડી.

મંગી બંનેના સામું જોઈ ખસી, અને પાસે પડેલા એક પથ્થર ઉપર બેસી ગઈ. અંધકાર નિર્મળ બની ગયો હતો. આંખ અંધકારથી ટેવાઈ જતા સઘળું જોઈ શકે છે. મંગીએ દૂર દૂર દૃષ્ટિ નાખી.

‘અમે જઈએ ત્યારે !' હરિસીંગ બોલ્યો.

મંગીએ કશો જવાબ ન આપ્યો; તેમની બાજુમાં જોયું પણ નહિ. બંનેએ ચાલવા માંડયું.

‘બડી જિદ્દી છે !' માનસીંગ બોલ્યો.

'ઘેલી ન બની જાય. કોઈ દહાડો નહિ અને આજે કોણ જાણે ક્યાંથી એને બીક લાગે છે !' હરિસીંગે કહ્યું અને બંને જણ જરા અટક્યા. મંગી ગાતી હતી.

‘ડૂબંતા ચાંદા ને તારા,

કે મહેલના મિનારા

હો મા તારાં પાણી ઊંડેરા....'

બંને જણ આગળ ચાલ્યા.

'સમજી ગઈ લાગે છે.' માનસીંગે કહ્યું.

'મને તો ડર હતો કે એ પાછળ આવશે.' હરિસીંગ બોલ્યો.

‘એ જાય તો જરા છૂટા રહીએ.' માનસીંગ બોલ્યો.

'છો ને રહી ! એક રૂપાળું મોં જોવા મળે છે.’ હરિસીંગ કહ્યું.

'તું બોલ બોલ ના કર હોં ! મારે અને તારે મંગીની વાતમાં જ જામી જશે.'

‘આપણે તો ખરી વાત કહીએ. દેખાવડું બૈરું આંખને ગમે. અને તુંયે પેલી ઊજળીને ભૂલી જાય છે કે ?' હરિસીંગે હસતાં હસતાં કહ્યું.

માનસીંગને લાગ્યું કે એનાથી ધારિયું વીંઝી જવાશે.

‘ભોગ તારે શાના છે લેવા ?

કે દરિયે જા રહેવા !

હો માં તારાં પાણી ઊંડેરાં !'

મંગીનું ગીત આગળ વધ્યું.

માનસીંગે ધારિયું વીઝ્યું નહિ. મંગીનો અવાજ સાંભળતાં સાંભળતાં તેઓ ગીતની સીમા બહાર નીકળી ગયા.


Rate this content
Log in

Similar gujarati story from Classics