પ્રેમરૂપી રંગો
પ્રેમરૂપી રંગો
બારી બહાર બે છોકરાઓ એકબીજા પર રંગ છાંટતા હતા. એ જોઈ રાધાને ધૂળેટીનો એ દિવસ યાદ આવ્યો. એ દિવસે પહેલીવાર શ્યામલે એના ગોરા ગાલ પર ગુલાબી ગુલાલનો સ્પર્શ કરીને એને આખેઆખી ગુલાબી બનાવી દીધી હતી. આજેય એ યાદ કરતા રાધા એટલી બધી રોમાંચિત થઈ ઊઠી કે જાણે શ્યામલ એની સામે આવી એના અંગેઅંગ ને ફરી એ પ્રેમતણા રંગે ભીંજાવી ના રહ્યો હોય. . . . ! ત્યાં જ કોઈકે જાણે એને સાદ પાડ્યો હોય એવો આભાસ થયો. એ તંદ્રામાંથી બહાર આવીને જોયું તો ખરેખર બારણે રેખાભાભી આવી ઊભા હતા.
'આવો ભાભી કશુંક કામ હતું ? '
' હા રાધા કામ તો હતું પણ કહું કે નહીં એ મૂંઝવણમાં છું. '
' બોલોને જે હોય એ તમે તો મારા ઘરના જ છો. '
રાધા, મારા દૂરના મામાના દીકરા માધવની બદલી અહીં થઈ છે તે થોડા દિવસ અમારે ઘેર રોકાવાનો છે. તું જાણે તો છે કે મારા ઘરમાં જગ્યાની સંકડાશ છે તો થોડા દિવસ તારા ઉપરના માળે માધવને સૂવાની વ્યવસ્થા થઈ જાય તો. . . . . '
'અરે ! એમાં શું પૂછવું. આ પણ તમારું જ ઘર છે એમ સમજોને. કશો વાંધો નહીં ભાભી તમે નિરાંતે અહીં મોકલજો. '
' ના આ તો શ્યામલભાઈ પણ નથી. ને કાકી પણ જાત્રાએ ગયા છે તો . . . '
'એ હમણાં ઘરે હોત તો ના થોડી પાડી હોત. '
સારું ત્યારે માધવ આવે એટલે તને જાણ કરીશ. એમ કહી રેખા ભાભી જતા રહ્યા.
રાધા પોતાના કામમાં પરોવાઈ ગઈ. શ્યામલને બહારગામ નોકરી એ ગયાને વર્ષ થઈ ગયું. રહી રહીને રાધાને શ્યામલની યાદ સતાવતી હતી. પણ શ્યામલને આવતા હજી છ માસ જેટલો સમય નીકળી જશે. એ કેવી રીતે નીકળશે ? એ દરરોજ વિચારતી પોતાનો સમય પસાર કરે છે. દિવસ તો પતી જાય પણ રાત થાય ને એકાંતમાં વેરણ બનીને બેઠેલી યાદો એને જંપીને સૂવાએ નથી દેતી. પણ સમય સમયનું કામ કરે છે. એ સમયથી લાચાર હતી. એને શ્યામલે કહેવા વાક્યો યાદ આવ્યા,
"જો રાધા આમ ઉદાસ ના થા. હૂં દોઢ વર્ષમાં બરાબર સેટ થઈ ને આવી જઈશ પછી હું તને મારી સાથે લઈ જઈશ, મને પણ તારા વિના નહીં ગમે પણ આપણા ભવિષ્ય માટે આટલી કુરબાની તો આપણે આપવી જ પડશે. "
બીજે દિવસે રાતે રેખાભાભી એના ભાઈ માધવ સાથે રાધાને ઘેર આવી. રાધાએ તો એમને માટે માળ પર સરસ પથારી કરી દીધી હતી. રેખાભાભી તો રાધાનો પરિચય કરાવી ચાલી નીકળી.
માધવ દેખાવડો અને હસમુખ સ્વભાવનો હતો એ તો રાધાને પણ કહેવા લાગ્યો,
' તમે મારા માટે આટલી સરસ વ્યવસ્થા કરી એ બદલ આપનો ઘણો આભાર. જો તમને વાંધો ન હોય તો હું થોડીવાર લેખન કાર્ય કરી શકું ? મને લેખનનો શોખ છે. '
' હા, મને કશો વાંધો નથી. તમે લેખક છો એમ ?'
'ના. . . ના. . . . આ તો સમય મળે ત્યારે થોડું લખું છું . તમે લખો છો ?'
' મને લેખનનો તો નહીં પણ વાંચનનો શોખ ઘણો છે. '
' અરે વાહ. . . ! તો તો મારી લખેલી કવિતા અને વાર્તા આપને વાંચવા જરૂર આપીશ. '
'હા મને પણ વાંચવી ગમશે. '
આમ માધવ અને રાધા બંને એકબીજા સાથે રાતે મળે ત્યારે અવનવી વાતો કરતા. રાધા હવે એકલતામાંથી જાણે બહાર આવી ગઈ. એને માધવ સાથે સમય પસાર કરવું એને ગમવા લાગ્યું.
હોળીના દિવસે હોલિકાની પૂજા કરીને આવેલી રાધાને પહેલીવાર સુંદર તૈયાર થયેલી જોઈને માધવ રાધા માટે બે સુંદર પંક્તિઓ લખી સંભળાવે છે. રાધાના સૌંદર્યના આટલા સુંદર વખાણ સાંભળી રાધા તો પોતાની જાતને ધન્ય ગણે છે. તે રાતે રાધા માધવને પોતે બનાવેલી વાનગી ખવડાવે છે. માધવ જેવો માળ ઉપર સૂવા જતો હોય છે ત્યાં જ અચાનક વીજળી જતી રહે છે ને રાધા રસોડામાં જતા અચાનક ઠોકર વાગતા પડી જાય છે ને એ ચીસ પાડી ઊઠે છે. માધવ દોડતો જઈને એને ઊંચકીને એના રૂમમાં લઈ જાય છે. પહેલીવાર અંધારામાં કોઈ પરપુરુષનો સ્પર્શ એના સૂતેલા યૌવનને જગાડે છે એ માધવને વળગી પડે છે બંનેના હ્રદયમાં એક વીજળી રણઝણી ઊઠી.
પણ ત્યાં જ માધવનો સંયમ એને રાધાથી દૂર કરે છે. તે રાધાથી અળગો થતાં એને કહે છે, "ના રાધા હું તો એક આગંતુક છું, આ એક ક્ષણથી હું તારા યૌવનને મારામાં સમાવી શકું છું,પણ ના મારે આ નથી કરવું તું તારા પતિ શ્યામલની અમાનત છો. હું તને ભોગવીને જતો રહીશ પછી તારા જીવનમાં જે ઝંઝાવાત તારી સામે આવશે એ એને હું જોઈ શકું છું. આપણી નિર્મળ મિત્રતાને વાસનાની આગમાં બુઝાવી દેવા હું નથી માંગતો. તું તારા સંસારમાં સદા સુખી રહે એ જ મારી કામના છે. હું જાણું છું કે હમણાં તું મને વળગી પડી એ તારી એકલતાએ તને એ કરવા મજબૂર કરી. તારા હ્રદયમાં જાગેલી કામનાએ એ કરવા તને પ્રેરિત કરી. પણ હું તારી મનોદશાને તારી સાથેની વાતોથી જાણી ગયો છું. "
માધવના મુખેથી સાંભળેલા વાક્યોથી જાણે ભાન ભૂલેલી રાધાને પોતે શું કરવા જઈ રહી હતી એનું ભાન થતા અને જો આ એક ક્ષણમાં માધવ મને સાથ આપ્યો હોત તો હું આજે મારા જીવનસાથી સાથે કરેલા વચનોની ગુનેગાર બની ગઈ હોત.
એ માધવ સામે માફી માંગી એની સામે હાથ જોડી ઊભી રહે છે ને અચાનક એક ઝબકારો થયો ને આખો ઓરડો ઝળહળા બની ગયો.
ધૂળેટીના દિવસની સવાર જાણે રાધાને એના શ્યામલમાં ફરી પાછી રંગાયેલી જોઈને કાયમને માટે શ્યામલની રાધાને રંગોની વચ્ચે રમતી મૂકી માધવ હંમેશને માટે રાધાથી દૂર જતો રહ્યો. ને ત્યાં જ બારણે ઓચિંતા આવેલા હાથમાં ગુલાલ લઈને ઊભેલા શ્યામલને જોઈ એ એના પ્રેમરૂપી રંગોના સ્પર્શથી ફરી પાછી ગુલાબી ગુલાબી થઈ ગઈ !

