Falguni Rathod

Inspirational

4  

Falguni Rathod

Inspirational

પ્રભુને પ્રાર્થના

પ્રભુને પ્રાર્થના

2 mins
271


નંદલાલ અને જશોદા આજે સવારથી ખૂબ આનંદમાં હતા. પોતાની દીકરી આજે ડોક્ટર બનીને પોતાનું સ્વપ્ન સાકાર કરવા જઈ રહી હતી. વર્ષો પહેલા એક અમાસની રાતે એમના જીવનમાં બનેલી ઘટના નંદલાલનાં સ્મૃતિપટમાંથી બહાર આવી ગઈ.  

એક અમાસની રાતે અંધકારમાં નંદલાલની ગાડી જંગલ વચ્ચે અચાનક બંધ પડી ગઈ હતી. ચોતરફ નજર કરતાં કોઈ દેખાતું ન હતું. બીજી ગાડી માટે થોભવા કરતાં જંગલમાંથી ઝડપથી રસ્તાની બાજુ પર ચાલવાનું એમણે વિચાર્યું. રસ્તે ચાલતા જતા અચાનક કોઈ બાળકનો રડવાનો અવાજ એને સંભળાયો; રોડની બાજુમાં એક ઝાડ પાસે એક નવજાત જન્મેલ બાળકીને કોઈ ત્યજીને જતું રહ્યું હતું. જોઈને નંદલાલ એ બાળકીને અહીં કોણ મૂકી ગયું હશે ? એવો વિચાર કરવા લાગ્યા. એણે આજુબાજુ જોઈ બૂમો પાડી, પણ કોઈ ત્યાં દેખાતું ન હતું. આવી અંધકારભરી રાત્રિમાં આ બાળકીને આમ મૂકીને જવાની નંદલાલની હિંમત ન થઈ. તેણે એ બાળકીને સાથે લઈ જવાનું વિચાર્યું; બાળકીને લઈને ધીમે ધીમે ચાલવાનું શરૂ કર્યું. ત્યાં થોડે દૂર જતાં એક ગાડી મળતાં સવારેએ બાળકીને લઈને ઘરે પહોંચ્યા. 

એની પત્ની જશોદા નંદલાલની આતુરતાથી રાહ જોઈને બેઠી હતી. દરવાજાની ઘંટડી વાગતા જશોદાબેને ઝડપથી દોડતી જઈ બારણું ખોલ્યું. ત્યાં એનાં હાથમાં નંદલાલ બાળકી મુકતાં બોલ્યા, 'લે આ પ્રભુની પ્રસાદી, જેની આપણે વર્ષોથી કામના કરતાં હતા.તે આ અમાસની અંધારી રાત્રિએ પૂનમનો ચાંદ બનીને આપણને મળી !'

ત્યાં જ પૂનમ પપ્પા... પપ્પા..... કરતી નંદલાલ પાસે આવી અને નંદલાલ પાછા વિતેલી ઘટનામાંથી બહાર આવ્યાં. દવાખાનાનાં ઉદ્ઘાટન માટે પૂનમ બંને મા બાપ નંદલાલ અને જશોદાને હાથ પકડીને લઈ ગઈ. આ જોઈ બંને માવતરની આંખોમાં હર્ષનાં આંસુ છલકાઈ ગયાં. બંને માવતર મનોમન ભગવાનને યાદ કરતા બોલી ઊઠ્યાં,

 'હે પ્રભુ...! આ એજ ત્યજાયેલી બાળકી આજે અમારા જીવતરનો સહારો બની ગઈ.એને દરેક જન્મમાં અમારી દીકરી જ બનાવજો.'

બીજી તરફ પૂનમે પણ પ્રભુને પ્રાર્થના કરી કે, 'હે પ્રભુ ! આવાં માવતર મને જન્મોજન્મ મળતાં રહે જેમનું ઋણ દરેક જન્મમાં એક દીકરી બની હું હંમેશાં ચૂકવી શકું !'


Rate this content
Log in

Similar gujarati story from Inspirational