Falguni Rathod

Inspirational

4  

Falguni Rathod

Inspirational

આરાધના

આરાધના

6 mins
214


બાળપણથી જ મા વગરની આરાધના ભાભીનાં સાનિધ્યમાં મૂરઝાઈ ગયેલા ફૂલ જેવી થઈ ગઈ હતી. એનું અસ્તિત્વ જાણે એક ઘરની કામવાળી બાઈ જેવું બની ગયું હતું. એના જીવનમાં ના કોઈ ઉત્સાહ ના કોઈ ઉમંગ. . . ! એની જિંદગી એની ક્યાં રહી હતી. . . ? સૂરજની સવારી આવે એ પહેલા તો એ ઊઠી જતી. માથે બે બેડાં લઈને કૂવે પાણી ભરવા જતી. આવીને રસોઈમાં લાગી જતી. આરાધનાને સવારનાં શાંત વાતાવરણમાં પંખીઓની ચહલપહલ એમના સુમધુર મીઠાં સૂર સાંભળવાનું ઘણું જ ગમતું. પણ એ સાંભળવા જતાં એને ભાભીની કટુ વાણીનો શિકાર બનવું પડતું. એને પોતાને કોઈ પણ પ્રકારની છૂટ નહોતી. એનો ભાઈ સુધાકર આ બધું જોતો પણ આંખ આડા કાન કરી જેમ ચાલતું હતું તેમ ચાલવા દેતો હતો. એ એની ભાભી આગળ કશું બોલી શકતો ન હતો. આરાધનાએ પોતાની જાતને પોતાનાં ભાભીની ચરણોમાં જાણે સમર્પિત કરી દીધી હતી. એ ભણવામાં ખૂબ હોશિયાર. . . ! પણ એની હોંશિયારી એના પૂરતી જ સીમિત રહી. ભણતર છોડાવી ઘરનાં કામકાજ કરવામાં જ એને તો માસ્ટરી કરવાની હતી. આરાધના બધું મૂંગે મોંઢે ગરીબડી ગાય બની સહન કરતી હતી. એ પોતાના આવા જીવનમાં ઢળીને જીવન જીવ્યે જતી હતી. એને માત્ર એક જ જગ્યાએ જઈને જાણે શાંતિ મળતી તે રાધાકૃષ્ણ મંદિર. . . ! જ્યાં એ સાંજની સંધ્યા આરતી કરવા જતી. આરાધનાનાં મુખેથી ભજન સાંભળવા માટે ગામનાં બધા લોકો એક ચિત્ત બનીને બેસતાં. એનાં સુમધુર કંઠે મંદિરનું સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જતું.

 આવી સુખ દુઃખોની ઘટમાળો વચ્ચે આરાધના ધીમે ધીમે મોટી થતી ગઈ. પ્રાતઃ સૂરજની લાલિમા ધરતી પર પથરાઈને જાણે ધરતી પર પોતાનું સૌંદર્ય વિખેરી દે એ રીતે આરાધનાની યુવાની ખીલતી જતી હતી. આરાધનાનાં લગ્ન માટે સારી સારી જગ્યાનાં માંગા આવવા લાગ્યાં. પણ એની ભાભી એને કોઈ પણ સારી જગ્યાએ પરણાવી દેવા માંગતી નહતી. એના લગ્ન થઈ જાય તો ઘરનાં કામકાજ કોણ કરે. . ? એટલે એ સારી સારી જગ્યાના માંગા ના પાડી દેતી. આરાધનાને પણ અન્ય છોકરીઓની જેમ પોતાના લગ્ન થાય એવી મહેચ્છા હતી. પણ એની મહેચ્છા મહેચ્છા જ રહી જવા પામી. . . ! એ ભાઈ આગળ પોતાની લાગણી કહેવા મથતી પણ એ ભાઈની લાચાર સ્થિતિને જાણીને મૌન સેવી લેતી.  

 ત્યાં એક દિવસ અચાનક સાંજની સંધ્યા આરતી પછી એની સામે ગામમાં અમેરિકાથી આવેલો યુવાન પરિમલ ઊભો હતો એનો મોહક ચહેરો જોઈને આરાધનાના દિલમાં જીવનમાં પહેલી વાર એના પ્રત્યે પ્રીતિ બંધાઈ. ને પેલા પરિમલને આરાધનાના કંઠમાં મા સરસ્વતીનો દિવ્ય વાસ પ્રાપ્ત થયેલો જોઈને એનાં પ્રત્યે એ પણ આકર્ષિત થયો. પરિમલ અમેરિકામાં સંગીતનાં વર્ગો ચલાવતો હતો એ વિદેશની ધરતી પર રહીને ભારતીય સંસ્કૃતિનાં મૂળને જીવંત રાખવા માંગતો હતો. એ આરાધના જેવાં જ સુંદર અવાજની શોધ માટે અમેરિકાથી છેક ગામમાં આવ્યો હતો. એણે આરાધનાને પોતે જે આશય માટે આવ્યો હતો એ હકીકત કહી. એને અમેરિકા લઈ જવાની વાત કરી. પણ આરાધના લાચાર હતી. એણે આ કદી શક્ય બનશે નહીં કહીં પરિમલને પોતાની કથની કહી સંભળાવી. પરિમલને આરાધના પ્રત્યે અનુકંપા જન્મી. મનોમન એ પણ આરાધનાને ચાહવા લાગ્યો હતો. આરાધના જેવી દૂર જવા લાગી કે પરિમલે એને પકડી લીધી. એને પોતાની બાહોમાં સમાવી લીધી ને વચન આપ્યું કે,'હું તને મારી જીવનસંગિની બનાવીને જ રહીશ. ' પહેલીવાર આરાધનાને જાણે પોતાનાં જીવનમાં આનંદની પળનો અનુભવ થયો. પરિમલે નદી કિનારે પ્રકૃતિનાં સૌંદર્યને માણતાં માણતાં ડૂબતાં સૂર્યની પથરાયેલી લાલિમા વચ્ચે આરાધનાને પોતાની સાથે લઈ જવાનું વચન આપ્યું.

  થોડા દિવસ પછી પરિમલ આરાધનાના ભાઈને મળ્યો. એમને એનાં અને આરાધનાનાં પ્રેમ વિશે વાત કરી. એને પોતાની સાથે અમેરિકા લઈ જવા માંગે છે એ હકીકત કહી. આરાધનાના ભાઈએ ઘરે આવી એની ભાભીની ગેરહાજરીમાં આરાધનાને થોડાં પૈસા આપી પરિમલ સાથે ભાગીને લગ્ન કરી લેવાની સલાહ આપી. આરાધના આ કરવાં તૈયાર ન હતી, એ ભાઈને ના પાડવા લાગી; ત્યારે એના ભાઈ એની સામે આંખોમાં આંસું લાવી બોલ્યો, "આજ દિન સુધી હું તારા પર થતાં અત્યાચારને સહન કરતો આવ્યો છું. આજે મને મારો આ નિર્ણય એક ભાઈ તરીકે યોગ્ય લાગ્યો છે. તું ભાગી જા આ નર્કમાંથી. . . ! ને પરિમલ સાથે હસી ખુશી તારું જીવન પસાર કર. . બસ એક ભાઈની આજ એક ઈચ્છા પૂરી કર. . ! " આરાધના પોતાના ભાઈને ભેટી ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી. એના ભાઈએ એને શાંત પાડી પરિમલ સાથે મોકલી દીધી.

પરિમલ સાથે વિદેશ પહોંચેલી આરાધનાને શરૂઆતમાં ગામની યાદ આવતી. એ આ નવાં વાતાવરણમાં પોતાની જાતને ઘણી એકલી અનુભવતી હતી પણ પરિમલે એની સાથે લગ્ન કરી એને તમામ પ્રકારની સુખ સગવડ પૂરી પાડી. બાળપણમાં જે સુખ એ પ્રાપ્ત ન કરી શકી તે પરિમલ સાથે લગ્ન પછી એ મેળવી શકી. પરિમલે એને ત્યાંનું શિક્ષણ અને સંગીતની તાલીમ આપી. અને જોત જોતામાં તો આરાધના સંગીત જગતમાં ગાયિકીમાં પોતાની નામનાં મેળવી લીધી. એ અમેરિકામાં પરિમલ સાથે મળીને સંગીતના મોટા મોટા કોન્સર્ટ કરવાં લાગી. અન્ય દેશોમાં પણ એ સંગીતનાં પ્રોગ્રામ કરવા જતી. આમ આરાધના એક લોકપ્રિય હસ્તી બની ગઈ હતી. એની પાસે બધી જ સુખ સગવડ મોજુદ હતી. પણ અંદરથી આરાધનાને કંઈક ખૂટતું હોય એવું લાગતું. લગ્નનાં ઘણા વર્ષો થયાં પણ એમને કોઈ સંતાન નહોતું. સંગીતમાં સમર્પિત એવા પરિમલને જીવનની ઘટમાળોમાં આ બાબતે વિચારવાનો અવકાશ ન રહ્યો. પણ આરાધના સતત એનાં ઉદરમાં કોઈ પુષ્પ ખીલે એવી ઝંખના સેવતી. . . ! બંને જણે એ માટે ઘણાં મોટા ડોક્ટરો પાસે તપાસ કરાવી પણ બધાં રિપોર્ટ નોર્મલ હોવા છતાં આરાધનાની માતૃત્વની ઝંખના અધૂરી જ રહી. એની અસર એનાં સંગીત પર પડી. ધીમે ધીમે એ સંગીતથી દૂર થતી ગઈ અને ડિપ્રેશનમાં આવી ગઈ. પરિમલ આવી સ્થિતિમાં પણ એની ખૂબ કાળજી લેતો. ત્યાંનાં ડોકટરે એને અહીંનાં માહોલમાંથી દૂર લઈ જવાનું સૂચવ્યું. એટલે પરિમલ આરાધનાને લઈને ગામ આવી ગયો. ગામનાં શાંત વાતાવરણમાં એ એને એની ગમતી જગ્યાએ લઈ જતો. આરાધનાનાં ભાઈને જેવી ખબર પડી કે એ એની બહેનને મળવા આવ્યો. પરિમલે ભાઈ સુધાકરને બધી હકીકત કહી. ભાઈને જોઈને આરાધના એને ભેટીને ખૂબ રડી. ભાઈએ એને શાંત પાડી. થોડી સ્વસ્થ થયા પછી આરાધનાએ ભાભી વિશે પૂછ્યું. ત્યારે એના ભાઈએ માંડીને વાત કરી, "તારા ગયાં પછી થોડા દિવસ તારી ભાભીએ મારી સાથે ઘણો ઝઘડો કર્યો પણ પછી એ ગર્ભવતી બની. એણે કરેલા તારી સાથેના વ્યવહારનું ફળ એને ભગવાને આપ્યું. એ દીકરીને જન્મ આપીને માંદગીનાં બિછાને એવી પડી કે એ ઊભી જ ન થઈ શકી અને મૃત્યુ પામી. ભાઈની સાથે આવેલી મા વિહોણી દીકરીને જોઈને આરાધનાની ભીતર માતૃત્વ જાગી ઊઠ્યું. એને પોતાનાં હૃદય સરસી ચાંપીને એને વ્હાલ કરવા લાગી.

થોડા દિવસ આરાધનાનો ભાઈ એની દીકરી હીરને આરાધના પાસે મૂકી આવ્યો. આરાધના દીકરી હીરને રમાડવામાં એની સાથે સમય પસાર કરતા ધીરે ધીરે ડિપ્રેશનમાંથી બહાર આવી. પરિમલે આરાધનાની તબિયતમાં થયેલા સુધારાને કારણે એક અગત્યનો નિર્ણય લેવાનું નક્કી કર્યું. આરાધના અને પરિમલ બંને સુધાકરભાઈ પાસે જઈ એમની દીકરીને દત્તક લેવાની વાત કહી. આરધનાનાં ભાઈએ હસતાં હસતાં આ નિર્ણયને સહર્ષ સ્વીકારી લીધો. સુધાકર આરાધનાને એટલું જ કહીં શક્યો, " જેવું બાળપણ મારી બહેને ભોગવ્યું છે એવું મારી દીકરીનાં ભાગ્યમાં નથી. એટલે હું આપ બંનેને હાથ જોડીને મારાથી થયેલી ભૂલોની માફી માંગું છું અને આપને આશીર્વાદ આપું છું કે આપ બંને મારી દીકરીનાં ઉત્તમ માતાપિતા બનીને રહેશો. "

 આરાધના હીર અને પરિમલની સાથે ફરી વિદેશ જવા નીકળી. પણ આ વખતે એનાં જીવનમાં નવી લાલિમા છવાયેલી હતી. સુખ દુઃખની ઘટમાળોમાં એનું માતૃત્વ જાણે ખીલી ઊઠ્યું હતું. એનાં બાહ્ય સૌંદર્ય કરતાં એની ભીતર છુપાયેલા માતૃત્વનાં સૌંદર્યનો નિખાર કંઈક અનેરો જ હતો. એના જીવનમાં ફરી પાછા હીરરૂપી સંગીતનાં સૂરો ચારેકોર ગુંજવા લાગ્યાં. આરાધનાને જોઈ પરિમલ સ્વગત બોલી ઊઠ્યો, " પ્રભુ આ જીવનરૂપી ઝંઝાવાતોની વચ્ચે પણ મારી આરાધના આજે સફળ થઈ ખરી !"


Rate this content
Log in

Similar gujarati story from Inspirational