પ્રેમનો પહેરો
પ્રેમનો પહેરો
માયા અને કિશોર બંને સાથે એક જ સોસાયટીમાં રહેતા હતાં. બાળપણ અને કિશોરવસ્થા બંને સાથે જ વીતાવી, માયાને કિશોરના માતા પિતા એકબીજાના પરિચિત હતાં. એક જ જ્ઞાતિના હતાં. બંને ઘર વચ્ચે ખૂબ જ સારા સંબંધો હતાં, અને લગભગ બધા જ તહેવારો પ્રસંગોમાં એકબીજાને ત્યાં હાજરી આપતા હતાં. માતા-પિતાના આત્મીય સંબંધોને કારણે માયા અને કિશોર વચ્ચે પણ પાકી દોસ્તી હતી. વળી બંનેના અન્ય દોસ્ત પણ સરખા હતાંં. બાળપણ તો નાની મોટી લડાઈ ઝઘડામાં પૂરું થયું.
કિશોર અવસ્થામાં ધીમે ધીમે યુવાની ફૂટતા અને પ્રેમ શબ્દની સમજ પડવા લાગી, ત્યારે બંનેને એકબીજા સાથે મસ્તી તોફાન, એક બીજાની ચિંતા કરવી, ધ્યાન રાખવું, કોઈ બીજા સાથે વાત કરે તો ઇર્ષા થવી એવું બનવા લાગ્યું. એક દિવસ માયા અને કિશોર બંને પરીક્ષાની તૈયારી કરી રહ્યા હતાં, એકબીજાની નોટમાં પોતાના મનના ભાવોને વર્ણવીને આપ્યા. વાંચતા-વાંચતા નોટ એકબીજાના હાથમાં આવી, અને મનની સ્થિતિ જાણવા મળી, અત્યાર સુધી તેમનો પ્રેમ અબુધ એક નાના બાળક જેવો હતો,પરંતુ હવે તો લખાણ દ્વારા એકબીજાને એક મનની વાત જણાવી, અને પ્રેમને ખુલ્લો કરી દીધો. હવે પહેલા કરતા વધુ એકબીજા સાથે સમય અને એકબીજા પર પોતાનો અધિકાર પણ જતાવવા લાગ્યાં.
બંનેનો પ્રેમ ધીમે-ધીમે ઊડીને બધાની આંખે ચડવા લાગ્યો. બંનેના માતા-પિતાએ આ બાબતોમાં એકબીજા સાથે ચર્ચા કરી અને સંમતિ પણ આપી. માયા અને કિશોરના ખુબજ ધામધુમથી લગ્ન લેવાયા, બંને બાળપણના દોસ્ત કિશોરાવસ્થાના પ્રેમી અને આજના પતિ-પત્ની બન્યા. બંને ખૂબ જ આનંદથી જીવન વ્યતિત કરવા લાગ્યા. સાચે જ મનગમતો સાથ મળતા દરેકની જિંદગી ખુબ જ આસાનીથી પસાર થઇ જતી હોય છે. એ બંને પ્રેમીઓને પ્રેમની નિશાની રૂપે એક દીકરીનો પણ જન્મ થયો. અને આજે હવે બંને જણા પ્રૌઢ અવસ્થામાં પહોંચી ગયા.
તેમની દીકરી પણ પરણવાલાયક થઈ ગઈ.માયા અને કિશોર આખી જિંદગી સાથે જ એકબીજાને પ્રેમ કરતા કરતા વિતાવી, તેમણે જિંદગીમાં ક્યારેય લડાઈ ઝઘડો કર્યો ન હતો,બસ મસ્તી મજાક કરતા કરતા સાચા સ્નેહી બની સાથે રહ્યા, અને હવે પ્રૌઢ પણ થયા. આજે કોરોના મહામારીમાં પણ બંને એક બીજાને સાચવી પ્રેમથી વર્તે અને પૂરતી કાળજી રાખી બંને એકબીજાના રોગનું શરીર-સ્વાસ્થ્યનો એટલો જ ખ્યાલ રાખે અને જ્યાં આટલો સરસ પ્રેમનો પહેરો હોય ત્યાં કોરોના આવે જ ક્યાંથી ?

