પ્રેમની વ્યાખ્યા
પ્રેમની વ્યાખ્યા


આજે બી.જે. મેડિકલ કોલેજમાં ભવ્યનો પ્રથમ દિવસ હતો. ભવ્ય સ્વભાવે સરળ હતો. શાળામાં તે રેન્કર હતો. મેડિકલ કોલેજમાં તેને ફ્રી સીટમાં એડમિશન મળી ગયું હતું. ડોક્ટર બનવાની તેના સપનાનું આ પ્રથમ પગલું હતું. ખૂબ ખુશ હતો આજે તે. ભવ્ય સાધારણ પરિવારમાં ઉછર્યો હતો તેથી તેની રહેણીકરણીમાં સાદગી છલકાતી હતી પરંતુ તેની વાક્છટા, બુદ્ધિપ્રતિભા ભલભલાને પાછા પાડી દેતી. આ જ કોલેજમાં આજે એસ.વાય. માં નવું એડમિશન હતું રાહુલનું. રાહુલ પૈસાદાર મા-બાપનો એકનોએક દિકરો હતો. આજ સુધી તેના પિતાએ તેને જે કહ્યું તે ખરીદીને આપ્યું. ત્યાં સુધી કે કોલેજમાં મેડિકલ સીટ પણ તેના પિતાએ રાહુલ માટે ખરીદી હતી. રાહુલ માટે જીવનમાં કોઈ ધ્યેય હતું નહિ. તેને તો બસ જીવન એટલે રખડવું અને માણવું. અગાઉ એક કોલેજથી તેના ગેરવર્તણુકને કારણે તેને રસ્ટિકેટ કરવામાં આવ્યો હતો. રાહુલ બાઈક પર સવાર થઈ કોલેજના પ્રાંગણાં પ્રવેશતો ત્યાં જ કોલેજની છોકરીઓ તેને લોલુપતાથી નિહાળતી. કોલેજની બધી જ છોકરીઓ રાહુલની ગર્લફ્રેન્ડ બનવા માંગતી. આ બધી છોકરીઓમાં એક હતી કીર્તિ. કીર્તિના પિતા એક ડોક્ટર હતા. તે પણ કીર્તિ ડોક્ટર બને એવું ઈચ્છતા હતા. કીર્તિની આમ તો કોઈ અભિલાષા નહોતી. પરંતુ તેને પણ અન્ય છોકરીઓની જેમ રાહુલ જેવા હેન્ડસમ છોકરાની સાથે ફ્રેન્ડશીપ કરવી હતી.
ભવ્યની નજર જ્યારે કીર્તિ પર પડી ત્યારે તેને પ્રથમ નજરે જ પ્રેમ થઈ ગયો હતો, પરંતુ ભવ્ય તેના શરમાળ સ્વભાવને કારણે કહી નહોતો શકતો. પ્રેમ તો દૂર તે કીર્તિ સાથે ફ્રેન્ડશીપ પણ નહોતો કરી શક્યો. આ બાજુ કીર્તિ રાહુલ તરફ આકર્ષાઈ હતી. રાહુલને આ વાતનો ખ્યાલ આવી ગયો હતો. તેણે કીર્તિ સાથે બોલવાની પહેલ કરી. કીર્તિ તો આશ્ચર્ય સાથે ખૂબ આનંદિત થઈ ઊઠી. થોડા દિવસ પછી રાહુલે કીર્તિને કોફી પર આમંત્રિત કરી. કીર્તિને તો જાણે સ્વર્ગ મળી ગયું. તે રાહુલને મળવા તૈયાર થઈ ગઈ. ખુલ્લા સિલ્કી વાળ, વન પીસ સ્લીવલેસ ફ્રોક અને હિલ્સવાળી સેન્ડલમાં કીર્તિ ખૂબ સુંદર લાગતી હતી. અરીસામાં જોઈ તેણે ખૂબ સાવચેતીથી મેકઅપ કર્યો. કીર્તિ અને રાહુલ કોફી પર મળ્યા. રાહુલ તો બસ કીર્તિ જોડે મજા કરવા માંગતો હતો. પ્રેમ જેવા શબ્દો તેના શબ્દકોશમાં હતાં જ નહિ. રાહુલએ ડેટ પર કીર્તિના હાથ પર પોતાનો હાથ મૂક્યો, બસ કીર્તિ તો આને જ પ્રેમ સમજી બેઠી. બંને 1 કલાક પછી છૂટા પડ્યા.
કીર્તિ ઘરે આવીને પણ રાહુલના જ વિચારમાં ખોવાયેલી બેઠી રહી. બીજે દિવસે કોલેજમાં પણ રાહુલ અને કીર્તિના આંખના ઈશારા ચાલુ જ હતા. ભવ્ય આ બધું જ સમજતો હતો. તેને એ પણ ખબર હતી કે રાહુલ માત્ર કીર્તિને ફેરવે છે પણ પોતે રાહુલથી સાવ વિપરિત વ્યક્તિત્વ ધરાવતો હતો. કીર્તિની પસંદગી જોઈ તેને લાગ્યું કે કીર્તિ તો કદાચ મારી જોડે વાત કરવા પણ તૈયાર ન થાય તેને કેમ સમજાવવું કે રાહુલના ઈરાદા શું છે ?
એક દિવસ કોલેજમાં રાહુલ એ પાયલને જોઈ. પાયલનું આજે જ એડમિશન થયું હતું. પાયલ એટલે જોનારાનો શ્વાસ થંભી જાય તેવું રૂપ ધરાવતી યુવતી. કોલેજના બધા છોકરાઓ તેને મુગ્ધ નયને જોઈ રહ્યા હતા. રાહુલની નજર પાયલ પર પડી. તેણે જાણકારી મેળવી કે પાયલ મોડલિંગ કરે છે. રાહુલને તો બીજું શું જોઈએ ? તેને તો રમવા માટે બીજું રમકડું મળી ગયું. તે કીર્તિને જોઈ રસ્તો બદલી નાખતો. કીર્તિને તે કોઈને કોઈ બહાનુ કરી ટાળવા લાગ્યો. કીર્તિને રાહુલનું આવું રૂક્ષ વર્તન જોઈ નવાઈ લાગી. તે ખૂબ દુઃખી થઈ. એક દિવસ કીર્તિ રાહુલની સામે જઈ ઊભી રહી ગઈ. રાહુલને આમ કરવાનું કારણ પૂછ્યું. રાહુલે ખૂબ જ નફ્ફટાઈથી કહ્યું, `તારા જેવી છોકરીઓનો આ જ પ્રોબ્લેમ છે. થોડો ભાવ આપો તો પાછળ જ પડી જાય.' બધાની સામે કીર્તિનું આમ અપમાન થવાથી કીર્તિ રડતા રડતા ચાલી ગઈ.
ભવ્યએ આ બધું જ જોયું. કીર્તિ હવે મૂક થઈ ગઈ હતી. હસવા-બોલવાનું બંધ થઈ ગયું હતું. એક વખત કીર્તિ રસ્તામાં જતી હતી ત્યારે અચાનક બેહોશ થઈ ગઈ. ભવ્ય ત્યાં હાજર હતો. તે કીર્તિને રીક્ષામાં બેસાડી દવાખાને લઈ ગયો. ડોક્ટરે કહ્યું, કંઈ ચિંતા જેવું નથી, સ્ટ્રેસ છે માત્ર...
ભવ્ય કીર્તિને તેના ઘરે મૂકવા ગયો. કીર્તિએ તેની ઓળખાણ મમ્મી સાથે કરાવી. કીર્તિને મમ્મીએ પણ ભવ્યની આગતાસ્વાગતા કરી. તેનો આભાર માન્યો. ભવ્યને મમ્મી જોડે ખૂબ જ મૃદુતાથી વાત કરતા જોઈ કીર્તિ તેના તરફ આકર્ષાઈ હતી. વળી ભવ્ય હોંશિયાર પણ હતો. ભવ્યને પ્રથમ વખત કીર્તિ જોડે વાત કરવાની તક સાંપડી. થોડા જ સમયમાં ભવ્ય અને કીર્તિ મિત્ર બની ગયા.
આજે કોલેજનો છેલ્લો દિવસ છે. કીર્તિ ભવ્યની સાથે રહી પ્રેમની વ્યાખ્યા સમજી ગઈ હતી. આજે કીર્તિ ભવ્ય સામે પ્રેમનો એકરાર કરવાની છે. અહીં કીર્તિને ક્યાં ખબર છે કે ભવ્ય પણ કીર્તિ સામે પ્રેમનો એકરાર કરવાનો છે... જોઈએ કોણ પહેલ કરે છે ?