Pallavi Gohel

Romance Tragedy Inspirational

4  

Pallavi Gohel

Romance Tragedy Inspirational

પ્રેમની સફર

પ્રેમની સફર

6 mins
361


માઉન્ટ આબુનાં સનસેટ પોઈન્ટ પર એક સમયે જે બે હૈયાં એક ધબકાર બની ગયાં હતાં, એ આજે વર્ષો પછી એજ પોઈન્ટ પર શૂન્યમનસ્ક અસ્ત થઈ રહેલાં સૂર્યને નિહાળી રહ્યાં હતાં. માનસીનાં માનસપટ પર અતીતની આરસી ચળકી, ભૂતકાળનાં એ સુંદર સમયની યાદોની ઘટમાળમાં પરોવાતાં પોતાને રોકી ન શકી.  

કોલેજ પ્રવાસમાં આજ સનસેટ પોઈન્ટ પર તેણે માનવને પહેલી નજરે જ પોતાનું હૃદય સોંપી દીધું હતું, તો સામે માનવે પણ પોતાનું દિલ માનસીને સોંપ્યું હતું. બંને હૈયાં પ્રેમની સફર પર નીકળી પડ્યાં હતાં. સમાજ, પરિવારનાં ન જાણે કેટકેટલાંય વિરોધોને પાર કરી અથાગ સંઘર્ષ સાથે આખરે તેઓ સુખરૂપ લગ્નનાં પવિત્ર બંધનમાં બંધાઈ ગયાં હતાં. આ સમયે તેઓને જીવન એક સ્વપ્ન સમાન લાગતું હતું, કે ખરેખર તેઓ બંને સાથે છે ! હંમેશ માટે.

 લગ્ન પછી હનીમૂન માટે તેઓ તેમનાં પ્રેમનાં સાક્ષી એવાં માઉન્ટ આબુ જ આવેલાં, આજ સનસેટ પોઈન્ટ પર હાથમાં હાથ પરોવીને બંને અસ્ત થતાં સૂર્યની લાલિમામાં પ્રેમાનુભૂતિથી લથબથ રંગાઈ ગયાં હતાં.

માનવને પોતાનાં શહેરથી દૂર અન્ય શહેરમાં સરકારી નોકરી મળી, જીવનમાં આનંદની લહેરો ફરી વળી. માનવે ત્યાં સેટ થતાં જ માનસીને પણ બોલાવી લીધી. નવું શહેર, નવું ઘર, નવાં લોકો વચ્ચે બંને એકબીજાની વધું ને વધું નજીક આવતાં ગયાં, પવિત્ર બંધનની ગાંઠ વધું મજબૂત બનતી ગઈ. તેઓનાં પ્રેમની નિશાની એટલે તેમનો દીકરો અંશ તેઓનાં જીવનમાં આવતાં જ જાણે તેઓને દાંપત્યજીવનમાં પૂર્ણતા મળી.

જીવનની ઘટમાળ મહીં સુંદર ક્ષણોનાં મણકાઓ પરોવાઈ રહ્યાં હતાં, પણ સમયે શું નક્કી કર્યું છે એ કોણ જાણી શક્યું છે! માનવને માનસી માટે અપાર પ્રેમ હતો સાથે પરિવાર માટે પણ અનન્ય લાગણી હતી. માનવનાં પરિવારે આખરે માનવની ખુશી ખાતર માનસી સાથે તેનાં લગ્ન તો કરાવી આપ્યાં હતાં, પણ હકીકતે હૃદયનાં એક ખૂણે તો તેઓને માનસી માટે અણગમો જ હતો.  

માનવની નજર સમક્ષ તેનાં પરિવાર દ્વારા માનસી પ્રત્યે અપાર લાગણી હોવાની પ્રસ્તુતિ કરવામાં આવતી હતી, માનવ તો આજ આભામાં હતો તેથી પરિવાર દ્વારા જ્યારે માનસી પર જૂઠ્ઠા કાવાદાવા કરવામાં આવ્યાં ત્યારે તે માનસીને સમજાવવામાં લાગી ગયો. તેણે સત્ય જાણ્યાં વગર જ પરિવારનો સાથ આપ્યો. માનસી અંદરથી ભાંગી પડી છતાં સમય સહું સારું કરી દેશે, એક દિવસ માનવને સત્ય સમજાશે જ એવી આશાઓ બાંધી લીધી હતી.  

માનસી થોડાં દિવસ માટે પિયર ગઈ ત્યારે માનવનાં પરિવારે માનવનું ખૂબ જ સરસ રીતે બ્રેઈન વોશ કરી દીધું. પિયરથી પાછી આવેલી માનસી માટે માનવ પાસે ફરિયાદો અને માત્ર ફરિયાદો જ રહેતી. રોજ થતાં ઝગડાઓએ માનસીને ધીરેધીરે ભીતર લગી તોડી નાંખી . માનવમાં આવેલાં આ પરિવર્તનથી તેને ખૂબ આઘાત લાગ્યો. જે તેને હથેળીમાં રાખતો હતો, જે હંમેશા એવું કહેતો,"તારાં વગર કંઈ ગમતું નથી, તું મારાથી દૂર ન જતી". એજ માનવ હવે, વાતેવાતે છૂટાછેડા સૂધી પહોંચી જતો. માનસી બસ અંશનો વિચાર કરી અટકી જતી, બાળકનો શું વાંક? તેને તો મમ્મી, પપ્પા બંનેનો પ્રેમ જોઈએ, એ જાણતી હતી કે માનવ ખૂબ જ સારો પિતા હતો. તે પિતા અને પૂત્રને અળગાં કરવાં નહોતી માંગતી તેથી વારંવાર ઘવાતાં સ્વાભિમાનનાં ભોગે પણ તેણે સંબંધને પકડી રાખ્યો.

એકાએક બધું જ બદલાઈ ગયું. માનવનો સ્વભાવ પહેલેથી જ ઓછાબોલો હતો પણ હવે તો તે ઘરમાં સાવ મૌન જ રહેવાં લાગ્યો. પતિ-પત્ની વચ્ચે શરૂઆતમાં બબ્બે મહિના અબોલા રહેતાં, જે સમય સાથે ચાર પછી છ પછી વર્ષોમાં બદલાઈ ગયાં. માનસી, માનવનાં આ મૌનમાં ભીંસાઈ ગઈ, તેનાં બધાં જ સપનાં તૂટીને ચકનાચૂર થઈ ગયાં હતાં, પહેલાં પ્રેમનાં અર્શ પર પછી ધડામ કરી ફર્શ પર જાણે તેને પટકી હોય તેવો અહેસાસ તેને હરક્ષણ થતો રહેતો હતો.  

માનસીએ ઘણાં પ્રયત્નો કર્યા માનવને મનાવવાનાં, રિઝવવાનાં પણ માનવ એકનો બે ન થતો, માનસી કંઈ પણ વાત કે ચર્ચા માંડે તો તેની સામે નજર સુધ્ધાં પણ ન કરે, આવી પરિસ્થિતિમાં માનસી પોતાનાં પરનો કાબુ ગુમાવી બેસતી. વર્ષો આમને આમ વીતી ગયાં. આંગળીનાં ટેરવે ગણી શકાય તેટલાં જ દિવસો કદાચ તેમણે પ્રેમથી પસાર કર્યા હતાં.  

માનસીનાં સૌંદર્ય, સમપૅણ, અમાપ લાગણી બધાને માનવે તેનાં મૌનનાં આવરણમાં ઢાંકી દઈને ગૂંગળાવી નાખ્યાં હતાં. માનસી પણ માનવની જેમ મૌન થઈ ગઈ. ન કોઈ ફરિયાદો, ન કોઈ અપેક્ષાઓ છતાં બંને સાથે હતાં માત્ર દીકરા અંશ માટે કે પછી બીજું કશુંક હતું જેણે બંનેને આટઆટલાં ઝગડાંઓ પછી પણ જોડી રાખ્યાં હતાં ?

અસ્ત થતાં સૂર્યની લાલિમામાં હવે ગહેરો કાળો રંગ મિશ્રિત થવાં લાગ્યો હતો, ભૂતકાળની ભૂતાવળોને દૂર ધકેલી માનસી વર્તમાનમાં આવી તો પ્રકૃતિની એ લાલિમાથી ઢંકાયેલું સૌંદર્ય અંધકારમાં ગરકાવ થઈ રહ્યું હતું, એનાં જીવનની જેમ. તે વિચારી રહી હતી કે જીવનની ઘટમાળમાં મનગમતાં મણકાઓ પરોવતાં પરોવતાં ક્યારેક આ વિશાદનો મણકો પણ પરોવવો પડશે નહોતી ખબર. તેણે ત્રાંસી નજરે માનવની આંખોને વાંચવાનો પ્રયત્ન કર્યો ને જાણે તેણે તેની આંખોમાં પણ અતીતનાં એ પ્રેમસભર પ્રસંગોની છબીને ઉપસતી જોઈ. તે ફરી ફરી પોતાને એક જ સવાલ મનોમન કરવાં લાગી," એવું શું હતું, શું છે જેણે આજે પણ અમને આ સંબંધમાં બાંધી રાખ્યાં છે ?" પછી પોતે જ જવાબ આપવા લાગી," વિશ્વાસ તો નથી, એ હોત તો પરિસ્થિતિ કંઈક અલગ હોત, તો શું ! પ્રેમ અને સમજદારી ?" હા પ્રેમ તો છે જ એટલે જ કદાચ અમે આજે પણ સંગાથે છીએ, માનસીએ ઘણીવાર માનવની આંખોમાં એક પ્રકારની ગ્લાનીનો ભાવ જોયો હતો, ગ્લાની કદાચ મારો સાથ ન આપી શકવાની હતી પણ કદાચ તેનો પૌરૂષ તરીકેનો ખોટો દંભ તેને એ સ્વીકારવા દેતો નહોતો. માનસી પાસે પણ સઘળી દલીલોનાં અંતે તો મૌન જ આવી જતું. હારીને માનસીએ બધું સમય પર છોડી દીધું હતું. દીકરાનાં જતન અને પાલન પોષણમાં વીસ વર્ષ વીતી ગયાં.  

પતિનાં પ્રેમ વિહોણી માનસીની ઉંમર, તેની વાસ્તવિક ઉંમર કરતાં વધું લાગતી હતી. દીકરો મોટો થયો તો તેણે મમ્મી પપ્પાને નજીક લાવવાનાં પ્રયત્નો શરૂ કર્યા, તેમાનો આ પહેલો પ્રયાસ હતો, માઉન્ટ આબુનો પ્રવાસ. સૂર્ય અસ્ત થવાની કગાર પર હતો, બધાં લોકો પરત ફરવા લાગ્યાં, માનસીએ ચારે તરફ નજર કરી અંશને શોધવાં માટે. હમણાં જ આવું કહીં તે તેનાં મિત્ર સાથે ગયેલો પણ પાછો આવ્યો નથી લાગતો. તેની નજરમાં ભરેલાં સવાલો, જવાબોને જાણે માનવ વાંચી રહ્યો હતો. તે ધીમેથી ઊભો થયો હોટેલ તરફ પરત ફરવા એટલે માનસી સમજી ગઈ, તે પણ ઊભી થઈ ચાલવા માંડી તેની પાછળ. અચાનક પાછળથી આવેલાં ધકકાથી તે માનવ તરફ નમી અને અનાયાસે જ તેની આંગળીઓ માનવની આંગળીઓ વચ્ચે પરોવાઈ ગઈ. વર્ષો પછી હાથોને હૂંફાળો સ્પર્શ થયો. માનસી જેવો જ અનુભવ માનવ પણ અનુભવી રહ્યો હતો.  

હાથ છોડાવવાં જતી માનસીનો હાથ માનવે કસીને પકડી લીધો, એ સાથે જ બંને હૈયાનાં ધબકાર ગતિ સાથે ધબકવા લાગ્યાં, પગ ત્યાં જ થીજી ગયાં. મૌન તે બંને એકમેકને જોતાં જ રહ્યાં, માનસીની આંખોમાં હરખનાં આંસુ હતાં તો માનવની આંખોમાં પશ્ચાતાપનાં આંસુ. ઓછાબોલા માનવથી બસ એટલું જ કહેવાયું,"વિતેલો સમય તો હું પાછો લાવી શકું તેમ નથી પણ હવે આવનાર સમયને હું પ્રેમની લાગણીથી સજાવી દઈશ એ મારું વચન છે, મારી ભૂલ થકી આપણે અમૂલ્ય પ્રેમની ક્ષણો ગૂમાવી છે તેનાં માટે મને માફ કરીશ ?". માનવનું આટલું બોલતાની સાથે જ માનસી તેને ગળે વળગી, હર્ષાશ્રું વહાવવાં લાગી. માનવે તેનાં કપાળને જેવું ચૂમ્યું, માનસીનું નિસ્તેજ રૂપ પ્રેમની લાલિમાથી ફરી સૌંદર્યવાન થઈ જાણે ખીલી ઊઠ્યું. પથરાયેલાં અંધકારમાં જાણે એ ચાંદની બની ખીલી ઊઠી.  

જીવનનાં અકલ્પનીય ઉતાર ચડાવનાં મણકાઓ પરોવતાં રહી જીવન ઘટમાળને હંમેશા સુંદર બનાવવાની માનસીની ધીરજને આખરે સફળતાં મળી. વર્ષોનાં વિયોગ પછી આજે મિલનનો ખોવાયેલો એ મણકો મળી ગયો, જીવન ઘટમાળમાં એ પરોવાતાં જ, ખોવાયેલી ખુશીનાં દરેક મણકાઓ આપોઆપ પરોવાઈ ગયાં. આજે માનવ અને માનસી એક નવાં વચને, જીવનની નવી સફર પર નીકળી પડ્યાં. પ્રેમની સફર પર.


Rate this content
Log in

Similar gujarati story from Romance