STORYMIRROR

Pallavi Gohel

Inspirational

4  

Pallavi Gohel

Inspirational

ફરજ - માવતરની

ફરજ - માવતરની

4 mins
379


શ્વેતા અને સમીરનાં જીવનમાં આરવ નામનું ફૂલ ખીલ્યું, એ સાથે જ તેઓનો પરિવાર પૂર્ણ થયો. જીવન નાનાં આરવનાં આગમન સાથે ચહેકી ઊઠ્યું, આનંદ ઉલ્લાસ સાથે બંને પોતાની માવતર તરીકેની નવી જવાબદારીને હોંશે હોંશે નિભાવવાં લાગ્યાં. સમયની ગતિ પણ કેટલી ઝડપી છે એ તેઓને ખબર જ ન રહી, મમ્મીનો પાલવ પકડી જે એની પાછળ દોડતો રહેતો હતો એ હવે મિત્રો સાથે બહાર ફરવામાં વ્યસ્ત થઈ ગયો, નાની-નાની સમસ્યાઓને લઈને પપ્પા પાસે દોડી આવતો આરવ જાણે જોજન દૂર થઈ ગયો હતો.

માવતર તરીકે અત્યાર સુધી એમણે આરવના ઉછેરમાં કોઈ કચાશ નહોતી રાખી, પણ યુવાવસ્થામાં પ્રવેશી ગયેલાં દીકરાની વધતી જતી એકાંતની પળો હવે બંનેને ચિંતા તરફ દોરી રહી હતી, પરંતુ બંને એકબીજાને કહેતાં પણ ડરી રહ્યાં હતાં.

વાત તો કરવી જ પડશે, મૌનનું શીલ તોડતાં શ્વેતાએ સમીરને કહ્યું. સામે છેડે સમીર હમમમ સાથે બોલી ઉઠ્યો, " અરે ! તું આખો દિવસ એની જોડે હોય છે, હું તો સવારે ઓફિસ જાઉં છું તો રાત્રે આવું પરત ફરું છું. હવે મારાં અને આરવ વચ્ચે પહેલાં જેવાં સંબંધ પણ ક્યાં છે ! એ મને કશું નહીં કહે, તું વાત કરને. શ્વેતાએ ઊંડો નિસાસો લેતાં કહ્યું," તમને શું લાગે શું હોઈ શકે ? કોલેજમાં કોઈ ગલત સંગતમાં પડી દેણું થઈ ગયું હોય અને એ આપણને કહેવાથી ડરતો હોય એવું તો નહીં હોયને ? અરે ! ક્યાંક પ્રેમમાં પડી નાસીપાસ થયો હોય એવું કશું હશે તો ? એ મને ખુલીને નહીં કહી શકે તમે તેનાં પિતા છો એ કદાચ તમને તેની સમસ્યા કહી દે.

બંને દંપતી ગહન વિચારોમાં ખોવાયેલાં હતાં એટલામાં ડોરબેલ વાગી, શ્વેતાએ દરવાજો ખોલ્યો, સામે આરવ હતો, મોઢાપર થાક, ઉદાસીનાં એજ ભાવ સાથે. મા શ્વેતાને પોતાનાં દીકરાની આવી દશા જોવાતી પણ નહોતી અને પૂછાતી પણ નહોતી. આરવ સીધો તેનાં રૂમમાં જતો રહ્યો. શ્વેતાએ સમીરને એજ સમયે આરવ સાથે વાત કરવા કહ્યું, તેણે સમીરને કહ્યું," વધું મોડું થાય અને વાતનો વતેસર થાય એ પહેલાં તમે આરવ સાથે વાત કરી જ લો, ક્યાંક સારાં માવતર તરીકેની જવાબદારીમાં આપણે નિષ્ફળ ન પડી જઈએ. તમે તેનાં રૂમમાં જઈ વાત કરો હું થોડો સમય પછી તેની ફેવરિટ ક્લબ સેન્ડવિચ અને હોટ કોકો બનાવીને લાવું છું".

આટલું કહીં શ્વેતા કિચન તરફ

ગઈ અને સમીર ધીમાં પગલે આરવનાં રૂમ તરફ.

હળવી ખાંસી ખાંતા સમીર આરવનાં રૂમમાં પ્રવેશ્યો. બાલ્કનીમાં બેઠેલો આરવ તરત જ ઊભો થઈ સમીર પાસે આવી બોલ્યો," કંઈ કામ હતું પપ્પા ?". એ સાથે જ સમીરે તેનો હાથ પકડ્યો અને તેને કહ્યું," જાણું છું ઘણાં સમયથી આપણી વચ્ચે વાત નથી થઈ એટલે તને વાત કરતાં કદાચ થોડું વિચિત્ર લાગે પણ હજું પણ મોડું નથી થયું, જાણે છે બાપ દીકરાનાં પગરખાનું માપ એક થઈ જાય પછી એ બાપ દીકરો મટી મિત્ર બની જાય છે. આજે હું તારી પાસે બાપ બની નહીં મિત્ર બની આવ્યો છું, તું મને તારાં મનની કોઈપણ વાત કહીં શકે છે. શું છેલ્લા દિવસોમાં તારાં જીવનમાં એવી કોઈ વાત બની છે જે તું કહેવા માંગે છે ? તો બેજીજક કહીં દે, એવું ક્યારેય ન વિચારતો કે અમે તને નહીં સમજી શકીએ, હકીકતે આરવ અમે જ તને સમજી શકશું, વિશ્વાસ રાખ". આટલું સાંભળતાં જ આરવ નાનાં બાળકની જેમ સમીરને વળગી રડી પડ્યો એ સાથે જ એ બોલી ઉઠ્યો, " એક વાત છે જે મને અંદર અંદર ડંખી રહી છે, થોડાં દિવસ પહેલાં રોહનની બર્થ-ડે પાર્ટીમાં હું ગયો હતો જે રાત્રે મને ઘરે પહોંચતાં મોડું થયું હતું, યાદ છે તમને ?" સમીરે હકાર ભણતાં કહ્યું," હા યાદ છે. કેમ શું થયું ?" આરવે કહ્યું," એ રાત્રે બધાં ખૂબ થાકી ગયેલાં, રોહન ગાડી ચલાવતો હતો, થાકનાં કારણે એ ક્ષણવાર માટે તેની આંખ બંધ થઈ એ સાથે જ ગાડી સાથે કોઈ અથડાયું, અમે સફાળા બેઠા થયાં, જોયું તો એક વૃધ્ધ માણસ ગાડી સાથે અથડાવાથી કણસી રહ્યો હતો, ડરનાં કારણે કશું ન સમજાતાં બધાં ત્યાંથી ગાડી લઈને નાસી ગયાં, આ ગીલ્ટ મને અંદર અંદર ડંખી રહ્યું હતું એથી મેં તે માણસની શોધખોળ શરૂ કરી, ગઈકાલે જ એમને સરકારી દવાખાનામાં છે એવી જાણ થતાં તેની મુલાકાત કરી, દવા, ફ્રૂટ વગેરે તેમને આપ્યું, તેઓ જીવે છે એ જાણી થોડો હળવો થયો પણ આ ગીલ્ટમાંથી બહાર નથી નીકળી શકતો". 

એજ સમયે શ્વેતા રૂમમાં તેનો ફેવરિટ નાસ્તો લઈ પ્રવેશી, આરવને સમીર સાથે વળગેલો જોઈ તેને હાશકારો થયો. આંખનાં ઈશારે શ્વેતાએ પૂછેલાં સવાલનો જવાબ, સમીરે આંખનાં ઈશારે પાંપણ ઢાળતાં આપ્યો કે બધું બરોબર છે. એ સાથે જ બંનેને પોતાનાં માવતર તરીકેની ફરજ સાચી દિશામાં વળતી જણાતાં બંને ચિંતામાંથી હળવાં થયાં.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational