Pallavi Gohel

Inspirational Others

4.0  

Pallavi Gohel

Inspirational Others

વસંતનો વૈભવ

વસંતનો વૈભવ

3 mins
181


વાત જ્યારે વસંતનાં વૈભવની કરવાં જઈ રહી છું ત્યારે મને આપણાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની આ રચના યાદ આવી રહી છે,

" અંતમાં આરંભ અને આરંભમાં અંત,

  પાનખરનાં હૈયામાં ટહુંકે વસંત".

ઉત્સવો તો બધાંજ પ્રિય છે પણ ઋતુઓની રાણી વસંત એટલે વસંતોત્સવની તો વાત જ કંઈક ઓર છે, મારો અને લગભગ ઘણાંખરાં લોકોનો પ્રિય ઉત્સવ વસંતોત્સવ હશે એવી મને ગળાસુધી ખાત્રી છે.

પાનખરને પોઢાડી તેનાં હેત કેરાં હાલરડાં લાવી,

ખંતથી ઊઠી ફરીથી નવપલ્લિત જીવન ભરી લાવી

શિશિરે થીજી ગયેલાં શરીરને હૂંફ આપતાં વાસંતી વાયરાઓની છટાં જ નિરાલી છે. પર્ણવિહીન વનરાઈ અને બાગ બગીચાઓનો રંગ વિહોણો વિલાપ આપણાં અંતરમનને પણ શુષ્કતાથી ભરી દે છે, પણ સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખનાં ચક્રનો આ નિયમ ઈશ્વરે આપેલી સુંદર ભેટ છે એવું મને લાગે છે. ખાલી સુખથી પણ પ્રકૃતિ, માનવી, હર જીવ - કણ નીરસ થઈ જાત, એકધારું, એકસરખું જીવન કોને પ્રિય હોય ! બદલાવ એતો પ્રકૃતિનો જ નિયમ છે. આપણે તો જમવામાં પણ દિવસમાં બે વાર વિભિન્ન વાનગીઓ બનાવીએ છીએ તો આતો જીવન છે અને એટલે જ ભારતની પ્રજા ઉત્સવ પ્રિય છે.

દરેકને પોતાના મનગમતાં ઉત્સવ સાથે ખાસ લાગણી હોય એમ મને પણ મારા પ્રિય ઉત્સવ 'વસંતોત્સવ' માટે છે .

નવાં ઉમંગે, નવાં તરંગે સર્વે જીવન ધબકાર લાવી,

રંગબેરંગી રંગોનાં રસથાળમાં સજી "વસંતોત્સવ" આવી.

જેનાં આગમનથી પ્રકૃતિ પણ મુક્ત હાથે રંગોની છટાં વિખેરી દે છે, એ જ ઋતુઓની રાણી એટલે કે 'વસંતોત્સવ'. ફૂલોની સુગંધ વચ્ચે ઠંડી ઠંડી ફૂંકાતી હવા, ઊડતી ઓઢણી અને મધુર સંગીત ગાતાં પર્ણો, એટલે પ્રેમની ઋતુ વસંત. વાસંતી વાયરાઓ સૂકાઈ ગયેલાં વૃક્ષો અને વેલાઓમાં નવું ચેતન ભરે છે, વસંતનાં આગમન સાથે જ વૃક્ષોનાં દેહમાં નવો પ્રાણ પ્રગટે છે, નવપલ્લવિત પર્ણોથી ઢંકાયેલાં વૃક્ષોની હર ડાળ ડાળ, કનક જેમ ચળકતો ગરમાળો, કેસરવર્ણો કેસુડો, લાલચટક ગુલમહોર અને તળાવે તળાવે ખીલેલાં કમલપુષ્પો તેમજ ખેતરોમાં લહેરાતી સુંદર પીળી જણસ બની સજેલી સરસવ જોતાં જ એવું લાગે કે જાણે ઈશ્વરે રંગબેરંગી છાંટણાઓથી ધરતીને સજાવવાં જાણે કે કોઈ જાદુઈ પીછીથી રંગોનાં છાંટણાં કર્યા હોય એવું લાગે છે.

કેસર ઘોળી,હાથ ઝબોળી ઉન્નત ઘટ શ્વાસ ભરી લાવી

આમ્રમંજરી,ને ફૂલડે, ફૂલડે સુગંધિતદલ મહેંક ભરી લાવી

વસંતતો સૃષ્ટિનું યૌવન છે એવું પ્રતીત થાય છે. ઠંડી અને ગરમીની મિશ્રિત આબોહવાથી જીવસૃષ્ટિ અહલાદક આનંદ મેળવે છે. શીતળ વાસંતી વાયરાની લહેરો અને સુર્યના કોમળ કિરણોનો સ્પર્શ જીવનને તાજગી અને રોમાંચથી ભરી દે છે. ઋતુઓની રાણી વસંતનો વૈભવ જ એવો છે કે એનાં લાવણ્ય ભરેલાં સોંદર્યનાં મોહપાશમાં પરોવાતા કોઈ ખૂદને રોકી જ ન શકે. ડાળ ડાળ ફોરમાતી કુસુમન કળીઓનો વૈભવ, આમ્રવૃક્ષની મંજરીઓમાં છુપાયેલો વૈભવ, કોયલનાં મીઠાં ટહુકાનો વૈભવ, અવનવાં સૌંદર્યનો સુરમ્ય વૈભવ એટલે પ્યારી વસંતનો ઉત્સવ ખીલી ઊઠેલાં મનમોહક રંગો અને સુગંધ વસંતનાં અનુપમ સૌંદર્યમાં ઉમેરો કરે છે. પતંગિયા અને મધુમાખીઓ પુષ્પોની આસપાસ ઘુમરાવા માંડે છે, ફૂલે ફૂલે ભમરા ગુંજારવ કરે છે. 

વસંતઋતુનાં સોળે કળાએ ખીલેલાં રૂપ, રંગ અને સુગંધા સાથે માનવીનાં હૈયાં પણ હિલ્લોળા લેવાં લાગે છે. કવિઓ અને ચિત્રકારોની કલમ અને પીંછીને નીતનવાં સર્જન તરફ પ્રેરી જાય છે. વસંતનો વૈભવ જ એવો છે, પ્રકૃતિનાં આ અદ્ભુત , અનુપમ સોંદર્યને હજું સુધી જો તમારું હ્રદય સ્પર્શી નથી શક્યું તો ક્યારેક આ ઋતુમાં ખેતરો, બાગ બગીચાઓની મુલાકાતો જરૂર લેજો કંઈ ના કરી શકો તો તમારાં આંગણામાં, બાલ્કનીમાં કે પછી ટેરેસ પર વાવેલાં નાનાં છોડમાં થતાં પમરાટને, ગુંજારવને, જરૂરથી માણવાનો પ્રયાસ કરજો તમે એનાં અનુપમ સૌંદર્યનાં પ્રેમમાં પડતાં ખૂદને બચાવી જ નહીં શકો. એ અહલાદક આનંદની અનુભૂતિ તો શબ્દવિહીન છે એને અનુભવી શકો આલેખી નહીં શકો.

રંગોનાં રસથાળમાં ખીલેલા પુષ્પો સાથે એક ચા નો કપ લઈ એની સાથે વાતો કરતાં કરતાં એક એક ચૂસકી માણવાની કોશિશ કરજો. આહા ! એ અહલાદક આનંદનો અબોલ અનુભવ જીવનને પ્રેમ, રંગ,અને લાગણીઓનાં ઉન્માદથી ભરી દેશે. તમે માનો કે ના માનો પ્રકૃતિથી મોટું હિલીંગનું કામ કોઈ ના કરી શકે. તો આવો છે મારી પ્રિય ઋતુ વસંતનો વૈભવ મારાં જીવનમાં મારાં માટે આનાથી સુંદર અને વૈભવી ઉત્સવ મેં નથી નિહાળ્યો એટલે જ તો વંસંતનો આ ઉત્સવ લોકો એક મહિના સુધી ઉજવે છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational