Pallavi Gohel

Others

4  

Pallavi Gohel

Others

નિત્યનીશી

નિત્યનીશી

4 mins
287


સરિતાના સરળ જીવનમાં મહામૂલી એક જ વસ્તુ હતી, તે હતી તેની ડાયરી. જીવનમાં ઘટતી, અનુભવાતી ઘટનાઓને તેણે નિત્યનીશીમાં જોડી દીધાં હતાં. નિત્યનીશી સંગાથે તેને સ્વને મળવાનો અહેસાસ પણ થતો અને આનંદ પણ. આખો દિવસ ગૃહિણી તરેકેની કઠીન કામગીરી નિભાવ્યાં પછી જેવી તે નિત્યનીશી સંગાથે કલમને જોડતી તો તે હળવાશ અનુભવતી હતી.

તેના રૂમમાં પશ્ચિમ દિશામાં બારી હતી, બારી પાસે સ્ટડી ટેબલ જ્યાં બેસી સરિતા પોતાના મનની વાતો મૂકતપણે નિત્યનીશીમાં કંડારતી હતી. આજે તેણે ઘરના રોજના કામોને પૂરાં કરી કબાટમાં થયેલી ઉથલપાથલને સુપેરૂ ગોઠવવામાં એ લાગી ગઈ. એ ગોઠવણ દરમિયાન તે કેટકેટલીય ભાવનાત્મક ક્ષણોમાંથી પસાર થઈ. જીવનની ઘટમાળમાં લાગણી સભર યાદોના મણકાઓ એક એક કરી નિહાળવાં લાગી, જાણે પ્રત્યક્ષ વિસરાયેલાં ક્ષણોને અનુભવી રહી, જીવી રહી. 

ગોઠવણનું કામ પૂરું થયું ત્યાં તો સૂર્યાસ્તનો સમય થઈ ગયો હતો, રૂમમાં સૂર્યની લાલાશ પડતી લાલિમા પથરાઈ ગઈ હતી. સરિતા બારી પાસે જઈ અનિમેષ આકાશમાં પથરાયેલાં અનુપમ સૌંદર્યને નિહાળતી રહી. આખરે બધાં જ કામોથી પરવારીને એ પોતાની સખી નિત્યનીશી પાસે પહોંચી ગઈ. આજે ગોઠવણ સમયે જે ભાવનાત્મક અનુભવોમાંથી એ પસાર થઈ હતી એ ભાવનાઓની હેલીને કંડારવા. કેટકેટલાંય, અનુભવો અને ઉતાર-ચડાવની ઘટમાળથી કંડારાયેલાં પૃષ્ઠ સાથે એક નવાં પૃષ્ઠ પર જીવનના એ ભાવનાત્મક ક્ષણોને સરિતાએ આલેખવાનું શરૂ કર્યું.

તારીખ :- ૨૫/૮/૨૦૨૨, વાર :- ગુરુવાર, સમય :- રાત્રીના ૧૦:૩૫ 

મોટાભાગે મનમાં થયેલી ગડમથલના કારણે આપણે,  આપણાં જ હાથે ઉતાવળમાં આપણે કરેલી સુંદર ગોઠવણને ઉથલપાથલ કરી દેતાં હોઈએ છીએ. અને જ્યારે વિચારોની એ ગડમથલ શાંત થઈને મગજમાં સ્થિર થઈ જાય છે ત્યારે ફરી એ ઉથલપાથલને સુપેરૂ ગોઠવવામાં લાગી જતાં હોઈએ છીએ. કંઈક આવું જ મારી સાથે પણ થાયું, કબાટમાં થયેલી ઉથલપાથલને ફરી ક્રમબદ્ધ,સુપેરૂ રીતે ગોઠવવામાં વ્યસ્ત હું ક્યારે એ વસ્તુઓ સાથે ગોઠડી (ગોષ્ઠી) કરી બેઠી તેનો અંદાજો પણ ન રહ્યો.

આ ઉથલપાથલને ગોઠવતાં ગોઠવતાં એક એક વસ્તુઓ સાથે જોડાયેલી યાદોની વણઝાર નજર સામેથી પસાર થવાં લાગી અને તેની સાથે જોડાયેલ સંવાદોની આપલે સ્વતઃ જીભના ટેરવે સળવળીને જાણે કે શાંત થઈ ગઈ હતી. સમયના મહામૂલાં સંભારણાંઓ મને હાથ ઝાલીને તેની તરફ લઈ ગયાં, સેલ્ફીના જમાનામાં ગુમનામીની જિંદગી જીવી રહેલાં ફોટો આલ્બમે જાણે કે મારી સામે ફરિયાદ ભરી નજરે જોયું. અંતરના અહર્નિશ ભાવોએ તેને છાંતીએ વળગાડી લીધો. અજબ આકર્ષણ ઉપજાવતાં અનેક ક્ષણોનું સંગમ મારા હાથોમાં આવીને જાણે હરખાઈ રહ્યું હતું અને હું એક ગ્લાની તેમજ કૃતજ્ઞ ભાવથી તેના આ અતૂલ્ય લાગણીના બંધનોને મુજ ભીતરે સમાવી રહી હતી, જીવી રહી હતી. મોબાઈલમાં લીધેલી અધધ તસવીરો તેની તુલનામાં નકામી અને વામળી પ્રતિત થઈ રહી હતી. અનુભવોની ખેંચાયેલી રેખાઓથી કરચલીવાળી થયેલાં મારા મુખને યૌવનાવસ્થાના મારાં દર્શન થતાં જ હું જાણે ફરી સૌંદર્યવાન થઈ ગઈ હતી એવોય અનુભવ થયો.

ગોઠવણમાં પણ એક ગોપનીયતા રાખેલી હોય છે એક ખાસ ખૂણે એક ખાસ યાદને સાચવી રાખી હોય છે. ચાર અવસ્થામાં સૌથી અણમોલ શૈશવકાળ અને તેની સાથે જોડાયેલી દરેક યાદ એક સોનેરી કિરણોની જેમ મનમસ્તિક પર પથરાઈને જીવનને ઘેરી વળેલાં કેટકેટલાંય નકારાત્મક વિચારોને દૂર કરી અજવાળું ભરી દેતાં હોય છે. ઉંમર ગમે તેટલી હોય અંતરમાં બાળમાનસને કદી મોટો ન થવાં દેવાય, સમયાંતરે તેને મળતાં રહેવું જોઈએ તેથી જ યથાવત રીતે મેં મારી પ્રિય પાંચિકાની રમત એક ડબ્બામાં સાચવી રાખી હતી. જેમ ઝવેરી હીરાને પારખી ઉત્તમ હીરાને તારવી અલગ પાડે ઠીક એજ રીતે મેં પણ મારાં પાંચિકાની છણાવટ કરી હતી. સહુને સાથે રાખી કઈ રીતે જીવનની રમત જીતી શકાય તેનું તથાગત ગહન જ્ઞાન એણે જ તો મને આપેલું. અનેક યાદોના અમૂલ્ય સંભારણાને સુપેરૂ સજાવતાં, સજાવતાં પોતાને મળવાનો અનેરો આનંદ પણ અલગજ હોય છે.

યાદોની આ વણઝારમાં ખોવાયેલી મને વિસરાતી એક અમૂલ્ય ધરોહર હાથ લાગી. કેટલીક જરૂરી ફાઈલો નીચે વર્ષોથી દબાયેલાં અને મુક્ત મને શ્વાસ લેવાં માટે મરણિયા પ્રયાસ કરતાં પોસ્ટકાર્ડનું એક બંડલ જાણે આજે બગાવત કરી સરરરરર કરતું મારાં ખોળામાં સરકી આવ્યું. અમૂલ્ય યાદોના ગઠબંધને બંધાયેલાં પોસ્ટકાર્ડના આ બંડલે મારી નિસ્તેજ આંખોમાં જાણે એક નવો ઉજાસ ભર્યો, ચહેરા પર આપમેળે જ સ્મિત રેલાઈ ગયું.

ચાર બાય છના આ પોસ્ટકાર્ડમાં કેટકેટલીય સંવેદનાઓના મેળાવડાઓ ગૂંથાયેલાં હતાં. સંબંધીઓના વાત્સલ્યની ભીનાશ, વડીલોથી લઈને નાના બાળકો સુધીના તમામના નામની યાદી સાથે પ્રેમસભર યાદોની શબ્દાવલી બધું જ અકબંધ હતું. એક પોસ્ટકાર્ડમાં હું પોતે વિસરી ગયેલી પ્રતિભાનું સ્મરણ મળ્યું, અસ્તિત્વ પર જામેલી જવાબદારીની ધૂળ ખંખેરતું જાણે એ મને અનિમેષ જોઈ રહ્યું હતું.

સમય સાથે આપણે પણ બદલાઈ જતાં હોઈએ છીએ. ડિજીટલ યુગના આંગણે હું પણ સહુની જેમ તેને આશ્રિત છું. રાત-દિવસ મોબાઈલની સ્ક્રીન પર ઘસાઈ ગયેલાં આંગળીના ટેરવાંઓને પોસ્ટકાર્ડ પર ધબકતી લાગણીઓના શબ્દદેહનો સ્પર્શ થતાં જ જાણે તે ફરી નવચેતના પામી ગયાં. શબ્દે શબ્દે પરોવાયેલી યાદોની એ ઘટમાળ તાદ્રશ્ય થઈ જાણે મને ટાઈમ ટ્રાવેલ કરાવી રહી હતી. ભૂતકાળમાં બનેલી સારી, નરસી ઘટનાઓ આંખોમાં થીજીને થોડાં સુખના અને થોડાં દુઃખના મિશ્રીત આંસુઓનો એક સરખો આસ્વાદ આપીને, આખરે એણે ફરી બંડલ સ્વરૂપે બંધાઈ જવાં જાણે મને પ્રસ્તાવ મૂક્યો હતો.

આ સાથે જ મેં ફરી ગોઠવણની શરૂઆત કરી. ટપાલીની ઘંટડી સાંભળતાં જ ડેલા સુધી રાજધાની એક્સપ્રેસે દોડી જતાં પગથી માંડીને હાથમાં આવેલાં પોસ્ટકાર્ડ સાથે ટંકાયેલી વાતોને યાદોની એક ટાઈટ દોરી બાંધી મેં તેને નવી ગોઠવણમાં સ્થાન આપી દીધું. એવું સ્થાન જ્યાં તે શ્વાસ લઈ શકે અને અલપે ઝલપે એ મને અને હું તેને મળી શકું.

સરિતા.

વિતેલાં સમયની ઘટમાળને સુપેરૂ નિત્યનીશીમાં ગોઠવતાની સાથે જ હળવાશની લાલિમા તેના વદને ફરી વળી, નિર્મળ વહેતી આ ભાવાવહીમાં તેનું સૌંદર્ય પણ સ્વત: જ ખીલી ઊઠયું. કલમને વિરામ આપતાની સાથે જ તેની ભારે થયેલી આંખો જીવનના શમણાંઓને સુપેરૂ ગોઠવવામાં નિદ્રાધીન થઈ ગઈ.


Rate this content
Log in