STORYMIRROR

Pallavi Gohel

Inspirational

4  

Pallavi Gohel

Inspirational

માનવતાનો ઉત્સવ

માનવતાનો ઉત્સવ

3 mins
414

રશ્મિની સાસરીમાં લગ્ન બાદ આ પહેલી દિવાળી હતી. ઉમંગ અને ઉત્સાહથી ભરપૂર રશ્મિએ ઘરનાં એક એક ખૂણાને ચમકાવી દીધો હતો. ખુશી અને ઉમંગોની છોળો ઘરની સાજ સજાવટમાં છલકાઈ રહી હતી. સાસુ કોકિલાબેન ઘરની લક્ષ્મીનાં ઓવારણાં લેતાં થાકતાં નહોતા. 

ધરનાં લગભગ બધાં કામ પતાવીને રશ્મિ દિવાળી પર્વ નિમિત્તે નીતનવાં પકવાનોને બનાવવામાં વ્યસ્ત થઈ, ઘુઘરા, પુરી, મઠીયા, ચોળાફળી અને મોહનથાળની સોડમે રસોઈઘરમાં રમઝટ બોલાવી. સાક્ષાત અન્નપૂર્ણા જાણે રસોડે પધાર્યા. કોકિલાબેનને વહુનાં રૂપમાં સર્વગુણ સંપન્ન દીકરી મળી ગઈ અને રશ્મિને પ્રેમાળ મા મળી ગઈ. સંબંધોમાં જો અરસપરસ પ્રેમ અને વિશ્વાસની ભાવના હોય તો એવાં ઘરમાં દરેક દિવસ દિવાળીનો 'ઉત્સવ' જ સમજજો.

બધાં કામો પૂર્ણ કરી રશ્મિએ પતિ સમીરને ફોન કરી કહ્યું, "સમીર તમે ઓફિસથી ઘરે આવતાં આવતાં રસ્તામાંથી થોડાં દીવડાઓ લેતાં આવજોને તો મારે થોડો સમય બચી જશે."

સમીર, "જો હુકુમ મેરે આકા ઔર કુછ ફરમાઈશ ?"

રશ્મિ, "જી નહીં અભી કે લીયે ઈતના હી. બસ જલ્દી ઘરે આવજો."

સમીર "ઓકે બોસ."

આ સાથે બંનેએ હળવાં સ્મિત સાથે વાત પૂરી કરી.

સાંજે ઘરે આવી સમીરે રશ્મિને એક મોટી બેગ આપતાં કહ્યું, "આ લો મેડમ તમારાં દીવડાઓ." રશ્મિએ હરખાતાં, હરખાતાં જેવું બેગ ખોલ્યું કે તેનું મોઢું બગડી ગયું, એ બોલી ઉઠી, આ શું સમીર તમને આવાં સાદા દીવડાઓ જ મળ્યાં ? બજારમાં કેટલાં સુદર, ડેકોરેટીવ અને અલગ અલગ શેઈપનાં દીવડાઓ મળે છે. વર્ષમાં એક જ વાર તો દિવાળીનો 'ઉત્સવ' આવે છે. વળી લગ્ન બાદ આ મારી પહેલી દિવાળી છે, હું આખાં ઘરને નીતનવાં દીવડાઓથી સજાવીને ઝગમગાડવાં ઈચ્છું છું અને તમે આવાં સાવ સાદા દીવડાઓ લઈ આવ્યા".

રશ્મિની વાત પુરી થતાં જ સમીર બોલ્યો, " અરે, મને એમ કે તું આ સાદા દીવડાઓને સજાવી લઈશ પણ કંઈ નહીં ચાલ તને આ ન જ ગમતાં હોય તો આપડે એ પાછાં આપી તને મનગમતાં દીવડા લઈ આવીએ". આ સાંભળતાં જ રશ્મિનાં ઉદાસ ચહેરા પર ખુશી છવાઈ ગઈ. બંને બજાર પહોંચ્યાં એ સાથે જ રશ્મિએ નીતનવાં સાજ સજીલાં દીવડાઓ અને અન્ય સજાવટની વસ્તુઓ,મિઠાઈ તેમજ ફટાકડાં વગેરેની પણ ખરીદી કરી જ લીધી.

બજાર જ્યાં પુરી થઈ રહી હતી ત્યાં સમીરે ગાડી ઊભી રાખી, એટલે રશ્મિએ તરત જ તેને પુછ્યું, "અહિયાં કેમ ગાડી ઉભી રાખી ?" સમીરે પોતે લઈ આવેલાં સાદા દીવડાઓની બેગ રશ્મિને આપતાં કહ્યું "અરે આ દીવડાઓ પાછાં નથી આપવાનાં ? "

રશ્મિએ માથું હલાવતાં તેને આશ્ચર્ય સાથે પૂછ્યું, "હા પણ મને તો અહિયાં કોઈ દુકાન દેખાતી નથી !" સમીરે હળવાં સ્મિત સાથે કહ્યું, "હા! તારી વાત સાચી છે દુકાન નથી". પછી સમીરે રસ્તાનાં ખૂણે નીચે બેસી સાદા દીવડાઓનાં ઢગલાં વચ્ચે આશાનો દીપ જલાવી બેઠેલાં આઠ વર્ષનાં નાનાં બાળક અને તેની મા સામે ઈશારો કરતાં રશ્મિને કહ્યું, "અહિયાંથી જ લઈ આવેલો જા તું એને પાછાં આપી દે. મેં વિચારેલું કે આમની પાસેથી દીવડા લઈશ તો, આપણાં ઘરની સાથે સાથે એમનાં ઘરમાં પણ અજવાળું પથરાશે. એ લોકો પણ દિવાળીનો 'ઉત્સવ' ખુશીથી મનાવી શકશે, પણ તને તો આ દીવડાઓ પસંદ જ ન આવ્યાં. જા આ એમને પરત કરી આવ."

રશ્મિની આંખો અશ્રુંઓથી છલકાઈ ગઈ. દિવાળીની સાચી ઉજવણીનો ગહન મર્મ સમજાતાં તેનાં અંતર આત્મને સેવાભાવ, સદભાવના, પ્રેમ, કરૂણાં, માનવતાની જાણે કે દીપમાળા ઝળહળી ઉઠી. તેણે સમીર પાસેથી થોડાં પૈસા લીધાં અને દીવડા વહેંચતાં એ મા દીકરા પાસે ગઈ, પોતે ખરીદેલા ડેકોરેટીવ દીવડાઓ, ફટાકડાઓ અને મિઠાઈ આપવાની સાથે દીવાળીનાં 'ઉત્સવની' શુભેચ્છાઓ આપતાં તે અંતરમાં જાણે એક અલૌકિક આનંદની અનુભૂતિ કરી રહી હતી. આ સાથે જ તેણે બીજાં ઘણાં દીવડાઓ પણ ખરીદ્યા.

આજે રશ્મિને એક અદ્વિતીય આનંદ મેળવ્યાનો અનુભવ થયો. સાથે જ તે મનોમન વિચારવા લાગી કે, સધ્ધર લોકો જો ગરીબોની આ રીતે મદદ કરે તો નાનામાં નાની ઝૂપડીમાં પણ દીપમાળા જેવું અજવાળું પથરાઈ જશે. સમીર અને રશ્મિનાં આ નાનાં પ્રયાસે એક ગરીબનું ઘર ખુશીઓથી ભરી દીધું હતું, આ સાથે જ તેઓએ સોશિયલ મિડિયાનો પણ સદ્ઉપયોગ કરતાં પોતાનાં, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ દ્વારા આ સંદેશ હજારો લોકો સુધી પહોંચાડી તેઓને પણ આ કાર્ય કરવાં માટે પ્રેરીત કર્યા. એમણે યથાર્થમાં દિવાળીનો સાચો 'ઉત્સવ' ઉજવ્યો હતો, માનવતાનો 'ઉત્સવ'.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational