Pallavi Gohel

Tragedy Others

4  

Pallavi Gohel

Tragedy Others

કમભાગી રેવા

કમભાગી રેવા

4 mins
361


સૂર્યોદયનાં સોનેરી કિરણોની લાલિમા ધરતી પર પથરાઈ રહી હતી, પંખીઓનાં મીઠાં, મધૂરાં કલબલાટ સંગીત બની ચહું તરફ એક અનોખી તાજગી ભરી રહ્યાં હતાં, બળદગાડાઓની ચહેલ પહેલ શરૂ થઈ ગઈ હતી. રામજીનાં આંગણે એક બળદગાડું આવી થોભી ગયું. દીકરી રેવાને જોતાં જ, દીકરી પર આવી પડેલાં દુઃખ અને કુદરતે તેની સાથે કરેલાં અન્યાય સામે બાપ રામજીની આંખ્યુંમાંથી અંગાર ફૂટવાં લાગ્યાં. બીજીબાજું ઓસરીમાં દોડી આવેલી રેવાની સાવકી મા સવીનાં હૈયે તેને જોતાં જ કાળી લાય લાગી. રામજીનું રુદન સાંભળી વરન્ડામાં પાડોશીઓનો જમાવડો થયો. સહું કોઈનાં મોઢે બસ એક જ વાક્ય હતું, "બિચારી રેવા કમભાગી જ નીકળી, જનમતાંવેત મા વિહોણી થઈ ગઈ અને પૈણાને બીજે જ દહાડે ધણી ઘરબાર મૂકી ગ્યો તે ગ્યો પાછો જ ન આવ્યો." રામજી રડી રહ્યો હતો, ને તેની ઘરવાળીનો બબડાટ શરૂ થયો હતો. પાડોશીઓની સામે ફજેતી થાય ઈ પહેલાં રામજી દીકરીને ઘરમાં લઈ ગયો. 

માંડ દસ વરસની હશે રેવા ત્યારે કરસન સાથે તેની સાવકી માએ સગપણ નક્કી કરી નાખેલું, બાળકબુધ્ધિને લગનમાં શું ખબર પડે ? રેવા તેર વરસની થતાં જ સવીએ ઉપાડો લીધોને તેને સાસરે વળાવી દીધી. હવે એ પંદરની થઈ ગઈ હતી. કરસનની માને પાક્કું થઈ ગયેલું કે એ હવે પાછો નહીં જ આવે, રૂપરૂપનાં અંબાર જેવી રેવાને સાચવવી તેને અઘરી લાગી એટલે પિયર મોકલી આપી. થોડાં દહાડામાં તો સવીએ, સમાજ ને પરિવારને ભેગાં કરી પોતાની વાત મનાવે જ પાર પાડી ને રેવાને ફરી સાસરા ભેગી કરી જ દીધી.

કરસનની માને રેવા પોતાનીજ મા માનતી હતી તેને માડી કહી બોલાવતી. કરસનનો મિત્ર રવજી આ દુઃખની ઘડીમાં બંનેનો સહારો બન્યો હતો. કરસનની માના કહેવાં પર તેણે ખેતર અને ઘરની બધી જવાબદારી પોતાનાં હાથમાં લઈ લીધી હતી.

ઉંમર સાથે રેવાનું સૌંદર્ય વધું ને વધું નીખરતું જતું હતું. આખરે રેવાએ એક દહાડો લૂગડાં ને ગોદડું બગાડ્યું, હવે માડીને અંતરે અજંપો વ્યાપી ગયો. ગામનાં કોઈ મરદની નજરે જો રેવા ચડશે તો શું ને યૌવનનાં ઉચાટમાં ક્યાંક રેવા ન કરવાનું કરી બેસસે તો ! આવી જ ચિંતાથી તે દિવસે દિવસે ઘેરાવા લાગ્યાં.

આખરે એક દહાડે એમણે રવજીને હળવેથી કહ્યું,"રવજી દીકરા જીમ તે અમને, ઘરને ને ખેતરને સાચવી લીધાં છે ઈમ આ છોડીનેય તું હંભાળીલેને તો મારાં જીવને નિરાંત વળે"રવજીને તો રેવા પહેલેથી જ ગમતી હતી એટલે એણે, "હા માડી" કહી વાત પૂરી કરી.

રૂપમાં પદમણી નાર એવી રેવાનાં જીવનમાં જાણે સપ્તરંગી રંગો પૂરાયાં, રવજીનાં સ્પર્શનાં સ્પંદને એનું સૌંદર્ય એક અલગ જ લાલિમાથી ચળકવાં લાગ્યું. ગામનાં હંધાય મરદ ટાઢો નિસાસો નાખી બેસી રહ્યાં. કરસનની માના હૈયે જરાં ટાઠક વળી. રેવાનાં જીવનની ઘટમાળમાં સુખનો સૂરજ ઊગ્યો હતો એવું એને લાગતું હતું. એ તો રવજીની પાછળ ઘેલીઘેલી થઈ ગઈ હતી. હકીકતથી અજાણ રેવા, રવજી સંગાથે આવનાર જીવનનાં સોણલાં શમણાં સેવી રહી હતી. એક દિવસ અચાનક એનાં સઘળાં સપનાઓ એક ભ્રમણામાં ફેરવાઈ ગયાં. 

નદીએ લૂગડાં ધોતી બાયુની વાત રેવાનાં કાને પડી, "અલી ખબર સે રવજી તો પૈણવાનો છે". એ સાથે જ જાણે તેનાં હૈયાને કોઈએ તીક્ષ્ણ હથિયાર વડે વીંધ્યું હોય એવી વેદનાં અનુભવવા લાગી. રવજીનાં ઘરનાંઓની રેવા માટે તો ના જ હતી. રવજીએ આટલી મોટી વાત કે ઈ લગન કરવાનો છે એનાંથી હંતાળી એ વાતે રેવાને શરીરે જાણે હજારો વીંછીનાં ડંખ લાગ્યાં હોય એવી વેદનામાં નાખી દીધી. જેમ-તેમ એ લૂગડાં ધોઈ, નાહીને ઘર તરફ આગળ વધી. ઘરમાં પહોંચી એ ભીનાં લૂગડાને દોરી પર સૂકવવા માંડી.

પછી દુઃખી મને ફળીમાં જ રાખેલાં ચકલાને હાથમાં લઈને એણે તેનાં ગોરાં કપાળ પર કંકુનો લાલ ચટક ચાંદલો કર્યો એ સાથે જ એ અનુપમ સૌંદર્યની લાલિમામા નીતરવાં લાગી, ઊભી થઈ એ તેનાં ભીનાં કાળાં નાગણ જેવાં કેશને જરાં ઝટકારતી હતી ત્યારે તેની નજર થોડે દૂર ખાટલામાં સૂતેલાં રવજી પર પડી જે સૂતાં સૂતાં, ત્રાસી નજરે રેવાનાં સૌંદર્યને મન ભરીને નીહાળી રહ્યો હતો. રેવાને ખબર પડતાં જ તેણે ઓઢણ ઓઢી લીધું, પોલકાનાં ખૂલેલાં બટનને બંધ કરી દીધાં. એટલામાં ઓરડામાં સૂતેલી માડીનાં ખાંસવાના અવાજે રેવા માડી પાસે દોડી ગઈ. માડીને પાણી પીવડાવતાં, પીવડાવતાં કોઈ દહાડો નહીં ને આજે એનાથી કહેવાય ગયું,"માડી હજીય સેમા જીવ પરોવીને બેઠા છો, તમારો દીકરો તો પાછો નથી જ આવવાનો, તું છૂટી થાતો હવે મુજ કમભાગીને આ નરકમાંથી છૂટકારો મળે.

રવજીએ રિસાયેલી રેવાને મનામણાં ઘણાં કર્યાં પણ તૂટેલાં હૈયામાં હવે કોઈ આશ સમાઈ શકે તેમ નહોતી. રવજી સમજી ગયો કે નક્કી રેવાનાં કાન સૂધી લગનની વાત પહોંચી લાગે છે એટલે જ એનું વર્તન બગડ્યું છે. રવજીને ઈમ કે થોડાં દહાડામાં પાછી હરખી થઈ જાહે. દહાડા વિતવાં લાગ્યાં, આખરે એક દિવસ માડીનાં પ્રાણપંખેરું ઊડી ગયાં. માડીની બારમાની વીધી પતી એ જ રાત્રે રેવા સૂતેલાં ગામને છોડી જોગણ બની એક અજાણી વાટે નીકળી પડી.

સવારે લોકોએ ઘર, આંગણાં ખૂલ્લાં દીઠયાં એટલે રવજીને જાણ કરી, હાંફતો હાંફતો રવજી પહોંચ્યો તો ઘરની ઘર વખરી ઈમની એમ હતી બસ ઘરને શોભાવતી રેવાની હાજરી નહોતી. 

કમભાગી રેવા તો સંસારનાં આ કાદવથી દૂર, પોતાનાં કર્મોનો હિસાબ ચૂકતો કરવાં નીકળી પડી હતી, કર્મ પર પુરૂષના પડખાં સેવવાનું કર્મ. એતો દ્વારકાનાં દ્વારે કરતાલ હારે હરિ નામ ભજી રહી હતી, જીવનની ઘટમાળમાંથી આતમને મૂકિતનાં પથ પર વાળવાં એણે પ્રભૂને શરણે પોતાની જાત સોંપી દીધી હતી.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy