Pallavi Gohel

Tragedy Inspirational

4.5  

Pallavi Gohel

Tragedy Inspirational

કાવ્યાલાપ

કાવ્યાલાપ

5 mins
276


વરસાદી ઋતુની શરૂઆત થતાં જ દરેક વ્યક્તિનું મન વરસાદી મોસમ મુજબ વધારે રોમેન્ટિક બની જાય છે. આ રોમેન્ટિક મોસમની અસર આલાપ પર પણ થઈ રહી હતી, ઓફિસનાં ટેબલ પર હાથનાં ટેકે માથું ટેકવીને બારી બહાર ઝરમર વરસતાં વરસાદને નિહાળતાં, નિહાળતાં તે કાવ્યાને યાદ કરી મનમાં ગણગણી રહ્યો હતો,"રિમઝીમ ગિરે સાવન, સુલગ સુલગ જાયે મન ભીગે આજ ઇસ મૌસમ મેં, લગી કૈસી યે અગન." તે જલ્દીથી ઘરે પહોંચી કાવ્યાને પોતાની બાહોંમાં સમાવી લેવાં માટે તત્પર થઈ ગયો. 

કાવ્યા અને આલાપનાં લગ્નને છ મહિના થઈ ગયાં હતાં પણ તેઓનું મિલન અધૂરું જ હતું, જ્યારે પણ આલાપ કાવ્યાની નજીક જવાની કોશિશ કરતો તે તેનાંથી દૂર થઈ જતી. આલાપે કાવ્યાને પહેલીવાર પોતાનાં પિતરાઈ ભાઈના લગ્નમાં જોઈ હતી. પહેલી જ નજરમાં તે તેનાં હૃદયમાં સમાઈ ગઈ હતી. પરિવારને પોતાની પસંદ વિશે જાણ કરી,એટલે પરિવારે કાવ્યાના પરિવાર સાથે વાતચીત કરી બંનેની મુલાકાત ગોઠવી. બંનેની સંમતિથી ઘડીયા લગ્ન લેવાયાં, વાજતે ગાજતે બંને લગ્નનાં પવિત્ર બંધનમાં બંધાઈ ગયાં. કાવ્યા આમ તો આલાપ સાથે નોર્મલ જ હતી, વાતો, મજાક, બધું બરોબર પણ જેવો આલાપ સહેજ પણ તેની નજીક જવાં કોશિશ કરે તે એક વિચિત્ર અણગમા સાથે તેનાથી દૂર જતી રહે. આલાપને કાવ્યા માટે ખૂબ લાગણી હતી, તેની પહેલી નજરનો પ્રેમ હતી. તેને એમ કે આમ અચાનક જ લગ્ન થયાં હોવાથી તે આવું કરતી હશે. પણ આજે વરસી રહેલાં વરસાદમાં તેની ઊર્મિઓ દોડીને કાવ્યા પાસે લઈ જવાં આતુર બની હતી.

ઓફિસથી નીકળતી વેળાએ ઝરમર વરસી રહેલાં વરસાદે વેગ પકડ્યો હતો, વાદળોનાં ગડગડાટ અને વીજળીનાં ચમકારાથી કાળું ડીબાંગ આકાશ ઘેરાયેલું હતું. ટ્રાફિક જામ થાય એ પહેલાં ઘરે પહોંચી જવાં તે ધ્યાનથી આગળ વધવાં લાગ્યો. આખરે ગાજવીજ સાથે વરસી રહેલાં મૂશળધાર વરસાદને પાર કરી એ ઘરે પહોંચી ગયો.

ઘર આખું અંધકારથી ઘેરાયેલું જોઈ તેને એમ કે વાતાવરણનાં કારણે વીજળી જતી રહી હશે, તેણે બૂમ મારી કાવ્યાને બોલાવી, પણ કોઈ જવાબ ન આવતાં તેને ચિંતા થઈ. તેણે મોબાઈલની ટોર્ચની મદદ વડે સ્વીચબોર્ડ તપાસ્યું તો બધી જ સ્વીચ ઓફ હતી, તેણે સ્વીચ ઓન કરતાંની સાથે જ ઘરમાં વીજળીથી અજવાસ પથરાઈ ગયો. એજ સમયે જોરદાર વીજળીનો કડાકો થયો, એ અવાજ સાથે જ તેને બેડરૂમમાંથી કાવ્યાની હૈયાંને ચીરી નાંખે તેવી ચીસ સંભળાઈ એ સાથે જ વીજળીની ઝડપે આલાપ બેડરૂમમાં દોડી ગયો. જોયું તો કાવ્યા ડરનાં કારણે થરથર ધ્રુજી રહી હતી, ચિત્કાર ભરેલી ચીસ નાખી રહી હતી. આલાપને તો કશું જ સમજમાં નહોતું આવતું, તેને લાગ્યું કદાચ તે ઘરમાં એકલી હતી ને વળી વાતાવરણ વગેરેનાં કારણે જરાં ડરી ગઈ હશે તેણે કાવ્યાને બાથમાં લઈ શાંત પાડવાની કોશિશ કરી તો એ તેને ધક્કો મારી બાથરૂમમાં પૂરાઈ ગઈ. તેને બહાર લાવવાં ન જાણે કેટકેટલાંય પ્રયત્નો એ કરી રહ્યો હતો, બરોબર એજ સમયે કાવ્યાનાં મમ્મીનો ફોન તેનાં મોબાઈલ પર આવ્યો. આલાપે જેવો કોલ રિસીવ કર્યો એટલે તેમણે કહ્યું," માફ કરજો આલાપ તમને પહેલાં જણાવ્યું નથી, કાવ્યાને વીજળીનો ફોબીયા છે તેનાં પર્સમાં એક એન્ઝાઈટીની દવા હશે તે કોઈપણ રીતે તેને આપી દો, એ તો જ શાંત થશે". આ સાંભળી આલાપને જાણે માથે વીજળી પડી હોય તેવું લાગ્યું પણ તેણે શાંતિથી "ઓકે" કહી ફોન કટ કર્યો. બાથરૂમમાં પૂરાઈ ગયેલી કાવ્યા ડરના કારણે બેભાન થઈ ગઈ હતી. યેનકેન પ્રકારે મથી ઘણી જહેમત પછી આલાપે દરવાજો ખોલ્યો, કાવ્યાને બહાર કાઢી કોઈપણ રીતે તેને દવા પીવડાવી.

આખી રાત ધોધમાર વરસાદ વરસતો રહ્યો અને આલાપનાં હૃદય પર વીજળીની ઘાત કરતો રહ્યો. સવાર પડતાં જ બધું શાંત થઈ ગયું હતું સાથે કાવ્યાનું એ એબનોર્મલ વર્તન પણ. જાણે કશું જ બન્યું ન હોય તેમ એ નાસ્તો બનાવવામાં વ્યસ્ત હતી આ જોઈ આલાપને ખૂબ અજુગતું લાગ્યું. પણ તેણે થાળે પડેલી એ કાળરાત્રીને યાદ ન કરવામાં જ ભલમનસાઈ સમજી, એટલે તે પણ જાણે કશું બન્યું ન હોય તેમ શાંતિથી નાસ્તો કરવાં બેસી ગયો. 

નાસ્તો પતાવી તે પોતાનાં ખૂબ જ ખાસ મિત્ર પાસે પોતાનું હૃદય હળવું કરવાં માટે પહોંચી ગયો. મિત્રને તમામ વિગત કહેતાં,તેણે આલાપને કાવ્યાને એક સારાં મનોચિકિત્સક પાસે લઈ જવાની સલાહ આપી. આલાપને પણ આ યોગ્ય લાગ્યું.

તેણે શહેરનાં શ્રેષ્ઠ મનોચિકિત્સકની મુલાકાત કરી બધી વિગત જણાવી. ડોક્ટરે તેને કહ્યું," આ પ્રકારનાં ફોબીયા મોટાભાગે વ્યક્તિનાં ભૂતકાળમાં ઘટેલી ઘટના સાથે સંબંધિત હોય છે, તે આ જન્મની ઘટના પણ હોય શકે અથવા પાછલાં જન્મમાં ઘટેલી ઘટના પણ હોય શકે. તમે તેમને લઈ અહીં લઈ આવો આપણે તેની પીએલઆર, એટલે કે પાસ્ટ લાઈફ રિગ્રેશન થેરાપી કરશું, હું મક્કમપણે કહીશ કે તેમને આ ફોબીયામાંથી હું જરૂર બહાર લાવીશ". ડોક્ટરની વાત સાંભળી આલાપના હૃદયમાં એક નવી આશાનાં કિરણનો સંચાર થયો. કાવ્યાની ટ્રીટમેન્ટ શરૂ કરાવી. ચાર સેશન પછીની પાંચમા સેશનમાં જ્યારે કાવ્યાએ પોતાની સાથે ભૂતકાળમાં ઘટેલી ઘટના વિશે બોલવાનું શરૂ કર્યું તો એ સાંભળતાં જ આલાપનાં હૃદયને ભેદતી વીજળીની વેદનાં અંગે અંગમાં પ્રસરી ગઈ.

કાવ્યા બોલી રહી હતી," હું દસ વર્ષની હતી ત્યારે એક વરસાદી રાતમાં મારાં માતા-પિતાને કોઈ આકસ્મિક કારણોસર બહાર જવું પડ્યું, તેઓ મને સાથે લઈ જઈ શકે તેમ નહોતાં તેથી મારી મમ્મીએ તેનાં માનેલાં ભાઈને મારી જવાબદારી સોંપી હતી. ઘરમાં હું અને મામા જ હતાં, ધોધમાર વરસાદ, વીજળીનાં કડાકા થતાં હતાં ત્યારે મામાએ મારી સાથે ખૂબ જ ગંદું કામ કર્યું, હું દર્દથી પીડાતી ચીસો નાખતી રહી પણ વીજળીનાં કડાકા વચ્ચે મારી ચીસો દબાઈ ગઈ".

આ સાંભળી ડોક્ટર પણ થોડીવાર માટે સ્તબ્ધ થઈ ગયાં. તેમણે આલાપને કહ્યું, "તમે સહેજ પણ ચિંતા ન કરજો આપણે તમારી કાવ્યાને એકદમ ઠીક કરી દેશું, આપણે એટલે કહ્યું કેમકે હું તેને દવાની સાથે હિલ કરીશ પણ તેનાં કુંમળા મન પર જે ઘાત થઈ છે તેમાંથી તેને બહાર તમે જ લાવી શકશો. જેણે આ દુષ્કર્મ તેની સાથે આચર્યું છે તમે તેને સજા અપાવશો તો જ તે આ ભયમાંથી બહાર આવશે એ મારો વિશ્વાસ છે". ડોક્ટરની વાત સાંભળી આલાપે બસ એટલું જ કહ્યું,"મારી કાવ્યા માટે હું કંઈ પણ કરીશ".

આલાપને સૌથી વધુ રોષ તો કાવ્યાનાં માતા-પિતા પર હતો. આટલાં વર્ષો સુધી પોતાની દીકરીને આ નરક જેવી પીડામાં પીડાવા દીધી માત્ર સમાજમાં આબરૂ બચાવવા માટે. તેણે કાવ્યાનાં માતા-પિતા તેમજ પોતાનાં માતા-પિતાને તેડાવી સઘળી વાત કરી. પોતે એ દુષ્કર્મ આચરનાર પર કેસ કરવાનો છે એ પણ કહ્યું. આ સાંભળી તેનાં માતા-પિતાએ તેને અટકાવતાં કહ્યું,"અરે ! પાગલ થયો છે કે શું ? આમ તારી પત્નીને કોર્ટમાં લઈ જઈ તું અમને સજા આપવા માંગે છે કે શું ? આમાં તને, કાવ્યાને, અમને બધાંને બદનામીના કળવા ઘૂંટડા પીવા પડશે, અરે ! આ સમાજ જાતજાતની વાતો કરી જીવવા નહીં દે". આ સાંભળી આલાપે બસ એટલું જ કહ્યું," નરક જેવાં જીવનને સ્વર્ગ બનાવવાં જઈ રહ્યો છું, મારે સમાજનો નહીં મારી અર્ધાંગિનીનો વિચાર કરવાનો છે. મેં મારો નિર્ણય આપને જણાવી દીધો છે".

બંનેનાં માતા-પિતા હતપ્રભ તેને જોતાં રહ્યાં.

આલાપે કાવ્યા સાથે દુષ્કર્મ આચરનાર પર કેસ કર્યો, વર્ષો પછી કાવ્યાનાં મનમસ્તિકમાં કટાકાભેર ઝબકારા કરતી વીજળી આખરે શાંત થઈ. દુષ્કર્મ આચરનારને આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી. સમાજની પરવા કર્યા વગર આલાપ કાવ્યાની સાથે અડીખમ ઊભો રહ્યો, ઉત્તમ જીવનસાથીનો દાખલો તેણે સમાજને પૂરો પાડયો. આખરે આલાપની સાચી લાગણીનાં અથાગ પ્રયત્નો વળે કાવ્યા અને આલાપ એક થઈ કાવ્યાલાપ બની જ ગયાં.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy