હ્રદયાઘાત
હ્રદયાઘાત
જેને સાથે જીવવાં મરવાનાં કોલ આપ્યાં હતાં એ જીવનસંગીનીની અચાનક થયેલી વિદાયનો આઘાત નવીનભાઈના હૈયામાં તીક્ષ્ણ હથિયારની ધારની જેમ હંમેશ માટે ખૂંપી ગયો. પ્રેમાળ પત્નીનો આ વિરહ જીરવી તો નહોતો શકાતો પણ તેમનાં સુખી લગ્નજીવનની અમૂલ્ય ભેટ એટલે કે તેમની દીકરી વૈદેહી તેમનાં જીવવાનું કારણ હતી. પાંચ વર્ષની વૈદેહીને તેઓ માતા-પિતા બંનેનો પ્રેમ આપી ઉછેરી રહ્યાં હતાં.
દીકરી અને વેલને વધતાં વાર જ ક્યાં લાગે છે ! જોતજોતામાં વૈદેહી પૂરાં અઢાર વર્ષની થઈ ગઈ. દેખાવે શ્વેત નમણી. તેનાં કાળા-લાંબા રેશમી વાળથી ઢંકાયેલો નાજૂક નમણો ગોળ ચહેરો વાદળ પાછળથી ડોકાતા ચંદ્ર જેવો કામણકારો લાગતો હતો. પાણીદાર આંખો અને ગુલાબની પંખુડી જેવાં તેનાં હોંઠ જાણે કોઈ મહાન શિલ્પકારે ઘડેલી સંગેમરમરની જીવંત મૂરત જ હોય એટલી ખુબસુરત. વૈદેહીનું સપનું હતું તેનાં પિતાએ તેનાં માટે જોયેલાં સપનાને સાકાર કરવું તેથી જ જ્યાં કોલેજમાં અન્ય છોકરીઓ મોજ શોખ ફેશન જેવી નકામી બાબતોમાં સમય બગાડતી હતી ત્યાં વૈદેહી તો બસ તેનાં ભણતરમાં જ તલ્લીન હતી.
કોલેજનાં અંતિમ વર્ષમાં અભ્યાસ કરતી વૈદેહીની સાદગીભરી સુંદરતા અને સોમ્યતાથી ભલભલાં આકર્ષિત થઈ જતાં હતાં પણ વૈદેહીનું તો એક જ લક્ષ્ય હતું ભણીગણીને પિતાના સપનાઓને પૂરાં કરવાં તેમજ પોતાને પગભર કરવી. પોતાનાં ભવિષ્યથી અજાણ યુવાનીની કુમળી વયે વૈદેહીને પણ વિજાતીય આકર્ષણ તરફ દોરી જ દીધી. ફેસબુક પર મળેલાં રાહુલની સાદગી અને વિવેકશીલતાથી એ અંજાય ગઈ. રોજે થતી વાતો પ્રેમમાં પરિણમી. હવે બંને અવારનવાર એકબીજાને મળવાં લાગ્યાં આ જમાનામાં રાહુલ જેવો સાથી મળ્યો એ વિચારી વૈદેહી પોતાને નસીબદાર સમજતી હતી.પપ્પાની સાથે મુલાકાત કરાવીશ તો એમને પણ રાહુલ ગમી જ જશે એવો એને ગળાં સુધી વિશ્વાસ હતો. થોડી અંતર્મુખી સ્વભાવની વૈદેહીનાં પ્રેમ વિશે કોઈને પણ જાણ નહોતી તેની એકમાત્ર ખાસ મિત્ર સ્વરાને પણ નહીં.
એક દિવસ રાહુલે તક જોઈ વૈદેહીને કહ્યું "હું તારી સાથે મારાં માતા-પિતાની મુલાકાત કરાવવાં ઈચ્છું છું શું તું મારી સાથે મારાં ઘરે આવશે ?" રાહુલનાં પ્રેમમાં પાગલ થઈ ગયેલી વૈદેહીને તેનાં પર આંધળો વિશ્વાસ હતો તેથી તે સત્યથી અજાણ હરખાતી રાહુલ સાથે નીકળી પડી તેનાં ઘરે જવાં માટે.
શહેરની બહાર આવેલાં એક બંગલા પર જઈ ગાડી ઊભી રહી. વૈદેહીને વિચીત્ર લાગ્યું પણ રાહુલ પર તેને પૂરો વિશ્વાસ હતો. બંગલામાં પ્રવેશતાં જ રાહુલનો વાસ્તવિક ચહેરો સામે આવતાં તેને ઊંડો આઘાત લાગ્યો. તેણે જેને નખશિખ સમપૅણ કર્યું જેનાં પર અતૂટ વિશ્વાસ મૂક્યો એણે આવો દગો આપ્યો ! મારાં સાચાં પ્રેમનાં બદલામાં આવો હૃદયાઘાત ! પણ હવે તેનાં હાથમાં કશું રહ્યું'તું જ ક્યાં ? તે પૂરી રીતે તેની ઘડેલી યોજનાનો શિકાર બની ગઈ હતી. ખાલી વિરાન બંગલો અને રાહુલના બદલાયેલાં રૂપને જોઈ એ દરવાજા તરફ ભાગી પણ રાહુલનાં સાથી મિત્રોએ બધાં જ રસ્તાઓ બંધ કરી દીધાં.
કુમળી વૈદેહીને રાહુલ અને તેનાં સાથી મિત્રોએ મળી પીંખી નાંખી પછી તેને અધમરેલ હાલતમાં એક કચરાનાં ઢેર પર પટકી નરાધમો ત્યાંથી નાસી છૂટ્યાં. દર્દથી કણસતી વૈદેહીનો અવાજ સાંભળનારું ત્યાં કોઈ નહોતું અચાનક જ નસીબને કરવું તે ત્યાં કચરો વીણતાં એક માણસનું ધ્યાન વૈદેહી પર ગયું એટલે તેણે તરત જ પોલીસને જાણ કરી. દર્દ પણ દુઃખી જાય તેવી વેદનામાં કણસતી વૈદેહીની લોહિયાળ હાલત જોઈ પોલીસકર્મીઓને પણ આઘાત લાગ્યો.કોઈ આટલી હદે ક્રુરતા કેમ દાખવી શકતું હશે! વૈદેહીને ગંભીર હાલતમાં હોસ્પિટલ પહોંચાડવામાં આવી.
થોડી પૂછપરછ પછી પોલીસ વૈદેહીનાં પિતા સુધી પહોંચી હથેળીમાં રાખી જે દીકરીને ફૂલની જેમ માવજતથી ઉછેરી એ જ દીકરીની આવી દશા જોઈ આઘાત સાથે નવીનભાઈ ઢગલો થઈ ગયાં. દિવસો મહિનાઓનાં પ્રયત્નો છતાં વૈદેહી કોમામાંથી બહાર નહોતી આવી. જીવન ચિક્કાર ખામોશીની વચ્ચે એક એક ક્ષણ ગૂંગળાઈ રહ્યું હતું. છતાં પણ નવીનભાઈ પોતાની વ્હાલસોયી દીકરીને જીવંત કરવાં માટે રોજ તેનામાં હકારાત્મક ઉર્જા ભરવાની સાથે તેનામાં નવચેતનાનો સંચાર કરવાં માટે ન જાણે કેટકેટલાંય પ્રયાસો કરતાં રહેતાં હતાં.
સાત મહિના પૂરાં થવાં પર હતાં અને હવે નવીનભાઈની બધી આશાઓ પણ પડી ભાંગી હતી આંખનાં આંસુઓ પણ સુકાઈ ગયાં હતાં. તેઓ હિંમત હારવાની અણી પર જ હતાંએજ સમયે જીવન મરણ વચ્ચે ઝોલાં ખાંતી વૈદેહીમાં એક નવો પ્રાણસંચાર થયો સાત મહિનાની નિંદ્રાને ધક્કો મારી વૈદેહી ભાનમાં આવી. ભાનમાં આવેલી વૈદેહીની સાચી પરીક્ષા તો હવે શરૂ થવાની હતી પિતાથી છુપાવી રાખેલાં સંબંધે જે દગો આપ્યો હતો ન તો તેનું દુઃખ તે પિતા સાથે વહેંચી શકતી હતી ન તો માફી માંગી શકતી હતી ક્ષોભ અને ગલાનીની ઊંડી ખીણમાં તેનાં બધાં સંવાદો એ આઘાત સાથે જાણે ગરકાવ થઈ ગયાં હતાં. બીજીબાજું નવીનભાઈ દીકરી સાથે બનેલી આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના માટે પોતાને દોષી માની રહ્યાં હતાં તેમને લાગ્યું કે મા વગરની દીકરીને ઉછેરવામાં જરૂર કચાશ રહી ગઈ એટલે જ મારી દીકરી મને મુક્તપણે કશું કહી ન શકી જો હું આ સંબંધ વિશે જાણતો હોત તો આ ઘટના ન બની હોત . ડિપ્રેશન અને શરીર પરનાં ઉઝરડાંઓને ભરવામાં હજું સમય હોવાથી વૈદેહીને હજું સારવારની જરૂર હતી એટલે તેને હોસ્પિટલમાંથી રજા નહોતી મળી.
એકદિવસ વૈદેહીની ખાસ મિત્ર સ્વરા તેને મળવાં આવી વૈદેહી સાથે વાતો કરતાં કરતાં તે મોબાઈલમાં અન્ય મિત્રોનાં અને કોલેજમાં યોજાયેલાં કાર્યક્રમોનાં ફોટા તેને બતાવવાં લાગી. વૈદેહીની આંખો લાલચોળ થઈ ગઈ જ્યારે તેણે અચાનક સ્વરા સાથે રાહુલનો ફોટો જોયો. જેણે જીવનનો આ કારમો આઘાત આપ્યો હતો તેની તસવીર નજર સામે આવતાં જ વૈદેહીનાં ધબકારાએ તીવ્ર ગતિ પકડી ડોક્ટરો તેની સારવારમાં દોડ્યાં વૈદેહીનાં મગજમાં કેટકેટલીય ઉથલપાથલ થવાં લાગી હતી. નવીનભાઈની પ્રાર્થનાનું ફ્ળ કહો કે ઈશ્વરનો ચમત્કાર ના જાણે કઈ શક્તિએ વૈદેહીમાં નવાં પ્રાણનો સંચાર કર્યો.
ફરી પાછી ભાનમાં આવેલી વૈદેહી અંધકારને હરાવીને આવી હતી. જીવનને ઉજાસ તરફ લઈ જવાં તે મક્કમપણે પોતાનાં લક્ષ્ય તરફ આગળ વધી. તેનાં જેવી લાખો છોકરીઓનાં જીવનને રાહુલ જેવાં રાક્ષસથી બચાવવાં એક અડગ પ્રણ સાથે એ ફરી હિંમતભેર બેઠી થઈ રાહુલને તેનાં કુકર્મોની સજા અપાવવા એ નિડરતાથી લડી હા ! આ લડાઈ તેનાં માટે સહેજ પણ સરળ નહોતી કેમકે આ લડાઈમાં તેને મળેલાં આઘાત પર વારંવાર ઘાત થતી હતી ક્યારેક સમાજ દ્રારા તો ક્યારેક મિડીયા દ્રારા તેમજ કોર્ટમાં વકીલો દ્રારા. વૈદેહીની હિંમત તેનાં પિતા હતાં જેઓ દીકરીની આ લડાઈમાં અડીખમ તેની સાથે ઊભાં હતાં. કોર્ટમાં વિજય મેળવીને તેણે રાહુલ જેવાં વાસનાંધને કાળકોઠડીની અંધારી કારમી સજા અપાવી પોતાને પગભર કરી.
આ સાથે જ પોતાની ખાસ મિત્ર સ્વરાને રાહુલ નામનાં તમસથી બચાવી ઉજાસ તરફ લઈ આવી. આગળ જતાં તેણે દેશની દરેક દીકરી સ્ત્રીઓ માટે"સતર્કતામાં સમજદારી" જેવાં સ્લોગન સાથે અનેક સંસ્થાઓ સાથે મળી સ્વરક્ષા માટેનાં કેટકેલાય કાર્યક્રમોની આગેવાહી હાથ ધરી સમાજમાં નવો દાખલો બેસાડ્યો.
