Pallavi Gohel

Tragedy Others

4.2  

Pallavi Gohel

Tragedy Others

પ્રાણઘાતી પ્રતિક્ષા

પ્રાણઘાતી પ્રતિક્ષા

6 mins
295


સાત માસથી ગર્ભવતી શ્યામલી પતિનાં પ્રવાસ માટે ભાથું બાંધતાં- બાંધતાં ગીત ગાઈ રહી હતી.

'આભમાં ઝીણી ઝબૂકે વીજળી રે

કે ઝીણા ઝરમર વરસે મેઘ

ગુલાબી ! કેમ કરી જાશો ચાકરી રે !'

પત્નીનાં ગીત દ્રારા વિનવવાની ઢબે વેણુને બે ઘડી ચાકરીએ ન જવાનાં વિચાર સાથે રોકી લીધો. શ્યામલીની આંખોમાંથી પ્રેમની અમી વર્ષા થવાં લાગી, એણે વેણુનો હાથ ઝાલી લઈ, ગળગળા અવાજે વિનવતા કહ્યું,"વેણું મારો અંતરનો અવાજ કહે છે તમે ન જાવ". વેણુએ તેને શાંત પાડતાં કહ્યું,"અરે મારી વ્હાલી ! મરજીવાનું તો આજ જીવન. મઝધારે અટવાતું, ફંગોળાતું, લહેરાતું, ફરી કાંઠે ઘડીક પોરો ખાઈને દરિયાદેવને બાથ ભરતું, આપણાં જીવનની આજ તો ખુમારી છે. મારાં જેવાં ખેલદિલ માણસની પત્ની થઈ આમ ડરાતું હશે ? આ તો તું મા બનવાની છે એટલે અંદરથી મન મૂંઝાતું હશે. થોડાં વખતમાં આપણે મા-બાપ બની જાશું, આ છેલ્લો ફેરો છે પછી તો એયને ચાર પાંચ મહિના શાંતિ જ છે ને ! પછી તો તારી ને આપણી સંતાન હારે આનંદ જ કરવાનો છે. એ આનંદ મફત થોડી થાશે ! એટલે મારી વ્હાલી તારાં વેણુને જાવું તો પડશે જ, આમેય ભીખાકાકાને મારાથી ના નો કહેવાય તુને તો ખબર છે. પાંચ દિવસનો જ ફેરો છે એમ ભીખાકાકા કેતા'તા".શ્યામલીએ કમને ખાલી હમમમ કહ્યું, છતાં ન રહેવાતાં ફરી બોલી," આ પ્રતિક્ષા પ્રાણઘાતી બની રહેશે મારાં માટે ". આ સાંભળી વેણુ જરાં ઢીલો થયો, શ્યામલીની આંખ્યુંમાં આંખો પરોવી બોલ્યો,"મારાં માટે પણ વ્હાલી, તારું અને આપણાં બાળકનું ધ્યાન રાખજે, શાંતાકાકીને મેં તારી ભલામણ કરી દીધી છે એ આવી જાશે તારી પાસે". આટલું કહી વેણુ ભાથાની થેલી શ્યામલીનાં હાથમાંથી લઈ નીકળી પડ્યો ભીખાકાકાની બોટ પર માછીમારી કરવાં. શ્યામલી અનિમેષ તેને તાકતી રહી.

બે દહાડા નીકળી ગયાં હતાં, બોટ મધદરિયે સ્થિર થઈ હતી, માછલાં પકડવા નાખેલી જાળને પાછી ખેંચતાં વેણુને અંદાજ આવી ગયો જાળ ખાલી છે, વિલાયેલા મોઢે એણે ભીખાકાકા સામે જોયું એ સાથે જ ભીખાકાકા વાતનો તાગ કળી ગયાં. એમણે વેણુને કહ્યું ,"થોડે દૂર જાવું જ પડશે તો જ કામ થાશે, હવે આટલે લગી આવ્યાં જ છીએ તો થોડાં વધારે આગળ જઈ આવીએ. ખાલી હાથે ઘરે નહીં જઈએ, તું ફિકર ન કર આ પશાની બોટ આપણ આજુબાજુમાં જ છે." અનુભવી ભીખાકાકાની વાત ટાળી શકે એટલી હિંમત વેણુમા નહોતી, તેણે બોટ આગળની દિશામાં ધપાવી. ચોથા દહાડે ઝરમર મેઘની પધરામણી થઈ, હવે વેણુનું હ્રદય શ્યામલી પાસે પહોંચી જવા માટે આતુર થવાં લાગ્યું. સાથી મિત્ર હરજી અને ઘોઘો વેણુનું મોઢું જોઈને તેનાં મનની વાત સમજી ગયાં, તેથી તેઓએ ભીખાકાકા સામે પરત ફરવાની અરજી નાખી પણ ભીખાકાકા એક ના બે ન થયાં, તેઓને કહે,"આટલી દૂર આવી કંઈ ખાલી હાથે પાછા ફરાતું હશે ! પરમ દહાડે પાછા ફરશું કહી એ કેબીનમાં જતાં રહ્યાં".

મધદરિયે ઝોલાં ખાતાં વેણુને શ્યામલીનું એ વાક્ય યાદ આવ્યું," ન જાવ ને" ક્યારેય નહીં અને કોણ જાણે કેમ આજે પહેલીવાર અફાટ દરિયાને જોતાં વેણુ થોડો ડરી ગયો, ફરી શ્યામલીએ વિદાય વેળાએ કહેલું વાક્ય યાદ આવ્યું,'આ પ્રતિક્ષા પ્રાણઘાતી બની રહેશે મારાં માટે'. અચાનક જ કાળીધબ ચાદર ઓઢી સૂતેલા દરિયા પર વેણુની નજર પડતાં જ તેનાં શરીરે કંપારી છૂટી ગઈ. ધીમેધીમે મેઘનો વેગ પણ વધી રહ્યો હતો, દરિયામાં મોજા ઊંચા ઉછળવાનાં શરું થયાં પણ ભીખાકાકાએ હિંમત આપતાં, વેણુ, ઘોઘા અને હરજીને કહ્યું, ગભરાશો નહીં કંઈ નથી, આવું તો સામાન્ય કહેવાય". જો કે અંદરથી તો હવે તેમને પણ પરત ફરવાની ઉતાવળ હતી. સવાર થતાં જ દરિયામાં નાખેલી જાળ ઉપર ખેંચી લેવામાં આવી. ભીખાકાકાએ દિશા સૂચક યંત્રમાં નજર નાંખી વેરાવળ બંદર તરફ બોટ વાળી, એ જ સમયે મૂશળધાર વરસાદ વરસવાનો શરૂ થયો. દરિયાનું તોફાન ઉફાણે આવ્યું, અચાનક ઉછળતાં મોજાઓનાં કારણે બોટમાં પાણી ભરાતાં બોટ બંધ પડી ગઈ. આમ મઝધારે બોટ બંધ પડી જાશે એવી તો કોઈએ કલ્પના પણ નહોતી કરી, જોયું તો એનાં એન્જીનમાં પાણી ભરાઈ ગયું હતું. હવે શું ? એવાં ભાવ સાથે ત્રણેય ભીખાકાકાની સામે તાકી રહ્યાં હતાં. મનોમન ભીખાકાકાને અફસોસ થયો, આજે તેમનાં અનુભવ પર તેમની જિદ હાવી થઈ હતી એનું જ આ પરિણામ હતું. ભીખાકાકાએ મુઠ્ઠીવાળી હરજી અને ઘોઘાને લોઢારી કાઢી લાવવા કહ્યું, સાથે વેણુને લંગર નીચે નાંખવા માટે કહ્યું, જેથી આ તોફાનમાં વજનદાર લંગર અને લોઢારી દરિયાનાં તળિયામાં ભરાઈને હવામાં ગમે ત્યાં ફંગોળાઈ જતી બોટને તણાઈ જતી અટકાવી દે. વેણુએ લંગર નીચે નાખ્યું, હરજી અને ઘોઘાએ લોઢારી લઈ આવી તેને મજબૂત દોરડું બાંધીને નીચે નાખી થોડો હાશકારો લીધો. વેણુને લોઢારી બાંધેલ દોરડાને જરાં ખેંચીને પાક્કું કરી લેવાંનો વિચાર આવ્યો,પણ જેવું એણે દોરડું ખેંચ્યું, એ સરરર કરતું, તરતું વેણુના હાથમાં ખેંચાવા માંડ્યું. જોયું તો ખાલી દોરડું જ હતું, લોઢારી તો તળિયે બેસી ગઈ હતી આ જોઈ હંધાયનાં શ્વાસ થીજી ગયાં. 

અફાટ દરિયામાં અટવાયાને બાર દિવસ થઈ ગયાં હતાં, તેઓને એ પણ ખબર નહોતી કે તેમની બોટ કઈ દિશામાં જઈ રહી છે.બે ચાર વાર દૂરથી આવતી બીજી બોટ, સ્ટીમરને જોતાં ચારેયે ભેગાં મળી ખૂબ બૂમો પાડી, જે એ લોકો સુધી પહોંચી જ ન શકી. આટલાં દિવસોમાં ન જાણે કેટકેટલાંય પ્રયત્નોનાં અંતે મળેલી નિરાશાઓએ ચારેયને અંદરથી સાવ ભાંગી નાંખ્યા હતાં. હવે તો તેઓ ઈશ્વર પરની આસ્થા અને મનોમન લીધેલી માનતાઓનાં ઓથે જ શ્વાસો લઈ રહ્યાં હતાં.

બોટ પર આજે સત્તરમો દિવસ થઈ ગયો હતો ! આ બાજુ વેણુને શ્યામલીની ચિંતા થતી હતી અને શ્યામલીને વેણુની. મિલન માટે ઝંખતી જિંદગી મઝધારે ગોથા ખાતી હતી એ જ સમયે હરજીનું ધ્યાન દૂરથી આવતી એક સ્ટીમર તરફ ગયું. તેણે બધાને બોલાવ્યાં, આ જોઈ બધાની ડૂબતી આશ ફરી તરવા લાગી, પણ આ શું ! બોટ જેમજેમ નજીક આવી રહી હતી તેઓની શંકા જાણે સાચી ઠરી રહી હતી. સ્ટીમર તેની બોટની નજીક આવતાં જ તેઓને પરિસ્થિતિની ગંભીરતા સમજાઈ ગઈ હતી. તેઓ પાકિસ્તાનની સીમાને ઓળંગી ગયાં હતાં. પાકિસ્તાની સૈનિકો ચારેયને પોતાની ગન પોઈન્ટ પર રાખી કેદ કરવાં જઈ રહ્યાં હતાં એ સમયે વેણુને શ્યામલી યાદ આવી, સાથે વિચાર આવ્યો, આ દુશ્મન દેશમાં ન જાણે કેટલાય વર્ષો સુધી કેદ થઈ નરક જેવી યાતના ભોગવવી પડશે, કોણ જાણે કેટલા વરસ સુધી શ્યામલીને મારી રાહ જોવી પડશે ! એનું જીવન તો સાવ નરક બની જાશે, જીવતો રહીશ તો મારી રાહ જોવામાં તેનું આખું આયખું નીકળી જાશે. હજું એની ઉંમર જ શું છે ! નહીં રહું તો બીજાને વરીને તેનાં જીવનને ટેકો તો મળશે. આ જ વિચાર આવતાં તેણે શ્યામલીને પ્રતિક્ષાનાં બંધનમાંથી મુક્તિ અપાવવા માટે જીવન-મરણનાં મઝધારે ઝોલા ખાંતી જિંદગીને કિનારે પાર પાડવા માટે સૈનિકોનું ધ્યાન ભટકાવી, વિશાળ દરિયાદેવમાં ઝંપલાવી દીધું. એ સાથે જ ગોળીબાર શરૂ થયો, વેણુના રક્તથી દરિયાદેવની સપાટી રંગાઈ ગઈ આ જોઈ હરજી અને ઘોઘો ત્યાં જ ઢળી પડ્યાં. ભીખાકાકા શૂન્યમનસ્ક બની જોઈ રહ્યાં.

વેણુની મઝધારે અટવાયેલી જિંદગીને મુક્તિ મળી તો બીજી બાજું વેણુની ચિંતાનાં કારણે આઠમાં મહિને જ શ્યામલી પ્રસુતિની પીડાથી કણસવા લાગી. ભારે મથામણ પછી ડોકટરે શ્યામલી અને તેનાં બાળકનાં મઝધારે અટવાયેલાં જીવનને કિનારે પાડ્યાં. શ્યામલી તો હકીકત જાણતી પણ નહોતી કે તેનો વેણુ હવે આ દુનિયામાં નથી રહ્યો. શ્યામલી અને તેનાં બાળકનો જીવ તો બચી ગયો પણ આ જીવ સાથે બંધાયેલી વેણુની પ્રતિક્ષા શ્યામલી માટે પળે પળે પ્રાણઘાતી સાબિત થઈ રહી હતી. વેણુના સૂર શ્યામલીનાં અંતરે કંડારાયેલા હતાં, મઝધારે છે જીવન નાવડી, તું હાંક હલેસાં ઓરે ખલાસી. અંતરે ભરે જો ઉદાસી, હરિ નામ જપતો રહે ઓરે ખલાસી જીવનની જવાબદારીઓને ખુમારીથી નિભાવવા શ્યામલી પાસે વેણુના આ શબ્દોનો જ ઓથ હતો, જે તેનામાં હામ ભરતો હતો. હકીકતથી અજાણ શ્યામલી વેણુના પરત ફરવાની પ્રભુ શરણે અરજીઓ નાખતી રહી. આખરે એ કારમા સમાચારે શ્યામલીનું હૈયું ચીરી જ નાખ્યું. એ સાથે જ મઝધારે એટવાયેલી બધી જ અરજીઓ શ્યામલીનાં લોહિયાળ આંસુઓમાં ડૂબી ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy