પ્રેમની પરિભાષા
પ્રેમની પરિભાષા
ગોપા, દીવાલ પર લાગેલી નૈનેષની તસવીર સાથે વાત કરી રહી હતી. "જુઓ, આપણું સપનું આજે સાકાર થવા જઈ રહ્યું છે. આપણો વિશ્વેશ આજે પાયલોટ બનીને આવી રહ્યો છે."
"તમારું જ નહીં, મારું પણ સપનું." પાછળથી વિનેશનો અવાજ આવ્યો.
"હા, નૈનેષ આપણું બેનું જ નહીં વિનેશનું પણ. જો વિનેશ ન હોત તો હું એકલ માવતર બની આ કઈ રીતે કરી શકી હોત ?" ગોપાની આંખ ઉભરાવા લાગી. રડતી ગોપાની નજર સામેથી પાછલા વીસ વર્ષો ચિત્રપટની પટ્ટીની જેમ પસાર થઈ ગયાં.
કૉલેજના પહેલાં વર્ષથી જ ગોપા, નૈનેષ અને વિનેશની ત્રિપુટી બની ગઈ હતી. નૈનેષ અને વિનેશ બંને જ ગોપાને ચાહવા લાગ્યા હતા પણ ગોપાનો ઝોક નૈનેષ તરફ વધારે હતો. ગ્રેજ્યુએશન પૂરું થયા પછી ગોપાએ નૈનેષ સાથે સંસાર વસાવી લીધો. જો કે નૈનેષના ધનાઢ્ય પરિવારને સામાન્ય પરિવારની ગોપા મંજૂર નહોતી પણ મિત્રોની સહાય કામે લાગી.
લગ્નની બીજી જ તિથિએ માર્ગ અકસ્માતમાં નૈનેષનું મૃત્યુ થયું. એના સાસરેથી બે જીવ સોતી ગોપાના સ્વીકારનો તો પ્રશ્ન જ ઊભો થતો નહોતો અને પિયરમાં ઝાઝી કોઈ મિલ્કત નહોતી જેના સહારે એનું જીવન વ્યતિત થઈ શકે. નવ મહિના પછી એના જીવનમાં નાનકડા વિશ્વેશનું આગમન થયું. એની જિંદગી થોડી પાટે ચડી. ઘરમાં ટ્યુશનો કરાવી એ વિશ્વેશનો ઉછેર કરી રહી હતી. સામાન્ય ઘર, ઘરમાં કોઈ ઝાઝું રાચરચીલું પણ નહીં. ઓછી જરૂરિયાતમાં બંને મા દીકરો દિવસો પસાર કરતાં હતાં. બળદગાડાની ગતિએ બંનેનું જીવન વ્યતિત થઈ રહ્યું હતું.
ગોપાના એકતરફી પ્રેમમાં વિનેશે હજી સુધી લગ્ન કર્યા નહોતા. એ નિયમિત રીતે બંનેની ખબર કાઢવા આવતો પણ રાધાકૃષ્ણના પ્રેમની પૂજા કરતી આ દાધારંગી દુનિયામાં આ બંનેની નિર્દોષ મૈત્રી આંખમાં કણાની જેમ ખૂંચતી રહેતી હતી. એક વખત પડોશમાં ચાલતી વાત સાંભળી વિનેશને હવે આ બંનેને અહીં એકલાં રાખવામાં સલામતી ન લાગી અને એ દુનિયાને બતાવવા પૂરતું વિધવા ગોપાની સેંથીમાં સિંદુર પૂરી વિશ્વેશ સહિત ઘરે લઈ આવ્યો.
એણે કદી વિશ્વેશને પારકો ગણ્યો જ નહીં. જાણે એ વિનેશ અને ગોપાનું જ સંતાન ન હોય ! એમ જ એનો ઉછેર દિલથી કર્યો. મિત્રની ઈચ્છાને જ પોતાની ઈચ્છા ગણી એણે વિશ્વેશને સારામાં સારી સ્કૂલમાં દાખલ કર્યો. વિનેશના ઘરના એમ જ સમજતાં હતાં કે એ બંનેને કોઈ બાળક થયું જ નહીં. જો કે મિત્રની અમાનત ગોપાને એણે કદી એ રીતે જોઈ જ નહીં. એ બંને વચ્ચે સબંધની પવિત્રતા અકબંધ રહી હતી. પરિવારના પ્રેમાળ લોકોએ આંગળિયાત વિશ્વેશને સ્વીકાર પણ લીધો હતો.
દાદા દાદીના સ્નેહાળ હાથમાં વિશ્વેશનો ઉછેર થવા લાગ્યો. સમય જતાં વિનેશના મમ્મી પપ્પાએ દુનિયામાંથી વિદાય લીધી. નૈનેશની ઈચ્છાને માન આપી વિનેશે એને પાયલોટ બનાવવાનો નિર્ધાર કર્યો હતો. આજે એ પાયલોટ બની આવી રહ્યો હતો.
નૈનેશની તસવીર સામે ઊભેલી ગોપાને એમાં યુનિફોર્મમાં સજ્જ થયેલો યુવક દેખાયો અને એની ધૂંધળી નજર વધુ ધૂંધળી બની ગઈ. "મમ્મી, પપ્પા" કરતો એ ગોપા અને વિનેશને વળગી પડ્યો. નૈનેશના ફોટાને પ્રણામ કરી એ મનોમન આ ત્રણેના એકબીજા પ્રત્યેના સમર્પણને વંદન કરી રહ્યો. પ્રેમની પરિભાષા એને અહીં જ જોવા મળી. પ્રેમ એટલે ફક્ત શારીરિક નહીં પણ આંતરિક સમર્પણ તે એને સમજાઈ ગયું.
