પ્રેમની જ્યોતિ
પ્રેમની જ્યોતિ


“પ્રેમકુમાર તમને યાદ આવે છે? તે રોમાંચક દિવસો? મારો આ ઘરમાં થયેલો ગૃહપ્રવેશ! આપણા લગ્નની પહેલી વર્ષગાંઠ, દિવ્યાનો પ્રથમ જન્મદિવસ. નાનીમોટી કેટલી યાદો આ ઘરમાં છુપાયેલી છે, નહીં? આપણે આ ઘરમાં કેટલા ખુશ હતા. કેટલા આનંદથી રહેતા હતા. કેવું ખુશહાલ આપણા બન્નેનું જીવન હતું. તમે કાયમ મને કહેતા કે “જ્યોતિ, આ ઘર સાથે આપણા પ્રેમની યાદો જોડાયેલી છે. વચન આપ કે આને છોડીને તું બીજે ક્યાંય નહિ જાય.” આ સાંભળી હું તમને કહેતી કે “આવું વચન કેવી રીતે આપી શકું? આખરે ભાડાના મકાનને એકદિવસ તો છોડીને જવું જ પડશે ને?”
હું તો બોલતા બોલી ગઈ પરંતુ તમે તમારી જીદ છોડો ખરા? બસ વળગી રહ્યા તમારી જીદને, દિવસરાત તનતોડ મહેનત કરી. પેટે પાટા બાંધી એક એક રૂપિયો બચાવ્યો. આખરે મકાન માલિકને મૂળકિંમત કરતા વધારે રૂપિયા આપીને જયારે આ મકાન ખરીદી લીધું ત્યારે જ તમે જંપ્યા. કેટલા ખુશ હતા તમે એ દિવસે નહી? મને હજુપણ યાદ છે કે મકાનની ચાવી મારા હાથમાં મૂકતાં તમે કહ્યું હતું કે “જ્યોતિ જે મકાનમાં તારા કુમકુમ પગલા પડ્યા હોય, તે મકાનને હું કેવી રીતે હાથમાંથી જવા દઉં?” મારી સાથે આવી પ્રેમની મધુરતાથી ભરેલી વાતો કરનાર તમે, એકદિવસ મને આ અફાટ દુનિયમાં એકલી મૂકીને, આ ઘર તો શું, દુનિયાજ છોડીને જતા રહ્યા!! તમને લગીરે વિચાર ન આવ્યો કે હું એકલી નિરાધાર આ પાપી દુનિયામાં કેવી રીતે જીવીશ?”
આંખમાં બાંઝી ગયેલા અશ્રુબિંદુને હથેળી વડે લૂછતાં લૂછતાં, જ્યોતિએ દીવાલ પરથી પ્રેમકુમારની તસવીરને કાઢી ટેબલ પર મૂકી. તસવીરને સાડીના પાલવ વડે સાફ કરતા કરતા તેની આંખોમાંથી અનરાધાર અશ્રુઓનો વરસાદ વરસી રહ્યો. તસવીર બરાબર સાફ કરી ટેબલ પરથી ઉઠાવી પાછી તેને દીવાલ પર વ્યવસ્થિતપણે ગોઠવી. જ્યોતિએ હવે તેના પર સુખડનો હાર ચઢાવી તસવીર સામે મૂકેલી મીણબત્તીને પ્રગટાવતા તે બોલી “તમને કેન્ડલ ડીનર ખૂબ ગમતું, મીણબતીના સોનેરી પ્રકાશથી તમારું ચિત્ત પ્રસન્ન થઇ જતું.”
અકાળે થયેલા તમારા અવસાન પછી મને બે વસ્તુઓએ સહારો આપ્યો છે. એક તો આ ઘર અને બીજી તમારી તસવીર સામે પ્રગટતી આ મીણબતી! ખબર નહીં કેમ પણ જયારે જયારે હું તમારી તસવીર સામે મીણબતી પ્રગટાવું છું ત્યારે ત્યારે મને એમ લાગે છે કે તમે અહીં જ કશેક આસપાસ છો. મારી સમીપ, મારી સાથે.”
જ્યોતિ નિ:સાસો નાખતા આગળ બોલી, “પરંતુ હવે માત્ર આ મીણબત્તીનો જ સહારો રહશે, મને માફ કરજો પણ નાછુટકે મારે આ ઘર વેચવું પડે છે. હું પણ શું કરી શકું? દિવ્યા હવે ઉંમરલાયક થઇ ગઈ છે. પરિસ્થિતિને ઝીંક આપી મેં તેને કોલેજ સુધી તો ભણાવી પણ હવે તેના લગ્ન કરાવવાનું મારું ગજું નથી. એક સારું સ્થળ મળ્યું છે. છોકરો ભણેલો ગણેલો અને પૈસેટકે સુખી છે પણ તેના માબાપ દહેજમાં મોટી રકમ માંગે છે. હવે માત્ર પૈસા ખાતર હું દિવ્યાનું ભવિષ્ય તો જોખમમાં ન મૂકી શકું ને! તેની ઉંમર પણ વધતી જાય છે. હવે તમે જ બોલો કે હું નિરાધાર વિધવા આટલા રૂપિયાની તડજોડ ક્યાંથી કરૂ? આ ઘરને વેચી દહેજની સગવડ આરામથી કરી શકીશ અને જે પૈસા બચશે તેમાંથી હરીનગરમાં એક નાનકડું મકાન લઇ લઈશ... મીણબતીની જ્યોત અલપ ઝલપ થવા લાગી પણ જ્યોતિનું ધ્યાન તે તરફ ગયું નહીં. એક ઊંડો નિ:શ્વાસ મૂકી તે રસોડામાં રસોઈ બનાવવા ગઈ.
****
“મમ્મી શું કરે છે? મને ખૂબ ભૂખ લાગી છે.” કોલેજથી આવેલી દિવ્યાએ સોફા પર બેગને ફંગોળતા કહ્યું.
જ્યોતિએ રસોડામાંથી કહ્યું “બસ આ દાળનો વઘાર કરી લઉં એટલે ગરમાગરમ રસોઈ તૈયાર. બેટા, જમ્યા પછી તું વાસણ ઘસી નાખજે એટલીવારમાં હું મોહનભાઈના ઘરે જઈ તેમને જરૂરી કાગળ આપી આવું. મોહનભાઈને તો તું ઓળખે છે ને? તારા પિતાના જીગરજાન દોસ્ત જે અમેરિકા સ્થાયી થયા છે. હમણાં થોડા દિવસો પહેલા જ તેઓ ઇન્ડિયા ....
દિવ્યાની “નહિ...”ની ચીખથી જ્યોતિ ચોંકી ગઈ અને રસોડામાંથી દોડતી આવી “દિવ્યા, શું થયું?”
દિવ્યાએ હાથને પંપાળતા કહ્યું ‘કંઈ નહિ મમ્મી.. આ ટેબલ નજીક ગઈ તો ખબર નહિ કેવી રીતે આ મીણબતીથી દઝાઈ ગયું!”
આ સાંભળી જ્યોતિ તરત રસોડામાં ગઈ અને થોડીવારમાં પાછી આવી. તેણે જ્યોતિના ઘા પર છાલવાળા બટેટાનું છીણ લગાવતા કહ્યું, “આનાથી બળતરા ઓછી થઇ જશે અને ફોલ્લો પણ નહીં પડે.”
છીણ લગાડતા લગાડતા અચાનક જ્યોતિનું ધ્યાન ટેબલ પર ગયું અને તે સફાળી ઉભી થતા બોલી, “અરે! અહી એક કાગળ મૂક્યો હતો તે ક્યાં ગયો?”
દિવ્યાએ હાથને પંપાળતા કહ્યું “ “કાગળ માટે શું આટલો જીવ બાળે છે.”
જ્યોતિ ચિંતામાં બોલી, “બેટા, એ ઘરના વેચાણના દસ્તાવેજનો કાગળ હતો. મારે તેની પર સહી કરીને હમણાં જ મોહનભાઈને આપવા જવાનું છે. બેટા, ભૂલમાં તે તો ક્યાંક મૂકી દીધો નથી ને?”
દિવ્યાએ સોફા પર પડેલી તેની બેગમાં કાગળને શોધતા શોધતા બોલી, “મમ્મી હું ટેબલ પાસે જતી હતી ત્યાંજ તો મને મીણબતીની ઝાળ લાગી.”
જ્યોતિ બબડતી બબડતી શોધવા લાગી. “મોહનભાઈ કહેતા હતાં કે આજે તેઓ અમેરિકા જતા રહેવાના છે. પછી કોણ જાણે ક્યારે પાછા આવે! તેથી તેમણે મને ખાસ તાકીદ કરી હતી કે કોઇપણ ભોગે આજે સોદો કરી લેવો છે. આજે ઘર વેચાવું ખૂબ જ જરૂરી છે કારણ પરમદિવસે તારા લગ્નનું બધું ગોઠવી દેવાનું છે. બિચારા મોહનભાઈ એટલા સારા છે કે તેમણે ઘર ખરીદી લીધા બાદ પણ આપણને તેઓ અમેરિકાથી પરત ન આવે ત્યાં સુધી આ ઘરમાં રહેવાની છૂટ આપી છે... હવે શું થશે?
દિવ્યાએ કાળજીથી કહ્યું “અહીયાજ ક્યાંક મૂકી તું ભૂલી ગઈ હોઈશ, ધ્યાનથી જોને...
જ્યોતિએ આખું ઘર ફેંદી નાખ્યું પણ એને કાગળ ક્યાંય મળ્યો નહીં. છેવટે મોહનલાલને ફોન લગાવી કાગળ ખોવાયાની વાત કહી.
મોહનભાઇએ શાંતિથી કહ્યું “તમે દસ્તાવેજ પર સહી નહોતી કરી એટલે ચિંતાની કોઈ જરૂર નથી હું મારા વકીલ પાસે નવો દસ્તાવેજ તૈયાર કરાવી લઉં છું. જેવો દસ્તાવેજ મારા હાથમાં આવશે કે તરત રૂપિયા લઇ હું જ તમારે ઘરે આવું છું. ત્યાં તમારી સહી પણ લઇ લઈશ અને તમને રૂપિયા પણ આપી દઈશ. આનાથી તમને નાહકની દોડધામ પણ નહીં થાય અને મારો પણ સમય બચી જશે.
સાંજે મોહનભાઈ દસ્તાવેજ તૈયાર કરી જ્યોતિના ઘરે પહોંચ્યા. રાતની ફ્લાઈટમાં અમેરિકા ઉપડવાનું હોવાથી તેઓ થોડીક ઉતાવળમાં હતા, જ્યોતિએ દસ્તાવેજ પર સહી કરી અને અશ્રુભીની આંખે તેણે દસ્તાવેજનો કાગળ પ્રેમકુમારની તસવીર સામે મૂકી હાથ જોડી કહ્યું “મને માફ કરજો, મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. દિવ્યાના લગ્ન યોગ્ય ઉમરે થઇ જાય તો મારા મનનો ભાર હળવો થાય. દહેજ માટે પૈસાની જોગવાઈ કરવા માટે મારે આ ઘર વેચવું જ પડે તેમ હતું... મને માફ કરો.. રડતા રડતા અજાણતામાં જ જ્યોતિનો હાથ મીણબતીને વાગ્યો અને તે ગબડીને દસ્તાવેજના કાગળ પર પડી... મીણબતીની જ્યોતના સંપર્કમાં આવતાવેંત કાગળ સળગી ઉઠ્યો. જ્યોતિ કંઈ સમજે તે પહેલા તો ટેબલ પર કાગળની માત્ર રાખ બચી હતી! જ્યોતિની હિંમત હવે પડી ભાંગી તે હૈયાફાટ રુદન કરતા બોલી, “ઈશ્વર તું હજુ મને કેટલી પીડા આપીશ?”
આ બધું જોઈ રહેલા મોહનભાઈએ શાંત લહેજે કહ્યું, “ભાભી ઈશ્વરને દોષ આપશો નહી.. જે થાય છે તે સારા માટે જ થાય છે. કાગળ બળ્યો ન હોત તો મેં તેને ફાડી નાખ્યો હોત. ભાભી દિવ્યાના લગ્ન માટે દહેજની જરૂર છે. તેથી તમે આ ઘર વેચી રહ્યા છો તેનો મને થોડો અણસાર તો આપવો હતો? હું ભલે અમેરિકા જઈને વસું છું પરંતુ હજુપણ મારું હૈયું તો સ્નેહીજનોમાંજ વસે છે. મારા કટોકટીના દિવસોમાં પ્રેમે મને સગા ભાઈ જેવો સાચવ્યો હતો. હવે તમે જ કહો એવા જીગરી દોસ્તની દીકરી મારા ઘરની વહુ બને એનાથી ખુશીની બાબત મારા માટે બીજી કઈ હોઈ શકે?”
જ્યોતિ એ અચંભાથી પૂછ્યું “એટલે?
મોહનભાઈએ હસતા હસતા કહ્યું “દિવ્યા સુંદર, સુશીલ અને સંસ્કારી કન્યા છે. આવી લક્ષ્મી જેવી વહુ મળતી હોય ત્યારે જે લોકો લક્ષ્મી માંગતા હોય, તેમને તો શું કહેવું? આવા લોભીઓ જોડે શું સબંધ રાખવો? તેમનો કેટલો ભરસો? લગ્ન પછી પણ તેઓ દહેજની માંગણીઓ કરતા રહેશે તો? ના.. ના.. ઠોકર મારો એ ધુતારાઓના પ્રસ્તાવને અને મારો પ્રસ્તાવ સ્વીકારો.. અરે! મારા દીકરા કેયુર અને તમારી દીકરી દિવ્યાની જોડી સરસ જામશે.. કંઈ સમજ્યા?”
જ્યોતિ અવાક નજરે મોહનભાઈને જોઈ રહી. મોહનભાઈએ મોબાઈલમાં એક સુંદર યુવાનની તસવીર કાઢી દિવ્યાને દેખાડતા કહ્યું, “ભાભી તમે તો મારા એકનાએક દીકરા કેયુરને જોયો જ છે. ભણેલો ગણેલો છે અને દેખાવે સુંદર અને સ્વભાવે આજ્ઞાંકિત છે. વળી દહેજમાં અમને એક રૂપિયો પણ જોઈતો નથી. બોલો સબંધ મંજૂર છે?”
જ્યોતિની આંખમાં આંસુ હતા. તેણે તસવીર જોવામાં મશગુલ દિવ્યાને ઈશારો કર્યો. દિવ્યા જઈ મોહનભાઈના પગે લાગી. મોહનભાઈએ દિવ્યાને આશીર્વાદ આપતા કહ્યું “બેટા, મોબાઈલ નવો જ છે જે તને હું ભેટ આપું છું. અમેરિકામાં મારું એક જરૂરી કામ પતાવી હું તરત પાછો આવું એટલે કેયુર અને તારા લગ્ન ધામધૂમથી લગ્ન કરીશું.” આમ કહી તેઓ ઉતાવળે ઘરની બહાર નીકળી ગયા..
જ્યોતિએ આનંદથી પ્રેમકુમારની તસવીર તરફ જોઈને કહ્યું “સાંભળ્યું આપણું ઘર હવે વેચવું નહિ પડે.”
મંદ મંદ ફૂંકાતી હવાની લહેરખીમાં તસવીર સામેની મીણબતીની જ્યોત ફરફરવા લાગી.. હંમેશ કરતા આજે એ કંઈક વધારે પ્રકાશિત બની પ્રગટી રહેલી.... હવાના એક ઝોકાથી પ્રેમકુમારની તસવીર પાછળ ચોંટેલો દસ્તાવેજનો કાગળ લહેરાઈને જ્યોતિના પગ પાસે પડ્યો.. જ્યોતિએ પ્રેમકુમારની તસવીર સાફ કરતી વેળા જયારે તસવીરને ટેબલ પર મૂકી હતી ત્યારે જ તે ત્યાં ચોંટી ગયો હતો.
જ્યોતિએ નજર ઉઠાવી પ્રેમ કુમારની તસવીર સામે જોતા એને તેમાંથી સ્વર આવતો જણાયો, જાણે તસવીર તેને કહી રહી હોય કે “જ્યોતિ જે મકાનમાં તારા કુમકુમ પગલા પડ્યા હોય, તે મકાનને હું કેવી રીતે હાથમાંથી જવા દઉં?”
જ્યોતિએ પ્રેમની તસવીર સામે અનેરા આનંદથી પ્રગટાવી એ પ્રેમ જ્યોતિ.
(સમાપ્ત)