પ્રેમની અનંત સફર
પ્રેમની અનંત સફર
નીલું દરિયા કિનારે બેઠી બેઠી.તેમાં આવી રહેલ મોજાને નિહાળી રહી હતી. એ ઘૂઘવતા દરિયામાં એક રેખાકૃતિ બનતી..અને ફરી પળભરમાં તેમાં વિલીન થઈ જતી. એ રેખાકૃતી તેના દિલ પર પડેલ ઝખ્મોને મલમ પણ લગાડતી..અને એ ઝખ્મોને ફરી કોતરી પણ જતી ..આ લહેરો નીલુના ચહેરા પર હાસ્ય અને અશ્રુઓનું મિશ્ર સંવેદન ઊભું કરતી. કેટકેટલાય સ્પંદનો નીલના તન મનને સ્પર્શી..ફરી તેમાં જ સમાઈ જતાં.
નીલું વારંવાર આ દરિયા કિનારે આવતી.કેટલાય કલાકો પસાર કરી.. એ રેખાકૃતીને નિહાળી પાછી ફરતી. પણ આજે આ રેખા કૃતિમાં નીલુને કંઇક નવો આભાસ થઈ રહ્યો હતો..જાણે તેમાં કંઇક નવો પૈગામ હતો..જે નીલું સમજી નહોતી શકતી.
આ ઘટનાને ઘણા દિવસથી સમીર નિહાળી રહ્યો હતો.અને ધીમે ધીમે નીલું તેના દિલની રાણી બની ગઈ હતી. હવે થતું એવું કે નીલું આવતી દરિયાને મળવા અને સમીર આવતો નિલુને જોવા.
છેલ્લા થોડા દિવસથી નીલુએ પણ આ વાત માર્ક કરી હતી કે..કોઈ બે આંખો સતત તેને નિહાળે છે..અને દરરોજ પોતાના સમયે અહીં હાજર થઈ જાય છે. આજે તો નીલુંનો ગુસ્સો સાતમા આસમાને હતો. તે આજે રીતસરની તે વ્યક્તિ સાથે લડવા આવી. અને બોલી..
"ઓ મિસ્ટર તમને શરમ નથી આવતી.. આમ રોજ આવીને મારી સામે જોયા કરો છો.? કોઈ દિવસ કોઈ છોકરીને નથી જોઈ.!! "
નીલુની વાત સાંભળી પેલી વ્યક્તિ બોલી.
"આ જનાબનું નામ છે સમીર. સમીર. હવા કા ઝોંકા .. તમારા પહેલા સવાલનો જવાબ કે હું તમને જોયા કરું છું. તો મિસ પહેલા એ કહો કે તમને કેમ ખબર પડી કે હું તમને જ સતત જોયા કરું છું.. ! એ પણ આટલા મોટા દરિયા કિનારે ફરતા અસંખ્ય માણસોમાં.!! એનો સાફ મતલબ કે તમે પણ મને જ જોઈ રહ્યા હતા.!"
"અને બીજી વાત કે કદી છોકરી જોઈ છે કે નહિ.? તો છોકરીઓ તો ખૂબ જોઈ પણ તમારા જેવી આસમાની પરી નથી જોઈ. જેની આંખો નીલી..જેના ગાલ ગુલાબી..જેના હોઠ શરબતી. જેના કેશ સોનેરી અને મુલાયમ. જાણે સંગે મર મર.જોતા જ દિલના દ્વાર ખૂલી જાય..આંખોમાં એક નશો છવાઈ જાય. અને ઉપરથી તમારો આ સુમધુર લહેકો. ઓહ. માય ગોડ. તમે તો કુદરતની બેનમૂન કારીગરી છો.જો તમને ના જોવ તો તો હું કુદરતનો ગુનેગાર ગણાત.
આટલું સાંભળ્યા પછી તમે જો મને ચપલ મારવાના હોવ તો આ રહ્યો મારો ગાલ.."
બધું સાંભળતા નીલું તો ગુસ્સામાં આવીને . સમીરના ગાલે થપ્પડ મારી દીધી..
એટલે ફરી સમીર બોલ્યો.
"તમે લાખ થપ્પડ મારો હવે દિલ તો તમને આપી જ દીધું હતું..આજથી આ ગાલ પણ તમારો. એક નહિ પણ હજાર થપ્પડ મારો.પણ હું એક જ વાત કરીશ..હું તમને અનહદ ચાહવા લાગ્યો છું. તમે કહો તો એક પળમાં હું આ દરિયામાં ડૂબી જાવ..એમ પણ તમે ના કહેશો તો હું જીવી નહિ શકું.. આખી જિંદગી દર્દમાં કાઢવી તેના કરતાં આ જિંદગી તમારે નામ કરી દઉં તો મર્યા પછી તો દિલને સુકુન !"
"મિસ્ટર સમીર..આ બધું કહેવું આસાન છે..અસલ જિંદગીમાં આમ કોઈ માટે મરવું આસન નથી.. લાગે છે તું ફિલ્મો બહું જોવે છે..એટલે આવા ડાયલોગ બોલે છે."
"આ ડાયલોગ નથી પણ એ સ્પંદનો છે.. જે હું તારા માટે મહેસૂસ કરું છું. અને તને જો ખરેખર વિશ્વાસ ન આવતો હોય તો હું સાબિત કરી બતાવું..હું તારા જેટલો સુંદર નથી પણ સોહામણો જરૂર છું.."
આમ હસતા હસતા બોલી તે દરિયામાં અંદર અંદર ચાલવા લાગ્યો..
નીલું તો તેને જોતી જ રહી ગઈ. જોતજોતામાં સમીર ઘણો અંદર જતો રહ્યો..નીલું તો જાણે ક્યાંક ખોવાઈ ગઈ હતી.
તેની સામે તેનો ભૂતકાળ જાણે આવી ચડ્યો.
નીલું અને સાહિલ બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા..બંનેની પ્રિય જગ્યા એટલે આ દરિયા કિનારો..રોજ સાંજે તે એકમેકના હાથમાં હાથ નાખી કલાકો સુધી દરિયા કિનારે ફરતા અને પ્રેમગોષ્ટી કરતા. તેમના પ્રેમને એક વર્ષ થઈ ગયું હતું..ટૂંક સમયમાં બંને લગ્નની વેદી પર ચડી જીવન ભર સાથે રહેવાના કોલ લેવાના હતા..પણ કુદરતને કઈક બીજું જ મંજૂર હતું.
એક દિવસ રોજની જેમ બંને દરિયા કિનારે ટહેલતા ટહેલતા..વાતોમાંને એકબીજાની આંખોમાં ખોવાઈને ચાલતા હતા..બે માંથી કોઈને ખબર ન હતી કે તે દરિયામાં કેટલા ઊંડે સુધી આવી ગયા છે..તે દિવસે પૂનમ હતી..અને દરિયો પણ જાણે ગાંડોતુર થઈ ગયો હોય તેમ અચાનક એક મોટી ભરતી આવીને બંનેના હાથ પણ છૂટી ગયા અને સાથ પણ. સાહિલ એક ઝાટકે દરિયામાં આવેલ ભરતીમાં ડૂબી ગયો.પણ નીલું બચી ગઈ. આ બધું એટલી જલ્દી બન્યું કે નીલું તો બેભાન થઈ ગઈ..તેને હોંશ આવ્યો ત્યારે તે દરિયા કાંઠે હતી..અને આસપાસ લોકોનું ટોળું.!
નીલુની આંખમાં બધું એક થ્રીલરની માફક ફરી ગયું. તેનું હૈયા ફાટ રુદન પર દરિયો જાણે મુસ્કુરાતો હોય..તેમ ઘુઘવાટા કરતો હતો..એક પળમાં તેનું સર્વસ્વ છીનવાય ગયું.
એ દિનથી આજ સુધી નીલું રોજ દરિયા કાંઠે પોતાના સાહિલને મળવા આવતી..આજે એજ દિવસ હતો જ્યારે આ ગોઝારી ઘટના બની હતી..પૂરું એક વર્ષ થયું હતું. રોજ જાણે દરિયામાં સાહિલની રેખાકૃતી બનતી.. અને નીલુંને મળી અપલક થઈ જતી..પણ આજની રેખકૃતીમાં એક નવો ચહેરો બનતો હતો..જે નીલુંને પહેલી લાગતો હતો. તેને તરત ચમકારો થયો..અંદરથી જાણે અવાજ આવ્યો..નીલું તારો સાહિલ તને નવા સ્વરૂપે મળવા આવી રહ્યો છે..એને બચાવી લે. આસપાસ લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું.. બચાવો..બચાવો..ની બૂમો સંભળાઈ રહી હતી. નીલુંની તંદ્રાવસ્થા તૂટી.. તે ભૂતકાળમાંથી બહાર આવી..કે તરત રેખાકૃતીનો કોયડો પણ ઉકેલાઈ ગયો. તે ધડકતા હૈયે બૂમો પાડવા લાગી..
"સમીર પ્લીઝ કમ. મારા માટે આવીજા. મારા માટે આવી જા."
ઘણી બૂમો પડ્યા પછી આખરે સમીરના કાને નીલુનો મધુર સ્વર અથડાયો. અને સમીર.. દોડતો.. મોજાની ગતિને પાર કરતો. પોતાની નીલું પાસે પહોંચી ગયો. નીલું દોડીને તેને ભેટી પડી. તેણે દરિયામાં જોયું તો ફરી તે રેખાકૃતિ જોઈ જેમાં સાહિલના ચહેરામાં સમિરનો ચહેરો દેખાતો હતો..જે દરિયાએ તેનો પ્રેમ છીનવ્યો હતો તેણે એક નવા સ્વરૂપે નીલુની ઝોળી ખુશીઓથી ભરી દીધી.
થોડા સમયમાં નીલું અને સમીર લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ ગયા. નીલુંના જીવનમાં બધું બદલાયું સિવાય કે દરિયાને રોજ મળવા આવવાનું..બંનેની હરેક શામ દરિયા કિનારે મસ્તી અને પ્રેમથી તરબતર પસાર થતી.

