STORYMIRROR

Bhumi Joshi

Drama Romance Fantasy

4  

Bhumi Joshi

Drama Romance Fantasy

નવી સવાર

નવી સવાર

2 mins
218

કેશા પોતાના નાનકડા બગીચામાં ફૂલોને પાણી રેડતી હતી. અને નાજુક છોડ પર ઊગેલી કળીને એકીટશે જોઈ રહી હતી. કંઈક વિચારી રહી હતી. આ નાજુક કળી આવતી કાલે સુંદર ફૂલ બનશે. અને જેવું તે ફૂલ બનશે તરત જ તેને ડાળીથી અલગ થઈ જવું પડશે. કાંતો કોઈ ગુલદસ્તાની શોભા બનશે અથવા તો ભગવાનના શિશ પર ચડશે. બંને સંજોગોમાં તેનું ડાળીથી અલગ થવું નિશ્ચિત હતું.

તેને પોતાની અને આ ફૂલોની સ્થિતિ સરખી લાગી. દીકરી ગમે તેટલી પોતાના ઘરની રાજકુમારી હોય કે ગમે તેટલી હોશિયાર ને ભણેલી હોય આખરે તેને દુન્યવી રિવાજોને માની સાસરે જવું જ પડે. જ્યાં પોતાની ખુશીઓ,અરમાનોને ભૂલી અન્યની ખુશીને માન આપવું પડે.

તેને પોતાનું નાનપણનું સ્વપ્ન યાદ આવ્યું. તે રોજ પોતાના ઘરના આવા જ સુંદર બગીચામાં બેઠી બેઠી હંમેશ વિચારતી કે ખૂબ ભણીને પોતે પોતાના પગ પર નિર્ભર રહેશે. કોઈ કંપનીમાં ખૂબ સારી પોસ્ટ પર નોકરી કરશે. એટલે જ ખૂબ મહેનત કરી ઘણી ડિગ્રીઓ હાંસીલ કરી.

પણ એક દિવસ એક મોટા બિઝનેસમેન એવા કલરવ સાથે તેના લગ્ન થઈ ગયાં. અને પોતે એક ગૃહિણી બની પોતાના અરમાનોને દિલમાં જ દબાવી દીધા. કેમ કે આટલા મોટા ઘરની વહુ બહાર નોકરી કરે તે કોઈને પસંદ ન હતું.

"કેશા. . . કેશા. . "અવાજ સાંભળતા કેશાની તંદ્રાવસ્થા તૂટી.

તેણે પાછળ ફરી જોયું તો કલરવ ઊભો હતો. તે ધીમેથી કેશાની પાસે આવ્યો તેના કપાળે હળવું ચુંબન કરી તેના કાનમાં ધીરેથી બોલ્યો, "ડાર્લિગ તારા માટે એક સરપ્રાઈઝ છે. "

એવું કહી કેશાના આંખો પર પોતાનો હાથ રાખી તેને ધીરે ધીરે ડ્રોઈંગ રૂમમાં લાવ્યો. ત્યાં તેને પ્રેમથી પોતાની પાસે  બેસાડી તેના હાથમાં એક કવર મૂક્યું.

કેશાએ ધીરેથી આંખો ખોલી કવર પર પોતાનું નામ જોયું. તે આશ્ચર્યચકિત થઈ ગઈ. ઉપર પોતાની કંપનીનો લોગો જોઈ તેણે ખૂબ ત્વરાથી કવર ખોલ્યું. અંદર રહેલ કાગળ પોતાના હાથમાં લીધો. કાગળ ખોલતા જ તેનું દિલ ખુશીથી ઉછળી પડ્યું. ખૂબ ખૂબ લાગણીશીલ થતાં તે કલરવને ભેટી પડી.

કેશાના વાળને સહેલાવતા કલરવ બોલ્યો,"આપણી નવી કંપનીની સી. ઈ. ઓ. મિસિસ કેશા કલરવ ગાંધીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. વર્ષોથી તારી દબાયેલી ઈચ્છાને જાણતા મને વાર લાગી. એ માટે માફ કરજે. પણ આજથી તું તારા સ્વપ્નો સાથે મુક્ત ગગનમાં વિહરજે. "

કેશા પોતાનું માથું કલરવની બાહોમાં છૂપાવતા પોતાના જીવનની નવી સવારની રાહ જોવા લાગી.


Rate this content
Log in

Similar gujarati story from Drama