પ્રીતનું પાનેતર - 17
પ્રીતનું પાનેતર - 17
સાગર ઘરેથી નીકળ્યો. પણ આજે પહેલી વાર તેને આખા રસ્તે નજર સમક્ષ પ્રિયા ફરતી હોય તેવું લાગ્યું.
ક્યારેક નટ ખટ. નખરાળી પ્રિયા.
તો ક્યારેક શાંત વહેતા ઝરણાં સમી.
ક્યારેક તેની બાળપણની સખી.
તો ક્યારેક આસમાનની કોઈ પરી સમી.
સાગરના મનમંદિરમાં જાણે કેટલીય ઝાલરો એક સાથે વાગી રહી હોય તેમ લાગતું હતું. બસ ફર્ક એ હતો કે આ ઘંટનાદ એક મધુર અહેસાસ આપી રહ્યો હતો. અને પોતે જાણે અજાણ્યે આ પ્રવાહમાં ખેંચાઈ રહ્યો હતો. પ્રથમવાર થયેલ આ અહેસાસને પોતે સમજી શકતો નહોતો. શાંત સરોવરમાં એક પથ્થર નાખતા અનેક વમળો ઉત્પન્ન થઈ સરોવરની સ્થિરતા હણાઈ જાય. તેમ આજે પ્રિયા નામની પહેલી તેના મનમાં અનેક વિચારોના વમળો લઈ દાખલ થઈ ગઈ હતી. પ્રિયાના ખ્યાલોમાં તે કયારે મેક્સ મોલથી આગળ નીકળી ગયો તેની તેને ખબર જ ન રહી.
મોલ પાસેથી સાગરની ગાડી પસાર થતા મોનિકાએ જોઈ. કેમ કે તે ક્યારની આવી સાગરની રાહ જોતી હતી. સાગરની ગાડી આગળ નીકળી જતા તેણે સાગરને ફોન કર્યો. મોબાઈલની રીંગ વાગતા સાગરની તંદ્રાવસ્થા તૂટી. તેણે ફોન ઉઠાવ્યો.
સાગર:" હા મોનિકા બોલ. "
મોનિકા:"તું ઊંઘમાં છો ?"
સાગર: "કેમ,શું થયું ?"
મોનિકા: "અરે તું તો મોલથી આગળ નીકળી ગયો હું ત્યાં જ ઊભી છું, મે હાથ પણ ઊંચો કર્યો પણ ખબર નહીં તું ક્યાં ખોવાઈને ગાડી ચલાવે છે. "
સાગર:"(વાતને વાળતા) અરે બે મિનિટમાં આવ્યો. "
સાગર આગળથી યુ ટર્ન લઈ ઝડપથી ગાડી પાર્ક કરી મોનિકા પાસે આવ્યો.
મોનિકા: "એવો તે ક્યાં ખોવાયેલ હતો કે હું પણ ના દેખાઈ .?
સાગર: "અરે કશું નહીં. હવે અહી જ ઊભા રહેવાનું છે. ?
તું તો બ્રેકફાસ્ટની વાત કરતી હતી અને અત્યારે તો ક્યાંય બેસવાનું પણ નથી પૂછતી. "
મોનિકા: "ઓહ,સોરી સાગર. ચાલ સામેના કોફી શોપમાં. "
સાગર: "ડોન્ટ બી સોરી. હું તો મજાક કરતો હતો. "
બંને મોલની સામે આવેલ કોફી શોપમાં જાય છે.અને મોનિકા નાસ્તા માટે સેન્ડવીચ,ઓરેન્જ જ્યૂસ અને બ્રેડ બટર મંગાવે છે.
સાગર: "તને કેમ ખબર કે નાસ્તામાં મને સેન્ડવીચ એન્ડ ઓરેન્જ જ્યુસ પસંદ છે. "
મોનિકા:" કોલેજના કેન્ટિન ના બિલ પરથી. "
આ સાંભળી સાગરની સાથે મોનિકા પણ હસવા લાગી.
નાસ્તો કરતા કરતા મોનિકા ઘડી ઘડી સાગરની સામે અનિમેષ નજરે જોઈ લે છે .
સાગર: "મોનિકા લાગે છે તને શોપિંગની જરા પણ ઉતાવળ નથી. બાકી છોકરીઓને તો શોપિંગ કરવા મળે તો ખાવાનું તો શું બધું ભૂલી ભાગતી ફરે. અને તું તો સાવ ધીમે ધીમે નાસ્તો કરે છે. જાણે શોપિંગ તો ભૂલી જ ગઈ હોય તેમ.
બાય ધ વે તને યાદ તો છે ને તે મને નાસ્તા માટે નહીં તારી શોપિંગ માટે બોલાવ્યો છે ?"
મોનિકા: "(સહેજ ધીરે થી) શોપિંગ તો એક બહાનું છે. "
સાગર: "શું કીધું ?"
મોનિકા: "અરે કાઈ નહીં મને તો મનમાં ગણ ગણ કરવાની ટેવ છે."
સાગર: "મને કેમ એવું લાગે છે કે તું કંઈક કહેવા માંગે છે પણ કહી નથી શકતી. મોનિકા લિસન આપણે દોસ્ત છીએ. ભલે બહુ સમય નથી થયો પણ દોસ્તી પાકી છે. તું વિના સંકોચે મને તારા મનની વાત કહી શકે છે. "
મોનિકા: "હા સાગર તું સાચું વિચારે છે. શોપિંગ તો બસ એક બહાનું હતું તને અહી બોલાવવાનું. કેમકે કોલેજમાં આપણે એકલા આમ બેસી વાત ના કરી શકીએ. "
સાગર:"ઓહ તો તે ખોટું કહ્યું. તે ફક્ત વાત કરવા માટે મળવું છે તેમ કહ્યું હોત તો પણ હું આવત. પણ કદાચ તને મારા પર ભરોસો નહીં હોય. "
મોનિકા: "ના સાગર એવું ના બોલ ( હળવેથી સાગરનો હાથ પોતાના હાથમાં લઈ ને) હું બહુ કશ્મકશમાં હતી. શું કરવું શું કહેવું કાઈ સમજાતું નહોતું. એટલે જે મનમાં આવ્યું તે કહી દીધું. તને હર્ટ કરવાનું તો હું વિચારી પણ ન શકું, સોરી. વાત કરવાનો રસ્તો ખોટો હોય શકે પણ ઈરાદો નહીં. "
સાગર:"( ધીરે થી મોનિકા નો હાથ છોડાવી ) ઈટ્સ ઓકે મોનિકા. પણ એવું શું કહેવું છે. કે તારે આટલો વિચાર કરવો પડ્યો. મને કાઈ સમજાતું નથી, તું સ્પષ્ટ કહે. "
સાગરે પોતાનો હાથ મોનિકાના હાથમાંથી છોડાવતા મોનિકા રડમસ જેવી થઈ ગઈ. તેને સાગરને ઘણું કહેવું હતું પણ ક્યાંથી શરૂ કરું તે સમજાતું નહોતું. તેની આંખોમાં એક દર્દ અને એક ખુશી એક સાથે ડોકાઈ રહી હતી. મનમાં એક સાથે કેટલીય લાગણીઓ હિલોળે ચડી હતી. કેટકેટલીય સંવેદનાઓનું ઘોડાપૂર તેના આખા શરીરમાં પ્રસરી રહ્યું હતું. બોલતા બોલતા શરીરમાં એક આછી ધ્રુજારી અનુભવી રહી હતી. પોતાની લાગણીઓને સમેટતા તે હિંમત એક્ઠી કરવાની કોશિશ કરી રહી હતી.
કોઈ પણ છોકરી માટે સામે ચાલીને પોતાના દિલની લાગણીઓ વ્યક્ત કરવી આસન નથી હોતી. એમાં પણ તેવી વ્યક્તિની સામે કે જેના મનમાં પોતે ક્યાંય છે કે નહીં તેની ખબર પણ ના હોય. આમ સામેથી કહેતા તે શું વિચારશે ? પોતાને સમજી શકશે કે નહીં.? ના પડશે તો. ? જેવા અનેક સવાલોના ભંવરમાં મન ફસાતું જાય છે.
મોનિકા પણ પોતાની જાતને આવા જ દંગલ સામે નીહાળી રહી હતી. પણ પોતે આજના જમાનાની છે વળી મન એકદમ સાફ છે તો શા માટે ડરવું. એવું વિચારી સાગરને મળવા બોલાવે છે.
પોતાની જાતને થોડી સ્વસ્થ કરતાં અને હૈયે હિંમત ભરી તે વાતની શરૂઆત કરે છે.
મોનિકા: "સાગર મને ગોળ ગોળ વાત કરતા નથી આવડતું, હું જે વિચારું છું. જે મહેસૂસ કરું છું તે સીધું જ કહી રહી છું. પહેલીવાર મે તને કોલેજમાં જોયો ત્યારથી જ તું મને ખૂબ ગમવા લાગ્યો." લવ એટ ફર્સ્ટ સાઈટ" અને ધીમે ધીમે ક્યારે પસંદગી પ્રેમમાં પરિણમી ગઈ તે મને પણ ના ખબર પડી. જેમ જેમ મળતા ગયા તેમ હું તારી દિવાની થતી ગઈ. તે ક્યારે મારા દિલના દરવાજે દસ્તક દીધા તે હું પણ ના જાણી શકી. બસ હર પલ દિલ તને જોવા, તારી સાથે વાતો કરવા, તને મળવા તડપવા લાગ્યું. હું તને બેહદ ચાહું છું. આઈ લવ યુ સો મચ. આઈ કાન્ટ લિવ વિધાઉટ યુ."
ક્રમશઃ

