પ્રેમમાં પડી આદ્રા
પ્રેમમાં પડી આદ્રા


ઈશ્વર રૂપ, ધન અને બુદ્ધિ સાથે નથી આપતો એ કહેવત આદ્રાની બાબતમાં ખોટી હતી. ધનવાન અને દાનેશ્વરી માતા પિતાની એકની એક પુત્રી 16 વર્ષની ઉમર સુધીમાં આપેલી બધી જ પરીક્ષામાં અવ્વલ નંબરે પાસ થઇ ને આજ હાયર સેકન્ડરી પરીક્ષામાં અને મેડિકલની પ્રવેશ પરીક્ષામાં પ્રથમ નંબરે પાસ થઇ હતી. સર્વાંગી વિકાસને લક્ષમાં રાખી આદ્રા ઈતર પ્રવૃત્તિમાં પણ એટલી જ ખ્યાતિ પ્રાપ્ત હતી. તેની ઉંમરના બીજા છોકરા છોકરી જેવા એના કપડાના, ફરવાના, મોબાઈલમાં ગૂંચવાઈ રહેવાના એને શોખ નહોતા એમ કોઈ ખાસ દોસ્ત પણ ન હતા. એમનું ધ્યેય અને સપનું અભ્યાસ કરી હૃદયના ડૉક્ટર બનવાનું હતું.
પિતાની મોટી શાખ હતી એટલે પરીક્ષાનું પરિણામ આવ્યું એટલે કેટલાય લોકો અભિનંદન આપવા અને માર્ગદર્શન આપવા આવતા હતા. નીતિ શાસ્ત્રના અધ્યાપક પુરુષોત્તમદાસનો પુત્ર સ્પંદન મેડિકલની પરીક્ષા આપી, પરિણામની રાહ જોતો શહેરમાં જ ઇન્ટર્નશિપ કરતો હતો. પ્રવેશમાં સલાહ અને મદદના બહાને સ્પંદન આદ્રાને મળવા લગભગ રોજ મળવા આવતો હતો. સ્પંદનની ચતુરાઈ અને ડહાપણ ભરી વાતોથી આદ્રા બરોબરની અંજાઈ ગઈ હતી. સ્પંદનને જોઈને અગમ્ય લાગણી થવા મંડી હતી. એક દિવસે આદ્રાએ સ્પંદનને હોટેલમાં જમવા લઇ જવા ઓફર કરી અને જમવાનું પૂરું થાય એની પહેલા બંને પ્રેમમાં પડી ગયા.
ગળાડૂબ પ્રેમમાં પડેલી આદ્રાની મમ્મીને ગંધ આવી ગઈ પણ અત્યાર સુધીનો રેકોર્ડ જોઈ એને આદ્રા ક્યાંય ફસાય એવી કલ્પના પણ ના આવી. અત્યાર સુધી વાંચવામાં ગળાડૂબ રહેતી અને શાંત આદ્રા હવે છાપું વાંચતી પણ બંધ થઇ ગઈ હતી અને તેને માટે સ્પંદન અને મોબાઈલ જીવનના હિસ્સા બની ગયા હતા.
એક બાજુ આદ્રાના પ્રવેશ પ્રક્રિયાની રાહ જોવાતી હતી. સ્પંદન એક હોનહાર વિદ્યાર્થી હતો એમ અચ્છો વક્તા હતો અને મેડિકલની પ્રવેશ પરીક્ષામાં બદલાવ માટે સરકાર સામે ચાલતા આંદોલનનો આગેવાન હતો. રોજ સભાઓ ગજવતો અને સરકારને પડકાર આપતો સ્પંદન શહેરનું હોઠે રમતું નામ બની ગયો હતો. આદ્રા અને સ્પંદન વહેલી સવારથી મોડી રાત સાથે જ હોય.
આજે ખુબ મહત્વનો દિવસ હતો. સવારે વિદ્યાર્થી આગેવાનોની મિટિંગ હતી. સ્પંદને ગરીબ વિદ્યાર્થીઓને ન્યાય મળે, પ્રવેશ પરીક્ષા આંતરરાષ્ટ્રીય ધોરણે લેવાય અને પારદર્શી રીતે આયોજન થાય તેના માટે સરકાર સામે લડવા રણનીતિ બનાવી રજૂ કરી. વિદ્યાર્થીઓ સ્પંદનની નિ:સ્વાર્થ સેવાવૃત્તિ અને નેતાગીરી ઉપર ફિદા થઇ ગયા. આદ્રા પણ વાર્તાલાપ સાંભળી મનોમન રાજી થતી હતી કે એમની પસંદ જરાય ખોટી નથી. મિટિંગ પુરી કરી સાંજના સ્પંદનનો પદવીદાન સમારંભ હતો ત્યાં જવા નીકળ્યા અને રસ્તામાં બપોરનું ભોજન લીધું અને આદ્રાએ સ્પંદનને છાનામાના પહેલી વાર ચુંબન કરી કહ્યું કે તારી બુદ્ધિ અને સેવા ઉપર હું અભિભૂત છું.
સ્પંદન આદ્રાને લઇ પદવી સમારંભ માટે કોલેજના પટાંગણ તરફ પ્રયાણ કર્યું, રસ્તામાં મેડિકલ પ્રવેશના વર્ગ આવતા હતા ત્યાં ઉભા રહ્યા ત્યારે આદ્રાએ પૂછયું, અહીં શું કામ છે? સ્પંદન કહે તને એમ નહિ સમજાય, પણ તું મારી સાથે જ છો ને? બંને સીધા સંચાલકની કેબિનમાં ઘુસી ગયા. સંચાલકે આગતા સ્વાગતા કરી અને સ્પંદને આદ્રાનો પરિચય આપ્યો ત્યારે આદ્રા મનોમન ફુલાતી હતી. સ્પંદને આંદોલનની અને મિટિંગમાં થયેલી વાતો કરી. સંચાલકે કહ્યું પેપર સેંટર, પરીક્ષા કેન્દ્રો અને કોમ્પ્યુટર સેન્ટર જોડે ગોઠવાય ગયું છે. એક જ પડકાર બાકી છે કે સોફ્ટવેર એન્જીનિયર હજી તૈયાર થતો નથી. સ્પંદને કહ્યું મારી ઉપર છોડી દ્યો, કાલ સુધીમાં એની છટણી કરાવી દઈશ. તમે જાણો છો ને કે મોંઘવારી વધી ગઈ છે અને હવે 35 લાખમાં પોસાય તેમ નથી, આ વર્ષથી એક એડ્મિશન માટે 50 લાખ થશે. બંને વચ્ચે રક્ઝક થઇ ને છેલ્લે 45 લાખ નક્કી થયા.
પદવીદાન સમારંભમાં સ્પન્દનું નામ સર્ટિફિકેટ લેવામાં અને ચાર સુવર્ણ ચંદ્રક લેવા માટે લેવામાં આવ્યું ત્યારે આદ્રાને ચક્કર આવવા મંડ્યા હતા. ત્રણ કલાક પહેલા કરેલ ચુંબન અંગે પસ્તાવો થતો હતો. માણસ ઓળખવામાં ભૂલનો અહેસાસ થતો હતો. હવે શું કરવું એની દ્વિધામાં બેઠી હતી ત્યારે કોન્વોકેશન પૂરું થયા પછી સ્પંદને પત્રકાર પરિષદ સંબોધવાનું ચાલુ કર્યું, સરકારને આડે હાથ લીધી, પ્રવેશમાં ચાલતા ભ્રષ્ટાચારને નાથવા કેવી લડાઈ લડશે એનો ચિતાર આપ્યો અને છેલ્લે પ્રશ્નોત્તરી ચાલુ થઇ.
આદ્રા ઉભી થઇ બહાર નીકળી ઓટો રિક્ષામાં બેસી ઘરે જઈ ચુપચાપ પોતાના અભ્યાસ અને પરિણામના દસ્તાવેજ લઇ સીધી આર્ટસ કોલેજ પહોંચી ત્યારે ઓફિસ બંધ થવાની તૈયારી હતી. તેણે ચોકીદાર અને પટ્ટાવાળાને વિનંતી કરી આચાર્યની કેબિનમાં પ્રવેશ કર્યો અને પોતાને આર્ટ્સમાં પ્રવેશ લઇ સમાજશાસ્ત્રમાં માસ્ટર્સ અને પી.એચ. ડી. કરવાની ઈચ્છા વ્યક્ત કરી. આચાર્ય બે ઘડી તો વિચારમાં પડી ગયા પણ આદ્રાનો અત્યાર સુધીનો રેકોર્ડ જોઈ તરત પ્રવેશ આપી દીધો ત્યારે આદ્રાને હાશ થઇ. બહાર નીકળી મોબાઈલમાં સ્પંદનના ફોન નંબર કાઢી નાખ્યા, બહાર જઈ નવું સિમ કાર્ડ નાખી દીધું ત્યારે સ્પંદન બે કલાક ચાલેલી પત્રકાર પરિષદ પુરી કરી વિજયી મુદ્રામાં આદ્રાને શોધતો હતો.