Vandana Patel

Romance Tragedy Fantasy

4  

Vandana Patel

Romance Tragedy Fantasy

પ્રેમમાં ભંગ

પ્રેમમાં ભંગ

4 mins
329


અંકુશ અને પ્રગતિ બંને ખુબ ખુબ પ્રેમ કરતા હતા. પણ હવે લગ્ન ન થઈ શકે એવો નિર્ણય લેવાતા પ્રગતિ અંકુશને એક પત્ર લખે છે કે હવે નવી શરુઆત કરવાનો સમય આવી ગયો છે. નવી શરુઆત કરવા માટે મનોબળ મક્કમ જોઈએ. આ વહેતો સમય બંનેને શીખવાડી દેશે.

કાયમી સરનામું : હ્રદયકુંજ,

રસ્તો :  કુંજગલી,

તારીખ: તને આ પત્ર મળે ત્યારની,

વિષય: મારા જીવનની નવી શરૂઆત કરવા માટે.

મારા પ્રિયથી પ્રિય અંકુશ,

                    આ સંબોધન છેલ્લી વાર કરું છું. આ પત્ર પણ છેલ્લો જ લખું છું. જો આપણે ક્યારેક મળી જઈએ તો વાત કરી લઈશું. સાંભળ્યું છે કે દુનિયા બહુ નાની છે તો મળવાનું થાય તો નવાઈ ન પામતો, રસ્તો ન બદલાવતો, મારું ધ્યાન ન હોય તો સામેથી બોલાવજે. આપણે કંઈ દુશ્મન નથી કે દુશ્મન જેવો વ્યવહાર કરીએ.

            મેં હવે તારાથી છૂટા પડવાનો નિર્ણય લીધો છે એટલે તકલીફ તો બહુ પડશે. તારી સાથે વિતાવેલ સમયની યાદ આ વહેતો સમય કયારેય ન ભૂંસી શકે, કદાચ હળવી કરી શકે. તું લગ્ન કરી લેજે. આખરે મા-બાપના સપના પૂરા કરવા એ તારી ફરજ છે. મને મારા દુઃખમાંથી ઊભરવાનો મોકો મળશે. તારી પાસે એ સમય પણ નથી કારણકે તું તારુ એમ.બી.એ પુરુ કરી ઉચ્ચ પદે આરૂઢ થઈ ગયો છે.

                તારી નાતમાંથી તને છોકરી તો મળી જશે, પણ લાગણી ક્યાંથી લાવીશ ? મારા પર ઢોળેલી લાગણી પાછી મોકલાવું છુ. હેત પ્રેમનું વહાણ પાછું મોકલાવું છું, સઢ બદલાવી નાખજે, જેથી વહાણ મારી તરફ પાછું ક્યારેય ન આવે. તારા પ્રેમમાં જે ઉષ્મા મેં અનુભવી છે તેનાથી વધારે તારી પત્નીને આપજે. ક્યારેય આંસુ ન વહાવતો કે તારી પત્નીની મારી સાથે સરખામણી પણ ન કરતો. જે દુઃખ અત્યારે દરિયા જેવડું લાગે છે એ કદાચ સમયના પ્રવાહ સાથે નદીના છીછરા પાણી જેવડું થઈ જશે.

                      આપણે પ્રેમના પ્રવાહમાં પગ બોળીને ઊભા ત્યારે ઘુંટી જ ડૂબી, ને ઈચ્છા તો આખું ડૂબી જવાની હતી. કેવો સંજોગ કે આમ અલગ થવાનું ! બહું કપરો સમય છે. તારા મમ્મીએ ના પાડી ત્યારે હું બહુ કરગરી હતી. તારી ગેરહાજરીને લીધે મમ્મીએ મને ઘણુંબધુ કહ્યુ. હું મારા ભવિષ્યના સાસુજી સમજીને કંઈ ન બોલી. અમારા ઘરમાં તારો સ્વીકાર છે એ તો તને પણ ખબર છે. એમના ગયા પછી મારા પપ્પાએ મને સમજાવી. મારા પપ્પાએ કહ્યુ કે 'બેટા, તારા ગુણ હજાર છે, પણ ખાલી અંકુશના પ્રેમ માટે તારા સ્વમાનની ભેટ ન ચડાવ તો સારું. અંકુશના મમ્મીના તારા પ્રત્યેના પૂર્વાગ્રહને તોડતા તોડતા વર્ષો નીકળી જશે. મા- બાપથી તમે બંને જુદા રહો એવું હું ઈચ્છતો નથી. તમે બંને હવે પરિપક્વ છો. અઢાર- વીસ વર્ષે થયેલ પ્રેમ તો છે નહી કે તમે બંને સમજી ન શકો.'

                હા અંકુશ, આપણો પ્રેમ છીછરો નથી કે મરવા-મારવાની વાત કરીએ. તને અઠ્ઠાવીસમું વર્ષ બેઠું અને મને પચ્ચીસમું. અલગ થવુ આપણા હિતનો નિર્ણય છે. એકવાર તો વિચાર પણ આવી ગયો કે ભાગીને લગ્ન કરી લઈએ કે તારા મમ્મી- પપ્પાથી અલગ રહીએ તો ! પરંતુ ભાગીને લગ્ન તો નહીં જ. આપણા બંનેનો વડીલોના આશીર્વાદ સાથે જ લગ્ન કરવાનો વિચાર હોવાથી આપણા બંનેના પરિવાર રુબરુ મળ્યા. તારા મમ્મી-પપ્પાથી તને જુદો કરી હું ક્યારેય સુખી ન રહી શકું--એ વિચાર ભલે મારા પપ્પાનો હોય, પરંતુ હું એમની સાથે સંપૂર્ણ સહમત છું.

              હું તને રુબરુ મળવા આવવાની જ હતી પણ મારા પપ્પાને ગઈ કાલે સવારે હ્રદયનો હુમલો આવવાથી સ્વર્ગવાસી થયા છે. એમની ઈચ્છાને માન આપવું સર્વોપરી છે. હું નોકરી શોધીને મારા પરિવાર પ્રત્યેની ફરજ નિભાવીશ. મારા બંને ભાઈ- બહેનની જવાબદારી મારી ઉપર છે. હું આ નિર્ણય લેવા માટે હજી પૂરેપૂરી તૈયાર ન હતી. એક આકસ્મિક ઘટના - પપ્પાનું અણધાર્યુ મૃત્યુ, ને હું મક્કમ થઈ ગઈ. મારા મમ્મી  એકલા પડી ન જાય એટલે હું એક નવી શરુઆત કરવા માગુ છું.

            આપણા ભાગ્યમાં પ્રેમ લખ્યો હતો એ મળી ગયો, આપણને બંનેને લગ્ન ના નામથી છેતરી ગયો, કશું પણ નહી ગુમાવીએ કે નહીં હિંમત હારીએ, વહેતો સમય આપણને ઘણુંબધુ શીખવી ગયો. ક્યારેય ઉદાસ ન થજે, મારા આ નવી શરુઆત કરવાના નિર્ણયને માન આપજે. મારી ઈચ્છા છે કે તું લગ્ન કરી લે. તારો પ્રેમ મારા હ્રદયમાં મોતીની જેમ સચવાયેલો રહેશે, મારા હ્રદયની ભીનાશથી સિંચાતો રહેશે, મારા અંતરના ઊંડાણે હીરાની જેમ ચમકતો રહીને મને ઊર્જા આપતો રહેશે. હવે આપણે નહીં મળી શકીએ. સાચા પ્રેમને મુલાકાત કે લગ્નના બંધનની જરુર નથી.

                    મારી આ નવી શરુઆતને જરૂરથી સ્વીકારજે. બાકી તને તો ખબર જ છે કે મારે નોકરી ક્યારેય કરવી ન હતી. ખાલી તારું ઘર જ સંભાળવું હતુ, પણ બધાની બધી ઈચ્છાઓ ક્યારેય પૂરી ન થાય એનું જ બીજુ નામ જીંદગી.

લી. જીંદગીના વિચિત્ર વળાંકને સ્વીકારનારી,

નવી શરુઆત કરવા જઈ રહેલી પ્રગતિ.


Rate this content
Log in

Similar gujarati story from Romance