પ્રેમ ત્યાં જ પ્રભુ
પ્રેમ ત્યાં જ પ્રભુ
શુધ્ધ બુધ્ધના પતિ ગણપતિ
આવો અમારે ઘેર.
રિદ્ધિ સિદ્ધિને સાથે લાવજો
મંડપે કરજો મહેર. .
ધીમંતભાઈનું ઘર મંગલગાનથી ગુંજી રહ્યું હતું. બારણે તોરણ, આંગણે સાથિયા અને નજીકનાં થોડા સગાસંબંધીઓના ઉલ્લાસભર્યાં કલરવની સાથે સાથે એમનાં ઘરમાં વૃધ્ધિશ્રાધ્ધની પૂજા ચાલી રહી હતી. ચાર દિવસ પછી એમની લાડલી દીકરી સ્તુતિનાં લગ્ન હતાં. આજે હતો એ પ્રસંગનો--એમની લાડલીનાં નવજીવન પ્રવેશની વિધિનો શુભ આરંભ.
સગાસંબંધી -મિત્રો -પડોશીઓ માં તો આમંત્રણ અપાય ગયું હતું. આજે આ વિધિ દ્વારા સર્વ દેવતા અને ખાસ તો સર્વ પિતૃઓને યાદ કરી લગ્નમાં હાજરી આપવાનું આહ્વાન અપાતું હતું. જેથી એમનાં આશીર્વાદ થકી દીકરીનું નવજીવન તથા એનું ભાવિ મંગલમય બને. એમના સૂક્ષ્મ આગમન પછી દુનિયાનું કોઈ વિઘ્ન આ શુભપ્રસંગમાં બાધા ન નાંખી શકે. પૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજા કર્યાં પછી પ્રસાદ, બ્રહ્મભોજન અને પ્રીતીભોજન સાથે દિવસ પૂરો થયો.
"હાશ ! હવે આપણી લાડલીના લગ્નને કોઈ વિઘ્ન નહીં નડે. બસ એ હસતી-રમતી સાસરે વિદાય થાય...એનું જીવન સુખમય બને. " પત્નીને આટલું કહેતા તો એમની આંખમાં ઝળઝળીયા આવી ગયાં. તરત જ મોઢું ફેરવી એ શયનખંડમાં જતાં રહ્યાં.
થોડી વારે સ્તુતિ એમના શયનખંડમાં આવી અને "પપ્પા!!" કહેતાં એમને વળગી પડી. બંનેની વચમાં સ્પર્શની ભાષા મૌનરુપે વહેતી રહી.
ઘણીવારે, માથું ઊંચું કરી પપ્પાની આંખોમાં ઝાંકતા સ્તુતિ બોલી " પપ્પા ! મને બહુ ડર લાગે છે. સાસરે બધું બરાબર હશે ને ? હું ત્યાં એકલી તો નહી પડી જાઉં ને ?? . તમે પછી પણ રહેશો ને મારી સાથે ?. " કહેતાં કહેતાં એની આંખો આંસુથી છલકાઈ ઉઠી. ધીમંતભાઈ એના આંસુઓની આરપાર કશું શોધતાં રહ્યા ! નિ:શબ્દ રહી દીકરીને વળગી પડ્યાં. .જાણે પોતે જ કશો સહારો ન શોધતા હોય !
મનમાં કશોક બોજ અનુભવતાં ધીમંતભાઈ નીંદરમાં સરકી ગયા.
એમના સ્વપ્નમાં દિવસભરનાં દ્રક્ષ્યો, મનમાં સજાવી રાખેલ દીકરીનાં લગ્નનાં દ્રશ્યો આવન-જાવન કરતાં રહ્યાં. એ સર્વની આરપાર અચાનક એમને એક ધૂંધળોશો ચહેરો દેખાયો. .ધીરે..ધીરે..એની મુખરેખાઓ સ્પષ્ટ થઈ. અરે !! આ તો 'મા' નો ચહેરો ! માં નાં ચહેરા પર અલૌકિક સ્મિત હતું !...પણ આંખો ? આંખો કેમ ધૂંધળી આંસુભરી છે ? એમની ઉંઘ ઊડી ગઈ. એમણે મન મનાવ્યું કે મા ની હાજરી અનુભવાઈ મતલબ કે વૃધ્ધિશ્રાધ્ધ ની પૂજા સફળ થઈ.સર્વ દેવતાઓ ને પિતૃઓ ઘરે પધારી ચૂક્યાં છે. હવે એમની લાડલી નો લગ્ન પ્રસંગ...ખાસ તો એનો સંસાર સુખમય જ હશે.!. .પણ મા ની એ આંસુભરી આંખો ? એમને યાદ આવ્યું અરે ! કાલે રાત્રે જોયેલી દીકરીની આંખો પણ આવી જ હતી ? ! એમની સ્મૃતિમાંથી કશુંક બહાર આવવા ધસમસતું હતું.
ના, ના ! આવી આંખો તો એમણે વર્ષો પહેલાં પણ જોઈ હતી.
કોની ??
ઓહ ! અને એમને યાદ આવી એમની નાની બહેન સુધા.
સુધા .., એમનાથી દસ વર્ષ નાની લાડકી એવી આ ઘરની શોભા...લગ્ન કરી એ આ જ ગામમાં રહેતી હતી. સુખી હતી. અચાનક એના પતિને ધંધામાં ખોટ જતાં એમને ઘરબાર વેંચવાનો વારો આવી ગયો. આમ તો એ ટેકીલી ! તે કોઈ પાસે હાથ ન લંબાવ્યો. પણ ઘર વેચતા હવે ક્યાં રહેવું એ પ્રશ્ન હતો. એને યાદ આવ્યું મોટું એવું બાપીકું ઘર...જ્યાં હવે ભાઈ-ભાભી રહેતાં હતાં. એણે ભાઈ ને થોડો વખત આશરો આપવા વિનંતી કરી.
બહેન હમણાં રહેવા આવશે ને પછી ઘરમાં ભાગ માંગશે. એમ કહેતી ભાભીની શેહમાં આવી ગયેલા ભાઈએ કોઈ જવાબ જ ન આપ્યો...! એમના મૌનમાં જ સુધાને જવાબ મળી ગયો. આંસુભરી આંખે ભાઈને તાકતાં... એણે આ ઘર, આ શહેર સર્વ છોડી એક નાના ગામમાં નાનું એવું ઘર લઈ આશરો લીધો. એ દિવસ ને આજની ઘડી...બહેન-ભાઈ વચ્ચે સંબંધનો કોઈ સેતુ જ ન રહ્યો.
હવે આટલા વર્ષે, આવી રીતે, બેનની યાદ આવતાં જ તે દિવસે બહેનની આંખમાં થંભી ગયેલ અશ્રુ આજે ધીમંતભાઈની આંખે વહેવા લાગ્યાં.
થોડીવારે આખું ઘર જાગ્યું --આજે તો લગ્નની ઘણી તૈયારી કરવાની હતી. બહારગામના મહેમાન પણ આવવા માંડ્યા પણ , ધીમંતભાઈ ક્યાં ? સૌ ઉચક જીવે એમને શોધતા રહ્યાં. ત્યાં તો એમનો ફોન આવ્યો કે લગ્ન પહેલાં પતાવવાનાં એક અગત્યના કામે બહાર જવું પડ્યું છે. સાંજ સુધીમાં આવી જશે.
સાંજે ઘરમાં ધમાલ ચાલી રહી હતી. મહિલાવૃંદ ઉલ્લાસભેર ગાઈ રહ્યું હતું,
ભાંગતો પહોર કંઈક બોલે છે બોલ
ક્યાંક વાગે છે ઢોલ. . .
ઝીણી ઘોડી ને એનો ઝીણો અસવાર
કહે દરવાજો ખોલ. ...
એવામાં ધીમંતભાઈ ઘરમાં પ્રવેશ્યા...એમની પાછળ જ બેગ લઈને ઊભી હતી સુધા. .એને જોઈ એક મિનિટ માટે સૌ સ્તબ્ધ થઈ ગયાં. ત્યાં જ એક ખૂણેથી કોઈએ અધૂરાં સૂર પૂરાં કર્યાં. .
આંગળીએ વળગેલાં સંભાર્યા બાળપણાં,
પોઢેલાં હાલરડાં જાગ્યાં,
દાદાને આંગણામાં કોળેલાં આંબાનું
કૂણેરું તોડ્યું રે પાન.
ધીમંતભાઈ ધીમે પગલે દીકરી પાસે ગયાં અને એને માથે હાથ મૂકી એણે ગઈકાલે પૂછેલા પ્રશ્ન નો જવાબ આપતાં હોય એમ બોલ્યા.
"બેટા તારું જીવન મંગલમય હશે...અને તારી ચેતના અન્ય ઘર સુધી ભલે વિસ્તરે, તારા અહીં રહેલા મૂળિયાં સલામત જ રહેશે. તું ક્યારેય એકલી નહીં પડે. મારી બેનનાં આશીષ મળતાં હવે મને પૂર્ણ વિશ્વાસ છે. "
એમના વણઉચ્ચારાયેલા શબ્દો જાણે કહેતાં હતાં કે .
ગતઃ જનો તમારા પર ત્યારે જ આશીર્વાદ વરસાવે જ્યારે, જીવતા સ્વજનોને તમે સ્નેહ-સાથ આપો. અને પછી તો પ્રેમ ત્યાં પ્રભુ હાજર જ હોય.