પ્રેમ કેમ તૂટ્યો ?...ભાગ 1
પ્રેમ કેમ તૂટ્યો ?...ભાગ 1
કિશન અને રીયા બંને નાનપણથી જોડે ભણતા. બંને નિશાળે એક જ પાટલીએ બેસતા. બંને હજુ અણસમજુ હતા એટલે પ્રેમ કે સંબંધ એવી બાબતે ઓછી સમજણ પણ ઉંમર વધવાની સાથે સમજણ થોડી ઓછી રહેવાની ? એવું જ કિશન સાથે થયું, કિશનને રીયા ગમવા માંડી હતી પણ કિશન રીયાને કંઈજ કહી શકતો નહોતો. બંને સારા મિત્રો હતા, બંને એક જ ગામમાં રહેતા હતા પણ જાતે અલગ હતા. કિશન રીયાને કહેવા માંગતો હતો કે "રીયા તું મને ગમે છે" પણ એ બાળદિમાગના કારણે કહેતા ડરતો હતો. એ સમયે એના ઘરે પપ્પા નવો મોબાઈલ લાવ્યા હતા, એ રમતા રમતા એણે મેસેજમાં લખી દીધું "આઈ લવ યુ રિયા" અને એ ડ્રાફટમાં સચવાઈ ગયું, થોડાક દિવસ પછી એ મેસેજ એની મોટી બહેને જોઈ લીધો અને કિશનને બોલવા માંડી કે "આવા ફિલ્મો જેવા નાટક ઘરમાં નહીં કરવાના."
થોડાક સમય પછી રીયા એની ફેમિલી સાથે શહેરમાં રહેવા-ભણવા જતી રહી અને કિશન ગામમાં જ ભણતો. આમ બંને અલગ અલગ કોલેજ સુધી ભણ્યા. કોલેજમાં ભણતા ત્યારે થોડાક સમય પછી સોશિયલ મીડિયા મારફતે એક દિવસે કિશનને રીયા નામથી ફ્રેન્ડ રીક્વેસ્ટ આવી કિશને તો તરત સ્વીકારી લીધી અને વાત પણ કરવા માંડ્યો. હવેતો બંને જવાન થઈ ગયા હતા, વિચારો પણ ખૂબ ખીલી રહ્યા હતા... એકવાર કિશને કહ્યું "મારે તારો અવાજ સાંભળવો છે રેકોર્ડ કરી મોકલને, તો રીયાએ રેકોર્ડ કરવાના બદલે એનો મોબાઈલ નંબર કિશન સાથે શેર કર્યો. કિશને તરત જ ફોન કર્યો અને એનો અવાજ સાંભળી કહેવા માંડ્યો "અરે રીયા તારો અવાજ પહેલા હતો એવો જ છે, સાચ્ચે આ તુ જ છે ને !?" આમ વાત કરી બંને હસવા માંડ્યા પછી તો વોટ્સ એપ પર વાત કરવા માંડ્યા, એકબીજાની ફીલિંગ્સ શેર કરવા માંડ્યા, પછી કિશને નાનપણથી લઈને કોલેજ કરતો ત્યાં સુધીની બધી જ વાતો કરી દીધી અને પછી રીયાને પણ કહી દીધું કે "હું હજુયે ખબર નહીં પણ તને ગમાડું છું પણ તુ ગામ છોડી શહેરમાં ગઈ એટલે બદલાઈ ગઈ હોઈશ એવું સમજતો પણ એવું નથી થયું તારી જોડે, શું તુ મને ગમાડીશ ? આ સાંભળતા જ રીયા ફોન મૂકી દે છે. કિશન તો ગભરાઈ જાય છે વિચારે છે કે શું મેં કંઈ ખોટું તો નથી કર્યુ ને ? પછી તો કિશન રીયાને વોટ્સ એપ પર સોરી... સોરી... કહેવા માંડે છે, રીયા વાંચે છે પણ જવાબ નથી આપતી. પછી કિશન કહે છે કે "આપણે સારા મિત્ર તો થઈ શકીએ ને ? રીયાનો જવાબ આવે છે "અરે સારા મિત્ર તો છીએ જ ને પણ સાચું કહું તો હું પણ તને ગમાડતી હતી પણ કોઈ કોન્ટેક્ટ નહોતો થતો ઘણા સમય પછી સોશિયલ મીડિયામાં શોધ્યો અને તુ મળી ગયો. હું એટલા માટે મેસેજ નહોતી કરતી કે હું જોવા માંગતી હતી તું કઈ રીતે મને મનાવીશ એની વે આપણે બંને સારા મિત્રો તો રહીશું જ. પછી કિશન તો ખુશ થઈ જાય છે અને રોજ વાતો કરતો રહે છે અને એક દિવસ બંને રૂબરૂ મળવાનો પ્લાન કરે છે. બંને મળે છે ત્યારે કિશન રીયાને આઈ લવ યુ કહે છે પણ રીયા જવાબ નથી આપતી પછી બંને ત્યાંથી નીકળી જાય છે. કિશન જોડે કોઈ વ્હીકલ ન હોવાથી એ રીયાની એક્ટિવા પર જાય છે. રસ્તામાં રીયા કિશનના કાનમાં ધીમેથી સેમ ટુ યુ કહે છે. કિશન મનમાં ને મનમાં ખૂબ જ ખૂશ થઈ જાય છે પણ એ બીજું કંઈ જ બોલતો નથી, ચૂપ-ચાપ મલકાતો એક્ટિવા ચલાવતો રહે છે. પછી તો બંને વારાફરતી મળતા રહે છે એકબીજાની ફીલિંગ્સ શેર કરતા રહે છે અને આમ ને આમ બંનેને એકબીજા સાથે ખૂબ જ પ્રેમ થઈ જાય છે. પછી તો બંનેને મળ્યા વગર રહેવાતું નથી, રોજ કંઈક ના કંઈક બહાનું કાઢીને એકબીજાંને મળતા રહે છે.
આ રીતે ત્રણ વર્ષ સુધી બંનેનો પ્રેમ સંબંધ વધુ ને વધુ ગાઢ થતો રહ્યો અને કિશને એના ઘરે "હું રીયા સાથે લગ્ન કરીશ" એમ કહી પણ દીધું. પણ કોલેજ લાઈફ પતવાના સમયે અચાનક રીયાનો સ્વભાવ બદલાઈ ગયો હોય એવું કિશનને લાગતા કિશન રીયાને ફોન કરે છે પણ રીયા ફોન રીસીવ નથી કરતી છતાં ક્યાંક વ્યસ્ત હશે એમ એમ વિચારીને થોડાક સમય પછી ફોન કરે છે છતાં રીયા રીસીવ નથી કરતી કે નથી મેસેજ પણ કરતી, આવું સતત પંદર દિવસ સુધી ચાલ્યું, ના કોઈ ફોન કે ના કોઈ મેસેજ તો પણ કિશન એ નહોતો માનતો એતો ફોન કરે જ રાખતો, થોડા દિવસ પછી કિશને રીયાની દોસ્ત રાજવીને ફોન કરી પૂછપરછ કરે છે કે "રીયાને કંઈ થયું છે કે શું ? એ મારો ફોન પંદર દિવસથી રીસીવ નથી કરતી કે નથી મારા મેસેજનો જવાબ આપતી, થયું છે શું એને ? તો રાજવી એને જવાબ આપે છે એ સાંભળી કિશનના પગ નીચેથી ધરતી સરકી જતી હોય એમ થાય છે અને હાથમાંથી ફોન પણ સરકી નીચે પડી જાય છે. એનો જવાબ બસ એટલો જ હતો "બકા રીયાએ તો તારી સાથે બ્રેક અપ કરી દીધું છે" પછી તો કિશન સુધબુધ ખોઈ બેસે છે એને વિશ્વાસ નથી આવતો કે રીયાએ એની જોડે આવું કર્યું છે એ પણ કંઈ કારણ જણાવ્યા વગર, બે દિવસ સુધી એ સૂનમૂન, ના શાન કે ભાન ના ઉંઘ કે ના કોઈ વાત, ચૂપ-ચાપ, ગમગીન થઈને ફરતો અને ત્રીજા દિવસે વિચાર્યું કે "કંઈક તો કારણ હશેજ જેના કારણે રીયાએ આમ કર્યું હશે બાકી રીયા તો મને ખૂબ જ પ્રેમ કરે છે, હું એનો વેઈટ કરીશ નહીતો મારા મમ્મી-પપ્પા જોડે રહીશ એમને ખુશ રાખીશ આમ નક્કી કરી મનને મનાવી દે છે. આમને આમ ખુશ રહેવાનો પ્રયાસ કરતો રહે છે અને રીયાનો વેઈટ કરતો રહે છે પણ રીયાનો ક્યાંયથીય કોઈજ પ્રકારનો રિસ્પોન્સ મળતો નથી અને આ રીતે કિશન અને રીયાના પ્રેમ-સંબંધનો અંત આવી જાય છે જેનું કારણ કિશન હજુય શોધી રહ્યો છે અને રીયા એની સાથે કોઈ રીતે વાત કરે એની રાહ જોઈ રહ્યો છે.....!