પ્રેમ હત્યા ભાગ - ૭
પ્રેમ હત્યા ભાગ - ૭
મોડી રાત્રે પાર્ટી પૂરી થઇ. લથડિયાં ખાતા બન્ને જણા ગાડીમાં જઈને બેઠા. વ્યોમેશે ગાડી જુલીના ઘર તરફ હંકારી મૂકી. જુલીએ કહ્યું “વ્યોમેશ, રસ્તામાં મહાત્મા કેનાલ પાસે થોડીવાર બેસવાનું છે તે યાદ છે ને?”
નશીલી આંખોથી જુલી તરફ જોતા વ્યોમેશ બોલ્યો “મહાત્મા કેનાલના એકાંતમાં માત્ર બેસવાનું ?”
આ સાંભળી જુલી ખીલખીલાટ હસી પડી. વ્યોમેશ એના ગાલ પર પડતાં ખંજનો જોઈ રહ્યો. શરાબના જામ કરતાં જુલીના ગાલ પરના ખંજન વ્યોમેશની ઉતેજનામાં વધારો કરી રહ્યા હતાં. જુલીના ભીના ગુલાબી અધરોનું રસપાન કરવા અને ગાલના એ મદમસ્ત ખંજનરૂપી જામમાં ડૂબકી મારી ખોવાઈ જવાના રસપ્રચૂર ખ્યાલોમાં વ્યોમેશ જુલી ઉપર સહેજ ઝૂક્યો.
ત્યાંજ જુલીએ ચીસ પાડી “સામે જુઓ....”
એક ટ્રક પુરપાટ ઝડપે કાર પાસેથી સડસડાટ પસાર થઇ ગઈ. ઉબડખાબડ રસ્તા પર ગાડી આંચકા ખાતી આગળ વધવા લાગી. વ્યોમેશનો સઘળો નશો એક ઝાટકે ઉતરી ગયો હતો. \
જુલી મીઠો છણકો કરતી બોલી “મહાત્મા કેનાલ થોડેક જ દુર છે.”
વ્યોમેશે ટ્રકનો ગુસ્સો રસ્તા પર ઉતારતા કહ્યું “કેનાલ પાસે મહિનાઓથી બનતાં આ રસ્તાનું કામ ક્યારે પુરું થશે?
જુલી બોલી “આજે પથ્થરો નાખ્યા છે.”
વ્યોમેશની ગાડી આંચકા મારી રહી હતી,
જુલી બોલી, “કાલે ડામર નાખી દેશે એટલે રસ્તા કાચ જેવા લીસા થઇ જશે.”
વ્યોમેશ વળી જુલી તરફ શરારતભરી નજરે જોઈ બોલ્યો “કાચ જેવા કે તારા ગુલાબી ગાલ જેવા?”
ત્યાંજ મહાત્મા કેનાલ આવતાં વ્યોમેશે ગાડી એક સુમસામ જગ્યા જોઈ સડકની એકબાજુ ઉભી રાખી. એમાંથી જુલી અને વ્યોમેશ બહાર આવ્યા. વ્યોમેશે સિગારેટ સળગાવી સિગારેટનો એક જોરદાર કશ ખેંચ્યો. હવે એની આંખો કોઈ વ્યવસ્થિત જગ્યાની શોધ કરવા લાગી. આખરે એક સલામત જગ્યા એની નજરે પડતાં તે જુલીને લઇ ત્યાં પહોચ્યો. વ્યોમેશે રૂમાલ પાથર્યો અને બન્ને જણા બેઠા. વ્યોમેશે જુલીના ગાલ ઉપર ટપલી મારી કહ્યું, “ખુશ ?”
જુલી કુત્રિમ રીતે ગુસ્સે થતાં બોલી “હટો. છોડો મને...જયારે જુઓ ત્યારે…”
નશામાં ભાન ભુલેલો વ્યોમેશ જુલીના નખરાથી ઉતેજનાની ચરમસીમાએ પહોચ્યો. જુલી ખોટેખોટું છૂટવાનો પ્રયત્ન કરવા લાગી. એમની આ યૌવનમસ્તી પૂર્ણતા પામે એ પહેલાં “ફટાક”નો એક અવાજ જુલી એ સાંભળ્યો. અને એના આશ્ચર્ય વચ્ચે એણે જોયું કે વ્યોમેશનાં માથામાંથી લોહીની ધાર નીકળી રહી છે. અને રાતના એ અંધકારમાં વ્યોમેશ ભોંય પર ઢળી પડ્યો. વ્યોમેશના ઢળી પડતાં જ જુલીની સમક્ષ સાક્ષાત રણચંડી બનીને ઉભેલી આકાંક્ષા નજરે પડી. આકાંક્ષાના ગ્લોવ્ઝ પહેરેલા હાથમાં લોહીથી ખરડાયેલો એક મોટો પાવડો હતો. જુલી કંઈ સમજે તે પહેલાં જ આકાંક્ષા એ ઉપરાછાપરી પાવડાના ઘા વ્યોમેશના માથા ઉપર મારવાના શુરૂ કર્યા. આ સઘળું જોઈ જુલી થરથર ધુજવા લાગી. પાવડાનો દરેક ઘા મારતી વેળા ક્રોધથી કાંપતી આકાંક્ષા સતત બોલતી હતી. “હું વાંઝણી છું ? હું વાંઝણી છું ?”
વેદનાથી આંક્રદ કરતો અને પીડાથી તરફડતો વ્યોમેશનો દેહ ક્યારનોય શાંત થઇ ગયો હોવા છતાં આકાંક્ષા શાંત થવાનું નામ લેતી નહોતી. વ્યોમેશના શરીરે હવે વેદનાથી તરફડવાનું છોડી દીધું. છતાં આકાંક્ષાએ માથા પર પાવડાના ફટકા મારવાનું છોડ્યું નહોતું. આખરે આકાંક્ષાએ પાવડાને એક બાજુ ફેંકી પાસે પડેલો એક મોટો પથ્થરો ઊંચક્યો. આકાંક્ષાનું આ ભયાનક રૂપ જોઈ જુલીએ ચીસ પાડવા કોશિશ કરી. ડરના માર્યા જુલીના ગળામાંથી અવાજ સરખો નીકળી ના શક્યો. મદદની આશાએ જુલીએ આસપાસ નજર દોડાવી પણ મદદ મળે એવા કોઈ અણસાર એને દેખાયા નહિ, રાતના અંધકારે એનું સામ્રાજ્ય બરાબર ફેલાવી દીધું હતું. રસ્તાઓ ભયાનક સુમસામ દેખાતા હતાં. ચારેકોર ભયંકર શાંતિ ફેલાયેલી હતી. દુર ક્યાંક કુતરાઓ ભસી રહ્યા હતાં.
ત્યાંજ આકાશમાં જોરદાર વીજળી કકડી અને એના પ્રકાશમાં જુલીએ જોયું કે આકાંક્ષાએ ઉંચકેલ મોટા પથ્થરનો ઘા વ્યોમેશના કપાળ પર કર્યો છે. “પચ્ચ..” ના અવાજ સાથે વ્યોમેશની ખોપડી ફાટવા સાથે લોહીના ફુવારા જુલીના ચહેરા પર ઉડીને ચોંટ્યા. જુલીનો ચહેરો લોહીથી ખરડાઈ ગયો. આકાંક્ષાએ ફરી પાવડો ઉચક્યો અને હવે તે જુલી તરફ આગળ વધી. જુલીએ બે હાથ જોડી એણે વિનંતી કરતાં કહ્યું “મને માફ કર બેન, મને જવા દે... હું કોઈને કશું નહિ કહું... મને જવા દે..”
(ક્રમશ:)
