પ્રેમ હત્યા (ભાગ ૫)
પ્રેમ હત્યા (ભાગ ૫)
આકાંક્ષાએ હોઠ ભીંસીને કહ્યું, “આ મારૂ ઘર છે. જેને તુંં અવારનવાર મળવા જાય છે તેને તુંં આ ઘરમાં રાખવાની વાત કરે છે? અને તારી પત્ની એવી મને અવારનવાર મળવા આવવાની વાત કરે છે? નીચ.. તુંં મને સમજી શું બેઠો છે?”
વ્યોમેશે હસતાંહસતાં કહ્યું, “આકાંક્ષા, તુંં મારૂ કશું બગાડી નહિ શકે. તારી પાસે છે જ શું? તારા ભિખારી બાપ પાસે મારી પર કેસ કરવાની ત્રેવડ છે? સા..... મેં તારી સાથે લગ્ન ન કર્યા હોત તો તારા ભિખારી બાપે કોઈ ફટીચર જોડે તને પરણાવી હોત. તને આજ સુધી સંભાળી રાખી એનો પા'ડ માન... “
આકાંક્ષા બોલી “ચોખ્ખેચોખ્ખું કહીં દો ને કે તમારૂ હવે મારાથી મન ધરાઈ ગયું છે.”
કપટી હાસ્ય રેલાવતાં વ્યોમેશે આકાંક્ષા તરફ જોતા કહ્યું, “હજુ તને કેટલું ચોખ્ખેચોખ્ખું કહેવાનું? આટલું તો ચોખ્ખુંચટ તને કહી દીધું. તારે ના સમજવું હોય તો તું જાણે, મારો રસ્તો કરતાં મને આવડે છે.”
આમ બોલી વ્યોમેશ બહાર જવા લાગ્યો. આકાંક્ષા એ એને રોકતા પૂછ્યું, “ક્યાં જાઓ છો?”
વ્યોમેશે મુસ્કુરાતા કહ્યું “મારો પીછો કરીને જાણી લે! તને જેમ્સબોન્ડ બનવાના બહુ અભરખા છે ને!”
આમ બોલી વ્યોમેશ બહાર નીકળી ગયો. આકાંક્ષા પણ એની પાછળ પાછળ ગઈ. વ્યોમેશે ગાડી સીધી ડાયમંડ ક્લબ તરફ લીધી. પાછળ આવતી આકાંક્ષાએ વ્યોમેશને ક્લબમાં પ્રવેશતો જોયો. આકાંક્ષાએ ત્યાંજ ગાડીને ઉભી રાખી વ્યોમેશના પાછા ફરવાની ઇંતેજારી કરવા લાગી. પણ ઘણી વાર સુધી વ્યોમેશ પાછો ન ફરતાં એને અંદર જઈ તપાસ કરવાનું વિચાર્યું. આમ વિચારી તે ક્લબની અંદર ગઈ. અંદર જઈ એને જોયું તો ક્લબમાં શરાબનો દોર ચાલતો હતો. વ્યોમેશ શરાબના નશામાં મસ્તીથી જુલી જોડે ડાન્સ કરી રહ્યો હતો. જુલી પણ નશામાં ઝૂમતી એને ચીપકીને નાચતી હતી. આ જોઈને ઊભીને ઊભી સળગી ગયેલી આકાંક્ષા દોડતી જુલી પાસે ગઈ અને તેને જોરદાર લાફો ચોડી દીધો “બેશરમ... નીચ... લાજ નથી આવતી આમ બીજાના લગ્નજીવનમાં ભંગાણ પાડતા...”
એક જ સેકન્ડમાં જુલીનો બધો નશો ઉતરી ગયો. અત્યંત ગુસ્સાથી જુલીએ બુમ પાડી “વોટ રબીશ?... મને લાફો કેમ માર્યો? અને તું... પેલી સવારવાળી સુરેખા જ ને...”
આકાંક્ષા બોલી “હું આ તારા બોયફ્રેન્ડની પત્ની છું.. પત્ની... સમજી?”
જુલી નફ્ફટપણે બોલી “તો શું થયું? તુંં છે તો હું થવાની છું!”
આકાંક્ષા બોલી “વાહિયાત ઔરત તને જરાય શરમ નથી?”
જુલી બોલી “શરમ તો તને આવવી જોઇએ.. જે કામ તુંં ત્રણ ત્રણ વર્ષથી ન કરી શકી એ કામ મેં બે મહિનામાં કર્યું છે.”
આકાંક્ષા બોલી, “છી...છી... ખબર નહિ કોનું પાપ હશે ?”
ત્યાંજ ગુસ્સાથી કાંપતા વ્યોમેશે આવીને આકાંક્ષાને કચકચાવીને થપ્પડ મારી દીધી. “હું એનો બાપ છું સમજી... હું પોતે જ.. તું બાળક જણી શકતી નથી એટલે બીજા પર ઈર્ષા કરે છે? વાંઝણી...સા...” અનેક લોકોની હાજરીમાં વ્યોમેશે ઉચ્ચારેલા અપમાનજનક શબ્દોને કારણે આકાંક્ષાનું હૃદય ભેદાઈ ગયું. હૃદયના એક આળા ભાગ ઉપર વ્યોમેશના આ શબ્દો શૂળની જેમ ભોંકાયા. હૃદય છેદાઈ ગયું. હોઠ ભીંસી મુઠ્ઠીઓ વાળી જોરથી ચીસ પાડી ઉઠતા વ્યોમેશ તરફ જોઈ બોલી ‘હરામખોર... નીચ... બેશરમ.... હું તમને બન્નેને મારી નાખીશ” આમ બોલી એ ત્યાંજ ભોંય પર બેસી આંસુ સારવા લાગી. એની તરફ ધ્યાન આપ્યા વગર જ વ્યોમેશ બોલ્યો, “ડાર્લિંગ.. આના તરફ ધ્યાન ન આપ..લેટ્સ ડાન્સ...”
જુલી બોલી, ‘આણે મારો બધો નશો ઉતારી દીધો. મારો મૂડ હવે ખરાબ થઇ ગયો છે.”
વ્યોમેશ બોલ્યો “ઈટ્સ ઓકે પાર્ટી પૂરી થતાં જયારે હું તને ઘરે છોડવા આવીશ ત્યારે આપણે રસ્તામાં આવતાં તારા ફેવરિટ સ્પોટ મહાત્મા કેનાલ પાસે બેસીશું ખુશ? ફ્રેશ વાતાવરણમાં તારો મિજાજ પણ ઠીક થઇ જશે.” જુલી એ લાડથી હકારમાં ડોકું ઘુણાવ્યું. આ જોઈ આકાંક્ષા રડતી કકળતી કલબની બહાર નીકળી ગઈ.
(ક્રમશ:)
