પ્રેમ હત્યા (ભાગ ૪)
પ્રેમ હત્યા (ભાગ ૪)
આકાંક્ષાએ ઝબકીને પાછળ વળી જોયું તો એની સામે જ જુલી ટ્રેમાં વરાળ નીકળતી કોફીના બે મગ લઈ આવી હતી.
આકાંક્ષાનો ફ્લાવરપોટવાળો હાથ ક્ષણ પુરતો ધ્રુજ્યો. જુલી બોલી “ઈટ્સ અ ગીફ્ટ ફ્રોમ માય બોયફ્રેન્ડ..... ઈટ્સ નાઈસ....ન?”
આકાંક્ષા મનમાં હસતાંહસતાં ફ્લાવરપોટને પાછો ટેબલ પર મુકતા બોલી “આ જ .. એટલે કે આવો જ ફ્લાવરપોટ મેં મારા પતિને ભેટ આપેલો..” આમ બોલી આકાંક્ષાએ જુલીના કાનની બુટ્ટી તરફ જોઈ કહ્યું “સરસ બુટ્ટી છે... ચાલીસ એક હજારની તો હશે જ નહિ?”
હતાશા સાથે આકાંક્ષા પાછી સોફા પર જઈ બેઠી. જુલી એ એને કોફીનો મગ આપ્યો. આકાંક્ષાને ભરપુર ખાંડ હોવા છતાં એ કોફીના ઘુંટડા કડવા ઝેર સમાન લાગતાં હતાં. કોફી પતાવી તે જુલીના ઘરેથી નીકળી અને સીધી ઘરે આવી પલંગ પર ઓશીકામાં મોઢું છુપાવી હીબકાં ભરી ભરીને રડવા લાગી.
એટલે જ આજે આકાંક્ષા વ્યોમેશ પર બરાબરની વિફરી હતી. રડી રડીને સુઝી ગયેલી આંખોના પોપચાને વિસ્ફારિત કરતી આકાંક્ષા બોલી “વ્યોમેશ બહાના ના કાઢીશ મને તારી બધી જ વાત ખબર છે. તારા આડાસંબંધો વિષે હું બધું જ જાણી ગઈ છું. હું આજે જુલીને રૂબરૂ મળીને જ આવી છું.” રોષે ભરાયેલાં વ્યોમેશે પણ રોકડું પરખાવી દીધું, “આકાંક્ષા, એક રીતે સારું જ થયું કે તેં જુલીને મળી લીધું. કારણકે વહેલામોડા હું જ તારી એની સાથે ઓળખાણ કરાવવાનો હતો.”
આકાંક્ષા “ખબરદાર, તમે એ ચૂડેલને મારી સામે પણ લાવશો તો હું એના બધા વાળ ખેંચી કાઢીશ.”
વ્યોમેશ બોલ્યો, “અને તેં એવું કાંઈ પણ કર્યું તો હું તારા ગાલ સુઝાવી દઈશ... આકાંક્ષા, હું જુલીને ખુબ ચાહું છું. અમે બન્ને એકબીજા વગર રહી શકતા નથી. તેથી મેં ફેંસલો કરી લીધો છે કે હવે હું જુલી સાથે જ લગ્ન કરીશ...”
આકાંક્ષા બોલી, “શું? તમે ભાનમાં તો છો ને?”
વ્યોમેશ “હા, આકાંક્ષા આ મારો અંતિમ ફેંસલો છે અને સાંભળ, લગ્નના ત્રણ ત્રણ વર્ષ થયાં છતાંપણ તુ મને બાળકનું સુખ આપી શકી નથી જયારે જુલી સાથેના મારા માત્ર બે મહિનાના ટૂંકા પરિચયમાં જ તે મને પિતા બનવાનું સુખ આપવા જઈ રહી છે.”
આ સાંભળી આકાંક્ષાએ બન્ને હાથથી કાન દબાવી દીધા “છી..છી.. આ શું બોલી રહ્યા છો?”
વ્યોમેશ, “આકાંક્ષા, સત્ય હમેશાં કડવું જ હોય છે. હવે ફેંસલો તારે કરવાનો છે કે તું જુલી સાથે આ ઘરમાં રહીશ કે પછી મને ડિવોર્સ આપીશ?”
આકાંક્ષા હવે ભાંગી પડી, વ્યોમેશના પગ પર ઢળી પડતાં તે બોલી “વ્યોમેશ મારી એવી તે કેવી ભૂલ થઇ ગઈ કે તું એની મને આટલી આકરી સજા આપે છે? એક સ્ત્રી બધું જ સહન કરી શકે છે પણ પોતાના પતિને કોઈ બીજી સ્ત્રીનો થતો એ જોઈ શકતી નથી. જો જુલી આ ઘરમાં આવશે તો હું આ ઘર છોડી જતી રહીશ. પછી ભલેને મને રસ્તા પર રઝળવાના દિવસો આવે.” વ્યોમેશે પગે પડેલી આકાંક્ષાને ઠોકર મારી દુર ધકેલતા કહ્યું ”‘ઘર છોડીને જવું એ તારો ફેસલો છે, અને રસ્તે રઝળવાની કોઈ જરૂર નથી. જુલી જે ઘરમાં રહે છે તે પણ મારૂ જ ઘર છે. જુલી આ ઘરે આવતાં તું એમાં રહેવા જઈ શકીશ. વચ્ચે વચ્ચે હું તને મળવા આવતો રહીશ...”
આકાંક્ષાએ હોઠ ભીંસીને કહ્યું, “આ મારૂ ઘર છે. જેને તું અવારનવાર મળવા જાય છે તેને તું આ ઘરમાં રાખવાની વાત કરે છે? અને તારી પત્ની એવી મને અવારનવાર મળવા આવવાની વાત કરે છે? નીચ.. તું મને સમજી શું બેઠો છે?”
(ક્રમશ:)
