પ્રેમ હત્યા ભાગ-૩
પ્રેમ હત્યા ભાગ-૩
આકાંક્ષા હવે ફ્લેટ નંબર ૨૦૪માં કઈ રીતે પ્રવેશ મેળવવો અને આ બાબતે વધુ જાણકારી મેળવવાનો વિચાર કરતી હતી. ત્યાં અનાયાસ તેની નજર ગાડીની પાછળની સીટ નીચે પડેલા કાગળના ડૂચા પર ગઈ. તરત આકાંક્ષાએ કાગળના ડૂચાની ગડી ખોલીને જોયું તો તે ડેન્ટલ હોસ્પિટલમાં નાણાં ચૂકવ્યાની રસીદ હતી. રસીદ જોઈ એને યાદ આવ્યું કે થોડા દિવસ અગાઉ જ વ્યોમેશના દાંતની ટ્રીટમેન્ટ કરાવ્યા પછી દવાખાનામાંથી પૈસા ચૂકવ્યાની એને રસીદ આપી હતી જે હવે કોઈ કામની ન હોવાથી એણે પોતે જ ડૂચો વાળી ફેંકી દીધી હતી! એણે ભગવાનનો આભાર માન્યો કે સારું જ થયું કે એ દિવસે મેં રસીદને બારીમાંથી બહાર ના ફેંકી !
હવે આકાંક્ષાને એ રસીદ રૂમ નંબર ૨૦૪માં પ્રવેશવાના એન્ટ્રી પાસ જેવી લાગી ! રસીદ હાથમાં લઈ એ ગાડીમાંથી બહાર આવી. ગાડીને લોક કરી એણે એપાર્ટમેન્ટ તરફ જવા પગ ઉપાડ્યા. લીફ્ટમાં ન બેસતાં એણે બે દાદરા ચઢી જવાનું નક્કી કર્યું. જેમ જેમ બીજો ફ્લોર નજીક આવતો ગયો તેમતેમ આકાંક્ષાના દિલના ધબકારા વધી રહ્યા હતાં. ફ્લેટ નંબર ૨૦૪ પાસે આવી એણે ધ્રુજતા હાથે કોલબેલના બટન ઉપર આંગળી મૂકી. થોડીજવારમાં દરવાજો ખુલ્યો અને સામે મુલાયમ માખણના પીંડ સમી નાજુક નમણી એક યુવતી ઉભી હતી. તેની હરિણી જેવી આંખો આકાંક્ષા સામે ઠેરવતા પૂછ્યું, “કોનું કામ છે તમારે ?”
આકાંક્ષા પોતે દેખાવે ઘણી સુંદર હતી પણ જેમ સુર્યની હાજરીમાં તારાઓની ચમક ઝાંખી પડી જાય છે તેમ આકાંક્ષાને પણ પોતાનું રૂપ એ યુવતીના રૂપ સામે ફિક્કું લાગ્યું. સ્ત્રી સહજ ઈર્ષાથી આકાંક્ષા રૂંવાડે રૂંવાડે બળી ઉઠી. યુવતીના ચહેરા પરથી નજર હટાવીને એણે યુવતી સામે દવાખાનાની રસીદ ધરી.”
યુવતીએ આશ્ચર્યથી રસીદ તરફ જોયું. પછી ઉપર વ્યોમેશનું નામ વાંચી એ બોલી “અરે હા, બોસના દાંતમાં કેટલાય દિવસથી દુ:ખાવો રહેતો હતો. તે કહેતા હતા ખરા કે ટ્રીટમેન્ટ કરાવવી પડશે. કદાચ આ એની જ રસીદ હશે ! તમે દવાખાનામાંથી આવો છો ?”
આકાંક્ષાએ કુત્રિમ હાસ્ય કરતાં કહ્યું, “અરે ના રે ના... હું સામેની દુકાનેથી ચીજવસ્તુઓ ખરીદતી હતી ત્યારે તમારા ફ્લેટમાંથી એક વ્યક્તિને મેં બહાર નીકળી ગાડીમાં બેસતાં જોઈ. એ વ્યક્તિ ગાડીમાં બેસવાજ જતાં હતાં કે અચાનક એમના ગજવામાંથી એક કાગળ સરકીને નીચે પડ્યું. હું બુમ પાડી એમને રોકવા જાઉં એ પહેલાં તો એ સડસડાટ નીકળી ગયા. તમારા ફ્લેટમાંથી જ એમને બહાર નીકળતા જોયાં એટલે વિચાર્યું કે કોઈ અગત્યનો કાગળ હશે તેથી હું અહીંયા આપવા આવી.”
“અરે!..ના...ના... તમે એક મામુલી વાતને આટલું મહત્વ આપી બેઠા” હસતાંહસતાં યુવતીએ રસીદના ટુકડેટુકડા કરી ડસ્ટબીનમાં ફેંકતા કહ્યું, “મામુલી દવાખાનાની રસીદ હતી. કદાચ એમણે જ એ ફેંકી દીધી હશે. પણ જેવી તમે એમને રોકવા બુમ પાડી, તો એ સમજ્યા હશે કે તમે કોઈ સમાજસેવિકા છો ! એમણે આમ રસ્તા પર કચરો ફેંકતા જોઈ હવે સફાઈ અભિયાન વિષે લાંબુલચક પ્રવચન આપશો એમ સમજી તમને સાંભળ્યું ન સાંભળ્યું કરી ગાડી ભગાવી હશે. બાય ધ વે તમે આટલી તકલીફ લીધી એ બદલ આભાર..”
આકાંક્ષાએ પૂછ્યું, “જી એ તમારા......”
યુવતી “કહ્યુંને બોસ છે.... અરે ! તમે બહાર કેમ ઊભા છો ? પ્લીઝ કમ ઇન....!”
આકાંક્ષા અંદર પ્રવેશી યુવતીના રૂમની આંખો વડે તલાશી લેતાં પૂછ્યું “તમારા બોસ રોજ અહીં આવે છે ?”
યુવતીને પ્રશ્ન જરા વિચિત્ર લાગ્યો છતાં ખચકાતાં એણે કહ્યું “હા...ક્યારેક ક્યારેક કામ હોય તો આવે છે. અરે હું પણ કેવી સીલી છું ! તમારૂ નામ તો પૂછ્યું જ નહિ !’
આકાંક્ષા બોલી “જી મારૂ નામ સુરેખા....”
યુવતી બોલી, “અને હું... જુલી.. યુ ડ્રીંક કોફી ? એક મીનીટ બેસો હું ફટાફટ તમારા માટે ગરમાગરમ કોફી બનાવી લાવું.’
આમ બોલી જુલી અંદર રસોડામાં ગઈ. આકાંક્ષાને જુલી પર બરાબરની ખીજ ચઢેલી. અચાનક એની નજર સામે પડેલા ફ્લાવર પોટ પર ગઈ. જુલીની પીઠ પોતાની તરફ છે એ જોતાં એ ધીમેથી ઉભી થઇ ફ્લાવરપોટ પાસે ગઈ. ફ્લાવરપોટને હાથમાં ઉઠાવી એ જોતી જ હતી ત્યાં જુલીનો અવાજ સંભળાયો. “અરે ! બેસોને...”
આકાંક્ષાએ ઝબકીને પાછળ વળી જોયું
(ક્રમશ:)
